Home તાજા સમાચાર gujrati અમદાવાદ : ચંડોળાના ઘરવિહોણા પરિવારો ગાદલાં લઈને AMCની કચેરીએ કેમ પહોંચી ગયા?

અમદાવાદ : ચંડોળાના ઘરવિહોણા પરિવારો ગાદલાં લઈને AMCની કચેરીએ કેમ પહોંચી ગયા?

5
0

Source : BBC NEWS

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

“મારે મારાં બાળકોને ભણાવવાં છે, પરંતુ પહેલાં તેમને બે ટંકનું ભોજન તો આપવું પડે ને? ઘર તૂટી ગયું પછી તેઓ શાળા જવાને બદલે કામે જાય છે, કારણ કે મારે મહિને ભાડે લીધેલા મકાનનું ભાડું આપવું પડે છે. હવે તમે જ કહો હું શું કરું?”

35 વર્ષનાં શેખ અલ્પિના આ સવાલ પૂછે છે ત્યારે તેમની પાસે હાલમાં પોતાના પરિવારના સાત સભ્યોની જવાબદારી છે.

તેઓ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં વર્ષોથી રહેતાં હતાં. આંખોમાં આંસુ સાથે તેઓ કહે છે કે, “મારાં માતાપિતા, દાદાદાદી તમામ લોકો ત્યાં જ રહેતાં હતાં, અને ત્યાં જ મર્યાં. મારું મોટું મકાન હતું, તે તોડી પાડ્યાં બાદ અમે બેઘર થઈ ગયાં છીએ.”

આજે તેઓ અમદાવાદના વિશાલા ટોલનાકા પાસે ભાડાના મકાનમાં રહે છે અને દર મહિને ₹7,000 ભાડું ચૂકવે છે. ભાડું, ઘરનો ખર્ચ અને પરિવારનું ભરણપોષણ ચલાવવા માટે અલ્પિના છેલ્લાં દોઢ વર્ષથી લગભગ સતત કામ કરી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે પહેલાં પરિસ્થિતિ આવી નહોતી. સરકારી તંંત્રએ ચંડોળા તળાવની આસપાસની કેટલીક વસાહતો તોડી પાડી અને અલ્પીના જેવા અનેક પરિવાર બેઘર થઈ ગયા હતા.

સરકારનો દાવો હતો કે તળાવની જમીન પર મોટી સંખ્યામાં લોકોએ ગેરકાયદે દબાણ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન હજારો ઘરો તોડી પાડવામાં આવ્યાં.

ઘરો તૂટ્યાં બાદ હજી સુધી તેમને કોઈ વૈકલ્પિક મકાનો કેમ મળ્યાં નથી? આ સવાલ તેમના મનમાં સતત ચાલ્યા કરે છે.

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, shehzadkpathan/instagram

અલ્પિના કહે છે કે તેમની પાસે ભારતીય નાગરિકતા સાબિત કરતા તમામ જરૂરી દસ્તાવેજો છે. તેમણે સરકારની વૈકલ્પિક આવાસ યોજના હેઠળ અરજી પણ કરી હતી. આ અરજી સાથે તેમણે ₹7,500 પણ ભર્યા હતા.

તેમને આશા હતી કે ઘર તૂટ્યા બાદ સરકાર તેમને વૈકલ્પિક ઘર આપશે. પરંતુ હજુ સુધી તેમને ઘર મળ્યું નથી.

તેઓ કહે છે, “મારી પાસે બધા દસ્તાવેજ છે. મેં સરકારની યોજના માટે ફૉર્મ ભર્યું છે અને પૈસા પણ આપ્યા છે. અમને કહેવામાં આવ્યું હતું કે ઘર મળશે. પણ હજુ સુધી અમને કંઈ મળ્યું નથી.”

અલ્પિના માટે પોતાનું જૂનું ઘર હવે માત્ર એક યાદ બની ગયું છે.

તેમના કહેવા પ્રમાણે, ઘર તૂટ્યા બાદ પરિવારને રહેવા માટે યોગ્ય જગ્યા શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી.

“ઘર તૂટ્યા પછી અમારે ક્યાં રહેવું એ જ સમજાતું નહોતું. રહેવા માટે જગ્યા મળી નહીં અને આ બધાની વચ્ચે મારા પિતાનું મૃત્યુ થયું,” તેઓ કહે છે.

હવે અલ્પિના માટે સૌથી મોટો સવાલ છે—બાળકોનું ભવિષ્ય અને ઘરનું ભાડું.

તેઓ કહે છે, “મારે બાળકોને શાળાએ મોકલવાં છે. પરંતુ પહેલાં તેમને ખવડાવવું જરૂરી છે. એટલે મારે સતત કામ કરવું પડે છે. ઘરનો ખર્ચ પણ ચલાવવાનો છે અને ₹7,000 ભાડું પણ આપવાનું છે.”

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, shehzadkpathan/instagram

40 વર્ષનાં શાહજહાનબીબી શેખ પણ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતાં હતાં.

તેમનું કહેવું છે કે તેમણે પોતાનું ઘર બનાવવામાં પૈસા ખર્ચ્યા હતા અને તેના માટે લોન પણ લીધી હતી.

“ઘર નવું બનાવ્યું હતું. દરવાજા પણ હજુ લગાવવાના બાકી હતા. ત્યાં જ બુલડોઝર આવી ગયું અને મારું ઘર તોડી નાખવામાં આવ્યું,” તેઓ કહે છે.

તેમના કહેવા પ્રમાણે, તેમને ઘર તોડવાની કાર્યવાહી પહેલાં પૂરતી જાણ કરવામાં આવી નહોતી.

“કોઈ નોટિસ નહોતી, કોઈ વાતચીત નહોતી. પોલીસ અમને લઈ ગઈ અને અમારી ગેરહાજરીમાં ઘર તોડી નાખવામાં આવ્યું,” શાહજહાનબીબી કહે છે.

પોતાનું ઘર યાદ કરતાં તેઓ ભાવુક થઈ જાય છે.

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Alpina Sheikh

તેઓ કહે છે કે ઘર તૂટ્યા બાદ તેમને એક પછી એક બે વખત ગંભીર હૃદયની તકલીફ થઈ. હાલ તેમના પતિ તેમની સાથે રહેતા નથી અને સાત બાળકોની જવાબદારી તેમના પર છે.

પરિવારનો ખર્ચ ચલાવવા માટે તેમનાં કેટલાંક સગીર બાળકો નજીકની ફર્નિચરની દુકાનમાં કામ કરે છે અને બદલામાં નાની રકમ મેળવે છે. શાહજહાનબીબી કહે છે કે ₹7,000નું માસિક ભાડું ચૂકવવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે.

“અમે આ ઘરમાં વધારે સમય નહીં રહી શકીશું કારણ કે ભાડું ભરવા માટે અમારી પાસે પૈસા જ નથી,” તેઓ કહે છે.

હાલમાં તો તેમણે સરકારની આવાસ યોજના હેઠળ ઘર મેળવવાની આશાએ અરજી કરી હતી.

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Sheikh Shahjahanbibi

“મેં ₹7,500 ઉધાર લીધા હતા. એ પૈસા ભરીને ફૉર્મ ભર્યું હતું કે સરકાર ઘર આપશે,” તેઓ કહે છે. તેમના માટે આ રકમ માત્ર અરજીની ફી નહોતી, પરંતુ ઘર પાછું મળવાની આશા હતી. હવે એ આશા પણ ધીમે-ધીમે ધુંધળી પડી રહી છે.

શાહજહાનબીબી અને અલ્પિનાની માફક અનેક લોકો આજે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે. તેમને મળતો જવાબ છે—”થોડો સમય રાહ જુઓ.”

પરંતુ આ લોકો માટે રાહ જોવી સરળ નથી. કારણ કે, ઘરનું ભાડું દર મહિને ચૂકવવું પડે છે, બાળકોનો ખર્ચ ચલાવવો પડે છે અને રોજગાર માટે પહેલાં કરતાં વધુ દોડધામ કરવી પડે છે.

ચંડોળામાં શું થયું હતું?

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ચંડોળા તળાવની આસપાસની વસાહતોમાં વર્ષોથી વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો રહેતા હતા.

અહીં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતનાં રાજ્યોમાંથી આવેલા શ્રમિક પરિવારો ઉપરાંત દલિત અને દેવીપૂજક પરિવારો પણ મોટી સંખ્યામાં રહેતા હતા. 2025માં ચંડોળા તળાવ નજીકની એક વસાહતને લઈને કાર્યવાહી શરૂ થઈ હતી.

આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે રીતે રહેતા હોવાના આક્ષેપો પણ થયા હતા. પરંતુ ત્યારબાદ કાર્યવાહી માત્ર એક વસાહત પૂરતી મર્યાદિત ન રહી અને ચંડોળા તળાવની આસપાસના મોટા વિસ્તારમાં રહેલાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં.

આ કાર્યવાહીથી સેંકડો પરિવારો ઘરવિહોણા બન્યા. તળાવને વિકસાવવાની અને સુંદર બનાવવાની પ્રક્રિયા છે, તેવો સરકારનો દાવો છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલા પરિવારો રહેતા હતા અને કેટલાં પરિવારોને વૈકલ્પિક આવાસો મળવાનાં છે, તે અંગે કોઈ ચોક્કસ આંકડો હજી સુધી સરકારે બહાર પાડ્યો નથી, પરંતુ કર્મશીલો પ્રમાણે આ વસાહતમાં આશરે 12,000 જેટલા પરિવારો રહેતા હતા.

તેમાંથી લગભગ 2,000 લોકોએ વૈકલ્પિક આવાસ માટે સરકારમાં અરજી કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરાવે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સરકારી આવાસ માટે અરજી કરનારા લોકોમાંથી લગભગ 400 અરજદારો પાસે જરૂરી દસ્તાવેજો નથી.

તેમના જણાવ્યા પ્રમાણે, આશરે 2,000 અરજદારોમાંથી લગભગ 400 લોકો પાસે માન્ય દસ્તાવેજો નથી, પરંતુ જે લોકો પાસે પુરતા દસ્તાવેજો છે તેમને વહેલી તકે આવાસ આપવામાં આવશે.

જોકે, આ આવાસ ક્યારે અને ક્યાં આપવામાં આવશે, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું, કે જગ્યા હજી નક્કી થઈ નથી, પરંતુ વહેલી તકે તેમને વૈકલ્પિક આવાસ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ અંગેનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીમાં થઈ ચૂક્યો છે.

‘પુનર્વસન પહેલાં થવું જોઈતું હતું’

અમદાવાદ, ગોદળા, ગાદલા, વિરોધપ્રદર્શન, ચંડોળા, ઘરવિહોણા, બાંગ્લાદેશી, અમદાવાદ મહાનગરપાલિકા, શહેજાદ પઠાણ, મુસ્લિમો, બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ચંડોળા વિસ્તારમાં ઘરવિહોણા થયેલા લોકો સાથે કામ કરતાં રહેઠામ અધિકાર મંચનાં કન્વીનર બીના જાધવ માને છે કે સરકારની પ્રક્રિયા ઊલટી દિશામાં ચાલી છે.

તેમના કહેવા પ્રમાણે, લોકોનાં ઘરો તોડતાં પહેલાં જ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા થવી જોઈતી હતી. “આવા લોકોને ઘર આપવા માટે સરકાર પાસે અનેક યોજનાઓ છે. પરંતુ સમયસર કામ ન થવાને કારણે લોકો આજે ભાડાના ઘરોમાં રહેવા મજબૂર છે,” બીના જાધવ કહે છે.

તેમના જણાવ્યા પ્રમાણે, તોડફોડને ઘણો સમય વીતી ગયો હોવા છતાં અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી.

“ઘર તોડતાં પહેલાં જ નક્કી થવું જોઈતું હતું કે લોકોને ક્યાં ખસેડવાના છે. લોકોને સીધા વૈકલ્પિક વસાહતમાં ખસેડવા જોઈતા હતા. પહેલાં ઘરો તોડી નાખવામાં આવ્યાં અને હવે મોટા ભાગના લોકોનું શું થશે એ જ સ્પષ્ટ નથી,” તેઓ કહે છે.

તેઓ એ પણ કહે છે કે જેમણે સરકારી આવાસ માટે ફૉર્મ ભર્યું છે તેમની સંખ્યા પણ ચંડોળામાં અગાઉ રહેતા લોકોની કુલ સંખ્યાની સરખામણીમાં ઘણી ઓછી છે.

ચંડોળાના ઘરવિહોણા લોકોના મુદ્દે કૉંગ્રેસે પણ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે વિરોધ કર્યો હતો.

વિરોધ દરમિયાન ચંડોળામાંથી ઘરવિહોણા થયેલા લોકો પથારી અને ગાદલાં લઈને મ્યુનિસિપલ કૉર્પોરેશનની કચેરી પહોંચ્યા હતા.

સ્થાનિક કૉંગ્રેસ નેતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે બીબીસી ગુજરાતીને કહ્યું કે સરકાર તરફથી ઘર આપવાની પ્રક્રિયામાં કોઈ પ્રગતિ દેખાતી નથી.

“આટલો સમય થઈ ગયો છે, છતાં સરકાર તરફથી કામ આગળ વધી રહ્યું નથી. અમે રોજ એવા લોકોને જોઈ રહ્યા છીએ, જેમની પાસે ભાડું ચૂકવવાના પણ પૈસા નથી,” તેઓ કહે છે.

તેમના કહેવા પ્રમાણે, ભાડાં વધી રહ્યાં છે અને ઘરવિહોણા પરિવારો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. તેમણે સરકાર પર ચોક્કસ વર્ગના લોકો સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ પણ કર્યો છે.

“સરકારે આ લોકોને તરત ઘર આપવા જોઈએ. જો તેમ નહીં થાય તો ઘરવિહોણા લોકો સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓમાં રહેવા માટે મજબૂર થશે,” તેમણે ચેતવણી આપી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS