Source : BBC NEWS
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
-
11 જાન્યુઆરી 2025, 20:11 IST
અપડેટેડ 12 મિનિટ પહેલા
ભારતમાં તાજેતરમાં સાત-આઠ વર્ષનાં બાળકોમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુના કેટલાક કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે.
અમદાવાદના થલતેજ એરિયામાં ઝેબર સ્કૂલની આઠ વર્ષની વિદ્યાર્થિનીનું શુક્રવારે સવારે કથિત રીતે હૃદયની બીમારીથી મૃત્યુ થયું છે. ચાલુ સપ્તાહમાં જ કર્ણાટકમાં પણ એક બાળકીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું અને હવે અમદાવાદમાં આવી ઘટના બની છે.
બંને ઘટનામાં સામ્ય એ છે કે શાળાની અંદર સાત-આઠ વર્ષનાં બાળકોને બેચેની અનુભવાઈ, અચાનક ચક્કર આવ્યા અને બેહોશ થઈને પડી ગયાં. બંને કિસ્સામાં બાળકીઓને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ, પરંતુ તેમને બચાવી શકાઈ ન હતી.
અમદાવાદની ઘટનામાં ચોક્કસ કારણ આવવાનું બાકી છે, પરંતુ નાનાં બાળકોમાં હૃદયની તકલીફો અંગે વેળાસર જાણકારી મેળવીને સારવાર શરૂ કરવી જોઈએ તેવું તબીબોનું માનવું છે.
બીબીસીએ બાળકોના રોગ અને હૃદયરોગના નિષ્ણાતો સાથે વાત કરીને આ સમસ્યાને સમજવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદ અને કર્ણાટકની ઘટનામાં શું થયું?
અમદાવાદમાં ત્રીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની ગાર્ગી રાણપરા સ્કૂલમાં અચાનક ઢળી પડી હતી અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ થઈ રહી છે.
શાળાનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિંહાએ પીટીઆઈને જણાવ્યું હતું કે “સવારના સમયે ગાર્ગી પોતાના ક્લાસરૂમ તરફ જતી હતી ત્યારે તે એક ખુરશી પર બેઠી અને તરત બેભાન થઈને ઢળી પડી હતી.”
આ અઠવાડિયે કર્ણાટકમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં બૅંગલુરુથી 160 કિમી દૂર ચમરાજનગર શહેરમાં આઠ વર્ષની એક વિદ્યાર્થિનીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તે મૃત્યુ પામી હતી.
અમદાવાદની ઝેબર સ્કૂલની સીસીટીવીમાં જોવા મળે છે કે ગાર્ગી રાણપરા લૉબીમાં ચાલીને પોતાના ક્લાસરૂમ તરફ જતી હોય છે. પરંતુ તેને બેચેની અનુભવાય છે અને તે લોબીમાં એક ખુરશી પર બેસે છે. થોડી વારમાં તે બેભાન થઈને નીચે પડી જાય છે અને શિક્ષકો તથા બીજા વિદ્યાર્થીઓ દોડી આવે છે.
શાળાનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિંહાએ જણાવ્યું કે, “ગાર્ગી શાળાએ આવી ત્યારે એકદમ નૉર્મલ હતી. તે લૉબીમાં બેભાન થઈ ગઈ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અમારા શિક્ષકોએ તેને સીપીઆર આપ્યો અને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી. ગાર્ગીને નજીકની ખાનગી હૉસ્પિટલે લઈ જવાઈ હતી. ત્યાં ડૉક્ટરોએ કહ્યું કે ગાર્ગીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેને વૅન્ટિલેટર પર રાખવામાં આવી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી.”
આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને તેની તપાસ થઈ રહી છે. સેક્ટર-1ના જૉઇન્ટ કમિશનર નીરજ બડગુજરે કહ્યું કે “અમને હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે એક વિદ્યાર્થિની દાખલ થયાં પછી મૃત્યુ પામી છે. અમે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયો છે.”
તો બૅંગલુરુ નજીક ચમરાજનગરમાં પણ તેજસ્વીની નામની ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીનું પણ આવી જ રીતે મોત થયું હતું. તેજસ્વિનીને શાળામાં અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે સંતુલન ગુમાવીને ઢળી પડી હતી. શાળાનો સ્ટાફ તેને હૉસ્પિટલે લઈ ગયો, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. જેએસએસ હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત ઘોષિત કરી હતી.
બાળકોમાં હૃદયની બીમારીનો અંદાજ કેવી રીતે મળે?
બાળકને હૃદયની તકલીફ હોય તો તેનો અંદાજ જેટલો વહેલો મળે અને સારવાર શરૂ કરવામાં આવે તેટલું વધારે સારું રહે છે.
અમદાવાદસ્થિત એસજીવીપી હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ક્રિષ્નાકિશોર ગોયલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “બાળકમાં અચાનક શ્વાસની તકલીફ જોવા મળતી હોય, રમતાં રમતાં થાકી જાય, બીજાં બાળકોની જેમ દોડી ન શકે, તરત હાંફી જાય તો તેમનો ઇકોકાર્ડિયોગ્રામ અને એક્સ-રે કરાવવા જોઈએ. તેના પરથી ખ્યાલ આવી જશે કે હૃદયમાં કાણું છે કે કેમ અથવા તો વાલ્વની કોઈ તકલીફ છે કે કેમ. દોડતી વખતે તેમના હોઠનો રંગ અચાનક બદલાઈ જાય, પગમાં સોજા ચઢે તો તેને પણ ગંભીરતાથી લઈને તપાસ કરાવવી જોઈએ.”
ડૉ. ગોયલ કહે છે કે, “કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય કામ કરતું બંધ થઈ જાય છે. આટલી નાની ઉંમરમાં ધમનીઓમાં કોઈ અવરોધ હોય તેવી શક્યતા બહુ ઓછી હોય છે.”
તેઓ કહે છે કે, “જે પરિવારમાં વારસાગત રીતે હૃદયની બીમારી હોય ત્યારે બાળકની ઇકો કરાવી લેવું જોઈએ જે એક પ્રકારની સોનોગ્રાફી છે. કેટલીક વખત બાળક બે-ત્રણ મહિનાનું હોય અને સ્તનપાન કરતી વખતે તેના હોઠનો રંગ વાદળી થઈ જાય તો તેનો પણ ઇકો કરાવીને તપાસ કરાવી લેવી જોઈએ. ઘણી વખત બાળકના જન્મ સમયે તેના હૃદયના વાલ્વનો પૂરતો વિકાસ થયો ન હોય ત્યારે પણ આવી સમસ્યા થઈ શકે છે.”
- બાળકને વજન વધવામાં તકલીફ હોય
- તેના હોઠ, જીભ અથવા નખનો ભાગ વાદળી રંગનો થઈ જતો હોય,
- સ્તનપાન કરવામાં તકલીફ પડતી હોય
ઝડપથી શ્વાસ લે અથવા આરામ કરતી વખતે પણ હાંફતું હોય તો તેને અવગણો નહીં અને બાળરોગ નિષ્ણાતને દેખાડવું જોઈએ.
કેટલાંક બાળકો જમતી વખતે પણ થાકી જતાં હોય છે અથવા સ્તનપાન કરતી વખતે પરસેવો વળતો હોય છે. આવા કિસ્સામાં પણ ડૉક્ટરને દેખાડવું જરૂરી છે.
ભારતમાં બાળકોમાં હૃદયની બીમારી
ભારત જન્મતાં બાળકોમાં જન્મજાત હૃદયની બીમારી (સીએચડી) પણ એક વ્યાપક સમસ્યા છે. નવી દિલ્હીસ્થિત એઈમ્સના કાર્ડિયોલૉજી વિભાગના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર એક હજારમાંથી નવ બાળકો જન્મજાત હૃદયની બીમારી સાથે જન્મે છે.
દેશમાં દર વર્ષે લગભગ બે લાખથી વધુ બાળકો સીએચડી સાથે જન્મે છે અને તેમાંથી 20 ટકા બાળકોને ગંભીર પ્રકારની ખામી હોય તેવી શક્યતા છે, જેની સારવાર જન્મના પ્રથમ વર્ષમાં જ કરવી જરૂરી છે.
બાળકોમાં સીએચડીની ખામીઓની સારવાર માટે મોટી સંખ્યામાં કાર્ડિયાક સેન્ટરોની જરૂર છે. પરંતુ દેશમાં આવાં સેન્ટરો બહુ ઓછાં છે અને મોટા ભાગે ખાનગી હૉસ્પિટલોમાં તથા શહેરી વિસ્તારોમાં જ છે.
અમદાવાદસ્થિત પીડિયાટ્રિક કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. દિવ્યેશ સદાદીવાલાએ બીબીસીને જણાવ્યું કે, “સામાન્ય રીતે દર 1000 બાળકોએ 8થી 10 બાળકોમાં હૃદયની તકલીફ જોવા મળી શકે છે. તેમાંથી 90 ટકા બાળકોની સમસ્યા સામાન્ય હોય છે, પરંતુ 10 ટકા બાળકોને ગંભીર બીમારી હોઈ શકે છે.”
ડૉ. સદાદીવાલા જણાવે છે કે “બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે, રમતાં રમતાં ઝડપથી થાકી જાય, છાતીમાં દુખાવાની ફરિયાદ કરે, ચક્કર આવે, બેભાન થઈ જાય, બાળકનું વજન ન વધે તેવી ફરિયાદ હોય તો તેના માટે હૃદયની બીમારી જવાબદાર હોઈ શકે છે.”
“આનું નિદાન સામાન્ય રીતે ટુડી ઈકો કાર્ડિયોગ્રામથી કરવામાં આવતું હોય છે, જેને સાદી ભાષામાં હૃદયની સોનોગ્રાફી કહેવાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ દ્વારા હૃદયના ધબકારાની તપાસ કરીને બીમારીનું નિદાન કરવામાં આવતું હોય છે અને ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે.”
SOURCE : BBC NEWS