Home તાજા સમાચાર gujrati અમેરિકામાં હિંદુ પૂજાસ્થળ પર ‘હુમલાનો પ્રયાસ’, બંદૂક લઈને આવેલો યુવાન ઘરે કેમ...

અમેરિકામાં હિંદુ પૂજાસ્થળ પર ‘હુમલાનો પ્રયાસ’, બંદૂક લઈને આવેલો યુવાન ઘરે કેમ જતો રહ્યો?

7
0

Source : BBC NEWS

ઇલિનોઇસ રાજ્યમાં આવેલા એક હિંદુ પૂજાસ્થળ પર કથિત રીતે સામૂહિક ગોળીબાર કરવાની યોજના બનાવવાના આરોપમાં એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરાઈ છે

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં આવેલા એક હિંદુ પૂજાસ્થળ પર કથિત રીતે સામૂહિક ગોળીબાર કરવાની યોજના બનાવવાના આરોપમાં એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરાઈ છે.

આ મામલે ગુરુવારે શિકાગોમાં આવેલા ભારતીય કન્સ્યુલેટ જનરલે પણ એક નિવેદન જાહેર કર્યું હતું.

ભારતીય કન્સ્યુલેટ જનરલે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું, “ઇલિનોઇસના ઔરોરામાં આવેલા એક ધાર્મિક સ્થળને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસ અંગેના અહેવાલોની અમને જાણ છે.”

“સમયસર કાર્યવાહી કરવા બદલ અમે કાયદા અમલવારી એજન્સીઓની પ્રશંસા કરીએ છીએ. અમે ભારતીય સમુદાયના લોકોના સંપર્કમાં છીએ અને સમગ્ર મામલા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.”

તો બીબીસીના અમેરિકન ભાગીદાર સીબીએસ ન્યૂઝના અહેવાલ અનુસાર, માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક વ્યક્તિ પાસેથી શંકાસ્પદ સંદેશા મળ્યા બાદ સંભવિત માસ શૂટિંગની જાણ થઈ હતી.

ત્યાર બાદ આરોપીની તેના ઘરની બહારથી ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ગુરુવારે શિકાગો નજીક આવેલા એક હિંદુ મંદિરમાં ગોળીબાર કરવાનો પ્રયાસ થયાની ઘટનાને “ખૂબ જ ચિંતાજનક” ગણાવી હતી અને કહ્યું હતું કે સભ્ય સમાજમાં વંશવાદી હિંસા માટે કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે શિકાગો મહાનગર વિસ્તાર અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સૌથી મોટી વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે.

‘હુમલાનો પ્રયાસ’ નિષ્ફળ કેવી રીતે થયો?

ઇલિનોઇસના પેલેટાઇનનો 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ બુધવારે કોર્ટમાં હાજર થયો હતો. તેના વિરુદ્ધ આતંકવાદી ધમકી આપવાનો અને ગેરકાયદે હથિયાર રાખવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસકરોના જણાવ્યા અનુસાર, યુવકે ઇલિનોઇસના ઔરોરા શહેરમાં આવેલા હિંદુ પૂજાસ્થળને સંભવિત નિશાન બનાવીને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તેની બંદૂક જામ થઈ જતાં તે ગોળીબાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેને પરત પોતાના ઘરે જવું પડ્યું હતું. તેના કારણે સંભવિત મોટા પાયે જાનહાનિ ટળી ગઈ હતી.

ઘરે પરત ફર્યા બાદ તેણે બંદૂકને કેવી રીતે ચાલુ કરવી તે જાણવા માટે ઇન્ટરનેટ પર શોધખોળ કરી હતી અને એક સહકર્મચારીને ફોન કરીને સામૂહિક ગોળીબાર કરવાની પોતાની ઇચ્છા વિશે જાણ કરી હતી.

માનવામાં આવે છે કે આ સમગ્ર યોજના તેણે એકલાએ બનાવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને એક લખાણ પણ મળ્યું છે, જેમાં શ્વેત સર્વોચ્ચતાવાદી વિચારધારાનો ઉલ્લેખ હતો તેમજ ભારતીય મૂળના લોકો સામે હિંસા સંબંધિત વાતો પણ લખાયેલી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાપોરાકિસે રવિવારે હુમલાની યોજના અંગેનો સંદેશ પોતાના એક સહકર્મચારીને મોકલ્યો હતો. ત્યાર બાદ તે સહકર્મચારીએ સત્તાધિકારીઓને જાણ કરી હતી.

પોલીસે જણાવ્યું કે તેમને કેટલીક એવી લખાણ સામગ્રી પણ મળી છે, જેમાં પાપોરાકિસે પોતાને શ્વેત સર્વોચ્ચતાવાદી તરીકે ઓળખાવ્યો હતો અને ગોરા સિવાયના લોકો પ્રત્યે પોતાનો દ્વેષ વ્યક્ત કર્યો હતો.

પોલીસનું શું કહેવું છે?

યુવકે ઇલિનોઇસના ઔરોરા શહેરમાં આવેલા હિંદુ પૂજાસ્થળને સંભવિત નિશાન બનાવીને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો

15 ઑક્ટોબરે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં પેલેટાઇન પોલીસ વિભાગના વડા વિલિયમ નોર્ડે જણાવ્યું કે પાપોરાકિસ એકલવાયે આ હુમલાની યોજના બનાવી રહ્યો હતો.

તેમણે કહ્યું, “તેના મૅનિફેસ્ટોમાં કેટલાક એવા સંકેતો મળ્યા છે કે તે લાંબા સમયથી આ હુમલાનું આયોજન કરી રહ્યો હતો. 11 ઑક્ટોબરની તારીખ તેના માટે શા માટે મહત્ત્વની હતી તે અંગે અમે હજુ તપાસ કરી રહ્યા છીએ.”

તેમણે વધુમાં કહ્યું, “અમારી તપાસ અને ઉપલબ્ધ માહિતી અનુસાર તે ખાસ કરીને એક મોટા હિંદુ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”

પોલીસ વડાએ જણાવ્યું કે અધિકારીઓએ તેના ઘરની તલાશી લીધી હતી, જ્યાંથી એક રાઇફલ, ભરેલી મૅગેઝિન, સેંકડો કારતૂસ અને બૉડી આર્મર મળી આવ્યાં હતાં.

તેમણે કહ્યું કે ત્યાંથી આઠ પાનાંનો એક દસ્તાવેજ પણ મળ્યો હતો, જેમાં કટ્ટરપંથી વિચારધારા અને હુમલાની યોજનાઓનો ઉલ્લેખ હતો.

સીબીએસના જણાવ્યા અનુસાર, આ લખાણોમાં તેણે પોતાને “સમાજવિરોધી શ્વેત સર્વોચ્ચતાવાદી નિયો-નાઝી” તરીકે વર્ણવ્યો હતો.

સ્થાનિક મીડિયાએ જે હિંદુ મંદિરને હુમલાનું સંભવિત નિશાન ગણાવ્યું છે, તે મંદિરના સંચાલકોએ જણાવ્યું કે હવે વધારાના સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે.

અમેરિકાના નેતાઓની પ્રતિક્રિયા

ઇલિનોઇસના ભારતીય મૂળના કૉંગ્રેસ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે જ્યારે 19 વર્ષીય યુવકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓ તેમના પરિવાર સાથે મંદિરમાં હાજર હતા.

રાજા કૃષ્ણમૂર્તિએ એક નિવેદનમાં કહ્યું, “મારા પરિવાર જે ઔરોરાના હિંદુ મંદિરમાં પૂજા કરે છે, ત્યાં ભારતીય મૂળના અમેરિકનોને નિશાન બનાવીને એક શ્વેત સર્વોચ્ચતાવાદીએ સામૂહિક ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો તે વાતથી હું સ્તબ્ધ છું. ગયા રવિવારે હુમલાનો પ્રયાસ થયો ત્યારે હું અને મારો પરિવાર ત્યાં હાજર હતા.”

તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે ભારતીય વિરોધી દ્વેષ અને શ્વેત સર્વોચ્ચતાવાદ કેટલા ખતરનાક બની ગયા છે.

તેમણે કહ્યું, “નિર્દોષ લોકો માર્યા જાય તેની રાહ જોઈને આપણે આવાં જોખમોને ગંભીરતાથી લઈ શકતા નથી.”

કૉંગ્રેસમેન બ્રૅડ શૅરમને ભારતીય વિરોધી પૂર્વગ્રહ સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે ઍક્સ પર લખ્યું, “દેશભરમાં વધી રહેલો ભારતીય અને હિંદુ વિરોધી દ્વેષથી હું રોષે ભરાયો છું. મારા મિત્ર અને સહકર્મી રાજા કૃષ્ણમૂર્તિ સહિત ઘણા લોકો તેની અસર ભોગવી રહ્યા છે. લોકો પ્રાર્થના કરી રહ્યા હોય ત્યારે તેમના પરિવારજનોની હત્યા કરવાનો પ્રયાસ દુષ્ટતાનું સૌથી ભયંકર સ્વરૂપ છે.”

તેમણે ઉમેર્યું, “જ્યાં પણ ભારતીય અને હિંદુ વિરોધી પૂર્વગ્રહ જોવા મળે, ત્યાં તેનો સામનો કરવો જોઈએ અને લઘુમતી સમુદાયોનાં પૂજાસ્થળોની સુરક્ષા વધુ મજબૂત બનાવવી જોઈએ.”

ન્યૂ યૉર્કના સૅનેટર અને સૅનેટ ડેમૉક્રેટિક નેતા ચક શૂમરે જણાવ્યું કે ઔરોરાના હિંદુ મંદિરમાં એક શ્વેત સર્વોચ્ચતાવાદી દ્વારા સામૂહિક હિંસાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતીથી ખૂબ ચિંતિત છે.

અમેરિકી પ્રતિનિધિ ઍમી બેરાએ જણાવ્યું કે રાજા કૃષ્ણમૂર્તિ અને તેમનો પરિવાર પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમની સામે આ પ્રકારનો હુમલાનો પ્રયાસ થયો તે જાણીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

તેમણે કહ્યું, “આ ઘટના હિંદુ સમુદાયો અને ધાર્મિક અથવા જાતીય દ્વેષનો ભોગ બનતા અન્ય સમુદાયો સામે રહેલા ખતરા અંગે ચેતવણી આપે છે. દરેક અમેરિકનને શાંતિથી પૂજા કરવાનો અધિકાર છે. કૉંગ્રેસે દ્વેષ પ્રેરિત હિંસા રોકવા અને સમુદાયોની સુરક્ષા માટે વધુ પગલાં લેવા જોઈએ.”

વૉશિંગ્ટન રાજ્યના પ્રથમ કૉંગ્રેસનલ જિલ્લામાંથી ચૂંટાયેલા કૉંગ્રેસના સભ્ય સુઝન ડેલબેને રાજા કૃષ્ણમૂર્તિ, તેમના પરિવાર તેમજ સમગ્ર દેશના ભારતીય અને હિંદુ સમુદાયોને સમર્થન આપ્યું.

તેમણે કહ્યું, “કોઈ પણ વ્યક્તિએ પોતાની પૂજા પદ્ધતિને કારણે હિંસાના ભયમાં જીવવું ન જોઈએ. આ ખતરાને અટકાવવા બદલ કાયદા અમલવારી એજન્સીઓનો હું આભાર માનું છું. દેશ તરીકે આપણે દરેક પ્રકારની હિંસા અને દ્વેષની કડક નિંદા કરવી જોઈએ.”

સૅનેટ જ્યુડિશિયરી કમિટીના ડેમૉક્રેટિક નેતા ડિક ડર્બિને કહ્યું, “આ ઘટના યાદ અપાવે છે કે પૂર્વગ્રહ અને કટ્ટરતાવાદ સામે આપણે સતત સતર્ક રહેવું જરૂરી છે.”

શિકાગોમાં ઇઝરાઇલના કોન્સુલ જનરલ એલાડ સ્ટ્રોહમાયરે ઔરોરાના હિંદુ મંદિરને નિશાન બનાવતા આ કાવતરાની નિંદા કરી હતી.

તેમણે કહ્યું, “ઇલિનોઇસના હિંદુ સમુદાયને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તમારી સુરક્ષા અને પૂજાની આઝાદી અમારે માટે મહત્ત્વપૂર્ણ છે. કોઈએ પણ પોતાના પૂજાસ્થળે જીવનનો ભય અનુભવવો જોઈએ નહીં. આ હુમલો નિષ્ફળ બનાવનાર કાયદા અમલવારી એજન્સીઓનો આભાર. એક સમુદાય સામેનો દ્વેષ આખા સમાજ માટે જોખમ છે અને તેની સામે આપણે સૌએ એક સાથે ઊભા રહેવું જોઈએ.”

સાઉથ એશિયન્સ ફૉર અમેરિકાએ શું કહ્યું?

સાઉથ એશિયન્સ ફૉર અમેરિકા (એસએએફએ) સંસ્થાએ પણ આ કથિત હુમલાની યોજનાની નિંદા હતી.

સંસ્થાએ જણાવ્યું કે આ ખતરો નવરાત્રી ઉજવણી દરમિયાન સામે આવ્યો હતો અને ઓહાયોના રિચમન્ડ હાઇટ્સમાં આવેલા શ્રી સ્વામિનારાયણ વડતાલધામ હિંદુ મંદિરમાં થયેલા તોડફોડના બનાવના માત્ર બે અઠવાડિયાં બાદ આ ઘટના બની હતી.

સંસ્થાએ જણાવ્યું, “આ ઘટનાઓ દક્ષિણ એશિયાઈ અમેરિકનો અને તેમનાં પૂજાસ્થળો સામે વર્ષોથી થતા દ્વેષના લાંબા ઇતિહાસનો ભાગ છે. તેમાં 2012માં વિસ્કોન્સિનના ઓક ક્રિકસ્થિત શીખ ગુરુદ્વારામાં થયેલા નરસંહારનો પણ સમાવેશ થાય છે.”

એસએએફએએ અમેરિકાના ન્યાય વિભાગ અને એફબીઆઈને આ કેસમાં ફેડરલ હેટ ક્રાઇમ અને આંતરિક આતંકવાદના આરોપોની તપાસ કરવાની અપીલ કરી છે.

સાઉથ એશિયન્સ ફૉર અમેરિકાની રાષ્ટ્રીય સહ-નિદેશક નેહા દેવને કહ્યું, “કોઈ પણ પરિવારને પ્રાર્થના કરતી વખતે પોતાના જીવનનો ભય ન હોવો જોઈએ.”

સંસ્થાની અન્ય સહ-નિદેશક હરિની કૃષ્ણને કહ્યું, “શ્વેત સર્વોચ્ચતાવાદી હિંસા અમારા સમુદાયોને એ કારણે નિશાન બનાવે છે કે અમે કોણ છીએ અને કેવી રીતે પૂજા કરીએ છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS