Home તાજા સમાચાર gujrati આપણા શરીર માટે ચરબી કેમ જરૂરી છે અને પાતળા હોવું કેમ નુકસાનકારક...

આપણા શરીર માટે ચરબી કેમ જરૂરી છે અને પાતળા હોવું કેમ નુકસાનકારક ગણાય?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

વર્ષોથી ચરબીને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. ડાયટ અંગેની સલાહમાં તેને ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. કેટલીક ફૂડ કંપનીઓ ઓછી ચરબીવાળાં પ્રોડક્ટ્સ વેચે છે અને વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલા ઑનલાઇન ફોરમમાં શરીરની ચરબીને ઓછી કરવાની રીતો જણાવવામાં આવે છે.

શરીરમાં મોજૂદ ચરબી હોર્મોન બનાવવાની માંડીને શરીરના તાપમાનને નિયંત્રિત રાખવા સુધીનાં ઘણાં મહત્ત્વપૂર્ણ કામ કરે છે. આવી સ્થિતિમાં ચરબીને ખૂબ ઝાઝા પ્રમાણમાં ઘટાડવાની કોશિશ સ્વાસ્થ્ય માટે કેટલી ખરાબ સાબિત થઈ શકે?

સોશિયલ મીડિયા થોડી વાર સમય પસાર કરો તો શરીરને ‘શ્રેડેડ’ (સ્નાયુબદ્ધ) બનાવવાની સલાહ મળવા લાગે છે. તેનો અર્થ એવું શરીર છે, જેમાં માંસપેશીઓ ખૂબ સ્પષ્ટ અને ઉભરેલી દેખાય.

હવે વિશેષજ્ઞો એ વાતથી ચિંતિત છે કે અત્યંત પાતળા દેખાવાનું ચલણ ફરી એક વાર પાછું ફરી રહ્યું છે. કેટલાક કેસમાં વજન ઘટાડવાની દવાની વધતી લોકપ્રિયતા પણ આને પ્રોત્સાહન આપી રહી છે.

શરીરમાં ખૂબ વધુ ચરબી હોય તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને સ્થૂળતા વધી શકે છે, પરંતુ ખૂબ ઓછી ચરબી હોય એ પણ આપણા માટે સારું નથી.

ઘણા નિષ્ણાતોએ મને કહ્યું કે શરીરમાંથી ચરબી સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ જૈવિક અને સામાજિક, બંને સ્તરે નુકસાન પહોંચાડી શકે છે.

યુનિવર્સિટી ઑફ મિશિગનમાં ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ અને મેડિસિનનાં પ્રોફેસર એલિફ ઓરલ કહે છે, “આપણે આપણી ચરબીને પ્રેમ કરવો જોઈએ. આપણા શરીરમાં તેનું અત્યંત જરૂરી જૈવિક કામ છે.”

પરંતુ સવાલ એ છે કે આપણને હકીકતમાં કેટલીક ચરબીની જરૂર હોય છે? શરીરમાં ખૂબ ઓછી ચરબી હોય એ વાત આપણા માટે કેમ ખરાબ છે?

શરીરની ચરબી કેમ જરૂરી છે?

હવે વિશેષજ્ઞો એ વાતથી ચિંતિત છે કે અત્યંત પાતળા દેખાવાનું ચલણ ફરી એક વાર પાછું ફરી રહ્યું છે (પ્રતીકાત્મક તસવીર)

સામાન્યપણે ચરબીના બે પ્રકાર હોય છે. પ્રથમ ભોજનમાં રહેલી ચરબી અને બીજી, શરીરમાં જમા થયેલી ચરબી.

ભોજનમાં રહેલી ચરબી એ છે, જે આપણને ભોજનમાંથી મળે છે. શરીરમાં જમા થયેલી ચરબી એ ઊર્જાને બચાવી રાખવાની કુદરતી રીત છે, જેની શરીરને તરત જરૂર નથી હોતી.

જ્યારે આપણે ભોજન લઈએ છે, તો તેમાં રહેલી ચરબી, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન તૂટીને આવાં સરળ તત્ત્વોમાં ફેરવાઈ જાય છે, જેને શરીર ઊર્જા માટે ઉપયોગમાં લઈ શકે છે.

કાર્બોહાઇડ્રેટ ગ્લુકોઝમાં બદલાય છે, પ્રોટીન એમિનો ઍસિડમાં અને ચરબી ફેટી ઍસિડમાં બદલાઈ જાય છે.

જો કોઈ વ્યક્તિ સતત પોતાના શરીરની જરૂરિયાત કરતાં વધુ કૅલરી લે છે, તો ચરબી કોશિકાઓ આ વધારાનાં પોષકતત્ત્વોને લિપિડ સ્વરૂપે જમા કરી લે છે. આ ચરબી કોશિકાઓને એડિપોસાઇટ્સ કહેવામાં આવે છે. ચરબી જમા થવાના કારણે આ કોશિકાઓનો આકાર વધવા લાગે છે.

પહેલાં મનાતું કે શરીરમાં જમા થયેલી ચરબી માત્ર ત્યાં જ પડી રહી છે, પરંતુ હવે આપણે જાણીએ છીએ કે એ એક સક્રિય અંગની માફક કામ કરે છે અને શરીરનાં ઘણાં કામોને નિયંત્રિત કરે છે.

‘ગોલ્ડીલૉક્સ ઍન્ડ ધ થ્રી બેર્સ’ની કહાણીની માફક આપણું શરીર ત્યારે સૌથી સારી રીતે કામ કરે છે, જ્યારે કોઈ વસ્તુનું પ્રમાણ ન ખૂબ વધુ હોય ન ખૂબ ઝાઝું. ખૂબ વધુ ચરબીની માફક ખૂબ ઓછી ચરબી પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

સ્વીડનના કારોલિંસ્કા ઇન્સ્ટિટ્યૂટમાં ચરબીની પેશીઓ પર ક્લિનિકલ અને પ્રાયોગિક શોધ કરનારા પ્રોફેસર મિકાએલ રીડેન કહે છે કે શરીરની ચરબીને પોષકતત્ત્વ જમા કરનારી એક ખાસ તિજોરી માફક સમજી શકાય છે.

જ્યારે શરીર પાસે ભરપૂર ઊર્જા હોય છે, તો એ તિજોરી પોષકતત્ત્વો જમા કરી લે છે. જરૂર પડે ત્યારે પોષકતત્ત્વો બહાર કાઢવામાં આવે છે. આ વ્યવસ્થાએ આપણા પૂર્વજોને ભોજનની કમી દરમિયાન જીવિત રાખવામાં મદદ કરી હતી.

શરીરમાં જમા થયેલી ચરબીનું વધુ એક મહત્ત્વનું કામ શરીરના અલગ-અલગ ભાગો વચ્ચે સંદેશ પહોંચાડવાનું છે.

ચરબી કોશિકાઓ એવા હોર્મોન બનાવે છે, જે શરીરના અન્ય ભાગોને જણાવે છે કે આપણી પાસે કેટલીક ઊર્જા છે અને આપણું પેટ કેટલું ભરેલું છે.

ઓરલ જણાવે છે કે તેમાં સૌથી વધુ અભ્યાસ લેપ્ટિન નામના હોર્મોન પર થયો છે.

તેઓ કહે છે, “લેપ્ટિન મગજને જણાવે છે કે શરીરમાં પૂરતી ઊર્જા જમા છે. એ બાદ મગજ એક પ્રકારે ચિંતા કરવાનું બંધ કરી શકે છે.”

તેનાથી શરીર પ્રજનન અને ચેપથી લડવા જેવી મહત્ત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયાઓ પર ધ્યાન આપી શકે છે.

લેપ્ટિન ન હોય, તો મગજને શરીરમાં ઉપલબ્ધ ઊર્જાની ચિંતા થવા લાગે છે. એ બાદ શરીરનાં જરૂરી કામોને પણ ઓછી પ્રાથમિકતા મળવા લાગે છે.

શરીરને ગરમ રાખવા માટે પણ ચરબી જરૂરી છે.

સફેદ ચરબી વધારાની ઊર્જા જમા કરે છે અને શરીરને ઠંડીથી બચાવતા સ્તર તરીકે પણ કામ કરે છે.

તેમજ, ભૂરા રંગની ચરબીમાં એવી ખાસ કોશિકાઓ હોય છે, જે ગરમી પેદા કરવા માટે ઊર્જાનો ઉપયોગ કરે છે. તેનાથી શરીરને પોતાનું તાપમાન જાળવી રાખવામાં મદદ મળે છે.

શરીરમાં ખૂબ વધુ ચરબી હોય તો શું થાય?

ઘણા નિષ્ણાતોએ મને કહ્યું કે શરીરમાંથી ચરબી સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ જૈવિક અને સામાજિક, બંને સ્તરે નુકસાન પહોંચાડી શકે છે (પ્રતીકાત્મક તસવીર)

શરીરમાં ખૂબ વધુ ચરબી હોવાના નુકસાન અંગે ઘણી જાણકારી ઉપલબ્ધ છે.

તેનાથી હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત બીમારીઓ, ટાઇપ-2 ડાયાબિટીસ, કેટલાંક પ્રકારનાં કૅન્સર અને ઑસ્ટિયોઆર્થરાઇટિસનો ખતરો વધી શકે છે. જોકે, શરીરમાં ખૂબ ઓછી ચરબી હોય એ પણ સારું નથી.

યુનિવર્સિટી ઑફ મિશિગનમાં મેટાબૉલિક બીમારીઓ પર શોધ કરનારાં જેસિકા મૉન્ગ કહે છે કે કૅલરી લેવાનું ખૂબ ઘટાડવાતી શરીરની ચરબી અત્યંત ઘટી શકે છે. તેનો સ્વાસ્થ્ય અને શરીરની કામ કરવાની રીત પર ગંભીર અસર પડી શકે છે.

તેઓ કહે છે, “શરીરમાં ચરબીની પેશીઓ ખૂબ ઓછી થવાથી અંગો અને શરીરના કામ કરવાની રીત બગડી જાય છે.”

જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટી જાય છે, તો એ ઊર્જા બચાવવાની કોશિશ કરવા લાગે છે. સરળ ભાષામાં કહીએ તો શરીર એવી સ્થિતિમાં પહોંચી જાય છે, જેમ કે, તેને લાંબા ગાળાથી પૂરતું ભોજન ન મળ્યું.

એ બાદ શરીરની ઘણી પ્રણાલીઓ કામ કરવાનું બંધ કરવા માંડે છે. તેમાં ચેપથી લડતી આપણી રોગપ્રતિકારક ક્ષમતા પણ સામેલ છે.

જ્યારે શરીરમાં જમા ઊર્જા ખતમ થઈ જાય છે, તો એ માંસપેશીઓને તોડીને તેનાથી ઊર્જા લેવા લાગે છે. હાડકાંને બનાવવા અને તેને રિપૅર કરવાનું કામ પણ બંધ થવા લાગે છે.

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડમાં મેટાબૉલિક મેડિસિનના પ્રોફેસર ફ્રેડિક કાર્પે કહે છે કે આનાથી શરીર કમજોર થઈ જાય છે અને હાડકાં તૂટવાનો ખતરો વધી જાય છે.

તેઓ કહે છે કે, “આ સ્વાસ્થ્યપ્રદ સ્થિતિ નથી.”

આનું એક મોટું કારણ એ છે કે ગંભીર ચેપ કે કોઈ અન્ય મેડિકલ ઇમર્જન્સીનો સામનો કરવા માટે શરીર પાસે ઊર્જાનો કોઈ ભંડાર નથી બચતો.

ચરબી કોશિકાઓ એવા હોર્મોન બનાવે છે, જે શરીરના અન્ય ભાગોને જણાવે છે કે આપણી પાસે કેટલીક ઊર્જા છે અને આપણું પેટ કેટલું ભરેલું છે (પ્રતીકાત્મક તસવીર)

શરીરમાં ખૂબ ઓછી ચરબી હોવાને કારણે હોર્મોન અને પ્રજનન સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે.

લાંબા સમય સુધી જરૂર કરતા ઓછું ભોજન લેવાને કારણે અત્યંત દુબળા થઈ ચૂકેલા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું થઈ શકે છે. તેમની ઊર્જા અને શારીરિક પ્રદર્શનમાં પણ ઘટાડો થઈ શકે છે.

ખૂબ ઓછી ચરબીવાળાં કેટલાંક મહિલા ખેલાડીઓના પીરિયડ્સ્ અનિયમિત થઈ જાય છે કે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.

ઘણા અભ્યાસોમાં સામે આવ્યું છે કે આધેડ અને વધુ ઉંમરમાં થોડું વધુ વજન ગંભીર બીમારી દરમિયાન જીવિત રહેવાની સંભાવનાને વધારી શકે છે.

ઉદાહરણ તરીકે, સ્થૂળતા સાથે જીવી રહેલા લોકોમાં હૃદયરોગ અને રક્તવાહિનીઓની બીમારી થવાનો ખતરો વધુ હોય છે. પરંતુ જો આ બીમારી થઈ જાય, તો આ બીમારી સામે ઝઝૂમી રહેલા પાતળા લોકોની સરખામણીએ તેમનું મૃત્યુ થવાનો ખતરો ઓછો થઈ શકે છે. તેને ‘ઓબેસિટી પેરાડોક્સ’ કહેવામાં આવે છે.

ઓરલ પ્રમાણે, શરીરમાં જમા થયલી ચરબી ગંભીર હૃદયરોગ, સ્ટ્રૉક અને અચાનક થતી અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરવામાં મદદ કરી શકે છે.

ઉદાહરણ તરીકે, એનોરેક્સિયા નર્વોસા નામની માનસિકા સ્વાસ્થ્ય સમસ્યાના કારણે લાંબા સમય સુધી અંગોને નુકસાન થઈ શકે છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.

આપણને ખરેખર કેટલી ચરબીની જરૂર હોય છે?

ઘણા અભ્યાસોમાં સામે આવ્યું છે કે આધેડ અને વધુ ઉંમરમાં થોડું વધુ વજન ગંભીર બીમારી દરમિયાન જીવિત રહેવાની સંભાવનાને વધારી શકે છે

આપણા શરીરમાં રહેલી ચરબીને યોગ્ય રીતે માપવું એ ખૂબ મુશ્કેલ કામ છે. તેના અંગે આગળ વિસ્તારપૂર્વક વાત કરી છે.

શરીરમાં ચરબીની કોઈ એક એવી ટકાવારી નથી, જેને તમામ લોકો માટે યોગ્ય માની શકાય. દરેક વ્યક્તિની જરૂર અલગ હોય છે.

તેમ છતાં વ્યાપકપણે જોઈએ તો, સ્વસ્થ પુખ્ત પુરુષના શરીરમાં સામાન્યપણે દસથી 20 ટકા ચરબી હોય છે.

તેમજ સ્વસ્થ પુખ્ત મહિલાના આ પ્રમાણ 20થી 29 ટકા હોય છે.

સ્થૂળતા સાથે જીવી રહેલા લોકોના શરીરમાં સામાન્યપણે 30 ટકા કરતાં વધુ ચરબી હોય છે.

રીડેન કહે છે કે, “શરીરમાં ચરબીની સૌથી યોગ્ય માત્રા શું હોવી જોઈએ, એના માટે નિશ્ચિત પ્રમાણ જણાવવું ખૂબ મુશ્કેલ છે.”

તેઓ કહે છે કે આ માત્રા અલગ-અલગ લોકો, મહિલા-પુરુષ અને અલગ-અલગ જાતીય સમૂહો માટે અલગ હોઈ શકે છે.

ખેલાડીઓના શરીરમાં સામાન્યપણે ચરબીનું પ્રમાણ અન્ય લોકો કરતાં ઓછું હોય છે.

ડેટ્રોઇટની વેન સ્ટેટ યુનિવર્સિટીમાં રમતગમત પ્રદર્શન પર સંશોધન કરનારાં તમારા હ્યૂ-બટલર અને તેમના સાથીઓએ ડેક્સા સ્કૅનરની મદદથી 700 કરતાં વધુ ખેલાડીઓના શરીરની તપાસ કરી.

ડેક્સા સ્કૅન શરીરની બનાવટ અને અંદર રહેલી ચરબીને માપે છે.

હ્યૂ-બટલર કહે છે કે, “અમે જે ખેલાડીઓની તપાસ કરી, તેમાં કોઈ પુરુષ ખેલાડીના શરીરમાં મળેલી ચરબીનું ઓછામાં ઓછું પ્રમાણ દસ ટકા અને કોઈ મહિલા ખેલાડીમાં 16 ટકા હતું.”

તેમનું કહેવું છે કે કેટલાક ખેલાડી આ પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં. અભ્યાસમાં સામેલ ખેલાડી નિયમિતપણે ટ્રેનિંગ કરતાં હતાં અને તેમને લાગતું હતું કે તેમના શરીરમાં માત્ર એકાદ ટકા ચરબી છે.

શરીરમાં ચરબીની કૂલ માત્રા સાથે એ વાત પણ અગત્યની છે કે એ ક્યાં જમા છે.

વિસરલ ફૅટ એટલે કે પેટની અંદર જમા ચરબી. તેની માત્રા ખૂબ વધુ થઈ જાય તો એ ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ત્વચાની નીચે જમા ચરબીથી અલગ વિસરલ ફૅટ શરીરનાં આંતરિક અંગોની આસપાસ જમા થાય છે.

એ એવાં રસાયણ છોડે છે, જે શરીરમાં સોજાને વધારે છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે. આ રસાયણ ઇન્સુલિનના કામમાં પણ અવરોધ પેદા કરે છે.

તેનાથી શરીર માટે બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું કામ મુશ્કેલ બની જાય છે અને ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

શરીરમાં રહેલી ચરબીને કેવી રીતે માપી શકાય છે?

ઘરે ચરબી માપવાની વધુ એક રીત સ્માર્ટ વજન મશીનનો ઉપયોગ છે

શરીરમાં ચરબીનું પ્રમાણ માપવાની કેટલીક રીતો છે. સૌથી વિસ્તારપૂર્વકની જાણકારી ડેક્સા ફુલ બૉડી સ્કૅનથી મળે છે. આ શરીરમાં જમા થયેલી ચરબી, ચરબીરહિત માંસપેશીઓ અને હાડકાંના ભાર વચ્ચે અંતર જણાવી શકે છે.

જોકે, આના માટે ખાસ ઉપકરણની જરૂર હોય છે અને એ મોંઘું હોઈ શકે છે. ઘરે કરાતી એક લોકપ્રિય તપાસ ‘સ્કિનફોલ્ડ ટેસ્ટ’ છે.

તેમાં ખાસ પ્રકારે બનાવાયેલા ચીમટા જેવા ઉપકરણ વડે ત્વચાને દબાવીને તેની ઠીક નીચે રહેલા ચરબીના સ્તરની જાડાઈ માપવામાં આવે છે. આ ઉપકરણને કૅલિપર કહેવામાં આવે છે.

જોકે, આ ઉપકરણ શરીરના કેટલાક ખાસ ભાગોમાં જ ચરબીના સ્તરની જાડાઈ માપી શકે છે. તેનાથી પેટની અંદર અંગોની આસપાસ જમા થયેલી વિસરલ ફૅટને સીધી રીતે નથી માપી શકાતી.

સ્કિનફોલ્ડ ટેસ્ટ ખૂબ ચોક્કસ પણ નથી હોતા. તેનાથી ચરબીની માત્ર ખરા સ્તરથી ઓછી દેખાઈ શકે છે.

પરંતુ તેનું રીડિંગ એ વાતથી પ્રભાવિત થાય છે કે શરીરમાં કેટલું પ્રવાહી મોજૂદ છે. તેથી ચરબીનું સ્તર માપવા માટે તેને ચોક્કસ નથી માનવામાં આવતું.

આ મશીનો એ પણ નથી જણાવી શકતી કે ચરબી શરીરના કયા ભાગમાં જમા છે. એ વિસરલ ફૅટ અને બીજા પ્રકારની ચરબી વચ્ચે ભેદ પણ નથી પાડી શકતી.

સ્વસ્થ શરીર જાળવી રાખવા માટે સામાન્યપણે શરીરની ચરબીને વિસ્તારપૂર્વક માપવું એ જરૂરી નથી હોતું.

જોકે, બે પ્રકારના માપથી તમને સ્વસ્થ વજન જાળવી રાખવા અને એ સમજવામાં મદદ મળી શકે છે કે ચરબી શરીરના કયા ભાગમાં જમા થઈ રહી છે.

કમર અને લંબાઈનું પ્રમાણ જણાવે છે કે કોઈ વ્યક્તિની લંબાઈની સરખામણીએ તેના પેટના વચ્ચેના ભાગમાં કેટલી ચરબી જમા છે.

કમરના ઘેરાવો માપ્યા બાદ ઑનલાઇન કૅલ્ક્યુલેટરની મદદથી આ પ્રમાણ કાઢી શકાય છે, તેનું સ્વસ્થ પ્રમાણ લગભગ 0.4થી 0.49 માનવામાં આવે છે. કમર અને સાથળનું પ્રમાણ પણ તેની સારી જાણકારી આપી શકે છે.

આ માપ કાઢવા માટે નાભિ પાસે કમરનો ઘેરાવો માપો. એ બાદ આ સંખ્યાને સાથળના સૌથી પહોળા ભાગના માપથી ભાગી નાખો. આ માટે ઑનલાઇન કૅલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરી શકાય છે.

પુરુષોમાં 0.90થી વધુ અને મહિલાઓમાં 0.85થી વધુ પ્રમાણને ઊંચું માનવામાં આવે છે. કમરની આસપાસ વધુ ચરબી જમા થવું એ ખરાબ મેટાબૉલિક સ્વાસ્થ્યનો સંકેત આપી શકે છે.

બૉડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઇ વડે શરીરમાં ચરબીની સાચી જાણકારી નથી મળતી. આનું કારણ એ છે કે બીએમઆઇ શરીરની ચરબી અને માંસપેશીઓ વચ્ચે અંતર નથી કરી શકતું.

તેમજ વધુ માંસપેશીઓ અને ખૂબ ઓછી ચરબીવાળા લોકોનું બીએમઆઇ પણ વધુ હોઈ શકે છે.

ઉંમર વધવાની સાથે શરીરની સંરચના પર વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેથી સારું ભોજન કરવું, નિયમિત વ્યાયામ કરવું અને તાકત વધારનારી કસરત કરવું એ જરૂરી છે.

જોકે, આપણે સમજવું જોઈએ કે શરીરની ચરબી આપણા માટે ઘણાં જરૂરી કામ કરે છે. ચરબીને ખૂબ ઘટાડવાના લક્ષ્ય અંગે ઝનૂની ન બનવું જોઈએ.

શરીરમાં ચરબીને ખૂબ ઓછી કરવાનો પ્રયાસ કરવાને સ્થાને તેનું યોગ્ય પ્રમાણ રહે એ જરૂરી છે.

ઓરલના શબ્દોમાં, “આપણે માનીએ છીએ કે ચરબી તાકતવર પણ છે અને ખૂબસૂરત પણ.”

મેલિસા હોગેનબૂમ બીબીસીનાં વરિષ્ઠ સ્વાસ્થ્ય સંવાદદાતા છે. તેમણે ‘બ્રેડવિનર્સ’ અને ‘ધ મધરહૂડ કૉમ્પ્લેક્સ’ નામે પુસ્તકો લખ્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ melissa_hogenboom નામે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS