Source : BBC NEWS
એક કલાક પહેલા
આજનાં બાળકો અગાઉની સરખામણીએ ઓછી ઉંમરે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે અને દુનિયામાં પ્રત્યેક અડધી સેકન્ડે એક બાળક ઑનલાઇન હોય છે. ઘણાં માતાપિતાની ફરિયાદ હોય છે કે તેમનાં બાળકો સતત મોબાઇલ જોતાં રહે છે.
આ સંબંધે જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે ઑનલાઇન દુનિયામાં બાળકોની વધતી પહોંચથી તેમના માટે ગંભીર જોખમો સર્જાઈ રહ્યાં છે.
વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના યંગ ઍન્ડ રેઝિલિયન્ટ સેન્ટરે આ બાબતે હાલમાં જ એક અભ્યાસ કર્યો છે.
તેમાં જાણવા મળ્યું છે કે ઓછી આવક ધરાવતા પરિવારોનાં બાળકો ખાસ કરીને અજાણ્યા લોકોની અનુચિત કે બિનજરૂરી રિક્વેસ્ટને બ્લૉક કરતાં નથી. આવા લોકોની ફરિયાદ નહીં કરવાને કે તેમને બ્લૉક નહીં કરવાને કારણે બાળકો ભવિષ્યમાં પોતાને અનિચ્છિત સંપર્કથી બહુ મોટા જોખમમાં સપડાવી દે છે.
બ્રિટનમાં ઑનલાઇન સેફ્ટી ઍક્ટ નામના નવા કાયદા હેઠળ, ઇન્ટરનેટ પર બાળકોની વધારે સલામતી સનિશ્ચિત કરવાની જવાબદારી ટેકનોલૉજી કંપનીઓની હોય છે, પરંતુ આ કાયદા સાથે જોડાયેલા નવા નિયમ 2025 સુધી અમલી બનવાના નથી.
ટીકાકારો કહે છે કે આ નિયમ પણ વધારે અસરકારક નથી.
દુનિયાભરમાં સરકારોએ આવા જ નિયમ-કાયદાઓ લાગુ કર્યા છે.
આ પરિસ્થિતિમાં તમે તમારા સંતાનોને કેવી રીતે સલામત રાખી શકો અને બાળકો માટે ઇન્ટરનેટની દુનિયા વધારે સલામત બનાવવા માટે દુનિયાભરની સરકારો અને ટેકનોલૉજી કંપનીઓ શું કરી રહી છે?
વિશ્વમાં બાળકો ઑનલાઇન કેટલો સમય પસાર કરે છે?
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, દુનિયામાં પ્રત્યેક અડધી સેકન્ડમાં કોઈને કોઈ બાળક પહેલી વાર ઑનલાઇન દુનિયામાં પ્રવેશ કરતું હોય છે.
આંકડાઓ દર્શાવે છે કે દુનિયામાં કનેક્ટિવિટી વધારવામાં ઓછા વયના લોકોનું યોગદાન સૌથી વધારે છે. 2023માં દુનિયાભરમાં 15થી 24 વર્ષના 79 ટકા લોકો ઑનલાઇન રહ્યા હતા, જે બાકીની વસ્તી કરતાં 65 ટકા વધારે છે.
સિડનીના યંગ ઍન્ડ રેઝિલિયન્ટ સેન્ટરના કો-ડિરેક્ટર અમાંડા થર્ડ કહે છે, “આજનાં બાળકો ઑનલાઇન દુનિયામાં જ મોટા થઈ રહ્યાં છે અને સતત બદલાતા ડિજિટલ પરિદૃશ્યમાં તેમને ઇન્ટરનેટથી સલામત રાખવા માટે સતત મદદની જરૂર હોય છે.”
બાળકો માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનિસેફના એક અભ્યાસ મુજબ, 30 દેશોમાં 33 ટકાથી વધારે બાળકોએ સાયબર વિશ્વમાં દાદાગીરી અને ધમકીઓનો સામનો કરવો પડે છે. તેને કારણે લગભગ 20 ટકા બાળકો સ્કૂલે જવાનું બંધ કરી દે છે.
હેટ સ્પીચ, હિંસક કન્ટેન્ટ અને ઉગ્રવાદી સંગઠનોમાં ભરતી પણ ચિંતાની બાબત છે. એ ઉપરાંત ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર ખોટી માહિતી કે પછી ષડયંત્રને મનઘડંત કહાણીઓ પણ બહુ ચાલતી રહે છે. જોકે, યુનિસેફનું કહેવું છે કે “ઑનલાઇન દુનિયામાં બાળકો પર સૌથી મોટું જોખમ યૌનશોષણ અને દુર્વ્યવહારનું છે.”
યુનિસેફના કહેવા મુજબ, “બાળકોનું યૌનશોષણ કરતા લોકો માટે પોતાના શિકારનો ઑનલાઇન સંપર્ક કરવાનું આજે વધારે આસાન થઈ ગયું છે. તેઓ આસાનીથી એવી તસવીરો શૅર કરી શકે છે અને અન્યોને પણ આવા અપરાધ કરવા માટે ઉશ્કેરી શકે છે. 25 દેશોનાં લગભગ 80 ટકા બાળકોએ ઑનલાઇન દુનિયામાં યૌનશોષણ અથવા દુર્વ્યવહારનાં જોખમોની ફરિયાદ કરી છે.”
માતાપિતા માટે ઑનલાઇન મૉનિટરિંગના વિકલ્પો
પોતાનાં સંતાનો પર નજર રાખવા માટે માતાપિતા પાસે એવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જે બાળકો પરેશાન કરતા કે અનુચિત કન્ટેન્ટને બ્લૉક કરી દે છે, પરંતુ અભ્યાસના તારણ જણાવે છે કે માતાપિતા તેનો વ્યાપક ઉપયોગ કરતાં નથી.
2019ના ગ્લોબલ કિડ્સ ઑનલાઇન સર્વેમાં જાણવા મળ્યું હતું કે નવથી 17 વર્ષની વયના મોટાં ભાગનાં બાળકોનાં માતાપિતા, સંતાનોના મૉનિટરિંગ માટે ટેકનોલૉજિકલ સાધનોનો ઉપયોગ કરવાને બદલે બચાવ તથા નિયમો પર આધારિત મનાઈ જેવી રીતો અપનાવે છે.
એ અભ્યાસ મુજબ, વાલીઓ વચ્ચે અનેક સાંસ્કૃતિક અંતર પણ જોવા મળ્યું છે. યુરોપ અને દક્ષિણ અમેરિકાના અમીર દેશોનાં માતાપિતા મધ્યસ્થી કરવાને મહત્ત્વ આપે છે, જ્યારે ઘાના, ફિલિપાઇન્સ અને દક્ષિણ આફ્રિકામાં માતાપિતા આવા મામલામાં મર્યાદિત સ્તરે દખલ કરવાની નીતિ અપનાવે છે.
અલબત્ત, બાળકોને મોબાઇલ ફોન કે બીજાં ઉપકરણો પર પેરેન્ટલ કન્ટ્રોલનો બહુ ઓછો ઉપયોગ થાય છે. આ સર્વેમાં સામેલ દેશોમાં ત્રણ ટકાથી ઓછાં માતાપિતા એવાં હતાં, જે પોતાનાં ઑનલાઇન બાળકો પર નજર રાખવા માટે આ ટેકનોલૉજિકલ સાધનોનો ઉપયોગ કરતાં હતાં.
બ્રિટનસ્થિત કેટલીક મોટી ઇન્ટરનેટ કંપનીઓએ સાથે મળીને ઇન્ટરનેટ મેટર્સ નામનું એક સલામતીનું એક સંગઠન બનાવ્યું છે. ઇન્ટરનેટ મેટર્સ આવા ટેકનોલૉજિકલ સાધનોની એક યાદી તૈયાર કરી છે અને તેના તબક્કા વાર ઉપયોગની એક ગાઇડ પણ બનાવી છે.
દાખલા તરીકે, જે માતાપિતા તેમનાં સંતાનોને સૌથી વધુ લોકપ્રિય પ્લૅટફૉર્મ્સ પૈકીના એક એટલે કે યૂટ્યૂબ અને ટિકટૉક પર અનુચિત કન્ટેન્ટ નિહાળતા રોકવા ઇચ્છતાં હોય તેઓ માત્ર બાળકો માટે બનાવવામાં આવેલા ‘કિડ્ઝ વર્ઝન’નું સેટિંગ કરી શકે છે. આ વર્ઝન એડલ્ટ કન્ટેન્ટ ફિલ્ટર કરી દે છે.
યૂટ્યૂબ અને ટિકટૉકની મુખ્ય સાઇટનો ઉપયોગ કરતા કિશોર વયનાં બાળકો માટે માતાપિતા મૉનિટરિંગ એકાઉન્ટ્સ બનાવી શકે છે, જેનાથી તેઓ જાણી શકે છે કે તેમના સંતાનો આ ઍપ્સ પર શું નિહાળી રહ્યાં છે.
ફેમિલી સેન્ટર મારફત ફેસબુક મૅસેન્જર પર પણ નજર રાખી શકાય છે.
ટિકટૉકનું કહેવું છે કે તેનું પરિવારથી જોડતું ટૂલ માતાપિતાને એવો અધિકાર આપે છે, જેના વડે તેઓ તેમનાં કિશોર વયનાં બાળકોનાં એકાઉન્ટ્સને પ્રાઇવેટ બનાવી શકે છે.
ઇન્સ્ટાગ્રામ પર પણ માતાપિતા માટે અનેક ટૂલ્સ ઉપલબ્ધ છે. તેના વડે બાળકોના રોજ તેને જોવાની સમય મર્યાદા નક્કી કરી શકાય છે. બ્રૅકનો સમય પણ નક્કી કરી શકાય છે અને સંતાનોએ જેમની ફરિયાદ કરી હોય તેવાં એકાઉન્ટ્સની યાદી પણ બનાવી શકાય છે.
મોબાઇલ ફોન અને કન્સોલમાં કન્ટ્રોલના વિકલ્પ
ઍન્ડ્રોઇડ, ઍપલના ફોન અને ટેબ્લેટમાં એવી ઍપ અને સિસ્ટમ હોય છે, જેનો ઉપયોગ માતાપિતા કરી શકે છે.
એ ટૂલ્સ મારફત કેટલીક ઍપ્સને બ્લૉક કરી શકાય છે અથવા તેની પહોંચ મર્યાદિત કરી શકાય છે.
ઍડલ્ટ કન્ટેન્ટને પ્રતિબંધિત કરી શકાય છે. બાળકો દ્વારા ખરીદી અટકાવી શકાય છે અને તેમના બ્રાઉઝિંગ પર નજર રાખી શકાય છે.
ઍપલે આ માટે સ્ક્રીન ટાઇમનું ટૂલ આપ્યું છે. ગૂગલ આ માટે ફેમિલી લિંક નામની ઍપ આપે છે. બીજા ડેવલપર્સે પણ આવી અનેક ઍપ ઉપલબ્ધ કરાવી છે.
નેટફ્લિક્સ જેવા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ કન્ટેન્ટને ફિલ્ટર કરવા માટે પેરન્ટલ કન્ટ્રોલ ઉપલબ્ધ કરાવે છે.
ગેમિંગ કન્સોલની સેટિંગ મારફત માતાપિતા તેમનાં સંતાનોની વય અનુસાર ગેમ રમવાની મર્યાદા નક્કી કરી શકે છે અને ગેમ રમતી વખતે ખરીદી પર રોક લગાવી શકે છે.
અનેક દેશોમાં માતાપિતાઓને નિયંત્રણના આ વિકલ્પો બ્રૉડબૅન્ડ અને ટીવીની સબસ્ક્રિપ્શન સેવાઓ તરફથી આપવામાં આવે છે.
સંતાનો સાથે ઑનલાઇન સલામતી બાબતે કેવી રીતે વાત કરવી?
બ્રિટનમાં બાળકો માટેની કલ્યાણકારી સંસ્થા એનએસપીસીસીના જણાવ્યા મુજબ, બાળકો સાથે ઑનલાઇન સેફ્ટી બાબતે વાત કરવી અને તેમની ઑનલાઇન ગતિવિધિમાં રસ લેવો તે બહુ મહત્ત્વનું છે.
આ સંસ્થા માતાપિતાને સૂચન કરે છે કે તેમણે આ મુદ્દાઓ વિશેની વાતચીતને તેમનાં સંતાનો સાથેની રોજિંદી વાતચીતનો હિસ્સો બનાવવી જોઈએ. જેવી રીતે તેઓ તેમના સંતાનો સાથે સ્કૂલમાંના સમય બાબતે વાત કરે છે તેવી જ રીતે વાત કરવી જોઈએ. તેનાથી સંતાનો માટે પોતાની ચિંતા માતાપિતાને જણાવવાનું વધારે આસાન થઈ જશે.
સરે યુનિવર્સિટીમાં કમ્પ્યુટરના સલામતી નિષ્ણાત પ્રોફેસર ઍલન વુડવાર્ડ કહે છે, “તમે આ નહીં જોઈ શકો, એવું બાળકોને કહેવાનું સૌથી વધારે ખરાબ હોય છે.”
પ્રોફેસર વુડવાર્ડ કહે છે, “પછી બાળકો એ મનાઈથી બચવા માટે કોઈને કોઈ રસ્તો શોધી લે છે. એ માટે તેમણે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો ઉપયોગ કરવો પડે તો પણ તેમને આ મનાઈથી બચવાની તક મળી જાય છે. અથવા તેઓ કોઈ બીજાના નામે લોગીન કરીને એ બધું જોતા થઈ જાય છે.”
દુનિયાભરની સરકારો શું કરી રહી છે?
નિયમનકારી સંસ્થાઓએ તાજેતરનાં વર્ષોમાં પ્રાઇવસીના એવા કાયદા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે, જેનાથી બાળકોની ઑનલાઇન સલામતી જાળવી શકાય. આ મામલે કાયદો બનાવનારાઓ પણ ઘણી સક્રિયતા દેખાડી રહ્યા છે.
જોકે, ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑફ પ્રાઇવસી પ્રોફેશનલ્શ (આઇઇપીપી)નું કહેવું છે કે “ઑનલાઇન દુનિયામાં પ્રાઇવસી અને સલામતી જાળવી રાખવા માટે કાયદાઓની જરૂર છે, પરંતુ ન્યાયિક અધિકાર ક્ષેત્ર આ સહિયારા હેતુ સંદર્ભે અલગ-અલગ રીત અપનાવી રહ્યા હોવા બાબતે અનેક લોકો સહમત છે.”
દાખલા તરીકે, બ્રિટન કે પછી કૅલિફોર્નિયામાં આ કંપનીઓની જવાબદારી છે કે તેઓ તેમની સેવાઓને એવી રીતે તૈયાર કરે, જેથી બાળકોની પ્રાઇવસી તથા સલામતીને સક્રિયતાથી સુરક્ષીત બનાવી શકાય.
બ્રિટનના ટેકનોલૉજી સેક્રેટરી મિશેલ ડોનેલાને મોટી ટેકનોલૉજી કંપનીઓને વિનંતી કરી હતી કે “તમે પણ અમારી સાથે મળીને તૈયારી કરો. મોટા દંડ અને સખત કાયદા અમલી બનવાની રાહ ન જુઓ. તમારી જવાબદારીના પાલનમાં સક્રિયતા દેખાડો અને તત્કાળ કાર્યવાહી કરો.”
અમેરિકાના કેટલાક કાયદા ઇન્ટરનેટ સુધી બાળકોની પહોંચ પર નજર રાખવા માટે માતાપિતાની જવાબદારી પર ભાર મૂકે છે.
1998નો અમેરિકન ચિલ્ડ્રન્સ ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન ઍક્ટ માતાપિતાની મંજૂરી વિના ઑનલાઇન કંપનીઓ પર બાળકો સંબંધી કેટલીક માહિતી પ્રોસેસ કરવા પર પ્રતિબંધ મૂકે છે.
અમેરિકાના આરકન્સાસ, લૂસિયાના, ટેક્સાસ અને યૂટા રાજ્યોમાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા કેટલાક કાયદા બાળકો દ્વારા તેમનાં માતાપિતાની મંજૂરી વિના સોશિયલ મીડિયા સર્વિસના ઉપયોગની છૂટ પર પ્રતિબંધ મૂકે છે.
બ્રાઝિલે 2020માં પ્રાઇવેટ ડેટા એકત્ર કરવા સંબંધી એક કાયદો બનાવ્યો હતો, પરંતુ બ્રાઝિલના સંસદસભ્યો આજે પણ ડિજિટલ માહોલમાં બાળકો તથા કિશોરોની સલામતીની વ્યવસ્થાની ચર્ચા જ કરી રહ્યા છે. તેમાં ઇન્ટરનેટ સર્વિસ અને ઑનલાઇન પ્રોડક્ટ આપતી કંપનીઓ માટે યૌનશોષણની ચેતવણીની વ્યવસ્થાના નિર્માણનો સમાવેશ થાય છે.
ફ્રાન્સે 2022થી ઇન્ટરનેટ સંબંધી ડિવાઇસ માટે માતાપિતાના મંજૂરીને અનિવાર્ય બનાવી દીધી છે.
ભારતે 2023માં એક એવા વિવાદાસ્પદ ડેટા પ્રાઇવસી ખરડાને મંજૂરી આપી હતી, જેમાં બાળકોના પર્સનલ ડેટા એકત્ર કરવા માટે તેમનાં માતાપિતા પાસેથી પરવાનગી મેળવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ કાયદાએ ચોક્કસ બાળકોને ટાર્ગેટ કરતી ઑનલાઇન જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
ટેક્નોલૉજી કંપનીઓ આ સમસ્યા બાબતે શું કરે છે?
આજે ટેક્નોલૉજી કંપનીઓ સામે માત્ર પ્રાઇવસી સંબંધી ચિંતાઓ જ નહીં, પરંતુ યૂઝરની ઑનલાઇન સલામતી બાબતે પણ વિરોધ સતત વધી રહ્યો છે.
બાળકો અને ઓછી વયના યૂઝર માટે પહેલેથી જ સલામત હોય તેવો મંચ તૈયાર કરવાની જવાબદારી લેવા દુનિયાભરમાં કર્મશીલો અને માતાપિતાઓ ટેકનોલૉજી કંપનીઓ પર દબાણ લાવી રહ્યા છે.
આ વર્ષે જાન્યુઆરીના અંતમાં અમેરિકન સંસદમાં સુનાવણી દરમિયાન મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે ઑનલાઇન દુનિયામાં શોષણનો શિકાર બનાવવામાં આવેલાં બાળકોનાં માતાપિતાની માફી માગી હતી.
ધ બિગ ટેક ઍન્ડ ધ ઑનલાઇન ચાઇલ્ડ સેક્સુઅલ એક્સપ્લૉઇટેશન ક્રાઇસિસની એ સુનાવણીનો હેતુ “ઑનલાઇન દુનિયામાં બાળકોના યૌનશોષણની વધતી ઘટનાઓની તપાસ”નો હતો.
મેટા, સ્નેપ, ડિસ્કોર્ડ, એક્સ અને ટિકટૉક જેવી તમામ કંપનીઓના અધિકારીઓને જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, સૌથી વધારે ચર્ચા માર્ક ઝકરબર્ગ અને ટિકટૉકના ચીફ એક્ઝિક્યુટિવ શોઉ ચ્યૂની જુબાનીની થઈ હતી.
સુનાવણી દરમિયાન માર્ક ઝકરબર્ગે કહ્યું હતું, “તમારે જે સંજોગોમાંથી પસાર થવું પડ્યું તેના માટે હું માફી માગું છું. તમારા પરિવારોએ જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે એવી તકલીફોનો સામનો કોઈએ પણ ન કરવો જોઈએ.”
અમેરિકાની સંસદમાં આ સુનાવણી થઈ રહી હતી ત્યારે મેટાના એક ભૂતપૂર્વ વરિષ્ઠ કર્મચારીએ અમેરિકન સંસદને જણાવ્યું હતું કે કિશોર વયનાં બાળકોને યૌનશોષણથી સલામત રાખવા માટે ઇન્સ્ટાગ્રામ પૂરતાં પગલાં લેતું નથી, એવું તેઓ માને છે.
મેટા અને સ્નેપચેટે જણાવ્યું હતું કે તેમણે 18 વર્ષથી ઓછી વયના પોતાના યૂઝર્સ માટે પહેલેથી જ સલામતીના ઉપાય કરી રાખ્યા છે. તેમણે માતાપિતાના મૉનિટરિંગને આસાન બનાવતા ટૂલ્સ વિશે પણ જણાવ્યું હતું.
સ્નેપચેટના એક અધિકારીએ કહ્યું હતું, “યુવા પેઢીમાં લોકપ્રિય એક પ્લૅટફૉર્મ હોવાને લીધે અમને અમારી વધારાની જવાબદારીની ખબર છે કે અમારે એક સલામત અને સકારાત્મક અનુભવ આપવો જોઈએ.”
મેટાના એક પ્રતિનિધિએ જણાવ્યા મુજબ, અમારી કંપની ઇચ્છે છે કે યુવા પેઢીના લોકો “અન્ય લોકો સાથે એવા માહોલમાં જોડાય, જ્યાં તેઓ વધારે સલામતી અનુભવી શકે.”
તેમણે કહ્યું હતું, “હિંસા અને આપઘાતને પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ, જાતના ઈજા કરવાને કે ખાનપાનની બીમારી વધારતું કન્ટેન્ટ અમારા નિયમોની વિરુદ્ધ છે. અમને અમારા પ્લૅટફૉર્મ પર જ્યારે આવું કન્ટેન્ટ મળે છે ત્યારે તેને હટાવી દેવામાં આવે છે.”
જોકે, બીબીસી સહિતના અનેક મીડિયા અને મૉનિટરિંગ સંગઠનોએ જણાવ્યું છે કે અનુચિત કે દુર્વ્યવહાર કરતા કન્ટેન્ટની ફરિયાદ કરવા છતાં આ કંપનીઓ તેને તત્કાળ હટાવતી નથી.
અનેક વખત સંપર્ક કરવા છતાં તે કન્ટેન્ટ જેમનું તેમજ પડ્યું રહેતું હોવાનું વારંવાર બને છે.
SOURCE : BBC NEWS