Home તાજા સમાચાર gujrati એ રહસ્ય જે ક્યારેય ઉકેલાયું જ નહીં, કૉલંબસનાં 500 વર્ષ પહેલાં અમેરિકા...

એ રહસ્ય જે ક્યારેય ઉકેલાયું જ નહીં, કૉલંબસનાં 500 વર્ષ પહેલાં અમેરિકા પહોંચનારા કોણ હતા?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

નોર્સ લોકો એટલે કે વાઇકિંગ્ઝ ઈ.સ. 1000ની આસપાસ કૅનેડા પહોંચ્યા અને પોતાનાં સંશોધનો આગળ ધપાવવા માટેના આધાર તરીકે તેનો ઉપયોગ કર્યો હતો. બીબીસીએ ઍટલાન્ટિક પાર કરનારા પ્રથમ યુરોપિયનોના આ “ધરબાઈ ગયેલા ઇતિહાસ” વિશે વિગતો પૂરી પાડી છે.

ક્રિસ્ટોફર કોલમ્બસે 1492માં દરિયાઈ સફર ખેડી હતી અને દરિયાઈ સફર ખેડીને 12મી ઑક્ટોબર, 1492ના રોજ તેઓ બહામાઝ પહોંચ્યા હતા, પણ આજે આપણે જેને અમેરિકા ખંડ તરીકે ઓળખીએ છીએ, ત્યાં પગ મૂકનારા તેઓ પ્રથમ યુરોપિયન નહોતા.

તેમના પુરોગામીઓ ખાસ શોરબકોર વિના ત્યાં પહોંચ્યા હતા. તે પાછા ફરે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે કોઈ રાજકીય ભાષણબાજી કે લોકોની ભીડ જમા નહોતી થઈ. વળી, તેમણે સીધા એક ખંડથી બીજા ખંડ સુધી વિશાળ ઍટલાન્ટિક મહાસાગરને પાર કર્યો નહોતો.

તેને બદલે, તેઓ આઇસલૅન્ડ અને ગ્રીનલૅન્ડને પોતાના પડાવ બનાવીને ત્યાં સુધી પહોંચ્યા.

તેમની શોધખોળની ગાથાઓ સૈકાઓ બાદ ઇતિહાસનાં પુસ્તકોને બદલે મહાકાવ્યોના સાહિત્યમાં ફરીથી સંભળાવવામાં આવી.

એટલું જ નહીં, તેમણે ક્રિસ્ટોફર કોલમ્બસ કરતાં 500 વર્ષ પહેલાં અમેરિકાની ધરતી પર યાત્રા ખેડી હતી.

નોર્સ સાગા : વાઇકિંગ્ઝના વંશજો દ્વારા લખવામાં આવેલી વાઇકિંગ્ઝ વાર્તાઓ હવે ભરોસાપાત્ર ઐતિહાસિક સત્ય તરીકેની માન્યતા મેળવી ચૂકી છે.

1966માં બીબીસીના પ્રેઝન્ટર મૅગ્નસ મૅગ્નસને 14મી સદીના ફ્લૅટેયરબોક (અથવા ફ્લાટે આઇલૅન્ડ બુક)ને “અસ્તિત્વ ધરાવતી સૌથી અમૂલ્ય આઇસલૅન્ડિક હસ્તપ્રતો પૈકીની એક” ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક એટલું મૂલ્યવાન છે કે, 1893માં જ્યારે શિકાગો વર્લ્ડ્ઝ ફેરના આયોજકોએ કોલમ્બસની દરિયાઈ સફરની 400મી જયંતીની ઉજવણી માટે થોડા સમય માટે તે ઉછીનું લેવાની માગણી કરતી વખતે તે પુસ્તક માટે “તેમણે પુસ્તક માટે ડેન્માર્ક ખાતે યુદ્ધજહાજ મોકલવાની, અમેરિકામાં તેને લાવવા માટે આર્મર્ડ ટ્રેનની ગોઠવણ કરવાની અને તેનો દસ લાખ ડૉલરનો વીમો ઊતરાવવાની ઑફર કરી હતી તે પુસ્તક તે સમયે ડેન્માર્કમાં રખાયું હતું, તેમ છતાં તે સમયે ડેનમાર્કને એ જોખમ ન ઉઠાવવાનું બહેતર લાગ્યું હતું.”

અને અમેરિકનો એ પુસ્તકને ઉછીનું મેળવવા આટલા ઉત્સુક શા માટે હતા? કારણ કે તે પુસ્તકમાં 10મી સદીમાં ગ્રીનલૅન્ડમાં નોર્સ વસાહતની વિગતો છે.

તેનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં કોલમ્બસ કરતાં પાંચ સદી પહેલાં નોર્સ લોકોએ અમેરિકાની કરેલી શોધ અને ત્યાં વસાહત સ્થાપવાના પ્રયત્નની કહાણી છે.

1960માં કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડમાં લ’આન્સ ઓક્સ મિડોઝ ખાતે નોર્સ ટ્રાન્ઝિટ કૅમ્પ મળી આવ્યો હતો.

વળી, 2021માં ડેટિંગની નવી પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે વાઇકિંગ્ઝે બરાબર 1,000 વર્ષ પહેલાં, એટલે કે ઈ.સ. 1021માં આ જગ્યા પર કબજો જમાવ્યો હતો.

ઉત્તર અમેરિકામાં વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરવા માટેના બેઝ કૅમ્પ તરીકે આ જગ્યાનો ઉપયોગ થયાનું મનાય છે.

1997માં બીબીસીની ડૉક્યુમેન્ટરી સીરિઝ “ટાઇમવૉચ”ના એક એપિસોડમાં રૉબિન એલિસે કહ્યું હતું, “આ ખોવાઈ ગયેલા ઇતિહાસની શરૂઆત છે, ઇતિહાસની એ સદીઓ, જ્યારે યુરોપિયનો દરિયાઈ સફરો ખેડીને અમેરિકા પહોંચ્યા હતા, જેના રેકર્ડ્ઝ માત્ર પાણી પર જ નોંધાયેલા છે.”

નોર્સે લગભગ ઈ.સ. 870માં આઇસલૅન્ડની અને તેનાં 100 વર્ષ પછી ગ્રીનલૅન્ડની શોધ કરી હતી.

ત્યાંથી ડેવિસ સ્ટ્રેટ પાર કરતાં આધુનિક કૅનેડાના બેફિન ટાપુ સુધીનું અંતર ફક્ત 200 કિલોમીટર હતું, જેને તેઓ હેલુલૅન્ડ (શિલાઓની જમીન) કહેતા હતા.

સાહસકથાઓ અનુસાર, તેઓ કાંઠાની દક્ષિણ તરફ લેબ્રાડોર અથવા માર્કલૅન્ડ – જંગલોની ભૂમિ સુધી ગયા અને દક્ષિણમાં ત્યાંથી પણ આગળ એ સ્થળ સુધી ગયા, જેને તેઓ વિનલૅન્ડ, એટલે કે વેલની ધરતી કહેતા હતા.

યુનિવર્સિટી ઑફ આઇસલૅન્ડનાં એમિલી લેથબ્રિજે 2016માં ટાઇમવૉચ પર જણાવ્યું હતુંકે, “સાહસગાથાઓમાં આ લોકો એક સ્થળે નહીં, બલ્કે ઘણાં સ્થળોએ રોકાતા હોવાનાં વર્ણનો છે અને તેઓ ઘણાં વર્ષો સુધી નીકળી પડતા. તેમની સામે શોધખોળ માટે આખી નવી દુનિયા પડી હતી.”

સાહસકથાઓ જણાવે છે કે, સૌથી પ્રસિદ્ધ વસાહતી એરિક ધ રેડ આશરે ઈ.સ.માં આઇસલૅન્ડ પહોંચ્યા હતા, જ્યારે તેમના પિતાને હત્યાના આરોપમાં નૉર્વેમાંથી દેશનિકાલ આપવામાં આવ્યો હતો.

ઈ.સ. 932માં આઇસલૅન્ડવાસીઓએ એક સંસદ – અલ્થિંગની સ્થાપના કરી હતી.

તે સમગ્ર દેશની એક ખુલ્લી સભા હતી, જે કાયદાકીય અને ન્યાયિક હેતુઓ માટે દર ઉનાળામાં પખવાડિયા માટે યોજાતી હતી – અને તે એક અદ્ભુત વાતાવરણમાં – એક ખીણપ્રદેશમાં યોજાતી હતી, જે એક નયનરમ્ય કુદરતી રંગમંચ જેવું દેખાતું હતું.

લેથબ્રિજે બીબીસીને જણાવ્યા પ્રમાણે, “આ જગ્યાને ખાસ બનાવનારી બાબત કેવળ તેની ધ્વનિ સંબંધિત ખાસિયત નથી. હકીકતમાં તે એક કુદરતી ફૉલ્ટ લાઇન છે.”

“આપણે એક એવા બિંદુ પર છીએ, જ્યાં ઉત્તર અમેરિકન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ ભેગી થાય છે.” આમ ઉત્તર અમેરિકાની શોધ કરનારા પ્રથમ યુરોપિયનોએ તેમની એક સંસદની સ્થાપના યોગાનુયોગે બંને ખંડોની વચ્ચે આવેલી આ ખીણમાં કરી હતી.

લેથબ્રિજે જણાવ્યું હતું, “સમાજના જે સભ્યોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, તેમને સંસદમાં દેશનિકાલની સજા ફટકારવામાં આવતી. અપરાધી ગમે ત્યાં જઈ શકે, પણ જ્યાં સુધી દેશનિકાલની સજા અમલી હોય, ત્યાં સુધી તે આઇસલૅન્ડની ધરતી પર પગ મૂકી શકે નહીં.”

પાડોશના એક ખેડૂત સાથે થયેલા હિંસક વિવાદને પગલે અલ્થિંગે એરિક ધ રેડને આઇસલૅન્ડમાંથી દેશનિકાલની સજા કરી – અને તેના એ દેશનિકાલે વાઇકિંગના સંશોધનમાં એક અદ્ભુત પ્રકરણનો પાયો નાખ્યો.

લેથબ્રિજના જણાવ્યા મુજબ, “એરિક ધ રેડ ગ્રીનલૅન્ડની શોધ કરનારા અને પછી ત્યાં સ્થાયી વસાહત ઊભી કરનારા પ્રથમ આઇસલૅન્ડવાસી હતા.”

તેમણે ગ્રીનલૅન્ડમાં એક વસાહત ઊભી કરી, જે લગભગ 500 વર્ષ સુધી રહી અને ઉત્તર અમેરિકામાં નોર્સ લોકોના સંશોધનનું આરંભ બિંદુ બની.

લેથબ્રિજના જણાવ્યા અનુસાર, “તે જોખમ ઉઠાવનારા લોકો હતા અને અત્યંત કપરા શારીરિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર હતા, જેમકે, કશુંક મળી આવે, એ પ્રયાસમાં તેઓ ખુલ્લી નૌકાઓમાં ઍટલાન્ટિક મહાસાગર પાર કરી જતા હતા.”

ગ્રીનલૅન્ડ પર નોર્સ લોકોની વસાહત 15મી સદીના પ્રારંભ સુધી રહી અને એરિકના પુત્ર લિફ એરિક્સનની આગેવાનીમાં વાઇકિંગ્ઝે ત્યાંથી ઉત્તર અમેરિકા સુધી દરિયાઈ માર્ગે એક નહીં, પણ અનેક યાત્રાઓ ખેડી.

કૅનેડિયન મ્યુઝિયમ ઑફ સિવિલાઇઝેશન સ્થિત પુરાતત્વવિદ રૉબર્ટ મૅકગીએ ટાઇમવૉચને જણાવ્યા મુજબ, “મોટા ભાગના લોકો એવી ધારણા સેવે છે કે, લિફ એરિક્સન અને તેમના મિત્રો વિનલૅન્ડ આવી પહોંચ્યા અને તે પછી ત્યાંથી જતા રહ્યા બાદ, નવી દુનિયા વિશે કશું સાંભળવા ન મળ્યું.”

“પરંતુ, પુરાતત્વીય દૃષ્ટિએ, એ દર્શાવતા પુરાવા છે કે, નોર્સ લોકો તે પછી ઓછામાં ઓછી બે કે ત્રણ સદીઓ સુધી અમુક વખત નવી દુનિયાની મુસાફરી ખેડતા રહ્યા.”

શું કોલમ્બસ વિનલૅન્ડ વિશે જાણતા હતા?

મધ્યયુગીન જહાજ પરિવહનના ઇતિહાસકાર કર્સ્ટન સીવરે ટાઇમવૉચને જણાવ્યું હતું, “મધ્યયુગ દરમિયાન ગ્રીનલૅન્ડ અને ઉત્તર અમેરિકા તરીકે ઓળખાતા બે સાગરકાંઠા પર યાત્રાઓ થતી હોવાનું માનવા માટેના પૂરતા પુરાવા મોજૂદ છે.”

“આપણે જાણીએ છીએ કે, ઈ.સ. 1480 સુધીમાં તેમણે ઉત્તર અમેરિકા, અથવા તો તેઓ જેને આઇલ ઑફ બ્રાઝિલ કહેતા હતા, ત્યાં સુધી જવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન કર્યો હતો.”

“આપણે આને તેમની પ્રથમ યાત્રા નહીં, બલ્કે ગ્રીનલૅન્ડ થઈને ન જવાનો તેમનો પહેલો સીધો પ્રયત્ન ગણવો જોઈએ, કારણ કે, તે સમયે ગ્રીનલૅન્ડ જ સામાન્ય નેવિગેશનલ માર્કર હતું.”

આ ઉપરાંત સીવરે એક દસ્તાવેજ પણ ટાંક્યો છે, જે સૂચવે છે કે, કોલમ્બસ સ્વયં આવી દરિયાઈ સફરો વિશે જાણતા હતા. “1497-98ના શિયાળામાં જ્હોન ડે નામના એક અંગ્રેજે ક્રિસ્ટોફર કોલમ્બસને પત્ર પાઠવીને 1497માં જ્હોન કેબોટે ઉત્તર અમેરિકાની ખેડેલી સફળ સફર વિશે જણાવ્યું.”

“બીજી ઘણી વાતોની સાથે તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, જેમ કોલમ્બસ જાણતા હતા, બ્રિસ્ટલ (ઇંગ્લૅન્ડ)ના લોકો ઘણાં વર્ષોથી ઉત્તરીય ભાગની યાત્રા કરતા હતા.”

કોલમ્બસ 1492માં બહામાસના કાંઠે પહોંચ્યા, ત્યાં સુધીમાં વાઇકિંગ્ઝ જેને વિનલૅન્ડ કહેતા હતા તે સ્થળ વિશે સંભવતઃ તેમને જાણકારી હતી.”

“કેટલીક થિયરી ત્યાં સુધી કહે છે કે, યુરોપિયન લોકો અગાઉથી જ એ ધરતી શોધી ચૂક્યા હોવાનું જાણનારા કોલમ્બસ જાણીજોઈને ત્યાં જવાનું ટાળતા હતા.

મૅકગીએ ટાઇમવૉચને જણાવ્યું હતું, “આજના કોઈ નાવિકની માફક જ કોલમ્બસ એ સારીપેઠે જાણતા હતા કે, જો તમારે ઉત્તર ગોળાર્ધના મહાસાગરો પાર કરવા હોય… તો તમારે ઉત્તર તરફ આગળ વધવાનું હોય છે, જ્યાં અક્ષાંશ ઓછા હોય છે, તે ઝડપથી પાર કરી શકાય છે અને ફરીથી નીચે આવી જવાય છે.”

“તેમ છતાં, કોલમ્બસે મહાસાગર પાર કરીને લાંબો માર્ગ પકડ્યો. કદાચ તેઓ કૅનેડા જવાનું ટાળવા માગતા હતા. કદાચ તેઓ વિનલૅન્ડને ટાળવા માગતા હતા… જે તેમની શોધ નહોતી.”

“મને લાગે છે કે, કોલમ્બસનો આશય અમેરિકાને બાયપાસ કરીને દૂર આવેલા પૂર્વ (ફાર ઇસ્ટ)ની સંપત્તિ સુધી પહોંચવાનો હતો.”

આથી, જ્યારે અમેરિકાના ઘણા નાગરિકો દર ઑક્ટોબરમાં કોલમ્બસ ડે ઉજવે છે, ત્યારે તેમણે તે પહેલાંની તમામ ઍટલાન્ટિક સફરોને ભૂલવી ન જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS