Source : BBC NEWS

ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, મધ્યપૂર્વ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

રવિવારે ઈરાને ઇઝરાયલ પર અનેક મિસાઇલો છોડી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ ચેતવણીરૂપ હતા.

આઇઆરજીસીએ કહ્યું કે છે કે આ ‘આખા અઠવાડિયા સુધી સતત હુમલાઓ’ની શરૂઆત છે.

રવિવારે સવારે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યા પછી ઈરાન દ્વારા આ બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.

બૈરુત પરના હુમલાનો ઉલ્લેખ કરતાં, આઇઆરજીસીએ કહ્યું કે જો ઇઝરાયલ ‘આક્રમક કાર્યવાહી’નું પુનરાવર્તન કરશે, તો પ્રતિક્રિયા હજુ મોટી હશે અને તેમાં આ ક્ષેત્રમાં આવેલા અમેરિકાના અને ઇઝરાયલનાં તમામ ઠેકાણાંનો પણ સમાવેશ સમાવેશ થઈ શકે છે.

આઇઆરજીસીએ કહ્યું છે કે તેણે હાઇફાના દક્ષિણ-પૂર્વમાં સ્થિત રામત ડેવિડ ઍરબેઝ પર હુમલો કરવા માટે બૅલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે.

ઈરાને અમેરિકા અને ઇઝરાયલની સરકારો પર યુદ્ધવિરામ હેઠળ તેમણે કરેલા વાયદાઓ પૂરા ન કરવાનો આરોપ પણ મૂક્યો છે. આના પર આ બંને દેશો સાથે ઈરાને પણ હસ્તાક્ષર કર્યા હતા અને એપ્રિલની શરૂઆતમાં એ લાગુ થયો હતો.

ઈરાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેની સેનાએ કબજાવાળા પેલિસ્ટિનિયન ઠેકાણાંના ઉત્તરમાં આવેલાં અનેક સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ હુમલાઓ અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની વચ્ચે એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન પછી કરવામાં આવ્યા છે. આ ઉલ્લંઘનોમાં દેશના દક્ષિણમાં ઈરાની જહાજો અને વિસ્તારો પર અમેરિકાએ કરેલા હુમલા પણ સામેલ છે.

બંને પક્ષો વચ્ચે 17 એપ્રિલથી યુદ્ધવિરામ અમલમાં છે, પરંતુ તે ફક્ત નામ પૂરતું જ અમલમાં છે. ઇઝરાયલ અને ઈરાન બંનેએ વારંવાર તેનું ઉલ્લંઘન કર્યું છે.

અમેરિકાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે તેણે સપ્તાહના અંતે ઈરાની લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો, જ્યારે ઈરાને કહ્યું હતું કે તેણે જવાબમાં એક અમેરિકન બેઝને નિશાન બનાવ્યો હતો.

ઈરાનના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશ તેની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યો છે, અને ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલ લેબનોન અથવા ઈરાન પર હુમલો કરશે, તો તેને ‘જોરદાર, મોટો જવાબ’ મળશે.

આ દરમિયાન બૈરુતના દક્ષિણ વિસ્તારો પર ઇઝરાયલી હુમલાઓ પછી લોકોએ તહેરાનમાં સરકારના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે.

તસવીરોમાં જોવા મળે છે કે અને પ્રદર્શનકર્તાઓના હાથમાં ઈરાન અને હિઝબુલ્લાહના ઝંડા છે. હિઝબુલ્લાહ લેબનોનનું એક રાજકીય અને સૈન્ય સંગઠન છે જેને ઈરાનનું સમર્થન હાંસલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS