Home તાજા સમાચાર gujrati ઇઝરાયલ એક યહૂદી દેશ હોવા છતાં ત્યાંની 20 ટકા વસ્તી આરબ કેમ...

ઇઝરાયલ એક યહૂદી દેશ હોવા છતાં ત્યાંની 20 ટકા વસ્તી આરબ કેમ છે? જાણો આની પાછળનો ઇતિહાસ.

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

વાંચવાનો સમય: 5 મિનિટ

ઇઝરાયલની સામાન્ય ચૂંટણીનાં પરિણામો પરથી ખબર પડી હતી કે આરબ નેતૃત્વવાળી પાર્ટીઓ આ વખતે કિંગમેકર તરીકે સામે આવી શકે છે. ત્યાં રહી રહેલા આરબ લોકોમાં મોટા ભાગની વસ્તી મુસ્લિમોની છે.

ઇઝરાયલ તો યહૂદીઓનો દેશ છે, તો ત્યાં મુસ્લિમોની આટલી મોટી વસ્તી કેવી રીતે આવી?

1948માં ઇઝરાયલ દેશ બન્યું ત્યારે આ વિસ્તારમાં રહેતા લાખો આરબ લોકોએ પોતાનું ઘર છોડી દીધું હતું.

જેઓ ત્યાં રહી ગયા, તેમને બાદમાં સરકારે નાગરિકતા આપી, અને હવે તેમને ઇઝરાયલી આરબો કહેવામાં આવે છે.

ઇઝરાયલમાં રહી રહેલા આરબ ત્યાંનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે. તેઓ કબજાવાળા વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં રહેતા આરબ પેલેસ્ટાઇનિયનો કરતાં અલગ છે.

ઇઝરાયલની કુલ વસતીના 20 ટકા આરબ મૂળના લોકો છે.

કાયદાકીય રીતે આરબ નાગરિકોને યહૂદીઓ જેવા જ અધિકાર પ્રાપ્ત છે, પરંતુ બંને સમુદાયો વચ્ચે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મતભેદ પણ છે.

ઇઝરાયલની લઘુમતી વસતીમાં લગભગ 80 ટકા મુસ્લિમ છે. અન્ય ખ્રિસ્તી અને ડ્રૂઝ સમુદાયના લોકો છે.

તેમાંથી ઘણા મુસ્લિમ પોતાની જાતને વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઇનિયનો સાથે જોડે છે.

ઇઝરાયલમાં આરબોની સ્થિતિ કેવી છે?

બીબીસી ગુજરાતી

ઇઝરાયલ પોતાની જાતને એક યહૂદી અને લોકશાહી દેશ ગણાવે છે. જોકે, ટીકાકાર આ દાવા સાથે સંમત નથી.

ઇઝરાયલી સરકારનું કહેવું છે કે, “આરબ નાગરિકોને યહૂદીઓ સમાન નાગરિક અને કાયદાકીય અધિકારો પ્રાપ્ત છે. જોકે, આરબ નાગરિકોને અનિવાર્ય સૈન્ય સેવામાંથી સામાન્ય પણ છૂટી અપાઈ છે.”

ડ્રૂઝ સમુદાયના પુરુષો સહિત કેટલાક સમૂહો પર સૈન્ય સેવાના અલગ નિયમ લાગુ છે.

બીબીસી ન્યૂઝમાં છપાયેલા અહેવાલ અનુસાર, એક ઇઝરાયલી આરબ સાંસદે ઇઝરાયલની વ્યવસ્થા અંગે કહ્યું છે, “યહૂદીઓ માટે દેશ લોકશાહી છે, જ્યારે આરબો માટે એ એક યહૂદી રાષ્ટ્રની માફક કામ કરે છે.”

આરબ સમુદાયના ઘણા લોકો પોતાની જાતને ‘બીજા દરજ્જાના નાગરિક’ પણ ગણાવે છે.

અસમાનતા સાથે સંકળાયેલા આ સમાચારોને સરકારી તપાસ અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટોમાં પણ ઉઠાવવામાં આવ્યા છે.

વર્ષ 2003માં ગઠિત ‘ઑર કમિશન’ને પોતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે સરકારનો આરબ સમુદાય પ્રત્યેનું વલણ ભેદભાવપૂર્ણ રહ્યું.

આવી જ રીતે, અમેરિકન વિદેશ મંત્રાલયનો એક રિપોર્ટ જણાવે છે કે આરબ નાગરિકોને કાયદાકીય અને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે.

ઇઝરાયલમાં ક્યાં રહે છે આરબો?

બીબીસી ગુજરાતી

ઇઝરાયલી આરબોની સૌથી મોટી વસતી ઉત્તર ઇઝરાયલમાં વસેલી છે. નાઝરેથ, ઉમ્મ અલ-ફહમ અને સખનિન જેવાં શહેર તેનાં મુખ્ય કેન્દ્ર છે.

આ સિવાય, ઘણા લોકો હાઇફા, જાફા અને એકર જેવાં શહેરોમાં પણ રહે છે, જ્યાં આરબ અને યહૂદી એમ બંને સમુદાય સાથે રહે છે.

1948 બાદ જે આરબ લોકોએ પોતાનાં ઘર છોડ્યાં હતાં, તેમની જમીન પર ઇઝરાયલી સરકારે કબજો કરી લીધો હતો. ઑર કમિશન પ્રમાણે, આ જમીન ખૂબ મોટી હતી.

રિપોર્ટમાં કમિશને એવું પણ જણાવેલું કે એ બાદની નીતિઓને કારણે વધુ ઇઝરાયલી આરબોની જમીનો ઘટી.

આની સાથે સંકળાયેલા આંકડા એકત્રિત કરવાનું કામ મુશ્કેલ છે, પરંતુ ઍડ્વોકસી સમૂહો પ્રમાણે, ઇઝરાયલી આરબ કુલ વસતીના લગભગ 20 ટકા છે. પરંતુ, તેમની પાસે માત્ર ત્રણ ટકા જમીનો છે.

1948 બાદ બેડોઇન ટાઉનશિપ છોડીને કોઈ નવું આરબ શહેર નથી વસાવાયું.

જ્યારે ઇઝરાયલી આરબ વસતી ઓછામાં ઓછા સાત ઘણી વધી ચૂકી છે.

ઑર કમિશન પ્રમામે, ઘણી આરબ વસ્તીઓ સૈન્યની ચોકીઓ, યહૂદી રીજનલ કાઉન્સિલ, નૅશનલ પાર્ક અને હાઇવેથી ઘેરાયેલી છે. આ કારણે તેના વિસ્તારનો રસ્તો રોકાઈ જાય છે.

ઍડ્વોકસી સમૂહો પ્રમાણે, દક્ષિણ ઇઝરાયલના નેગેવમાં લગભગ 1.60 લાખ બેડોઇન આરબ કે ખાનાબદોશ બદ્દૂ સમૂહ રહે છે.

તેમાંથી લગભગ અડધા માન્યતારહિત વસ્તીઓમાં રહે છે, જેને પાયાની સુવિધાથી દૂર છે.

ઇઝરાયલમાં આરબ લોકોનો વિસ્તાર કેવો છે?

અડધા કરતાં વધુ ઇઝરાયલી આરબ પરિવાર ગરીબીમાં જીવી રહ્યા છે. યહૂદી ઇઝરાયલી પરિવારોમાં આ આંકડો લગભગ 15 ટકા છે. આ અંતર સતત વધતું જઈ રહ્યું છે.

મોસાવા ઍડ્વોકસી સેન્ટર અનુસાર, પાછલાં ઘણાં વર્ષોમાં માત્ર એક વર્ષને બાદ કરતાં, દર વર્ષે આરબ સમુદાયોને મળતા સરકારી વિકાસ ફંડમાં કપાત થઈ છે.

ઘણા આરબ વિસ્તારોમાં મ્યુનિસિપલ સેવાઓ પણ યહૂદી વિસ્તારોની સરખામણીએ કમજોર છે.

ત્યાં ક્લાસરૂમ ઓછા છે, સડકો જૂની છે અને સ્થાનિક સ્તરે રોજગારની તકો પણ ખૂબ ઓછી છે.

કેટલાક ઇઝરાયલી આ ભેદભાવ માટે આરબ વિસ્તારોમાં મ્યુનિસિપલ ટૅક્સની ઓછી વસૂલાતને જવાબદાર માને છે.

મોસાવા સેન્ટર માને છે કે કેટલાક આરબ ખરાબ સેવાઓ બદલે ટૅક્સ આપવા તૈયાર નથી.

સાથે જ, સેન્ટરનું કહેવું છે કે આ વિસ્તારોમાં એવી ફૅક્ટરીઓ, બિઝનેસ અને સરકારી ઑફિસો ઓછી છે, જેનાથી બીજા વિસ્તારોની મ્યુનિસિપલ તિજોરી ભરાય છે.

અમેરિકન વિદેશ મંત્રાલય પ્રમાણે, ઇઝરાયલી આરબ રોજગારનાં મોટાં ભાગનાં ક્ષેત્રોમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે.

મોસાવા સેન્ટર પ્રમાણે, “સરકારી ઑફિસોમાં માત્ર આઠ ટકા કર્મચારી ઇઝરાયલી આરબ છે. હાઇ-ટૅક કંપનીઓના 70 હજાર કર્મચારી આરબ છે.”

આ સિવાય, દેશમાં સરકારી ફંડથી ચાલતી અરબી ભાષાની કોઈ યુનિવર્સિટી નથી.

શું યહૂદી અને આરબોના કાયદાકીય અધિકારો સમાન છે?

ઇઝરાયલી સરકારનો જવાબ ‘હા’ છે, પરંતુ ઇઝરાયલી-આરબ ઍડ્વોકસી સમૂહ તેનાથી સંમત નથી.

મોસાવા સેન્ટર અનુસાર, ઓછામાં ઓછા 20 કાયદા આરબો સાથે ખુલ્લી રીતે ભેદભાવ કરે છે. ઇઝરાયલી આરબોને આધિકારિક લઘુમતી તરીકેનો દરજ્જો નથી મળ્યો.

અરબી એક આધિકારિક ભાષા છે, પરંતુ તેને હિબ્રૂ જેવો દરજ્જો હાંસલ નથી. મુસ્લિમ અને ખ્રિસ્તી તહેવારોના દિવસે રાષ્ટ્રીય રજા નથી, જ્યારે યહૂદી તહેવારો પર આવું હોય છે.

સૌથી વધુ વિવાદિત કાયદામાંથી એક ‘2003નો નાગરિકતા કાયદો’ છે. જેની અંતર્ગત કબજાવાળા વેસ્ટ બૅન્ક કે ગાઝાના પેલેસ્ટાઇનિયન, જેઓ ઇઝરાયલી સાથે લગ્ન કરે છે, તેમને સામાન્યપણે ઇઝરાયલ આવવાની પરવાગની નથી મળતી.

આ રોક 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને 35 વર્ષથી ઓછી ઉંમરના પુરુષો પર લાગુ હોય છે.

આનાથી વધુ ઉંમરના પેલેસ્ટાઇનિયનોને માત્ર અસ્થાયીપણે રહેવાની પરવાનગી અપાય છે.

આ કાયદા અંગે ઇઝરાયલનું કહેવું છે કે આ સુરક્ષા માટે જરૂરી છે. તેમજ, આરબોનું કહેવું છે કે આ કાયદો ભેદભાવપૂર્ણ છે.

ઇઝરાયલમાં જમીન વધુ એક મુશ્કેલ મુદ્દો છે. ઇઝરાયલની લગભગ 93 ટકા જમીન સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાઓ પાસે છે.

તેને નાગરિકોને લીઝ પર આપવામાં આવે છે. તેમાંથી 13 ટકા જમીન યહૂદી રાષ્ટ્રીય કોષ પાસે છે, જેને ખાસ કરીને યહૂદી માતૃભૂમિ માટે જમીન ખરીદવા માટે બનાવવામાં આવ્યો હતો.

ઍડ્વોકસી સમૂહોનું કહેવું છે કે ખરેખર આજે પણ ઇઝરાયલી આરબો માટે મોટા ભાગની સરકારી જમીન લીઝ પર લેવાનું કામ મુશ્કેલ છે.

રાજકારણમાં આરબોની શું ભૂમિકા છે?

બીબીસી ગુજરાતી

1966 ઇઝરાયલી આરબ સૈન્ય શાસનની આધીન હતા. સ્વતંત્ર આરબ રાજકીય પાર્ટીઓ પણ 1980 અને 1990ના દાયકામાં જ બની શકી.

હાલ 120 બેઠકોવાળી 25મી નેસેટમાં આરબ પાર્ટીઓના 13 સભ્યો છે.

આરબોને સામાન્ય રીતે ઇઝરાયલમાં ‘પાંચમો કૉલમ’ કહેવામાં આવે છે. ખાસ કરીને, આવું ત્યારે થાય છે, જ્યારે પેલેસ્ટાઇનિયનો સાથે તણાવ વધે છે.

કેટલાક ઇઝરાયલી આરબ રાષ્ટ્રીય ચૂંટણીમાં ભાગ નથી લેતા. તેના માટે બે કારણ જવાબદાર ગણાવવામાં આવે છે.

પ્રથમ એ કે તેમને લાગે છે કે તેમના વોટથી કંઈ જ નહીં બદલાય, બીજું, એ કે ઇઝરાયલી રાજ્યને તેઓ માન્યતા નથી આપવા માગતા.

ઇસ્લામિક મૂવમેન્ટ નામનું ઇસ્લામિક સંગઠન બીજા કારણનું સમર્થન કરે છે. જોકે, એ સ્થાનિક ચૂંટણીમાં ભાગ લે છે.

આરબ લોકો પ્રત્યે ઇઝરાયલી સરકારનું વલણ શું છે?

ઇઝરાયલી સરકારનું કહેવું છે કે ઇઝરાયલ બન્યા બાદથી આરબો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા અને મહિલાઓના અધિકાર જેવાં ક્ષેત્રોમાં ઘણું કામ થયું છે.

સરકાર પ્રમાણે, આરબોની સામાજિક-આર્થિક સ્થિતિ કમજોર હોવા પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે.

જેમ કે, પરિવારો મોટા થવા અને મહિલાઓ પાસે રોજગારીની ઓછી તક હોવી.

વર્ષ 2000નાં રમખાણો બાદ ઑર કમિશન ઘડવામાં આવ્યું હતું. તેની તપાસમાં કમિશનને જાણવા મળ્યું હતું કે આ ઘટના પાછળ પોલીસની ચૂક, ભેદભાવ અને આરબ નેતાઓનાં ભડકાવનારાં નિવેદનો જવાબદાર હતાં.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાછલી દક્ષિણપંથી સરકારમાં એક લઘુમતી મંત્રી પણ સામેલ હતા.

સરકારે લઘુમતી કારોબારમાં સંયુક્ત સરકારી-ખાનગી રોકાણ માટે ચાર કરોડ ડૉલરના ફંડની જાહેરાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS