Home તાજા સમાચાર gujrati આ દેશમાં એક પછી એક નવ મહિલાની હત્યાથી ભયનો માહોલ, આ અપરાધ...

આ દેશમાં એક પછી એક નવ મહિલાની હત્યાથી ભયનો માહોલ, આ અપરાધ કોણ કરી રહ્યું છે?

5
0

Source : BBC NEWS

ભત્રીજી ડિનેઓ મોતાપાનેનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હોવાનું તેમનાં સ્વજને જણાવ્યું છે

ઇમેજ સ્રોત, Dineo Motapane

“અમે હવે શું કરીશું એની મને કોઈ જ ખબર નથી,” આમ કહેતાં પોતાની ભત્રીજી ડિનેઓ મોતાપાનેની હત્યા અંગે વાત કરતાં નોકવાન્ડા મતશિકિઝા રડી પડે છે અને કહે છે કે “કંઈક બદલાવ આવવો જ જોઈએ.”

“અમારા માટે અને બાકીની તમામ મહિલાઓ માટે. હજુ કેટલી મહિલાઓના મૃતદેહો મળી આવશે, ત્યાર બાદ જ કંઈક કાર્યવાહી થશે?”

નોકવાન્ડા દક્ષિણ આફ્રિકાના મુખ્ય શહેર જોહાનીસબર્ગ નજીક આવેલા પરિવારના ઘરમાંથી બીબીસી સાથે વાત કરી રહ્યાં હતાં.

આ વાતચીત તેમના પરિવારજનોએ ડિનેઓના મૃતદેહની ઓળખ કરી તેના માત્ર બે દિવસ બાદ થઈ હતી.

38 વર્ષીય અને બે સંતાનનાં માતા ડિનેઓ મોતાપાને છેલ્લે રવિવારે જીવિત હતાં. બાદમાં તેમનો મારઝૂડ કરાયેલો અને આંશિક રીતે સળગાવાયેલો મૃતદેહ એકુરહુલેનીના રહેણાક વિસ્તારમાંથી મળ્યો હતો.

નોકવાન્ડા રડતાં કહે છે કે કોઈક સમયે તેમના પરિવારે ડિનેઓની દીકરીને તેમનાં માતાના મૃત્યુ વિશે જણાવવાની કરુણ જવાબદારી નિભાવવી પડશે.

તેઓ કહે છે, “તમે એક બાળકને કેવી રીતે સમજાવો કે તેનાં માતાપિતાની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી, પછી તેનો મૃતદેહ એક ખેતરમાં ફેંકી દેવાયો અને તેને કચરાની જેમ ત્યાં જ છોડી દેવામાં આવ્યો?”

તેઓ વધુમાં ઉમેરે છે, “આ વાત સાથે ક્યારેય સમાધાન ન થઈ શકે. આ એવી ઘટના છે, જેને તમે ક્યારેય સ્વીકારી શકતા નથી અને ક્યારેય ભૂલી શકતા નથી.”

આ અઠવાડિયે ડિનેઓનું મૃત્યુ એવા સમયે થયું છે, જ્યારે એકુરહુલેની વિસ્તારમાં આવી જ અનેક ઘટના સામે આવી રહી છે. આ અઠવાડિયામાં ત્યાં મળેલા ત્રણ મહિલા મૃતદેહોમાં ડિનેઓનો મૃતદેહ પણ સામેલ હતો.

અત્યાર સુધી નવ મહિલાના મૃતદેહ મળ્યા

દુકાનદારી કરતાં 32 વર્ષીય ઇતુમેલેંગનો મૃતદેહ જુલાઈ મહિનામાં મળ્યો હતો

ઇમેજ સ્રોત, Kekana family

જુલાઈ મહિનાથી અત્યાર સુધી આ વિસ્તારમાં સમાન સંજોગોમાં હત્યા કરાયેલી નવ મહિલાના મૃતદેહો મળ્યા છે.

દેશમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાનો પ્રશ્ન હંમેશાંથી રહ્યો છે, પરંતુ તાજેતરમાં આવા ભયાનક બનાવોના સતત ખુલાસાએ દેશમાં મહિલાઓ પર થતી હિંસાના વ્યાપ અંગે ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરે ભારે આક્રોશ પેદા કર્યો છે. દક્ષિણ આફ્રિકા દુનિયામાં સ્ત્રીઓ વિરુદ્ધની હિંસાના સૌથી ઊંચા દર ધરાવતા દેશોમાંનો એક માનવામાં આવે છે.

થેમ્બા કેકાના પણ પોતાના પ્રિયજનના મૃત્યુના આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે.

તેમનાં બહેન ઇતુમેલેંગ એકુરહુલેની વિસ્તારમાં ગુમ થયેલાં પ્રથમ મહિલાઓમાંનાં એક હતાં.

દુકાનદારી કરતાં 32 વર્ષીય ઇતુમેલેંગનો મૃતદેહ જુલાઈ મહિનામાં મળ્યો હતો, તેઓ ગુમ થયાના 17 દિવસ બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો.

તેમના શરીર પર ગંભીર ઈજાનાં નિશાન હતાં, તેઓ આંશિક રીતે કપડાં પહેરેલી હાલતમાં હતાં અને તેમનો મૃતદેહ એક પુલ પર ફેંકી દેવાયો હતો.

આંખોમાં આંસુ સાથે થેમ્બા કહે છે, “અમે દુઃખથી સંપૂર્ણપણે તૂટી ગયાં છીએ.”

“હું મારી બહેનની નાની દીકરીને જોઉં છું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે. મને ખબર છે કે તેના મનમાંથી આ દુઃખ દૂર કરવાની મારી પાસે કોઈ રીત નથી.”

“કોઈ પણ પરિવારે એવી પરિસ્થિતિનો સામનો ન કરવો જોઈએ, જેનો અમે હાલમાં સામનો કરી રહ્યાં છીએ.”

આ હત્યાઓના સંબંધમાં અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિની ધરપકડ કરાઈ છે અને તે પણ 15 જુલાઈએ પ્રથમ મહિલાનો મૃતદેહ મળ્યાના બે દિવસ બાદ.

ઇતુમેલેંગ, ડિનેઓ અથવા એકુરહુલેનીની અન્ય છ મહિલાની હત્યાના કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મહિલાઓની હત્યાથી દેશમાં ભયનો માહોલ

મોટાં ભાગનાં મૃતક મહિલા યુવાન હતાં, તેમની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચે હતી. તેમનામાંથી લગભગ તમામ મહિલાઓએ મૃત્યુ પહેલાં અત્યંત ક્રૂર હિંસાનો ભોગ બનવું પડ્યું હતું.

પોલીસે જણાવ્યું છે કે તેમને હજુ ખાતરી નથી કે તેઓ કોઈ સીરિયલ કિલરની શોધ કરી રહ્યા છે કે નહીં. શક્ય છે કે આ તમામ કેસો એકબીજા સાથે સંકળાયેલા ન પણ હોય.

પરંતુ હકીકત એ છે કે દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા શહેરની પૂર્વ દિશામાં આવેલા આ રહેણાક જિલ્લામાં જે કંઈ બન્યું છે, તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે અને એવી પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે, જેને ઘણા લોકો હવે ગંભીર સંકટ તરીકે જોઈ રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાની પોલીસ દર ત્રણ મહિને વિગતવાર ગુનાખોરીના આંકડા જાહેર કરે છે. આંકડા મુજબ, આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે 5,427 લોકોની હત્યા કરવામાં આવી હતી.

સરકારી આંકડામાં એ ખુલાસો નથી કે કેટલાં પુરુષ અને મહિલા હતાં. જોકે, આ અઠવાડિયે દેશના માનવ અધિકાર પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન 569 મહિલાની હત્યા કરાઈ હતી, એટલે કે સરેરાશ દરરોજ છ મહિલાઓના જીવ ગયા હતા.

આ ઉપરાંત, 1,052 મહિલાઓ પર હત્યાના પ્રયાસો પણ નોંધાયા હતા.

ઘણી મહિલાઓ પહેલેથી જ પોતાની સુરક્ષા અંગે ચિંતિત હતી અને આ ઘટનાઓએ તેમના ભય અને આઘાતમાં વધુ વધારો કર્યો છે.

આ ઘટનાક્રમથી સરકાર પર પણ દબાણ વધ્યું છે. ગત વર્ષે જ મંત્રીઓએ મહિલાઓ વિરુદ્ધની હિંસાની ગંભીરતાને સ્વીકારી હતી અને લિંગ આધારિત હિંસા (જેન્ડર-બેઝ્ડ વાયોલન્સ)ને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી હતી.

‘માત્ર એટલે હત્યા કરાઈ કે એ મહિલા હતી’

દેશમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાનો પ્રશ્ન હંમેશાંથી રહ્યો છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ગયા વર્ષના નવેમ્બરમાં આ જાહેરાત કરતાં સામાજિક વિકાસમંત્રી નોકુઝોલા સિસિસી તોલાશેએ કહ્યું હતું કે આ મુદ્દાને રાષ્ટ્રીય આપત્તિ તરીકે ગણવાથી સરકારને આ સંકટનો વધુ અસરકારક રીતે સામનો કરવામાં મદદ મળશે.

આ નિર્ણય અનેક અઠવાડિયાં સુધી ચાલેલાં વિરોધપ્રદર્શનો બાદ લેવાયો હતો. દક્ષિણ આફ્રિકામાં જી-20 શિખર સંમેલન દરમિયાન ‘વુમન્સ શટ ડાઉન’ રેલી પણ યોજાઈ હતી.

આ અઠવાડિયે અનેક સંગઠનો અને કાર્યકરોએ વધુ કડક પગલાં ભરવાની માગ કરી છે.

માનવ અધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની મહિલાઓની સુરક્ષા માટેનું એક મહત્ત્વપૂર્ણ પ્રથમ કામ ફેમિસાઇડ (મહિલાઓની લિંગના આધારે થતી હત્યા)ને એક અલગ અને સ્વતંત્ર ગુના તરીકે માન્યતા આપવાનું છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલનાં દેશીય નિદેશક શેનીલા મહોમદે એક નિવેદનમાં કહ્યું, “દરેક દિવસે મહિલાઓને નિશાન બનાવાયાં છે, છતાં ફેમિસાઇડને સ્વતંત્ર ગુના તરીકે માન્યતા મળતી નથી, તે મહિલાઓની લક્ષિત હત્યાઓ સામે લડવામાં થયેલી નિષ્ફળતા સમાન છે.”

તેમણે વધુમાં કહ્યું, “હવે તેને તેના સાચા નામથી ઓળખવાનો સમય આવી ગયો છે: ફેમિસાઇડ.”

“ફેમિસાઇડ એ લિંગ આધારિત ગુનો છે. કોઈ મહિલાની એટલા માટે હત્યા કરાય છે, કેમ કે તે મહિલા છે.”

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલનું કહેવું છે કે ફેમિસાઇડને વિશ્વના 33 દેશોમાં સ્વતંત્ર ગુના તરીકે કાયદેસર માન્યતા આપવામાં આવી છે, જેમાં આફ્રિકાના ગેબોન અને મોરોક્કો જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

સંસ્થાનું માનવું છે કે દક્ષિણ આફ્રિકામાં પણ આવો કાનૂની ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યાના વાસ્તવિક વ્યાપને સમજવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલનાં દેશીય નિદેશક શેનીલા મહોમદે કહ્યું, “આ સરકારને મહિલાઓ અને કિશોરીઓને હિંસાથી સુરક્ષિત રાખવામાં થયેલી પોતાની નિષ્ફળતાનો સામનો કરવા મજબૂર કરશે. જે બાબતની નોંધ રાખવામાં આવતી નથી, તેને સુધારવી શક્ય નથી.”

દક્ષિણ આફ્રિકા દુનિયામાં સ્ત્રીઓ વિરુદ્ધની હિંસાના સૌથી ઊંચા દર ધરાવતા દેશોમાંનો એક માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images

દક્ષિણ આફ્રિકામાં લગભગ દરેક વ્યક્તિ એ વાત સાથે સહમત છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ આ અઠવાડિયે વાયદો કર્યો હતો કે એકુરહુલેનીમાં થયેલા ગુનાઓની તપાસમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

તેમણે કહ્યું, “એક રાષ્ટ્ર તરીકે આપણે મહિલાઓ અને કિશોરીઓના અધિકારો, સુરક્ષા અને ગૌરવ માટે મજબૂત રીતે ઊભા રહેવું પડશે.”

લિંગ સમાનતા અને સામાજિક ન્યાય માટે કાર્યરત્ કાર્યકર લેબોગાંગ રામોફોકોએ જણાવ્યું કે દેશમાં મહિલાઓ સામેના હિંસાનાં ઊંચાં સ્તર એક વધુ ગંભીર અને વ્યાપક સમસ્યાનાં લક્ષણો છે, જે માનવતા પ્રત્યેના અભાવ સાથે જોડાયેલાં છે.

તેમણે બીબીસીને જણાવ્યું, “આ દેશમાં અશ્વેત મહિલાઓના મહત્ત્વને હંમેશાં ઓછું આંકવામાં આવ્યું છે. આ વલણ ઔપનિવેશિક સમયથી શરૂ થઈને રંગભેદની વ્યવસ્થા સુધી ચાલતું રહ્યું.”

અહીં તેઓ 1994 સુધી અમલમાં રહેલી કાયદેસર જાતિભેદની વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે.

તેમણે વધુમાં કહ્યું, “આજે મહિલાઓ સાથે જે થઈ રહ્યું છે, તે એ હિંસક વ્યવસ્થાઓની વારસાગત અસરનું પ્રતિબિંબ છે, જેના કારણે ઊભા થયેલા માનસિક અને સામાજિક ઘાનો ક્યારેય યોગ્ય રીતે સામનો કરવામાં આવ્યો નહોતો.”

“મારો અર્થ એ નથી કે અશ્વેત પુરુષો સ્વભાવથી હિંસક હોય છે, પરંતુ દાયકાઓ સુધી જે પ્રણાલીમાં તેમના પર હિંસા કરવામાં આવી હતી, તેમાં ઐતિહાસિક રીતે અશ્વેત મહિલાઓ એ વ્યક્તિઓ હતી, જેઓ પર તે હિંસાનો પ્રભાવ ઉતારવામાં આવતો હતો. આ ચક્ર આજે પણ સંપૂર્ણપણે તૂટ્યું નથી.”

‘દક્ષિણ આફ્રિકામાં હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી’

મહિલાની સતત થતી હત્યાથી દેશમાં ભયનો માહોલ છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images

એકુરહુલેનીના કેમ્પ્ટન પાર્ક વિસ્તારમાં (જ્યાં તાજેતરમાં મળેલા નવમાંથી પાંચ મહિલાના મૃતદેહો મળી આવ્યા હતા) લુમકા માકુબેલા ‘ગર્લ ટૂ વુમન ફાઉન્ડેશન’ સાથે જોડાયેલાં છે. આ સંગઠને આ ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિરોધપ્રદર્શનો કર્યાં છે.

તેઓ કહે છે, “અમે દુઃખી છીએ, અમે ડરી ગયાં છીએ. જો પોલીસ હવે અમારી સુરક્ષા કરી શકતી નથી, તો સરકારે આગળ આવીને કંઈક કરવું જોઈએ.”

“એ સ્પષ્ટ છે કે અમે સુરક્ષિત નથી. પોલીસ અમને વધુ સતર્ક રહેવાનું કહીને પોતાની જવાબદારીમાંથી છૂટી શકતી નથી. અમારા સમુદાયોને સુરક્ષિત બનાવવા માટે તેમણે વધુ પ્રયત્નો કરવા જોઈએ. આખરે અમે શું કરીએ? અમે ક્યાંય સુરક્ષિત નથી, ન અમારાં ઘરોમાં અને ન રસ્તાઓ પર. આ બધું હવે બંધ થવું જ જોઈએ.”

32 વર્ષીય થુલિસિલે સિબાન્ડે કહે છે, “મને સતત અસ્વસ્થતા અનુભવાય છે. જ્યારે હું કોઈ શૉપિંગ જાઉં છું, ત્યારે મને ચારે તરફ નજર રાખવી પડે છે. હું આઘાતમાં છું અને ડરી ગઈ છું. એટલી ડરી ગઈ છું કે આ એક પ્રકારની માનસિક પીડા બની ગઈ છે.”

60 વર્ષીય થેમ્બી માબેનાએ બીબીસીને જણાવ્યું કે તેઓ ડિનેઓ મોતાપાનેના પડોશમાં જ રહેતાં હતાં.

તેઓ યાદ કરતાં કહે છે, “તે દરરોજ દરેક સાથે હસતી-બોલતી હતી. હવે હું ચિંતિત છું.”

“હું ઘણી છોકરીઓને ઓળખું છું, જે મને કહે છે કે તેમને એકલાં દુકાને જતાં પણ ડર લાગે છે. અહીં કોઈ સુરક્ષા નથી. મારા માટે પણ નથી. હું વૃદ્ધ છું, છતાં સુરક્ષિત નથી.”

20 વર્ષીય લેરાટો મ્ઝિઝી શબ્દોમાં કહે છે, “દક્ષિણ આફ્રિકામાં હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS