Source : BBC NEWS
EPA
વાંચવાનો સમય: 4 મિનિટ
અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ કહ્યું છે કે શુક્રવારે સમગ્ર અમેરિકામાં ફ્લાઇટ રદ થવા પાછળનું કારણ કૉપર કેબલના અપગ્રેડને કારણે થતી ટેકનિકલ સમસ્યા હતી.
અમેરિકામાં બધી ફ્લાઇટ્સ ચાર કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી, જે દરમિયાન હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને મુસાફરીમાં અંધાધૂંધી સર્જાઈ હતી.
સીન ડફીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું ખામીયુક્ત સાધનોના કારણે ઍર ટ્રાફિક કંટ્રોલર્સે શુક્રવારે ફ્લાઇટ્સ સ્થગિત કરી હતી.
શુક્રવારે સાંજે ગ્રાઉન્ડ સ્ટૉપ ઉઠાવી લેવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે ઍરલાઇન્સે બાકી રહેલી ફ્લાઇટ્સ ક્લિયર કરવામાં સંઘર્ષ કર્યો હોવાથી તેની હવાઈ મુસાફરી પર અસર પડી હતી.
ડફી સહિતના અધિકારીઓએ અગાઉ સમસ્યા માટે જૂનાં સાધનોને જવાબદાર ગણાવ્યાંં હતાં.
બહેરીનમાં અમેરિકી હેલિકૉપ્ટર બેઝ પર ડ્રૉન હુમલો, ઈરાને શું દાવો કર્યો?
Mohsen Shandiz/Corbis via Getty Images
ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં અમેરિકી સૈન્યના મથક પર ડ્રૉન વડે હુમલો કર્યો છે.
ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગ (IRIB) મુજબ, ઈરાની સશસ્ત્રદળોએ બહેરીનના રિફા હેલિકૉપ્ટર બેઝ પર અમેરિકી ઍર ડિફેન્સ મથકના રડારને છ ડ્રૉન વડે નિશાન બનાવ્યું છે.
IRIBના જણાવ્યા અનુસાર, આ હુમલો ફારસની ખાડી અને હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકાની પ્રવૃત્તિઓના જવાબમાં કરવામાં આવ્યો હતો.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ડ્રૉનના સચોટ હુમલાનો અવાજ બહેરીનના અલગ-અલગ વિસ્તારોમાં સંભળાયો હતો.
આ પહેલાં બહેરીનના ગૃહ મંત્રાલયે સંભવિત જોખમને લઈને ચેતવણી જારી કરી હતી.
મંત્રાલયે નાગરિકો અને ત્યાં રહેતા લોકોને શાંતિ જાળવવા તથા નજીકના સલામત સ્થળે પહોંચી જવાની અપીલ કરી હતી.
કેટલાક આરબ મીડિયા સ્રોતોએ પણ બહેરીનમાં અનેક વિસ્ફોટોનો અવાજ સંભળાયો હોવાના અહેવાલ આપ્યા છે.
લલિત મોદીને મળી બ્રિટિશ નાગરિકતા, તેમણે શું કહ્યું?
X/@LalitKModi
લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા મળી ગઈ છે. તેમણે 14 નવેમ્બર, 2026ના રોજ ઑક્સફર્ડ યુનિયનમાં આપેલા પોતાના સંબોધન દરમિયાન આ માહિતી આપી હતી.
લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “મને બ્રિટિશ નાગરિક હોવા પર ગર્વ છે.” તેમણે પોતાની જાતને આઇપીએલના (ઇન્ડિયન પ્રીમિયર લીગ) સ્થાપક પણ ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં યોજાયેલા એક સમારોહ દરમિયાન તેમણે બ્રિટિશ નાગરિકતા મેળવવાની ઉજવણી કરી હતી.
લલિત મોદીએ કહ્યું હતું કે, બ્રિટન ઘણાં વર્ષોથી તેમનું ઘર રહ્યું છે. તેમણે ત્યાંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યે પોતાની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.
વર્ષ 2009માં આઇપીએલના ટીવી અધિકારોના એક કરારમાં કથિત અનિયમિતતાઓને લઈને લલિત મોદી પર સવાલો ઊઠ્યા હતા. 2010માં લલિત મોદી લંડન જતા રહ્યા હતા.
ગાઝામાં પૂરના કારણે 70 હજાર જેટલાં કામચલાઉ ઘરો ડૂબી ગયાં, રાહત કાર્યો માટે ઇઝરાયલને કરવામાં આવી અપીલ
AFP via Getty Images
યુરોપિયન યુનિયને શનિવારે ઇઝરાયલને કહ્યું કે, તેઓ ગાઝામાં તાત્કાલિક સહાય પહોંચાડવા માટે રાહત સંગઠનોને મંજૂરી આપે, તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે અહીંના રહેવાસીઓની મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
યુરોપિયન યુનિયને કહ્યું, ઇઝરાયલને રાહત સંગઠનોને કોઈપણ અવરોધ વિના ગાઝામાં પ્રવેશવા દે અને રાહત સામગ્રી પુરવઠો અને સમારકામ માટે જરૂરી સામાન પહોંચાડવા હાકલ કરી.
તેણે ગાઝા તરફના તમામ સરહદ ક્રૉસિંગ ફરીથી ખોલવાની પણ માંગ કરી છે.
અહેવાલો અનુસાર, વરસાદ અને પૂરના કારણે ગાઝામાં લગભગ 70,000 ટૅન્ટ ડૂબી ગયા છે. આ ટૅન્ટોમાં આશરે 20 લાખ જેટલી વસ્તી વસે છે.
પૂરથી અસરગ્રસ્ત લોકોને પીવા માટે સ્વચ્છ પાણીથી લઈને ખોરાક જેવી બાબતોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
ફેસબુકની પૅરેન્ટ કંપની મેટા પર ઇટાલીમાં ₹8,400 કરોડનો દંડ
Thomas Fuller/SOPA Images/LightRocket via Getty Images
ઇટાલીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકની પૅરેન્ટ કંપની મેટા પર અંદાજે 8,400 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કાર્યવાહી ઍન્ડ્રૉઇડ યુઝર્સની તસવીરો સુધી તેમની સ્પષ્ટ સંમતિ વગર પહોંચ મેળવવા મામલે કરવામાં આવી છે.
ઇટાલીની ડેટા પ્રોટેક્શન ઑથોરિટીના જણાવ્યા અનુસાર, ફેસબુક ઍપના એક ફીચર દ્વારા મેટા યુઝર્સની તસવીરો અને વિડિયો જોઈ શકતી હતી.
નિયામકનું કહેવું છે કે મેટાએ અંદાજે બે કરોડ યુઝર્સને આ બાબત વિશે યોગ્ય રીતે માહિતી આપી નહોતી.
આ ફીચરની મદદથી ફેસબુક યુઝર્સના ફોનની ગૅલેરીમાં રહેલી તસવીરો અને વિડિયોના આધારે પોસ્ટ કરવા માટે સૂચનો આપતી હતી.
ફેસબુકે યુઝર્સ પાસેથી ઍપ મારફતે તેમની સંપૂર્ણ ફોટો ગૅલેરી સુધી પહોંચવાની પરવાનગી માત્ર એક જ વાર માગી હતી.
પરંતુ આ દરમિયાન સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નહોતું કે, આ પરવાનગીના આધારે ફેસબુક તેમની તસવીરોના આધારે પોસ્ટ માટે સૂચનો પણ આપી શકશે.
ઇટાલીના નિયામકે મેટાને 60 દિવસનો સમય આપ્યો છે. કંપનીએ આ ફીચર આપમેળે ચાલુ થતું અટકાવવું પડશે અને યુઝર્સ પાસેથી અલગથી પરવાનગી લેવી પડશે.
નિયામકે જણાવ્યું હતું કે, આ મામલે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. આ સમસ્યા એવા લોકો માટે હજી પણ યથાવત્ છે જેમણે ઍપ અપડેટ કરી નથી અથવા પહેલેથી જ આ ફીચરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




