Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Mohar Singh Meena
“મજૂરી માગી તો મને બંધક બનાવી લીધો. નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ અંગો પર ઈજા પહોંચાડી, મારા પગના નખ ખેંચવામાં આવ્યા, દુ:ખાવાથી ચીસ પાડી તો વીજળીના ઝાટકા અપાયા. એક વાર તો લાગેલું કે હું જીવતો નહીં બચું… હવે મારી ઉપર રાજીનામું આપવા દબાણ કરાઈ રહ્યું છે.”
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાથી છત્તીસગઢના કોરબા ખાતે મજૂરી કરવા ગયેલા બે યુવકો પૈકી એક અભિષેકના આ શબ્દો છે.
તેમની સાથે આ ઘટના આ મહિને જ 14 એપ્રિલના રોજ ડૉ. ભીમરાવ આંબેડકર જયંતીની રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારના ત્રણ વાગ્યા સુધી બની હતી.
પીડિતોનું કહેવું છે કે બંધક બનાવીને તેમની પાસેથી 43 હજાર રૂ.ની વસૂલી કરાઈ અને તક મળતાં જ તેઓ કોઈ પ્રકારે નીકળીને ભીલવાડા ખાતે પોતાના ઘરે પહોંચ્યા.
જોકે, કોરબા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી અને તેમની પૂછપરછ કરી છે. પીડિત યુવક અભિષેક અને વિનોદે કોર્ટમાં નિવેદન પણ આપ્યું.
પરંતુ પીડિતોનું કહેવું છે કે હવે તેમના પર કેસ પાછો ખેંચવાનું અને રાજીનામા પર સંમત થવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.
પીડિત યુવક અભિષેકના પિતા મુકેશ મેઘવંશીએ બીબીસીને ફોન પર જણાવ્યું, “ઘટના બાદથી જ અમે ગભરાયેલા છીએ. હું ટ્રકડ્રાઇવરની નોકરી કરું છું. પરંતુ ઘટના બન્યા બાદ ઘરે જ છું.”
તેમણે આરોપ લગાવ્યો કે, “એ લોકો પૈસા આપીને રાજીનામું આપવાનું દબાણ કરી રહ્યા છે. તેમણે મારા મોટા ભાઈને રાજીનામા માટે કહ્યું હતું. પરંતુ અમે ન્યાય ઇચ્છીએ છીએ.”
તેઓ કહે છે કે, “14 એપ્રિલના રોજ મોડી રાત્રે મારા પર અભિષેકનો ફોન આવ્યો અને કહ્યું કે પૈસા નાખી દો નહીં તો આ લોકો અમને મારશે. મેં ઉધાર લઈને સવારે 23 હજાર રૂપિયા જમા કરાવ્યા, ત્યારે તેમણે બાળકને જવા દીધો.”
રોજગારની આશામાં ગયા છત્તીસગઢ

ઇમેજ સ્રોત, Getty Images
ભીલવાડા જિલ્લાના ગુલાબપુરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા ભીલોના મહોલ્લાના લગભગ અડધા લોકો આઇસ્ક્રીમ વેચવાનું કામ કરે છે.
18 વર્ષના બે દલિત યુવક અભિષેક અને વિનોદ પણ આ જ કામ કરવા માટે ગામના યુકો સાથે 12 ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢ જતા રહ્યા હતા.
વિનોદ કાલિયાવાસ ગામના છે, પરંતુ ભીલોના મહોલ્લામાં પોતાનાં ફોઈના ઘરે રહે છે.
છત્તીસગઢમાં આઇસ્ક્રીમ વેચવાનું કામ કરતા ગામના અન્ય યુવાનો મારફતે તેઓ છોટુ ગુર્જર અને મુકેશ શર્માના સંપર્કમાં આવ્યા.
પાડોશી ગામના છોટુ ગુર્જર અને ચિતોડગઢ નિવાસી મુકેશ શર્માએ તેમને વિશ્વાસ અપાવ્યો કે આઇસ્ક્રીમ કાર્ટ પર મજૂરી માટે તેમને દર મહિને દસ હજાર રૂપિયા મળશે અને રહેવાની-ખાવાની સુવિધા કૉન્ટ્રેક્ટર તરફથી અપાશે.
રોજગારીની આશામાં તેઓ મજૂરી માટે જતા રહ્યા.
અભિષેકે ટેલિફોનિક વાતચીતમાં બીબીસીને જણાવ્યું કે અમુક દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પરંતુ એ બાદ કૉન્ટ્રેક્ટરનો વ્યવહાર બદલાઈ ગયો અને ભોજન પણ વાસી મળવા લાગ્યું.
તેઓ કહે છે કે, “14 એપ્રિલના રોજ જ્યારે અમે અમારી મજૂરી માગી તો અમને રાત્રે 11 વાગ્યે કોરબામાં આઇસ્ક્રીમ ગોડાઉન પર લઈ જવાયા. ત્યાં અમારી સાથે ગાળાગાળી કરીને ટૉર્ચર કરાયા. લગભગ ચાર કલાક સુધી નિર્દયતાની તમામ હદો વટાવી દીધી.”
તેમણે કહ્યું, “બીજા દિવસે સવારે ફરીથી નિર્દયતાપૂર્વક માર માર્યો અને હત્યાની ધમકી આપી. અમને કહેવાયું કે એક રૂપિયોય નહીં મળે અને તમારે અહીં જ કામ કરવું પડશે. તેમણે ઘટનાનો વીડિયો ઉતારીને અમારા પરિવારજનોને મોકલ્યો.”
અભિષેકે જણાવ્યું, “તેમણે 15 એપ્રિલના રોજ મારા ઘરવાળા પાસેથી 23 હજાર રૂપિયા અને વિનોદના ખાતામાંથી 20 હજાર રૂપિયા કઢાવ્યા, આ બધા પૈસા અમારા ગામની પાસેના જ છોટુ ગુર્જરે લીધા.”
એ બાદ તક મળતાં જ તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા અને જેમ-તેમ કરીને ઘરે પહોંચ્યા.
તેમનું કહેવું છે કે ઘર પહોંચ્યા એ બાદ પણ આરોપીઓ સાથે સંકળાયેલા કેટલાક લોકો આવ્યા અને ચપ્પુ બતાવીને હત્યાની ધમકી આપી.
રાજસ્થાન અને છત્તીસગઢ પોલીસે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Mohar Singh Meena
પીડિત અભિષેક અને વિનોદ 17 તારીખના રોજ ભીલવાડા પહોંચ્યા. અહીં તેમણે પોતાના પરિવાર સાથે ગુલાબપુરા પોલીસ સ્ટેશન પહોંચીને એફઆઇઆર નોંધાવી છે.
પોલીસે પીડિતોની ફરિયાદને આધારે ભીલવાડા અને ચિતોડગઢના છોટુ અને મુકેશ વિરુદ્ધ ઝીરો એફઆઇઆર દાખલ કરી.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા 127(2), 115(2), 308(2) અને એસસી એસટી ઍક્ટની કલમ 3(2)(વીએ) લગાવી છે.
ભીલવાડાના ગુલાબપુરા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ હનુમાનસિંહે બીબીસીને ફોન મારફતે જણાવ્યું કે, ઝીરો એફઆઇઆર દાખલ કરીને છત્તીસગઢના કોરબામાં રામપુર પોલીસ સ્ટેશન મોકલી દેવાઈ છે.
છત્તીસગઢના કોરબા જિલ્લાની રામપુર પોલીસે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે.
કોરબા જિલ્લાના એસપીએ મીડિયાને જણાવ્યું કે, સિવિલ લાઇન રામપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ઘટનાસ્થળે મારઝૂડ થઈ હતી, જે બાદ પીડિત રાજસ્થાન જતા રહ્યા હતા અને ત્યાં ગુલાબપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ દાખલ કરાવી હતી.
તેમણે જણાવ્યું કે રામપુરા પોલીસે તપાસ કરીને વીડિયોમાં દેખાઈ રહેલા આરોપીઓને ચિહ્નિત કર્યા, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ રહી છે.
તેમણે કહ્યું, “હાલમાં અમે પાંચ આરોપીઓને ઝડપ્યા છે, જે પૈકી એક સગીર છે.”
મારઝૂડ અને ટૉર્ચર

ઇમેજ સ્રોત, Mohar singh Meena
તપાસમાં સહયોગ માટે અભિષેક અને વિનોદ પણ પાછા છત્તીસગઢ પહોંચી ગયા છે.
તેઓ ત્યાં એક હોટલમાં રહીને તપાસમાં સહયોગ કરી રહ્યા છે. ફોન પર વાતચીતમાં અભિષેક અને વિનોદની એ ઘટનાને યાદ કરીને કંપારી છૂટી જાય છે.
અભિષેક જણાવે છે કે, “રાત્રે 11 વાગ્યે અમને ગોડાઉન પર લઈ ગયા બાદ ગાળાગાળી કરીને અમને નિર્વસ્ત્ર કરી દેવાયા. એ બાદ પ્લાસ્ટિકની પાઇપથી અમને નિર્દયતાથી માર્યા.”
“તેમણે અમારા પગના નખ પણ ખેંચ્યા. અમારાં પ્રાઇવેટ અંગોને પણ ઈજા પહોંચાડી, અમે દર્દથી બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ અમારી મદદ માટે આગળ ન આવ્યું. એક સમયે તો લાગી રહ્યું હતું કે હવે નહીં બચીએ.”
“અમે તેમને વિનંતી કરી રહ્યા હતા, પરંતુ એમને દયા ન આવી. અમે દર્દથી બૂમો પાડી રહ્યા હતા તો તેમણે અમને વીજળીના ઝાટકા આપ્યા. ઘણી વાર કરંટના ઝાટકા ખાવાને કારણે મારા હાથ પર નિશાન પડી ગયાં છે.”
તેમણે કહ્યું, “વિનોદના હાથની એક આંગળીમાં ફ્રૅક્ચર છે. અમારા શરીર પર ઘણી જગ્યાએ મારઝૂડનાં નિશાન પડી ગયાં છે.”

ઇમેજ સ્રોત, Mohar Singh Meena
અભિષેકના પિતરાઈ સોનુ મેઘવંશી કહે છે કે, “રાજીનામા માટે અમારા પર દબાણ કરાઈ રહ્યું છે, પરંતુ અમે રાજીનામું નહીં આપીએ. આજે આ અભિષેક અને વિનોદ સાથે થયું છે, આવું કાલે બીજા કોઈની સાથે પણ થઈ શકે છે.”
તેઓ કહે છે કે, “અમારા ગામની પાસેથી અડધા પુરુષો બહારનાં રાજ્યોમાં આઇસ્ક્રીમ વહેંચવાનું કામ કરે છે. આ ઘટના બાદથી બધા ભયભીત છે. દોષિતોને સજા મળશે ત્યારે જ કોઈ ભવિષ્યમં આ પ્રકારે આર્થિક અને શારીરિક શોષણ કરવાની હિમત નહીં કરે.”
અભિષેકે બીબીસીને જણાવ્યું, “આરોપીઓના પરિચિત સતત રાજીનામા અંગે દબાણ કરી રહ્યા છે. પરંતુ અમે રાજીનામું નહીં આપીએ.અમે ઇચ્છીએ છીએ કે દોષિતોને સજા થાય.”
સોનુ મેઘવંશીએ બીબીસીને જણાવ્યું કે, “આરોપીઓના લોકો ઇચ્છે છે કે મામલામાં રાજીનામું આપી દેવાય. પરંતુ આવા લોકોને સજા મળવી જોઈએ. આ ઘટના બાદથી અમારા ઘરના લોકો અને બહાર કામ કરવા ગયેલા લોકોના પરિવારજનો પણ પરેશાન છે. આજે જો તેમને સજા ન થઈ તો કાલે બીજા કોઈની સાથે પણ આ પ્રકારની ઘટના બની શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS