Source : BBC NEWS

(ચેતવણી: આ લેખમાં આપેલી વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)
બીબીસી આઇની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ ભારતમાં બાળ જાતીય શોષણ સામગ્રીને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચલાવી રહ્યું છે.
બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા જોવામાં આવેલી જાહેરાતોમાં “બળાત્કાર વીડિયો” અને “બાળ વીડિયો” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને વપરાશકારોને મૅસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામ પર ચૅનલના નામ સાથે લિંક મોકલવામાં આવે છે, જ્યાં તેઓ સામગ્રી ફક્ત 99 રૂપિયામાં ખરીદી શકે છે.
ઉપયોગકારો દ્વારા બનાવાયેલી પોસ્ટ્સથી વિપરીત, ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો ત્યારે જ પબ્લિશ થાય છે, જ્યારે તેની મધ્યસ્થતા ટૅક્નૉલૉજી દ્વારા મંજૂરી મળે.
જ્યારે બીબીસીએ ઇન્સ્ટાગ્રામને એક જાહેરાતની જાણ કરી, ત્યારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મે 24 કલાક પછી જવાબ આપ્યો કે પોસ્ટે “સમુદાય માર્ગદર્શિકા”નું ઉલ્લંઘન કર્યું નથી.
બાદમાં જ્યારે બીબીસીએ ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાને પૂછ્યું, ત્યારે તેણે જણાવ્યું કે તેણે પહેલાંથી જ ઘણી જાહેરાતો અટકાવી દીધી છે અને આવી જાહેરાતો પોસ્ટ કરતા એકાઉન્ટ્સને પણ સસ્પેન્ડ કરી દીધાં છે. કંપનીએ કહ્યું કે તેણે બીબીસીની માહિતીને આધારે વધારાની જાહેરાતો દૂર કરી નાખી છે, અને વધુ એકાઉન્ટ્સ પણ અક્ષમ કર્યાં છે. સાથે સાથે તેની નીતિઓનું ઉલ્લંઘન કરતી અન્ય સામગ્રી માટેની URL લિંક પણ બ્લૉક કરી દીધી છે.
ટેલિગ્રામે જણાવ્યું કે તેણે 2026માં બાળ જાતીય શોષણ સામગ્રી સંબંધિત 2 લાખ 74 હજારથી વધુ ગ્રૂપ્સ અને ચૅનલો હઠાવ્યાં છે.
તપાસ કેવી રીતે શરૂ થઈ?
બીબીસીની તપાસમાં ખબર પડી કે ઇન્સ્ટાગ્રામ, કોઈ વપરાશકારે ક્યારેય સર્ચ પણ ન કરી હોય તેવી સેક્સ વિષયક સામગ્રીને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે બીબીસીએ ઇન્સ્ટાગ્રામ પર એક નકલી એકાઉન્ટ બનાવ્યું.
તેમાં એવી મહિલાઓનો સમાવેશ થતો હતો કે જે ભારતમાં ખોરાક, હવામાન અને રોજિંદા જીવન વિશે પોસ્ટ કરતી હતી. પરંતુ ઓછાં કપડાં પહેરીને પોતાની પોસ્ટમાં જાતીય સંકેતોનો ઉપયોગ કરતી હતી.
ભારતમાં બનાવેલા આ નકલી એકાઉન્ટે આવી મહિલાઓ અને આ પ્રકારનાં બીજા લોકોને એમ કુલ દસ લોકોને ફૉલો કરવાનું શરૂ કર્યું.
એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામે ફીડ પર એવી જાહેરાતો બતાવવાનું શરૂ કરી દીધું કે જેમાં મહિલાઓ વીડિયો કૉલ્સની ઑફર કરતી, અને સ્પષ્ટપણે નગ્ન યુગલોને સેક્સ કરતા દર્શાવાતાં હતાં.
થોડા દિવસો પછી તેણે બાળકો અને પુખ્ત વયના લોકો જાતીયતા વ્યક્ત કરતા હોય તેવી સ્થિતિવાળી જાહેરાતો શરૂ કરી દીધી, જેમાં ટેલિગ્રામ ચૅનલોની લિંક્સ પણ હતી.

કુલ મળીને, લગભગ 30 અલગ-અલગ જાહેરાતો બાળ જાતીય શોષણને પ્રોત્સાહન આપતી દેખાઈ, જોકે આમાંથી કેટલીક જાહેરાતો અનેક એકાઉન્ટ્સ દ્વારા શૅર કરવામાં આવી હતી.
એક નકલી એકાઉન્ટ પર પુખ્ત વયના લોકોની પોર્નોગ્રાફી દર્શાવતી લગભગ 20 જાહેરાતો પણ બતાવાતી હતી.
ભારતમાં બાળ જાતીય શોષણ સામગ્રી અને પુખ્ત વયના લોકોની પોર્નોગ્રાફી બંનેનું વિતરણ ગુનાહિત પ્રવૃત્તિ ગણાય છે, જ્યારે મેટાની નીતિ જણાવે છે કે જાહેરાતોમાં પુખ્ત વયના લોકો માટે નગ્નતા, ગુપ્તાંગ અથવા બાળકોનું જાતીય શોષણ કરતી કે તેમને જોખમમાં મૂકતી સામગ્રી હોવી જોઈએ નહીં.
બીબીસીએ આ બધી જાહેરાતો અને ટેલિગ્રામ ચૅનલોની જાણકારી ભારતીય અધિકારીઓને આપી છે.
એક જાહેરાતમાં એક છોકરો અને છોકરી, જે બંને લગભગ 12 વર્ષનાં દેખાતાં હતાં, તેમને યૌન ક્રિયાઓ કરતાં દર્શાવાયાં હતાં.
બીજી જાહેરાતમાં એક પુરુષ એક છોકરીના ખભા પર હાથ રાખીને ઊભો હતો અને તેમાં લખાણ હતું કે તે 52 વર્ષનો છે અને છોકરી 12 વર્ષની. તેમાં લખ્યું હતું, “વધુ જોવા માટે ક્લિક કરો,” અને એક ટેલિગ્રામ ચૅનલની લિંક આપવામાં આવી હતી.
બીબીસીએ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાતની ફરિયાદ કરી હતી, જેમાં એક ખૂબ જ નાની છોકરી રડતી દેખાડાઈ હતી, અને લખ્યું હતું કે તેનું જાતીય શોષણ થયું છે.
પરંતુ 24 કલાક બાદ ઇન્સ્ટાગ્રામે જવાબ આપ્યો કે તેણે એ જાહેરાત દૂર કરી નથી, કેમ કે “અમારી સમીક્ષાત્મક ટીમને જાણવા મળ્યું છે કે જાહેરાતકારોની જાહેરાત અમારા સમુદાયની નીતિઓની વિરુદ્ધ નથી.”
બાદમાં મેટાએ બીબીસીને જણાવ્યું હતું કે, “કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણપણે પરફેક્ટ નથી હોતી, અને અમારી સમીક્ષાની પ્રક્રિયા કદાચ બધાં જ નીતિનાં ઉલ્લંઘનોને શોધી શકતી નથી.”
મેટાએ જણાવ્યું, “અમે જાહેરાતો લાઇવ થયા પછી પણ તેની સક્રિય શોધની તકનીક ચાલુ રાખીએ છીએ, અને કોઈ પણ એવી જાહેરાતની જાણ કરી શકે છે જે તેમને લાગે છે કે તે અમારા નિયમોનું ઉલ્લંઘન કરે છે.”
તેણે ઉમેર્યું હતું કે જ્યારે પણ તેમને સ્પષ્ટપણે બાળ શોષણ અંગેની જાણ થાય છે ત્યારે તે કાયદાનું પાલન કરીને નૅશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન (NCMEC)ને જાણ કરે છે. NCMEC એ બાળકોના ઑનલાઇન જાતીય શોષણ માટેની કેન્દ્રીય વૈશ્વિક રિપોર્ટિંગ સિસ્ટમ છે.
અમે બાળ જાતીય શોષણના વીડિયોઝ વેચવા બદલ ટેલિગ્રામને બે ચૅનલોની જાણ કરી હતી.
ત્યાર બાદ તેમાંથી એક ચૅનલને દૂર કરવામાં આવી હતી અને તેના સ્થાને એવો સંદેશ લખેલો આવતો હતો કે, “આ ગ્રૂપ દર્શાવી શકાય તેમ નથી, કારણ કે તેણે ટેલિગ્રામની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.” પરંતુ બીજી ચૅનલે વેચાણ માટે નવા વીડિઓઝ પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું.
ટીકાકારોએ અગાઉ પણ આ પ્લૅટફૉર્મ પર ગુનાહિત સામગ્રીના શૅરિંગને રોકવા માટે પૂરતાં પગલાં ન લેવાતાં હોવાનો આરોપ લગાવ્યો છે. દુબઈની આ કંપની ન તો NCMECની સભ્ય છે, ન તો ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશનની. આ કંપનીઓ મોટે ભાગે ઑનલાઇન પ્લૅટફૉર્મ સાથે મળીને આવી સામગ્રી શોધવાનું, તેનું રિપોર્ટિંગ કરવાનું અને તેને દૂર કરવાનું કામ કરે છે.
ટેલિગ્રામે બીબીસીને જણાવ્યું હતું કે કંપની ઍપમાંથી બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM) નાબૂદ કરવા માટે સ્વચાલિત અને માનવીય સંચાલિત દેખરેખ બંનેનો ઉપયોગ કરે છે. કંપનીનું કહેવું છે કે તેના પરિણામે તેમણે પોતાના પ્લૅટફૉર્મ પરથી આવી સામગ્રીના જાહેર પ્રસારને લગભગ સંપૂર્ણપણે અટકાવી દીધો છે.
મેટા કેવી રીતે જાહેરાતોની આવક પર નિર્ભર છે?
ઇમેજ સ્રોત, Reuters
મેટા માટે જાહેરાતો આવકનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે.
જાન્યુઆરીમાં કંપનીએ જણાવ્યું હતું કે 2025માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન તેની અંદાજે 200 અબજ ડૉલર (152 અબજ પાઉન્ડ) કુલ આવકમાંથી લગભગ 98 ટકા આવક જાહેરાતોમાંથી મળી હતી. વિશ્લેષકોનું માનવું છે કે ઇન્સ્ટાગ્રામની કુલ આવકમાં 90 ટકાથી પણ વધુ હિસ્સો જાહેરાતોમાંથી આવે છે.
સામાન્ય પોસ્ટ્સ કોઈ પૂર્વ તપાસ વિના આપોઆપ અપલોડ થઈ જાય છે, પરંતુ મેટાનું કહેવું છે કે તેની દરેક જાહેરાતને પ્લૅટફૉર્મ પર મંજૂરી આપવામાં આવે તે પહેલાં તેની સમીક્ષા કરવામાં આવે છે.
તેની સમીક્ષાત્મક સિસ્ટમ મુખ્યત્વે સ્વચાલિત ટૅક્નૉલૉજી પર આધારિત છે. તે તસવીરો, વીડિયો, લખાણ અને ઑડિયો ઉપરાંત જાહેરાત કયા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને તેમાં આપવામાં આવેલી લિંક્સ વપરાશકર્તાઓને ક્યાં લઈ જાય છે તેની પણ તપાસ કરે છે.
ત્યાર બાદ આ સૉફ્ટવૅર જાહેરાતોને મંજૂરી આપે છે કે નકારી કાઢે છે. જો કોઈ મામલે તેને સ્પષ્ટ નિર્ણય લેવામાં મુશ્કેલી પડે, તો તે કેસ માનવસમીક્ષા માટે મોકલવામાં આવે છે.
માર્ચ મહિનામાં મેટાએ જાહેરાત કરી હતી કે તે ત્રીજા પક્ષના માનવ સંચાલિત મૉડરેટરો પરની પોતાની નિર્ભરતા ઘટાડીને એઆઇનો ઉપયોગ વધારી રહી છે. કંપનીએ સાથે એવું પણ જણાવ્યું હતું કે, “નિષ્ણાતો અમારી એઆઇ સિસ્ટમની રચના કરશે, તેમને તાલીમ આપશે, દેખરેખ રાખશે અને મૂલ્યાંકન કરશે.”
બીબીસીએ ભારતના સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ મદન લોકુરને આવી જાહેરાતો વિશે માહિતી આપી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગીદારી કરીને પૈસા કમાઈ રહ્યું છે.
તેમણે કહ્યું, “આ એટલો ગંભીર મુદ્દો છે કે ભારતની સુપ્રીમ કોર્ટ સુઓમોટો સંજ્ઞાન (કોઈ કોર્ટ કોઈ બીજા દ્વારા કેસ લાવવાની રાહ જોયા વિના કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે) લઈને અને સરકારને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી શકે છે.”
ન્યાયાધીશ લોકુરે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય કાયદો સોશિયલ મીડિયા કંપનીઓને વપરાશકારો દ્વારા અપલોડ કરવામાં આવેલી સામગ્રી માટે સીધી જવાબદારીમાંથી રાહત આપતો હોવા છતાં, “પ્લૅટફૉર્મ પોતાની જવાબદારીથી બચી શકતું નથી, બિલકુલ બચી શકતું નથી.”

2021માં નામ બદલાવ્યા પહેલાં જે કંપની ફેસબુક તરીકે ઓળખાતી હતી અને આજે મેટા તરીકે ઓળખાય છે, તેના ભૂતપૂર્વ ઉપપ્રમુખે બીબીસીનાં તારણોને લઈને જણાવ્યું કે તેઓ “ભયભીત થયા પણ આશ્ચર્યચકિત નહીં.”
2009થી 2020 દરમિયાન કંપનીમાં કાર્યરત્ રહેલા અને તેના જાહેરાત તથા માર્કેટિંગ વ્યવસાયના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બ્રાયન બોલાન્ડે કહ્યું કે તેમણે કંપની છોડી દીધી, કારણ કે તેમને લાગતું હતું કે “કંપનીને વપરાશકારોની જરાકે પરવા નથી.”
તેમણે કહ્યું કે ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ વપરાશકારોને “કંઈક વધુ આત્યંતિક, વધુ મોહક” બતાવીને પ્લૅટફૉર્મ પર રોકી રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
“એવું નથી કે અલ્ગોરિધમ એવો વિચાર કરે છે કે ‘ચાલો લોકોને પીડોફાઇલ (બાળકોનું યૌન શોષણ કરનારા) બનાવી દઈએ.’ પરંતુ જ્યારે તેની જવાબદારીપૂર્વક દિશા નક્કી કરવામાં ન આવે, તેના પર યોગ્ય નિયંત્રણ રાખવામાં ન આવે, અને તે માત્ર આવક તથા ક્લિક્સ વધારવાનાં લક્ષ્યોને જ અનુસરી રહ્યાં હોય, ત્યારે લોકો આ સિસ્ટમો પ્રત્યે ખરેખર કડક અને સજાગ રક્ષણાત્મક વલણ નહીં રાખે, તો આવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.”
બોલાન્ડે કહ્યું કે 2009 અને 2010ની વચ્ચે તેમણે વપરાશકારોને છેતરતી જાહેરાતોને દૂર કરવા માટેના એક પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું, જેનો અર્થ એ થયો કે તેમને “તે સમયે, વપરાશકારોની સલામતી અને વપરાશકારના અનુભવને પ્રાથમિકતા આપવા માટે કંપનીની આવકનો મોટો ભાગ દૂર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”
“મને જે વાત દુઃખદ અને કરુણ લાગે છે તે એ છે કે સમય જતાં આવક અને વપરાશકારના અનુભવ વચ્ચેનો તાલમેલ કંપનીની ચર્ચાઓનું કેન્દ્ર બની ગયો.”
તેમણે જણાવ્યું કે તેમણે 2025માં પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. તેમણે ઉમેર્યું, “જો મોટી સંખ્યામાં લોકો એવું કહેવા માંડે કે ‘હવે બસ, અમે બહાર નીકળી રહ્યા છીએ, હવે બહુ થયું,’ તો કંપની ચોક્કસપણે ધ્યાન આપશે.”
બીબીસીને મોકલવામાં આવેલા એક નિવેદનમાં મેટાએ જણાવ્યું હતું, “બાળકોના શોષણ જેવી પ્રવૃત્તિ એક ભયાનક ગુનો છે અને અમારી ઍપ્લિકેશનો પર તેની સામે લડવા માટે મેટા અત્યંત સક્રિય રીતે કામ કરે છે.”
તેણે કહ્યું હતું કે મેટા જાણી જોઈને અને ઇરાદાપૂર્વક બાળકોને દર્શાવતી જાહેરાતો વપરાશકારોને અયોગ્ય રસ ધરાવતા લોકોને બતાવતી હતી તેમ કહેવું સંપૂર્ણપણે ખોટું અને તથ્યવિહોણું છે.
કંપનીએ સલામતી કરતાં આવકને પ્રાથમિકતા આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે 2025માં તેણે “શંકાસ્પદ વર્તણૂકના પૂરતા સંકેતો” દર્શાવતા ચાર મિલિયનથી વધુ એકાઉન્ટ્સને આપમેળે બંધ કરી દીધાં હતાં.
મેટાએ વધુમાં જણાવ્યું હતું, “જ્યારે ગુનાહિત તત્ત્વો ઓળખથી બચવા માટે સતત નવા રસ્તાઓ શોધે છે, ત્યારે અમારી નિષ્ણાત ટીમો પણ અમારી સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત્ રહે છે. અમે શિકારી વૃત્તિ ધરાવતા લોકોની ઓળખ કરવા માટે નવી ટૅક્નૉલૉજી વિકસાવી રહ્યા છીએ, નિયમોનું ઉલ્લંઘન કરતી વેબસાઇટ્સની લિંક્સને અવરોધી રહ્યા છીએ અને અન્ય કંપનીઓ સાથે પણ માહિતી વહેંચી રહ્યા છીએ, જેથી તેઓ પણ જરૂરી પગલાં લઈ શકે.”
આ વર્ષની શરૂઆતમાં બોલેન્ડે અમેરિકાના ન્યૂ મૅક્સિકો રાજ્યમાં મેટા વિરુદ્ધ ચાલેલા એક કેસમાં સાક્ષી તરીકે નિવેદન આપ્યું હતું. આ કેસમાં મેટા પર બાળકો માટે તેના પ્લૅટફૉર્મ્સ કેટલી હદ સુધી સુરક્ષિત છે તે અંગે વપરાશકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોર્ટે મેટાને ન્યૂ મૅક્સિકો રાજ્યને 375 મિલિયન ડૉલર (279 મિલિયન પાઉન્ડ) ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તે સમયે કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે ચુકાદા સાથે અસંમત છે અને ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાનો ઇરાદો ધરાવે છે.

અમેરિકાસ્થિત સોશિયલ મીડિયા કંપનીઓએ તેના પ્લૅટફૉર્મ પર જોવા મળતી બાળ જાતીય શોષણ સામગ્રીની જાણ NCMEC સાયબર ટિપલાઇનને કરવી ફરજિયાત છે.
ત્યાર બાદ આ ટિપલાઇન જે દેશમાં ઘટના બની હોવાનું લાગતું હોય, ત્યાંની સંબંધિત કાયદા અમલવારી એજન્સીને આ માહિતી મોકલવામાં આવે છે.
2025 દરમિયાન ભારતને આવી 19 લાખ જેટલી ફરિયાદો મળી હતી. આ મામલે અમેરિકા લગભગ 20 લાખ ફરિયાદો સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે ભારત બીજા ક્રમે હતું.
ભારતના ટોચના સાયબર પોલીસ અધિકારીઓમાંનાં એક શિખા ગોયલ ભારતના તેલંગણા રાજ્યમાં સાયબર સિક્યૉરિટી બ્યૂરોનાં ડિરેક્ટર છે, તેમણે જણાવ્યું હતું કે મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે સૌથી વધુ ટિપલાઇન જનરેટ કરી છે.
તેમણે કહ્યું, “પરંતુ તેનો અર્થ એ નથી કે આ પ્લૅટફૉર્મ્સ પર જ સૌથી વધુ સમસ્યા છે. જો કોઈ પ્લૅટફૉર્મ પાસે બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રીને શોધી કાઢવા માટે અસરકારક અલ્ગોરિધમ હોય, તો સ્વાભાવિક રીતે જ તેમાંથી વધુ ચેતવણીઓ જનરેટ થાય.”
મુંબઈસ્થિત અને ઑનલાઇન જોખમોનો સામનો કરતાં બાળકો માટે હેલ્પલાઇન સેવા ચલાવતા રતિ ફાઉન્ડેશને પણ જણાવ્યું હતું કે બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી અંગે તેમને મળતા મોટા ભાગના અહેવાલો મેટાના પ્લૅટફૉર્મ્સ પરથી જ આવે છે.
આ સંસ્થા નુકસાનકારક સામગ્રી દૂર કરવામાં મદદરૂપ થવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ સાથે મળીને કામ કરે છે. જોકે તેના સહસ્થાપક અને નિયામક સિદ્ધાર્થ પિલ્લાઈએ જણાવ્યું હતું કે, “ગુનેગારો અમારી દેખરેખ અને નિયંત્રણની પ્રક્રિયાથી બચવા માટે ઇન્સ્ટાગ્રામથી ટેલિગ્રામ સુધીના સરળ માર્ગનો ઉપયોગ કરે છે અને અમે જે સામગ્રી દૂર કરવામાં મદદ કરીએ છીએ, તેને તેઓ ફરી ફરીને અપલોડ કરતા રહે છે.”
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતમાં બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી મોટા ભાગે માનવતસ્કરી સાથે સંકળાયેલા ગુનાહિત ગઠબંધનો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જોકે કેટલાક કિસ્સાઓમાં પરિવારજનો અથવા સ્થાનિક સમુદાયના લોકો પણ જવાબદાર હોય છે.
ભારતમાં બાળકો વિરુદ્ધની હિંસા અટકાવવા માટે કાર્યરત્ 250થી વધુ સંસ્થાઓના નેટવર્ક ‘જસ્ટ ફૉર રાઇટ્સ’ના સ્થાપક ભુવન રિભુએ જણાવ્યું હતું કે આ પ્રકારના ગુનાઓની ફરિયાદો હજુ પૂરતી સંખ્યામાં નોંધાતી નથી અને પોલીસ તંત્ર પણ આવા ગુનાઓનો સામનો કરવા માટે જરૂરી તકનીકી કુશળતા વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આ લડતમાં સફળ થવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સરહદો પાર ગુપ્તચર માહિતીની આપ-લે અત્યંત આવશ્યક છે.
તેમણે કહ્યું, “સંગઠિત ગુનાખોરીનાં મૂળ શોધવા માટે તેની માગ અને પુરવઠાની સમગ્ર સાંકળને ટ્રેક કરવાની જરૂર છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




