Source : BBC NEWS

ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોના છૂટકારા મામલે થયેલી સમજૂતી રવિવારથી લાગુ થશે

ઇમેજ સ્રોત, Israeli Government Press Office

18 જાન્યુઆરી 2025, 07:08 IST

અપડેટેડ 28 મિનિટ પહેલા

ઇઝરાયલી કૅબિનેટે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને છોડવા મામલે હમાસ સાથે થયેલી સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતિ રવિવારથી લાગુ થશે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અને હમાસે કેટલાક કલાકો પહેલાં કહ્યું કે સમજૂતીનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સમજૂતીનું ઍલાન બુધવારે સૌથી પહેલા અમેરિકા અને કતારે કર્યું હતું.

આ સમજૂતીને ગુરુવારે ઇઝરાયલ કૅબિનેટની મંજૂરી લેવાની હતી પરંતુ બેન્જામિન નેતન્યાહૂએ કૅબિનેટની વોટિંગ ટાળતા હમાસ પર સમજૂતીમાં બદલાવ કરવાનો આરોપ લગાવ્યો.

શુક્રવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે ઍલાન કર્યું કે દોહામાં સ્થિત ઇઝરાયલી વાટાઘાટો કરતી ટીમે સમજૂતીને આખરી ઓપ આપી દીધો છે.

હમાસે પણ કહ્યું કે સમજૂતીની શરતોના સંબંધમાં તમામ અવરોધોને પાર કરી દેવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી ફોન પર વાત

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી ફોન પર વાત, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ, અમેરિકા, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત કરી છે.

બંને નેતાઓની વાતચીત 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદના શપથ લે તે પહેલાં થઈ છે.

ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ચીન તરફથી ઉપ રાષ્ટ્રપતિ હાન ઝેંગ સામેલ થશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર શી જિનપિંગ સાથે થયેલી વાતચીતની જાણકાર આપતા કહ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત સારી રહી.

ટ્રમ્પે લખ્યું, “મને આશા છે કે અમે સાથે રહીને ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકીશું અને તેની શરૂઆત તરત જ કરીશું.”

“અમે વ્યાપાર, ટિકટૉક અને અન્ય વિષયો પર સંતુલન બનાવવાને લઈને વાતચીત કરી. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હું વિશ્વને વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS