Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ઈઝરાયલ પેલેસ્ટાઈન હમાસ ગાઝા યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, ટૉમ મેકઆર્થર
  • પદ, બીબીસી ન્યૂઝ
  • 19 જાન્યુઆરી 2025, 12:52 IST

    અપડેટેડ એક કલાક પહેલા

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે હમાસ સાથે યુદ્ધવિરામના બીજા તબક્કાની વાતચીત નિષ્ફળ જશે તો ઇઝરાયલ હમાસ સામે ફરી યુદ્ધ શરૂ કરવા તૈયાર છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતીનો પ્રથમ તબક્કો 19 જાન્યુઆરીથી અમલમાં આવી રહ્યો છે. થોડા કલાકો અગાઉ એક ટીવી ભાષણમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધવિરામ ‘અસ્થાયી’ છે અને ઇઝરાયલ ગાઝા પર ફરીથી હુમલો કરવાનો અધિકાર અનામત રાખે છે.

તેમણે કહ્યું કે આ માટે તેમને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ છે.

યુદ્ધવિરામની સમજૂતી પછી પણ નેતન્યાહૂને ઘણાં સ્તરે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં હજારો લોકો એવા છે જેઓ તમામ બંધકોની મુક્તિની માંગણી કરે છે.

ઇઝરાયલની શરતો

બીબીસી ગુજરાતી ઈઝરાયલ પેલેસ્ટાઈન હમાસ ગાઝા યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Getty Images

નેતન્યાહૂએ પોતાના ટીવી ભાષણમાં છેલ્લા પંદર મહિનામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની સફળતાઓ ગણાવી હતી, જેમાં હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યાનો પણ સમાવેશ થાય છે.

તેમણે કહ્યું, “અમે મધ્યપૂર્વની તસવીર બદલી નાખી છે, હમાસ હવે સંપૂર્ણ રીતે એકલું પડી ગયું છે.”

સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અમલમાં આવશે.

શનિવારના ભાષણની પહેલાં નેતન્યાહૂએ કહ્યું કે જ્યાં સુધી હમાસ મુક્ત થનારા બંધકોની યાદી નહીં આપે ત્યાં સુધી ઇઝરાયલ સમજૂતીનો અમલ કરશે નહીં.

તેમણે કહ્યું કે, “ઇઝરાયલ કરારના ઉલ્લંઘનને સહન નહીં કરે.”

હમાસ જે 33 બંધકોને મુક્ત કરવાની યોજના ધરાવે છે તેની લાંબી યાદી ઇઝરાયલી મીડિયામાં પ્રકાશિત થઈ ચૂકી છે, પરંતુ અધિકારીઓએ તેની પુષ્ટિ કરી નથી.

ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે તેમને હજુ સુધી ત્રણ બંધકોના નામ નથી મળ્યા જેમને રવિવારે મુક્ત કરવામાં આવનાર છે.

દરમિયાન ઇઝરાયલે ગાઝામાં હમાસ અને ઇસ્લામિક જેહાદનાં લક્ષ્યો પર હવાઈહુમલા ચાલુ રાખ્યા છે. હમાસના અધિકારીઓનું કહેવું છે કે બુધવારે સમજૂતીની જાહેરાત થયા બાદ પણ 120થી વધુ લોકો માર્યા ગયા છે.

આગામી થોડાં અઠવાડિયામાં પેલેસ્ટાઇનના 1,890 કેદીઓના બદલામાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે. સમજૂતીની શરતો મુજબ ઈઝરાયેલ પણ ગાઝામાંથી પોતાની સેના હટાવવાનું શરૂ કરશે.

જોકે, શરૂઆતમાં બંધકોને ઇઝરાયલમાં કઈ જગ્યાએ સોંપવામાં આવશે તે હજુ નક્કી નથી. ઇઝરાયલના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગાઝામાં સરહદની નજીક ત્રણ સ્થળો તૈયાર કરવામાં આવ્યાં છે.

આ અગાઉ હમાસની નજીકના એક સૂત્રે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ત્રણ મહિલા બંધકોને પહેલાં મુક્ત કરવામાં આવશે.

ઇઝરાયલના મંત્રીઓએ પણ સમજૂતીનો વિરોધ કર્યો

બીબીસી ગુજરાતી ઈઝરાયલ પેલેસ્ટાઈન હમાસ ગાઝા યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Koby Gideon (GPO)/Handout/Anadolu via Getty Images

યુદ્ધવિરામનો પહેલો તબક્કો શરૂ થાય તેના 16 દિવસ પછી યુદ્ધવિરામના બીજા તબક્કાની શરતો વિશે ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાતચીત શરૂ થશે અને “યુદ્ધના કાયમી અંત” સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ કરારના બીજા તબક્કામાં શું થશે તે હજી પણ અનિશ્ચિત છે, પરંતુ આ તબક્કામાં પુરુષો સહિત બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે કારણ કે ઇઝરાયલ તેની જેલોમાં રહેલા મોટાભાગના પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરશે.

આ સમજૂતી હેઠળ ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોને સંપૂર્ણ પાછા ખેંચી લેવામાં આવશે.

અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી હમાસ પોલીસ કોઈ હથિયાર નહીં રાખે એવું પણ માનવામાં આવે છે. તે ઉત્તર ગાઝામાં વિસ્થાપિત લાખો લોકો પરત ફરે તેની વ્યવસ્થા સંભાળશે.

ત્રીજા અને અંતિમ તબક્કામાં ગાઝાનાં પુનઃનિર્માણનો સમાવેશ થશે. આ કામમાં ઘણાં વર્ષો લાગી શકે છે. આ તબક્કામાં માર્યા ગયેલા બાકીના બંધકોના મૃતદેહો પાછા લાવવામાં આવશે.

શુક્રવારે રાત્રે ઇઝરાયલ સરકારે કેટલાય કલાકોની ચર્ચા કર્યા પછી યુદ્ધવિરામ અને બંધક મુક્તિની સમજૂતીને મંજૂરી આપી હતી.

ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગ્વીર સહિત બે કટ્ટર જમણેરી મંત્રીઓએ સમજૂતીની વિરુદ્ધમાં મત આપ્યો.

બંધકોના સગાંસંબંધીઓમાં નારાજગી

બીબીસી ગુજરાતી ઈઝરાયલ પેલેસ્ટાઈન હમાસ ગાઝા યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Getty Images

આ સમજૂતીની લાંબી જોગવાઈઓના કારણે પણ બંધકોના પરિવારોમાં ચિંતા અને એક પ્રકારનો મતભેદ પેદા થયો છે. કેટલાક લોકોને ડર છે કે પ્રથમ તબક્કો પૂરો થયા બાદ તેમના સગાંસંબંધીઓને ગાઝામાં જ છોડી દેવાશે.

શનિવારે સાંજે તેલ અવીવમાં હજારો પ્રદર્શનકારો એકત્ર થયા હતા અને સરકાર પાસેથી યુદ્ધવિરામના પ્રથમ તબક્કામાં અન્ય બંધકોને મુક્ત કરવાની ખાતરીની માંગ કરી હતી.

બંધક અને ગુમ થયેલા પરિવારોના ફોરમના સભ્ય ગેઇલ આલ્કલેએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે “આપણે 200 સૈનિકો અને દસથી વધુ બંધકોના જીવ બચાવી શક્યા હોત.”

તેમણે કહ્યું કે લોકો બિનજરૂરી રીતે માર્યા ગયા કારણ કે સરકાર “કોઈ નિર્ણય લઈ શકી ન હતી અને ટ્રમ્પની રાહ જોતી રહી.”

આ અગાઉ ઇઝરાયલની પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે તેલ અવીવમાં એક રૅસ્ટોરાં પાસે છરી વડે થયેલા હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે એક વ્યક્તિએ હુમલાખોરને કથિત રીતે ગોળી મારી દેતા તેનું મૃત્યુ થયું હતું.

ઇઝરાયલી મીડિયા અનુસાર શંકાસ્પદ વ્યક્તિ ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના તુલકર્મથી “ગેરકાયદે” તેલ અવીવમાં ઘૂસી આવી હતી.

ગાઝા પર બૉમ્બમારામાં કોઈ રાહત નહીં

બીબીસી ગુજરાતી ઈઝરાયલ પેલેસ્ટાઈન હમાસ ગાઝા યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે રાત્રે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરવામાં આવી ત્યારથી ગાઝામાં પેલેસ્ટાઇનીઓને કોઈ રાહત મળી નથી.

પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ત્યારથી અત્યાર સુધીના હુમલામાં 123 લોકો માર્યા ગયા છે, જેમાં કેટલીય મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

એએફપીના અહેવાલ મુજબ શનિવારે ગાઝાની હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ રૅસ્ક્યૂ એજન્સીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાં એક તંબુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે એક પરિવારના ઓછામાં ઓછાં પાંચ સભ્યોનાં મોત નિપજ્યાંં હતાં.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે ગુરુવારની બપોરથી અત્યાર સુધીમાં તેમણે ગાઝામાં હમાસ અને ઇસ્લામિક જેહાદના 100 લડવૈયાઓ પર હુમલો કર્યો છે, જેઓ ગાઝામાં તેમનાં “ટેરર ટાર્ગેટ” પૈકી હતાં.

ઇઝરાયેલની સેનાએ હમાસને ખતમ કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. હમાસને ઇઝરાયલ, અમેરિકા અને અન્ય ઘણા દેશોએ ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું છે.

7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા અભૂતપૂર્વ હુમલાના જવાબમાં ઇઝરાયલે કાર્યવાહી કરી હતી. હમાસના હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝામાં લગભગ 46,899 લોકો માર્યા ગયા છે. ગાઝાની 23 લાખની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે અને મોટાપાયે વિનાશ થયો છે.

લડાઈનો ભોગ બનેલા અને જરૂરિયાતમંદ લોકો પાસે હાલમાં ખોરાક, ઇંધણ, દવા અને રહેઠાણની ગંભીર અછત છે. તેમણે સહાય સામગ્રી મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS