Home તાજા સમાચાર gujrati અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી જવાને બદલે જામનગર આવવાનું કેમ પસંદ કર્યું?

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી જવાને બદલે જામનગર આવવાનું કેમ પસંદ કર્યું?

5
0

Source : BBC NEWS

માર્કો રૂબિયો

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 19થી 22 ઑક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમણે આ મુલાકાતે આવતા પહેલાં ભારતને અમેરિકાનું ‘મહત્ત્વપૂર્ણ સાથીદાર’ ગણાવ્યું હતું.

છ મહિનામાં રૂબિયોની આ બીજી ભારત મુલાકાત છે અને એ એવા તબક્કે થઈ રહી છે જેમાં બંને દેશો વેપાર કરારને અંતિમ ઓપ આપવાની તૈયારી કરી રહ્યા છે. બંને દેશો ઍનર્જી સેક્ટરમાં પણ સહયોગને વધુ ગાઢ બનાવી રહ્યા છે.

અનેક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે આ મુલાકાત ઍનર્જી સિક્યોરિટી, વેપારની વાટાઘાટો અને રશિયાના તેલ પર કેન્દ્રિત રહેશે.

પરંતુ માર્કો રૂબિયોની આ મુલાકાત દિલ્હીને બદલે મુંબઈમાં અને ગુજરાતના જામનગરમાં કેમ થવાની છે એ અંગે પણ ચર્ચા થઈ રહી છે.

ભારત આવતા પહેલાં રૂબિયોએ શું કહ્યું?

માર્કો રૂબિયો અને જયશંકર

તાજેતરમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ભારતને 100 ટકા ટેરિફમાંથી 60 દિવસની છૂટ આપી છે. ભારતની મુલાકાત પહેલાં રૂબિયોએ આ અંગે પણ નિવેદન આપ્યું છે.

માર્કો રૂબિયોએ લખ્યું હતું કે, “આ છૂટથી અમેરિકા વૈશ્વિક અર્થતંત્ર, ઍનર્જી માર્કેટ્સ અને અમેરિકાના સાથીદારો પર પ્રતિબંધો અને ટેરિફની અસરનું મૂલ્યાંકન કરી શકશે.”

તેમણે લખ્યું હતું કે, “ભારત જેવા દેશો સ્વેચ્છાએ તેમના ઍનર્જી પૉર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવી રહ્યા છે પરંતુ હજુ પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઊર્જા મેળવી રહ્યા છે. તેને ઝડપથી ફેરવવું મુશ્કેલ છે. પરંતુ ભારત જેવા દેશો અમેરિકાના મહત્ત્વપૂર્ણ સાથીદાર પણ છે.”

અહીં ઉલ્લેખનીય છે કે ચીન પછી ભારતે એ રશિયાના ક્રૂડ ઑઇલનું સૌથી મોટું આયાતકાર છે.

વેપાર કરાર અંગે વાત કેટલી આગળ વધશે તેના પર સૌની નજર છે.

દિલ્હીને બદલે જામનગર,મુંબઈની પસંદગી

જામનગરની એક તસવીર

માર્કો રૂબિયો ભારત મુલાકાતમાં દિલ્હીને બદલે મુંબઈ અને જામનગરમાં જવાના છે.

ભારતની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત પછી તેઓ જામનગર જવાના છે અને તેઓ રિલાયન્સની રિફાઈનરીની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે અંબાણી પરિવાર તરફથી તેમના સ્વાગતમાં એક મોટું આયોજન થશે.

જામનગરની રિફાઇનરી રશિયાના યુરાલ ક્રૂડ ઑઇલને રિફાઇન કરનારી દુનિયાની ત્રણ ટોચની કંપનીઓમાં સામેલ છે.

રૂબિયો દિલ્હી કેમ નથી આવવાના એ અંગે પણ તાજેતરમાં વિવાદ થયો હતો.

રૂબિયોની મુલાકાત પર સવાલો

ઘણા લોકો માર્કો રૂબિયોના દિલ્હી ન આવવા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગત શુક્રવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની મુંબઈ ભારતીય સરકારી અધિકારીઓ સાથેની પ્રસ્તાવિત બેઠક અંગે સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે દાવો કર્યો હતો કે વિદેશ મંત્રાલયના અધિકારીઓ આ બાબતે ‘મૂંઝવણમાં’ હતા.

તેમણે એમ પણ કહ્યું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે સ્પષ્ટતા આપવા માંગતા હોય, તો તેઓ તેમ કરી શકે છે.

આ વિવાદ એટલા માટે થયો હતો કારણ કે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એવું નિવેદન આપ્યું હતું કે, “રૂબિયો મુંબઈમાં ભારતના સરકારી અધિકારીઓને મળશે અને અમને આશા છે કે મંત્રી ડૉ. એસ. જયશંકર પણ ત્યાં હાજર રહેશે”.

ઍક્સ પર પોસ્ટ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, “રુબિયોએ તેમના કર્મચારીને મુંબઈ બોલાવ્યા છે. મોદીજી, વિદેશ મંત્રાલયમાં શું થઈ રહ્યું છે તે અંગે તમારા અધિકારીઓ પણ મૂંઝવણમાં છે.”

વિદેશ મંત્રાલયે તેમના દિલ્હી ન આવવા અંગે પ્રતિક્રિયા પણ આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે છેલ્લા દાયકાથી ભારતનાં વિવિધ શહેરોમાં વિદેશી મહેમાનોનું સ્વાગત કરવાની પરંપરા રહી છે.

તેમણે કહ્યું હતું કે નવી દિલ્હીની બહાર અગાઉ થયેલી બેઠકોનો ઉલ્લેખ કરતાં વડોદરા, અમદાવાદ અને વારાણસીની બેઠકોની યાદ અપાવી હતી.

રુબિયો અને જયશંકર સાથે મુલાકાતની સર્જિયો ગોરની જાહેરાતથી પ્રોટોકોલ પર પણ પ્રશ્નો ઊભા થયા છે. પરંપરાગત રીતે, આવી દ્વિપક્ષીય બેઠકોની જાહેરાત પહેલાં યજમાન દેશ દ્વારા જ કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS