Source : BBC NEWS

- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા
-
25 મે 2025, 14:23 IST
અપડેટેડ એક કલાક પહેલા
ઉત્તર પ્રદેશ સરકાર ભારત-નેપાળ સીમાની નિકટના વિસ્તારોમાં મદરેસા અને દબાણ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.
પ્રદેશના સાત જિલ્લામાં ચાલી રહેલા આ અભિયાનને કારણે ઘણી મદરેસામાં શિક્ષણકાર્ય ઠપ છે.
રાજ્ય સરકાર નેપાળની સીમાની નિકટ 15 કિમીના અંતરમાં આવેલાં ધાર્મિક સ્થળો અને મદરેસાની તપાસ કરી રહી છે.
સરકાર પ્રમાણે 14 મે સુધી 225 મદરેસા, 30 મસ્જિદો, 25 મઝાર અને છ ઈદગાહો પર કાર્યવાહી કરાઈ છે.
રાજ્ય સરકારનો દાવો છે કે સરકારી જમીન પર બનેલાં એ મદરેસા અને ધાર્મિક સ્થળોને સીલ કરાઈ રહ્યાં છે કે તોડી પાડવામાં આવી રહ્યાં છે, જેમની પાસે કાયદેસરના દસ્તાવેજ નથી.
યુપીના લઘુમતી મામલાના મંત્રી ઓમપ્રકાશ રાજભરે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, “મદરેસા ખોલો, તો શિક્ષણ આપો. તેને હોટલ કે આવાસ માટેની વ્યવસ્થા ન બનાવો. જો વિદેશી આવીને રહેશે તો શંકા થશે. શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ કરશો, તો તપાસ થશે. તપાસમાં દોષિત ઠરશો, તો કાર્યવાહી થશે. જેઓ નિર્દોષ છે, શિક્ષણ આપી રહ્યા છે, તેઓ નિર્ભીક અને નીડરપણે કામ કરી શકે છે.”
યુપી સરકારનું શું કહેવું છે?

ઉત્તર પ્રદેશ સરકારને શંકા છે કે યોગ્ય દસ્તાવેજો વિના ચાલી રહેલી મદરેસામાં ગેરકાયદેસર કામ થઈ રહ્યાં છે.
પ્રદેશમાં લઘુમતી કલ્યાણમંત્રી ઓમપ્રકાશ રાજભર પ્રમાણે, “પ્રદેશની એક-બે મદરેસામાં તો નકલી નોટ છાપવાનું કામ થઈ રહ્યું હતું, જે પોલીસે પકડી પાડ્યું હતું.”
જોકે, બીજી તરફ મદરેસાના સંચાલકોનું કહેવું છે કે આ આરોપ પાયાવિહોણા છે.
શ્રાવસ્તીના બનગાઈસ્થિત મદરેસાના સંચાલક મેરાજ અહમદ કહે છે કે, “તરાઈના આ વિસ્તારમાં લઘુમતી સમાજની સારી એવી વસ્તી છે, પરંતુ ગરીબી ઝાઝી છે. મદરેસામાં મફત શિક્ષણ અપાય છે. જેથી લોકો ભણીગણી શકે, પરંતુ સરકારની મંશા કંઈક અલગ છે.”
બીજી તરફ સમજવાદી પાર્ટીનો આરોપ છે કે સરકાર માત્ર રાજકીય કારણોથી લઘુમતીઓને નિશાન બનાવી રહી છે.
પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન પ્રમાણે, “જ્યાં પણ ભાજપની સરકાર છે. ત્યાં લઘુમતી અને તેમનાં સંસ્થાઓને નિશાન બનાવાઈ રહ્યાં છે. આ બંધારણનું ઉલ્લંઘન છે.”
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે પણ આ કાર્યવાહી અંગે ભાજપ પર સાંપ્રદાયિક રાજકારણ કરવાનો આરોપ કર્યો.
અમુક દિવસ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દસ્તાવેજ ન હોવાના મામલાનું સમાધાન શોધી શકાયું હોત. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે આ બધું બની રહ્યું હતું ત્યારે અધિકારી ક્યાં હતા.
એક ડઝન કરતાં પણ વધુ મદરેસા સીલ કરી દેવાઈ

નેપાળથી ઉત્તર પ્રદેશ લગભગ 720 કિમી લાંબી બૉર્ડર ધરાવે છે. આ ઓપન બૉર્ડર છે અને તેની દેખરેખ સશસ્ત્રી સીમા બળ (એસએસબી) રાખે છે.
નેપાળ અને ભારતના નાગરિક હજારોની સંખ્યામાં દરરોજ અહીંથી અવરજવર કરે છે.
બહરાઇચથી 45 કિમીના અંતર રૂપઈડીહા બૉર્ડરથી નેપાળગંજ લોકો દરરોજ અવરજવર કરે છે. ત્યાં એસએસબી માત્ર ઓળખપત્ર જોઈને અને તલાશી લઈને જવાની પરવાનગી આપી દે છે.
અહીં 495 દબાણોને ચિહ્નિત કરાયાં છે, જે પૈકી એક ડઝન કરતાં પણ વધુ મદરેસા સીલ કરી દેવાઈ છે.
નાનપારાના મામલતદાર અંબિકા ચૌધરીએ કહ્યું, “રેવન્યૂની ટીમ જમીનની માપણી કરી રહી હતી. સરકાર જમીન પર જે ગેરકાયદેસર બાંધકામ છે, તેમની વિરુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી થઈ રહી છે.”
રેવન્યૂ અને લઘુમતી વિભાગની ટીમ સ્થાનિક પોલીસ સાથે દરરોજ ગામેગામ જઈને તપાસ કરી રહી છે. યોગ્ય દસ્તાવેજ ન હોય એવી મદરેસાને સીલ કરાઈ રહી છે.
રૂપઈડીહાથી પાંચ કિમી દૂર રંજિતબોઝા ગામ છે. એ નેપાળની સીમાથી લગભગ બે કિમી દૂર આવેલું છે.
આ ગામ પાસે સરકારે નવું ઇન્લૅન્ડ પૉર્ટ પર બનાવ્યું છે. જ્યારે વહીવટીતંત્રની ટીમ એક મદરેસા પર પહોંચી, તો તપાસમાં જમીના કાગળ યોગ્ય લાગ્યા, પરંતુ મદરેસાને માન્યતા નહોતી. તેથી સીલ કરાયા બાાદ થોડોક ભાગ તોડી પણ પડાયો.
મદરેસાના સંચાલક મોહમ્મદ સલમાન ખાન કહે છે કે, “2016માં મદરેસા ખૂલી છે. 2017થી માન્યતા નથી મળી રહી, તો માન્યતા કેવી રીતે પ્રાપ્ત કરીએ.”
સરકારી જમીન પર મદરેસા હોવાના આરોપ અંગે તેમણે કહ્યું, “આને લગતો કેસ ચાર વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે.”
અહીં ભણતાં કૈસર જહાં કહે છે કે તેઓ મોટાં થઈને ડૉક્ટર બનવા માગે છે. તેઓ કહે છે, “મને બાયૉલૉજી ગમે છે. પરંતુ મદરેસા બંધ છે, તો ઘરકામ કરું છું અને બકરી ચરાવું છું.”
જોકે, આ ગામમાં એક છેડે બનેલી બીજી મદરેસા સીલ નથી કરાઈ.
આ અભિયાન અંગે બહરાઇચનાં જિલ્લાધિકારી મોનિકા રાનીએ વાત કરવાનો ઇનકાર કરી દીધો.
બીજી તરફ, નામ ન જાહેર કરવાની શરતે એક ટોચના અધિકારીએ કહ્યું, “આમાં ભેદભાવ નથી કરાઈ રહ્યો. દરેક ધાર્મિક સ્થળની તપાસ થઈ રહી છે.”
જોકે, રાજ્ય સરકારે જે પ્રેસ નોટ જાહેર કરી છે તેમાં અન્ય કોઈ ધાર્મિક ભવનનો ઉલ્લેખ નથી મળતો.
જોકે, જ્યારે મદરેસાની માન્યતાનો સવાલ લઘુમતી મામલાના મંત્રી ઓમપ્રકાશ રાજભરને કરાયો, તો તેમણે કહ્યું, “અમે બેઠક કરી છે. આ વાત અંગે સંમતિ બની છે કે માન્યતા માટે જલદી જ પૉર્ટલ ખોલવામાં આવે. જે મદરેસા માપદંડ અનુસાર છે, તેમને માન્યતા અપાશે.”
શ્રાવસ્તીમાં કાર્યવાહી

શ્રાવસ્તીના જમુનહા તાલુકાના બનગાઈમાં દારૂલ ઉલૂમ અરબિયા અનવારૂલ ઉલૂમ મદરેસાને સીલ કરી દેવાઈ છે. તંત્ર પ્રમાણે એ સરકારી જમીન પર બની છે.
જોકે, શ્રાવસ્તીના બનગાઈસ્થિત મદરેસાના સંચાલક મેરાજ અહમદ આ આરોપને પાયાવિહોણો ગણાવે છે.
તેમનું કહેવું છે કે, “મદરેસા 1960માં બની છે અને ચકબંદી (અધિકારોનું એકત્રીકરણ) 1968માં થઈ. અમારી મદરેસા પાસે માન્યતા પણ છે. સરકારી દસ્તાવજોમાં સ્કૂલ નોંધાઈ ચૂકી છે. તો મદરેસા અને સ્કૂલ અલગ-અલગ નથી. અમારી મદરેસામાં છોકરા-છોકરી થઈને કુલ 380 બાળકો હતાં.”
આ મદરેસાને 14 મેના રોજ હાઇકોર્ટ પાસેથી રાહત મળી ગઈ છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂર થયા બાદ જ શિક્ષણકાર્ય શરૂ થઈ શકે છે.
તેનાથી થોડે દૂર જમુનહા મદરેસા બંધ છે. સ્થાનિક નિવાસી ઇસ્માઇલનાં બે બાળકો ત્યાં ભણી રહ્યાં હતાં.
તેમનું કહેવું છે કે, “બાળકોનું ભણવાનું બંધ છે. ખાનગી સ્કૂલોની ફી ખૂબ વધુ છે, તેથી અમે લોકો ત્યાં પોતાનાં બાળકોને કેવી રીતે મોકલી શકીએ. હવે બાળકો આખો દિવસ અહીંતહીં ફર્યાં કરે છે. ઘરના વડીલોનું કહેવું પણ નથી માનતાં. મદરેસામાં શિક્ષણ મફત હતું, તો થોડું ઘણું ભણી રહ્યાં હતાં.”
શ્રાવસ્તીના જિલ્લાધિકારી અજયકુમાર દ્વિવેદી કહે છે કે, “ભારત-નેપાળ સીમાની આસપાસનાં ધાર્મિક સ્થળોની તપાસ કરાઈ રહી છે. તે પૈકી જે ગ્રામસભાની કે શાસકીય જમીન પર છે, જે માપદંડોને અનુરૂપ નથી. જેમની પાસે માન્યતા નથી, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે.”
મદરેસાનો સર્વે

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 29 એપ્રિલના રોજ જાહેર કરાયેલ પ્રેસ નોટમાં કહેવાયું હતું કે, “નેપાળની સીમાની આસપાસનાં ક્ષેત્રોમાં ઘણાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ અને દબાણને નષ્ટ કરી દેવાયાં. તેમજ માન્યતા વિનાના ચાલી રહેલી મદરેસાને નિયંત્રણમાં લાવતાં તેમને સીલ કરી દેવાઈ.”
સરકારી આંકડા અનુસાર, સાત જિલ્લામાં ચાલી રહેલા અભિયાનમાં 14 મે સુધી મહારાજગંજમાં 46, સિદ્ધાર્થનગરમાં 43, બલરામપુરમાં 41, શ્રાવસ્તીમાં 118, બહરાઇચમાં 24, લખીમપુરમાં 12 અને પીલીભીતમાં એક વિરુદ્ધ કાર્યવાહી થઈ છે.
નીતિ આયોગના એક રિપોર્ટ અનુસાર આ વિસ્તાર ભારતના પછાત વિસ્તારોમાં સામેલ છે.
શ્રાવસ્તી જિલ્લાનો સાક્ષરતા દર 46 ટકા છે. બહરાઇચનો 49 ટકા છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 74 ટકા છે.
સરકારી આંકડા અનુસાર વર્ષ 2022માં રાજ્ય સરકારે મદરેસાનો સર્વે કરાવ્યો હતો.
આ સર્વેમાં લગભગ 7,500 મદરેસા માન્યતા વગર ચાલતી હોવાનું ખબર પડી હતી.
પ્રદેશમાં લગભગ 16,500 મદરેસા માન્યતાપ્રાપ્ત છે. આ મદરેસામાં લગભગ 20 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. બીજી તરફ 560 મદરેસાને સરકારી સહાય મળી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS