Home તાજા સમાચાર gujrati એક જંગલ, સિક્રેટ લૅબ અને સાડા ત્રણ હજાર કરોડનું ડ્રગ, શું છે...

એક જંગલ, સિક્રેટ લૅબ અને સાડા ત્રણ હજાર કરોડનું ડ્રગ, શું છે સમગ્ર મામલો?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

નાઇજિરીયન ન્યાયાધીશ ઔપચારિક વસ્ત્રોમાં સજ્જ હતા, વકીલોએ કાનૂની ગરિમા જાળવી હતી અને પ્રોટોકોલનું અનુસરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સુનાવણી લાગોસની અદાલતના આરામદાયક ઓરડામાં નહીં, બલ્કે એક ગીચ જંગલની વચ્ચોવચ આવેલી શંકાસ્પદ ગેરકાયદેસર ડ્રગ લૅબ (નશીલાં દ્રવ્યો બનાવવા માટેની પ્રયોગશાળા)ની અંદર હાથ ધરાઈ હતી.

ત્રણ મેક્સિકન અને સાત નાઇજિરીયન નાગરિકોને હાથકડીઓ સાથે રજૂ કરવામાં આવ્યા, તે સમયે જજ મુસા કાકાકી રસાયણો અને ઉપકરણોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આરોપીઓ ઉપર સામાન્ય રીતે મેથ, ક્રિસ્ટલ કે પછી સ્થાનિક સ્તરે આઇસ તરીકે ઓળખાતા હાનિકારક ગેરકાયદેસર સિન્થેટિક ડ્રગ (નશીલા પદાર્થ) મેથામ્ફેટામાઇન બનાવવાનો આરોપ હતો.

આ કામચલાઉ લૅબની હવામાં એક કડવી, તીવ્ર ગંધ પ્રસરેલી હતી, જે ક્રિસ્ટલાઇઝેશન (સ્ફટિકીકરણ)ની પ્રક્રિયામાં પ્રવાહી ડ્રગ ભરેલા એક મોટા ડ્રમમાંથી આવી રહી હતી. બીજી તીવ્ર ગંધ કાળા અને ઘટ્ટ પ્રવાહીથી ભરેલાં ખુલ્લાં પાત્રોમાંથી આવતી હતી, જેનું “કાચા” કે અનપ્રોસેસ્ડ મેથામ્ફેટામાઇન તરીકે વર્ણન કરવામાં આવ્યું હતું.

તે અધૂરી ઇમારતમાં પ્રોપેન ગૅસનાં સિલિન્ડરો અને કૉસ્ટિક સોડાની થેલીઓ જેવાં અન્ય ઉત્પાદનો અહીં-તહીં વિખરાયેલાં પડ્યાં હતાં.

લાગોસથી મોટરમાર્ગે બે કલાકના અંતરે આવેલા સ્થળે ફેડરલ કોર્ટનું કામચલાઉ સ્થળાંતર નાઇજિરીયાની ન્યાય પ્રણાલી માટે એક અસાધારણ કદમ હતું, પણ નૅશનલ ડ્રગ કન્ટ્રોલ એજન્સી (એનડીએલઇએ)એ કહ્યું હતું કે, આ કામગીરીનો વ્યાપ સમજવા માટે તે જરૂરી હતું.

જ્યારે મે માસમાં શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી, ત્યારે એજન્સીએ તેને દેશના ઇતિહાસમાં મેથામ્ફેટામાઇનની સૌથી મોટી જપ્તી ગણાવી હતી.

તેણે બે ટન કરતાં વધુ નશીલા પદાર્થોના જથ્થાનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો હતો, જેનું મૂલ્ય આશરે 36 કરોડ ડૉલર હતું.

તે સમયે, એનડીએલઇએએ એવી જાહેરાત કરી હતી કે, તેણે “વધુ એક ફટકો માર્યો છે” અને લાખો ડૉલરના નાઇજિરીયન-મેક્સિકન મેથામ્ફેટામાઇનના ઉત્પાદન નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

તે પછીના મહિને એજન્ટોને બાજુના રાજ્ય ઓયોના એક જંગલમાંથી મેટામ્ફેટામાઇનની વધુ એક છૂપી લૅબ મળી આવી.

તે પ્રકરણમાં પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી, જેમાં પોતાને “મેથામ્ફેટામાઇન નિષ્ણાત” ગણાવતા એક મેક્સિકન શખ્સનો પણ સમાવેશ થતો હતો.

બીબીસી ગુજરાતી

આ દરોડા એક વ્યાપક પ્રવાહ ઉજાગર કરે છે, સિન્થેટિક ડ્રગ્ઝની વૈશ્વિક હેરાફેરીમાં આફ્રિકા, તેમાંયે ખાસ કરીને પશ્ચિમ આફ્રિકાની વધી રહેલી ભૂમિકા તથા ગુનાહિત ટોળકીઓની બદલાતી કામગીરી, જેઓ હવે આ ખંડનો ઉપયોગ માત્ર હેરાફેરીના કેન્દ્ર તરીકે નહીં, બલ્કે ઉત્પાદન કેન્દ્ર તરીકે પણ કરે છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, મેથામ્ફેટામાઇનના ઉત્પાદનમાં મેક્સિકન સ્પેશ્યાલિસ્ટ્સ યુરોપ અને આફ્રિકાની પ્રયોગશાળાઓમાં ત્યાંના સ્થાનિકો સાથે મળીને કામ કરતા હોય, તે હવે સામાન્ય બની ગયું છે. આ મેક્સિકન સ્પેશ્યાલિસ્ટ્સ ઘણી વખત “કૂક્સ” તરીકે ઓળખાય છે.

તાજેતરના દાયકાઓમાં મેથામ્ફેટામાઇનના ઉત્પાદને ઘણું આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્સ આફ્રિકા કમાન્ડ (આફ્રિકોમ)ના ઍન્ટી-ડ્રગ ઑપરેશન્સના વડા જેમ્સ ગ્રીગોએ બીબીસીને જણાવ્યું હતું, “તેમણે એ હદે મહારત હાંસલ કરી લીધી છે કે, હવે તે મેથામ્ફેટામાઇનની સૌથી શુદ્ધ અને શક્તિશાળી આવૃત્તિ છે.”

આ ખંડમાં અમેરિકન લશ્કરી કાર્યવાહી પર દેખરેખ રાખતા આફ્રિકોમે ઘણાં રાષ્ટ્રીય ઍન્ટી-ડ્રગ સંગઠનોને દરોડા પાડવામાં મદદ કરવા માટે ગુપ્ત બાતમી પૂરી પાડી છે.

ગ્રીગોએ ઉમેર્યું હતું, “મેથામ્ફેટામાઇનનો ઉપયોગ કરવા માગતી વ્યક્તિ જાણે છે કે, મેક્સિકન મેથામ્ફેટામાઇન આ હેતુ માટે દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે.”

એનડીએલઇએએ મેક્સિકો સાથે સંકળાયેલી મેથામ્ફેટામાઇન લૅબ મળી આવ્યાની જાહેરાત સૌપ્રથમ 2016માં કરી હતી. ત્યારે તેણે તેને “સુપર લૅબ” ગણાવી હતી.

નશીલાં દ્રવ્યોના તસ્કરો અને “આતંકવાદી” જૂથો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

જ્યાં મેક્સિકન્સ કામ કરતા હતા, તે લૅબોરેટરીઓ પછીથી કેન્યા, મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકામાંથી મળી આવી હતી.

ગ્રીગોએ કહ્યું હતું કે, 2023થી “અમે… મેક્સિકન લોકો દ્વારા સંચાલિત કુલ 14 લૅબ્ઝ જોઈ છે (જેના પર દરોડા પાડવામાં આવ્યા છે). 2023માં મોઝામ્બિકમાંથી એક લૅબ મળી આવી હતી, 2024માં અમે બીજી છ લૅબ જોઈ, 2025માં બે અને આ વર્ષે અમને પાંચ લૅબ્ઝ મળી આવી.”

તેમણે ઉમેર્યું હતું કે, “ગયા વર્ષે જ્યારે મેં પાંચ લૅબ્ઝ વિશે વાત કરી, ત્યારે તેમાંની ચાર નાઇજિરીયામાં આવેલી હતી.”

આફ્રિકોમ તથા અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ ઍડમિનિસ્ટ્રેશન (ડીઇએ) દ્વારા પૂરી પાડવામાં આવેલી ગુપ્ત માહિતી કેટલીક લૅબ્ઝને મેક્સિકોનાં બે વિશાળ ડ્રગ કાર્ટેલ્સ સાથે જોડે છેઃ સિનાલોઆ કાર્ટેલ તથા જેલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ.

મે મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્સ કૉંગ્રેસ સમક્ષ ઉપસ્થિત રહેવા દરમિયાન, આફ્રિકોમના કમાન્ડર જનરલ ડૅગવિન એન્ડરસને એવો આરોપ લગાવ્યો હતો કે, આતંકવાદી જૂથો તથા નશીલાં દ્રવ્યોના તસ્કરો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

તેમણે કાયદા અધિકારીઓને જણાવ્યું હતું, “આફ્રિકા-સ્થિત આતંકવાદી જૂથોને ડ્રગ કાર્ટેલ્સનું વધુને વધુ ભંડોળ મળી રહ્યું છે, જેના કારણે તે આતંકવાદી જૂથોની પહોંચ અને ઘાતકતા વધે છે.”

કોકેઇન કે હેરોઇન જેવાં વનસ્પતિ આધારિત નશીલાં દ્રવ્યોને માત્ર ચોક્કસ સ્થળોએ જ ઉગાડી અને પ્રોસેસ કરી શકાય છે, તેનાથી અલગ, મેથામ્ફેટામાઇન જેવું સિન્થેટિક ડ્રગ યોગ્ય રસાયણો અને નિપુણતા સાથે કોઈપણ જગ્યાએ બનાવી શકાય છે, જેના કારણે સંગઠિત ગુનાહિત જૂથો માટે તેનું ઉત્પાદન ઝડપથી વધારવું સહેલું બન્યું છે.

તેની ઝડપી અને લાંબા સમય સુધી ચાલતી અસરો માટે જાણીતું મેથામ્ફેટામાઇન તીવ્ર ઉત્તેજના ઉત્પન્ન કરે છે, પણ તેની આડઅસરો પણ એટલી જ ગંભીર છે. તેના કારણે હૃદયને લગતી (કાર્ડિયોવસ્ક્યુલર) તકલીફો, નબળા આહારને કારણે કુપોષણ થવાનું તેમજ જો ઇન્જેક્શન વાટે લેવામાં આવે, તો લોહીથી ફેલાતી બીમારીઓ થવાનું જોખમ રહે છે.

વળી, આ નશીલા પદાર્થની લત છોડવી પણ અઘરી છે, કારણ કે, તેના લીધે ઘણી વખત વ્યગ્રતા, હતાશા, થાક અને ડ્રગ લેવાની તીવ્ર ઇચ્છાની લાગણી જન્મે છે.

મેથામ્ફેટામાઇનના તસ્કરોએ તેમના ઐતિહાસિક રૂટ્સ સિવાયનાં નવાં વિતરણ નેટવર્ક્સ ઊભાં કર્યાં છે, ત્યારે વધુને વધુ લોકો ડ્રગ્ઝની ઝપેટમાં આવી રહ્યા છે.

આફ્રિકામાં ડ્રગનો ધંધો કરનારાઓને કેવા ફાયદા થાય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

પશ્ચિમ આફ્રિકા મેક્સિકન સંગઠનો માટે વિવિધ આકર્ષક લાભ પૂરા પાડે છે, જેમાં સૌપ્રથમ છે, વિશાળ જંગલ પ્રદેશો, જે એકલવાયાં ઉત્પાદન સ્થળો માટે આદર્શ છે.

એનડીએલઇએના પ્રવક્તા ફેમી બાબાફેમીએ બીબીસીને જણાવ્યા પ્રમાણે, “વસ્તી, તેમાંયે વિશાળ યુવાન વસ્તી પણ તેમના માટે આકર્ષક છે, કારણ કે, તે સસ્તી મજૂરી અને સ્થાનિક વપરાશ માટેનું બજાર પૂરાં પાડે છે.”

ઑથોરિટીને નાઇજિરીયામાં મેથામ્ફેટામાઇનનો ઉપયોગ વધવાનો ભય સતાવી રહ્યો છે, કારણ કે, 2018ના સર્વેમાં માલૂમ પડ્યું હતું કે, ત્યાંની 14.4 ટકા યુવાન વસ્તીએ કોઈને કોઈ ગેરકાયદેસર નશીલા પદાર્થનું સેવન કર્યું હતું, જે પ્રમાણ યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્ઝ ઍન્ડ ક્રાઇમ (યુએનઓડીસી)ના વૈશ્વિક અંદાજ કરતાં બમણાથી પણ વધારે હતી.

ગ્લોબલ ઇનિશિએટિવ અગેઇન્સ્ટ ટ્રાન્સનૅશનલ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અનુસાર, આ નશીલા પદાર્થનો ઉપયોગ સમગ્ર ખંડમાં પ્રસરી ચૂક્યો છે.

પૂર્વ આફ્રિકામાં કેન્યા તથા તાન્ઝાનિયા જેવા દેશોમાં તેમજ દક્ષિણ તરફ દક્ષિણ આફ્રિકામાં પણ તેની પ્રાપ્યતા વ્યાપક થઈ ગઈ છે, જ્યાં તે “ટિક” તરીકે ઓળખાય છે.

ડ્રગ કાર્ટેલ્સને આંતરરાષ્ટ્રીય ડ્રગ બજારોમાં જેટલો રસ છે, એટલો જ રસ વધતા સ્થાનિક બજારમાં પણ છે અને આફ્રિકાનું લોકેશન એશિયા તથા યુરોપની સરળ પહોંચ પૂરી પાડે છે.

બીબીસી ગુજરાતી

પશ્ચિમ આફ્રિકામાં ડ્રગ્ઝનું ઉત્પાદન તસ્કરોને એટલાન્ટિક દરિયાઈ માર્ગોની પહોંચ પૂરી પાડે છે. તેની સાથે-સાથે આ પ્રદેશની ખામીયુક્ત સરહદો અને રસાયણોની આયાતના નબળા કાયદા તેમને ખર્ચ ઘટાડવાની અને આકર્ષક ગ્રાહક બજારોની પહોંચ મેળવવાની સુવિધા પૂરી પાડે છે.

યૂરોપમાં યુએનઓડીસીએ 2014 અને 2024ની વચ્ચેના ગાળામાં મેથામ્ફેટામાઇનના ઉપયોગમાં 47 ટકાનો વધારો નોંધ્યો હતો. પૂર્વ તથા દક્ષિણપૂર્વ એશિયામાં સત્તાતંત્રો દ્વારા આ ડ્રગ્ઝની જપ્તી 2024માં તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી.

ગ્રીગોએ નોંધ્યા પ્રમાણે, “તેનો અર્થ એ કે, એશિયા સુધીની સપ્લાય ચેઇન અને યૂરોપ સુધીના રૂટનું અંતર ઘટી જશે.”

2025માં ઑફિસમાં તેમની વાપસી થઈ, ત્યારથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેટિન અમેરિકન ડ્રગ કાર્ટેલ્સ અને તેમની કામગીરી સામેના પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે.

બાબાફેમીએ કહ્યું હતું, “આ કાર્ટેલ્સ વિશ્વના અન્ય ભાગો તરફથી દબાણ અનુભવી રહ્યાં છે. અને આથી જ તેઓ પશ્ચિમ આફ્રિકાને વ્યવસાયના ઉત્પાદનના કેન્દ્ર તરીકે જોઈ રહ્યાં છે.”

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, લેટિન અમેરિકાથી આવતા તસ્કરીના પરંપરાગત માર્ગો પર વધેલો અંકુશ પણ કાર્ટેલ્સને તેમનાં કામકાજોમાં વૈવિધ્યતા લાવવા માટે પ્રેરવા પાછળનું એક પરિબળ હોઈ શકે છે.

ગ્રીગોએ કહ્યું હતું, “મેક્સિકન કાર્ટેલ્સે આફ્રિકામાં તેમની કામગીરી કેમ વેગવાન કરી છે, તે સમજાવવા માટે આ એક આંશિક પરિબળ રહ્યું છે. જોકે, તે સમગ્ર વાર્તાનો એક ભાગ જ છે.”

“સિનાલોઆ અને નુએવો જેલિસ્કો હંમેશાથી વૈશ્વિક સંગઠનો રહ્યાં છે. તે 1990ના દાયકાથી આફ્રિકામાં સક્રિય છે.”

જોકે, તાજેતરમાં જ આફ્રિકામાં ગેરકાયદેસર મેથામ્ફેટામાઇનની પ્રયોગશાળાઓ પર પાડવામાં આવેલા દરાડોની સંખ્યામાં થયેલો વધારો એ દર્શાવે છે કે, આ કાર્ટેલ્સ આ ખંડ પર વધુને વધુ પકડ જમાવી રહ્યાં છે.

એક વાત સ્પષ્ટ છે કે, આ વેપાર હવે ખંડમાંથી પસાર થવાના માર્ગ તરીકે સીમિત ન રહેતાં ત્યાં નવાં ઉત્પાદન કેન્દ્રો તથા બજારો શોધી રહ્યો છે.

લૅબોરેટરીઓમાં અદાલતી સુનાવણીઓ હાથ ધરવી, દેખરેખમાં વધારો અને ગુપ્તચરના ઉપયોગ જેવાં પગલાંઓ સાથે નાઇજિરીયન સત્તાતંત્ર ભારપૂર્વક જણાવે છે કે, તે આ પડકારનો સામનો કરવા માટે સજ્જ છે.

એનડીએલઇએના પ્રવક્તા બાબાફેમીના જણાવ્યા પ્રમાણે, “આ ચોક્કસપણે જ ચિંતાનો વિષય છે, પણ તે આપણને સતર્ક રહેવામાં અને સક્રિય રહેવામાં મદદ પૂરી પાડે છે. આથી જ તેઓ આપણા સમુદાયો અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરે, તે પહેલાં જ આપણે તેમને અટકાવી શકીએ છીએ.”

“અમે દર્શાવી શક્યાં છીએ કે, નાઇજિરીયા તેમના માટે સુરક્ષિત આશરો નહીં બને.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS