Source : BBC NEWS
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, સિયાલદહથી
-
18 જાન્યુઆરી 2025
અપડેટેડ એક કલાક પહેલા
આરજી કર હૉસ્પિટલમાં ટ્રેની મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલામાં કોર્ટે આરોપી સંજય રૉયને ઉંમરકેદની સજા ફટકારી છે. સંજય રાયને અદાલતે શનિવારે દોષિત ઠેરવ્યા હતા.
કોલકત્તાની સિયાલદાહ કોર્ટે સોમવારે સંજય રૉયને સજા સંભળાવી હતી. અદાલતે કહ્યું કે રેપ અને હત્યાનો દોષિત સંજય રૉય તેના મૃત્યુ પર્યન્ત જેલમાં જ રહેશે. આ ઉપરાંત સંજય રૉય પર 50 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
જજ અનિર્બાન દાસે આરોપીને મોતની સજા નથી ફટકારી જોકે તેમણે માન્યું કે આ ‘રેયરેસ્ટ ઑફ રેયર’ મામલો છે.
જજે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે.
ગત વર્ષે ઑગસ્ટ માસમાં થયેલી આ ઘટનાએ સમગ્ર પશ્ચિમ બંગાળમાં એક જનાક્રોશની સ્થિતિ પેદા કરી હતી.
9 ઑગસ્ટ, 2024ના રોજ 31 વર્ષનાં એક મહિલા ટ્રેની ડૉક્ટરનો મૃતદેહ હૉસ્પિટલના કૉન્ફરન્સ રૂમમાં મળ્યો હતો. તપાસમાં ખબર પડી હતી કે તેમનો બળાત્કાર થયો હતો અને એ બાદ તેમની હત્યા કરી દેવાઈ હતી.
આ ઘટના પછી કોલકાતામાં વિરોધપ્રદર્શનો શરૂ થયાં અને રાજ્યમાં બે મહિનાથી વધુ સમય માટે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ હતી.
આ ઘટના બન્યાને પાંચ માસનો સમય થઈ ગયો છે અને શનિવારે કોલકાતાની સિયાલદહ કોર્ટે આ મામલામાં નિર્ણય સંભળાવ્યો છે.
શનિવારે કોર્ટે શું કહ્યું?
નિર્ણય આપતી વખતે કોર્ટના સ્પેશિયલ જજ અનિર્બાન દાસે સંજય રાય તરફ જોઈને કહ્યું કે તેમની વિરુદ્ધ સીબીઆઇએ યૌનશોષણ અને બળાત્કારના પુરાવા રજૂ કર્યા છે અને તેમનો અપરાધ સાબિત થાય છે.
તેમને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 અને 103 (1) અંતર્ગત દોષિત ઠેરવાયા છે.
આ મામલામાં ‘પુરાવા નષ્ટ કરવાના’ આરોપમાં મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને સ્થાનિક ટાલા સ્ટેશનના ઇનચાર્જ અભિજિત મંડલ વિરુદ્ધ સીબીઆઇ ચાર્જશીટ દાખલ નથી કરી શકી, જેના કારણે તેમને જામીન મળી ગયા છે.
પરંતુ સીબીઆઇની તપાસ અંગે મૃતક ડૉક્ટરનાં માતાપિતાએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેમણે મામલા પર નજર રાખી રહેલી સુપ્રીમ કોર્ટ અને કલકત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજીમાં તેમણે અપીલ કરી છે કે સિયાલદહની વિશેષ કોર્ટને આ મામલામાં સજા સંભળાવાથી રોકવામાં આવે અને સમગ્ર મામલાની ફરી એક વાર નવેસરથી તપાસ કરાય.
કોલકાતા બળાત્કાર-હત્યા કેસની કેટલીક મહત્ત્વપૂર્ણ તારીખો પર એક નજર.
ક્યારે શું થયું?
9 ઑગસ્ટ, 2024
સવારે સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. બળાત્કાર બાદ ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી. જમ્યા પછી ડૉક્ટર સેમિનાર હૉલમાં જ સૂઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ બળાત્કાર અને હત્યાની આ ઘટના રાત્રે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે બની હતી.
ત્યાર પછી ડૉક્ટરોએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો શરૂ કરી દીધાં.
10 ઑગસ્ટ, 2024
પોલીસે ટાસ્ક ફોર્સની રચના કરી. તપાસ શરૂ થયાના છ કલાકમાં જ આરોપી સંજય રૉયની ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ઉપરાંત સેમિનાર હૉલમાંથી પોલીસને તૂટેલા બ્લૂટૂથ ઇયરફોન મળ્યાં હતાં. તે આરોપીના ફોન સાથે કનેક્ટેડ હતાં. તેના મારફત સંજયની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.
ઑગસ્ટ 12, 2024
મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે રાજીનામું આપ્યું.
13 ઑગસ્ટ, 2024
કોલકત્તા હાઈકોર્ટે કહ્યું કે આ કેસની તપાસ યોગ્ય રીતે થઈ નથી અને કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો.
15 ઑગસ્ટ, 2024
14 અને 15 ઑગસ્ટ વચ્ચેની રાતે કોલકાતા સહિત ઘણાં સ્થળોએ મહિલા સંગઠનો અને સિવિલ સોસાયટી સાથે સંકળાયેલા લોકોએ ‘રિક્લેમ ધ નાઇટ’નો નારો આપ્યો અને મહિલાઓને રસ્તા પર ઉતરવાની હાકલ કરી.
14-15 ઑગસ્ટની રાત્રે આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટરોના વિરોધ સ્થળ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
16 ઑગસ્ટ, 2024
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી રસ્તા પર ઉતરી આવ્યાં અને રેલી કાઢી. ભાજપ અને અનેક લોકોએ આ કૂચની ટીકા કરી હતી.
સુપ્રીમ કોર્ટે ઘટના મામલે સુઓમોટો દાખલ કરી
20 ઑગસ્ટ, 2024
સુપ્રીમ કોર્ટે કોલકાતા બળાત્કાર-હત્યા કેસ મામલે સુઓમોટો સંજ્ઞાન લીધા બાદ તેના પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ડૉકટરો અને તબીબી કર્મચારીઓ માટે સુરક્ષા વ્યવસ્થાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી અને નૅશનલ ટાસ્ક ફોર્સની રચના કરી.
21 ઑગસ્ટ, 2024
સીઆઈએસએફએ આરજી કર મેડિકલ કૉલેજની સુરક્ષા સંભાળી.
22 ઑગસ્ટ, 2024
ડૉક્ટરોએ તેમની 11 દિવસની હડતાળ પાછી ખેંચી લીધી.
27 ઑગસ્ટ, 2024
વિદ્યાર્થીઓએ ડૉક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં રાજ્યના સચિવાલય એટલે કે ‘નબાન્ન ભવન’ સુધી વિરોધ કૂચ કરવાની અપીલ કરી હતી. આ વિરોધ કૂચ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
એક નવા વિદ્યાર્થી સંગઠન ‘પશ્ચિમ બંગ છાત્ર સમાજે’ આ વિરોધ કૂચને ‘નબાન્ન અભિયાન’ નામ આપ્યું હતું. પ્રદર્શનકારોએ મુખ્ય મંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી હતી.
28 ઑગસ્ટ, 2024
વિરોધપ્રદર્શનમાં બળપ્રયોગ અને વિદ્યાર્થીઓની ધરપકડના વિરોધમાં ભાજપે 12 કલાક માટે બંગાળ બંધનું ઍલાન કર્યું. સત્તાધારી ટીએમસીએ કહ્યું કે ભાજપ રાજ્યમાં ‘અરાજકતા પેદા કરવા માંગે છે.’
પશ્ચિમ બંગાળમાં નવો કાયદો ઘડાયો
2 સપ્ટેમ્બર, 2024
સીબીઆઈએ આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા લોકોમાં હૉસ્પિટલને માલસામાન સપ્લાય કરનારા બે કોન્ટ્રાક્ટર બિપ્લબ સિંઘા અને સુમન હાઝરા ઉપરાંત સંદીપ ઘોષના બૉડીગાર્ડ ઑફિસર અલી ખાન પણ સામેલ હતા.
આ ઉપરાંત સ્થાનિક ટાલા પોલીસ મથકના પ્રભારી અભિજિત મંડલને પણ સીબીઆઈએ પુરાવાનો નાશ કરવાના આરોપમાં પકડ્યા હતા.
3 સપ્ટેમ્બર, 2024
ઘટનાના એક મહિનાની અંદર પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સર્વસંમતિથી અપરાજિતા મહિલા અને બાળ(પશ્ચિમ બંગાળ અપરાધિક કાયદો સુધારણા) ખરડો, 2024 પસાર થયો.
આ ખરડામાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓથી લઈને ભારતીય ન્યાય સંહિતા, 2023 (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 (બીએનએસએસ) અને બાળકોને જાતીય ગુનાથી બચાવવા માટે ઘડાયેલા પૉક્સો કાયદો, 2012માં સુધારા કરવામાં આવ્યા છે.
8 સપ્ટેમ્બર, 2024
મમતા સરકારને આ મામલે પોતાના નેતાઓના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
રાજ્યસભામાં તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ જવાહર સરકારે હૉસ્પિટલમાં રેપ-મર્ડર બાદ જનઆંદોલનને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીને એક પત્ર લખીને પોતાના રાજીનામાની ઑફર કરી હતી.
14 સપ્ટેમ્બર, 2024
લગભગ એક મહિનાના આંદોલન અને પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોને મળ્યાં. મુખ્ય મંત્રીએ વિદ્યાર્થીઓની માંગણીઓ પર વિચારવાનું કહ્યું અને તેના પર કાર્યવાહી કરવા માટે સમય માંગ્યો હતો.
17 સપ્ટેમ્બર, 2024
કોલકાતાના પોલીસ કમિશ્નર વિનીત ગોયલને રાજ્ય સરકારે તેમના પદ પરથી ટ્રાન્સફર કરી દીધા.
7 ઑક્ટોબર, 2024
મુખ્ય આરોપી સંજય રોય વિરુદ્ધ સીબીઆઈએ 7 ઑક્ટોબરે જ ચાર્જશીટ દાખલ કરી દીધી.
13 ડિસેમ્બર, 2024
તત્કાલીન પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા કોલકાતાના ટાલા પોલીસ સ્ટેશનના અધિકારી અભિજીત મંડલને જામીન મળી ગયા.
ડૉકટરોની માંગણીઓ
સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓ જ્યારે મુખ્ય મંત્રી મમતા બેનર્જીને મળ્યા, ત્યારે તેમણે સરકાર પાસે કેટલીક માંગણીઓ મૂકી હતી. મુખ્ય મંત્રીના કાર્યાલયે આ માંગણીઓની માહિતી શૅર કરી હતી. તેમના કહેવા પ્રમાણે-
- પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ(ડબલ્યુબીજેડીએફ)ની પ્રથમ માંગ સીબીઆઈના અધિકારક્ષેત્રમાં આવે છે. રાજ્ય સરકાર તપાસ પૂર્ણ કરવા અને પીડિતાને ન્યાય અપાવવા માટે તમામ શક્ય મદદ કરશે.
- કોલકાતા પોલીસ સામે કાર્યવાહીની માંગને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અને ડેપ્યુટી કમિશનર નૉર્થની બદલી કરવામાં આવશે.
- આરોગ્ય સેવાઓના હાલના ડીએમઈ અને ડીએચએસને પણ ટ્રાન્સફર કરવામાં આવશે.
- હૉસ્પિટલમાં સીસીટીવી, વૉશરૂમ વગેરે માટે 100 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે.
- ડબ્લ્યુબીજેડીએફના પ્રતિનિધિઓએ ડીસી સેન્ટ્રલ સામે શિસ્તભંગનાં પગલાં ન લેવાં અને આરોગ્ય સચિવની બદલી ન કરવા પર અસહમતિ દર્શાવી હતી.
આ દરમિયાન ડિસેમ્બર 2024માં પીડિત ડૉક્ટરના પિતાએ હાઇકોર્ટમાં બીજી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે ‘સીબીઆઈએ હજુ સુધી આ કેસમાં તેમનાં પત્નીનું નિવેદન નોંધ્યું નથી. તેમજ તેમણે કોર્ટમાં જુબાની પણ નથી આપી.’
સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં કુલ 123 સાક્ષીઓનાં નામ છે. પરંતુ તેમાંથી ડિસેમ્બર 2024ના છેલ્લા અઠવાડિયા સુધીમાં અમુક અધિકારીઓ સહિત ફક્ત 50 લોકોની જ જુબાની લેવાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS