Source : BBC NEWS
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
-
16 જાન્યુઆરી 2025, 18:14 IST
અપડેટેડ 10 મિનિટ પહેલા
ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં ઉત્તરાયણના દિવસે એટલે કે ગત 14 જાન્યુઆરીએ રેડીમેડ કાપડનો ધંધો કરનાર 35 વર્ષીય માનસાજી ઠાકોર પોતાના ગામ વડબારથી વડનગર મોટરસાઇકલ પર ખરીદી કરવા ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે ગળામાં પતંગનો માંજો ભરાઈ જતાં ગળામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હતું.
ગુજરાતીઓ માટે ઉમંગ અને ઉલ્લાસના પ્રતીક મનાતા ઉત્તરાયણના તહેવારના બીજા દિવસે એટલે કે ‘વાસી ઉત્તરાયણે’ જ આ યુવાન માનસાજીની અંતિમ યાત્રા હતી.
માનસાજીના પિતરાઈ ભાઈ મોનજી ઠાકોર આ દુર્ઘટનાથી માનસાજીના પરિવાર પર કેવું આભ તૂટી પડ્યું છે એની વાત કરતાં કહે છે કે, “એ ત્રણ બાળકનો પિતા હતો. હવે એ બાળકો રઝળી પડશે. આ બાળકોને મોટા કરવાની જવાબદારી તેની પત્ની પર આવી પડી છે, જે એક ગૃહિણી છે. એ આ જવાબદારી કેવી રીતે ઉઠાવશે એ એક મોટો સવાલ છે.”
ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારના ઘણા દિવસ અગાઉથી જ ચાઇનીઝ દોરી અને અન્ય પ્રકારના પતંગના માંજાથી કેટલાક લોકોને ઈજાના બનાવ સામે આવવા લાગ્યા હતા.
ગત શુક્રવારે જ ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ માંજા સહિત કાચના ભૂકાનો ઉપયોગ કરીને રંગાયેલી દોરી પર વ્યાપક પ્રતિબંધ લાદવાનો હુકમ કર્યો હતો.
હાઇકોર્ટમાં આ સંબંધની રિટ પિટિશનની સુનાવણીમાં અરજદાર વકીલોએ દલીલ કરી હતી કે રાજ્યમાં પતંગ ચગાવવાના માંજા સંબંધે જરૂરી કાયદાકીય પ્રતિબંધોની જોગવાઈ હોવા છતાં સત્તાધીશો આ મામલે ઝાઝું કંઈ કરી શક્યા નથી.
કોર્ટના હુકમ બાદ ગુજરાત સરકારના ગૃહવિભાગે આ મામલે કરાયેલી કાર્યવાહીની વિગતો આપી હતી.
રાજ્ય સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને ચાઇનીઝ તુક્કલ, નાયલૉન અને પ્લાસ્ટિકની દોરી તેમજ કાચ કે અન્ય હાનિકારક પદાર્થોથી વડે રંગાયેલી દોરીની બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
ગુજરાત પોલીસે પણ સોશિયલ મીડિયા પોસ્ટ થકી ચાઇનીઝ માંજા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉપયોગને સજાપાત્ર ગુનો ગણાવ્યો હતો.
ગુજરાતના 108 ઇમર્જન્સી વિભાગના સીઇઓ સતીશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે માત્ર ઉતરાયણના દિવસે ધાબેથી પડી જવાના અકસ્માતના કેસ વધ્યા જ છે, પણ આ વર્ષે પતંગની દોરીથી ઈજા થવાના અને મૃત્યુ પામવાના અનુક્રમે 163 અને ચાર કેસ સામે આવ્યા છે.
નોંધનીય છે કે ઉત્તરાયણના દિવસની આગળ-પાછળના દિવસોમાં પણ ઘણા લોકોને દોરીથી ઈજા થયાના અને મૃત્યુ થયાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે.
હવે જ્યારે રાજ્યમાં આ પ્રકારની ‘ઘાતક ઘટનાઓ’માં પંતગની દોરીથી ગળું કપાઈને કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? કાયદાકીય જોગવાઈ શું છે?
જોખમી દોરીથી મૃત્યુના કિસ્સામાં વળતર મામલે હાઇકોર્ટની શરણે નાગરિક
જાણકારો પ્રમાણે ઉત્તરાયણના તહેવારની આસપાસ અને દરમિયાન પતંગની દોરીથી ગળું કપાઈને ઈજા અને મૃત્યુના કિસ્સામાં મોટા ભાગે રસ્તે જતા ટુ-વ્હીલરચાલકો તેનો વધુ ભોગ બનતા હોય છે.
પતંગની ‘જીવલેણ દોરી’થી મૃત્યુ પામનાર લોકોને વળતર અપાવવા માટે ગુજરાતના એક જાગૃત નાગરિક પંકજ બૂચે ચળવળ ચલાવી હતી.
જોકે, એમાં સફળતા ન મળતાં એમણે પાંચ વર્ષ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં પતંગની દોરીથી મોત પામનારનાં સગાંવહાલાંને સરકાર તરફથી વળતર મળે એ મતલબની અરજી કરી હતી.
તેઓ કહે છે કે, “હું પહેલાં સરકારી નોકરી કરતો હતો. એ સમયે મારા પરિચયમાં રોજનું કમાઈને રોજ ખાનાર વ્યક્તિનું પતંગની દોરીથી ગાળું કપાઈ જવાથી મૃત્યુ થયું હતું. એના મૃત્યુ પછી અમે સરકારી વળતર મેળવવા પ્રયાસ કર્યો, પણ સરકારમાં એની કોઈ જોગવાઈ ન હોવાથી વળતર મળ્યું નહીં.”
તેઓ વળતર અંગે તર્ક મૂકતાં કહે છે કે, “અહીં જો જંગલી જાનવર કોઈ પ્રાણી કે માણસને મારી નાખે તો એને સરકારી વળતર મળે છે તો પતંગની દોરીથી ગળું કપાઈને મૃત્યુ પામતા નિર્દોષ લોકોને વળતર કેમ ના મળે? આ તર્કથી મેં આવા લોકોને વળતર મળે એ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. પાંચ વર્ષથી એની સુનાવણી ચાલુ છે. હવે કેસ અંતિમ તબક્કામાં છે. હું આશા રાખું છું કે આગામી દિવસોમાં પતંગની દોરીથી મૃત્યુ પામનાર લોકોને વળતર મળશે.”
પતંગની દોરીથી ગળું કપાઈને થતાં મૃત્યુના કિસ્સામાં શું કાર્યવાહી થાય છે, કોઈ જવાબદાર નક્કી થાય?
સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં માનવાધિકાર, દુર્ઘટનાઓના કિસ્સામાં સરકારી વળતર માટેના કેસ લડતા સિનિયર વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પતંગની દોરીથી ગળું કપાઈને થતા મૃત્યુના કિસ્સામાં કરાતી કાયદાકીય કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું હતું, “પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મોત થાય ત્યારે પોલીસ અકસ્માતે મોતની નોંધ કરે છે.”
તેઓ આ કિસ્સામાં જવાબદારી નક્કી કરવાના પાસા સંદર્ભે વાત કરતાં કહે છે કે, “આવા કિસ્સામાં કોની દોરીથી અવસાન થયું છે એ સાબિત કરવું મુશ્કેલ છે. આ વાત સાબિત થઈ શકતી નથી. કયા ધાબા પરથી પતંગ આવી અને કોની પતંગની દોરીથી સામેની વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું એ જાણી ન શકાય. એટલે આ કેસમાં ગુનેગારને પકડવાનું મુશ્કેલ છે અને સરકારમાં આ પ્રકારે થતાં મોતના વળતરની કોઈ જોગવાઈ નથી.”
SOURCE : BBC NEWS