Home તાજા સમાચાર gujrati કડકડતી ઠંડી અને ગામ આખામાં અંધારપટ… રાત્રે 11 વાગ્યા પછી આ ગામમાં...

કડકડતી ઠંડી અને ગામ આખામાં અંધારપટ… રાત્રે 11 વાગ્યા પછી આ ગામમાં શું થાય છે?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Angchuk Dorje

રાતના 10 વાગ્યા છે. હાડ થીજાવી દેતી ઠંડીમાં જોરદાર પવન આખા પ્રદેશમાં સૂસવાટાભેર ફૂંકાઈ રહ્યો છે. ગામના લોકો અને તેમના મહેમાનો ભોજન પૂરું કરી ચૂક્યા છે, પણ હવે સૂવા જવાને બદલે આખા ગામમાં એક પ્રકારની ઉત્સુકતા છવાઈ ગઈ છે.

દરરોજ રાત્રે, આ નાનકડા ગામના ખુલ્લા આંગણામાં આકાશ નિહાળવાની એક અનોખી પરંપરા શરૂ થાય છે. સ્થાનિક ‘ઍસ્ટ્રો ઍમ્બૅસૅડર’ ટેલિસ્કૉપ બહાર લાવે છે અને તેની મદદથી લોકોને આકાશનાં રહસ્યો બતાવે છે.

આ છે લદ્દાખના દૂરના વિસ્તારમાં આવેલું હાનલે. લેહથી આશરે 253 કિલોમીટર દૂર આવેલું આ ગામ ઝડપથી ખગોળ-પર્યટન અને તારાદર્શનના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. તેને સત્તાવાર રીતે ભારતનું પ્રથમ ‘ડાર્ક સ્કાય રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું છે.

આકાશના આ અદ્‍ભુત નજારાને સગી આંખે નિહાળવા અમે લેહથી હાનલે પહોંચ્યા. અહીં અમારી મુલાકાત પાલઝેસ અંગ્મો, ત્સેરિંગ ડોલ્કર, ત્સેરિંગ યાંગડોલ અને પદ્મા સાથે થઈ. હસતાં, ધીમા અવાજે વાત કરતી અને થોડા શરમાળ સ્વભાવની આ ચારેય મહિલાઓ હાનલે અને આસપાસનાં ગામોની રહીશ છે.

તેઓ હાનલેની ‘ઍસ્ટ્રો ઍમ્બૅસૅડર’ છે.

હાનલે ડાર્ક સ્કાય રિઝર્વની અંદર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

‘ડાર્ક સ્કાય રિઝર્વ’ એવો વિસ્તાર છે જ્યાં કૃત્રિમ પ્રકાશને ચુસ્તતાપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે. અભયારણ્ય જેમ પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરે છે, તેમ આ પહેલનો હેતુ પણ પ્રકાશ પ્રદૂષણથી ચોક્કસ વિસ્તારને બચાવવાનો અને આકાશના સ્વચ્છ દૃશ્યને જાળવી રાખવાનો છે.

હાનલે ચાંગથાંગ વન્ય જીવ અભયારણ્યમાં આવેલું છે. આ રિઝર્વ છ ગામોને આવરી લેતા 22 કિલોમીટર ત્રિજ્યાના વિસ્તારમાં ફેલાયેલું છે. પણ આ જગ્યા જ શા માટે?

તેનો જવાબ હાનલેની અનોખી ભૌગોલિક સ્થિતિમાં રહેલો છે. હાનલે સમુદ્રની સપાટીથી 14,764 ફૂટની ઊંચાઈએ આવેલું છે. લદ્દાખ હિમાલય અને કારાકોરમ પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. દક્ષિણ તરફથી આવતો ભારતીય ચોમાસાનો વરસાદ ઊંચા હિમાલયના પર્વતોને કારણે અહીં સુધી પહોંચી શકતો નથી. તેથી લદ્દાખનો મોટા ભાગનો વિસ્તાર શુષ્ક છે.

ઊંચાઈ પર આવેલા ઠંડા રણથી ઘેરાયેલા આ વિસ્તારમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું છે. વર્ષમાં આશરે 260 રાતે આકાશ એકદમ સ્વચ્છ રહે છે. પરિણામે અહીં એવું અદ્‍ભુત આકાશ જોવા મળે છે, જેમાં હજારો તારાઓ નરી આંખે સ્પષ્ટ દેખાય છે. તેથી હાનલે દુનિયાનાં શ્રેષ્ઠ ખગોળીય સ્થળોમાંનું એક બન્યું છે.

આ કારણે અહીં ઇન્ડિયન ઍસ્ટ્રોનોમિકલ ઑબ્ઝર્વેટરીની સ્થાપના કરવામાં આવી, જ્યાં હિમાલયન ચંદ્રા ટેલિસ્કૉપ આવેલું છે. બૅંગલુરુસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોફિઝિક્સ છેલ્લાં 25 વર્ષથી આ દૂરના સ્થળેથી મહત્ત્વપૂર્ણ સંશોધન કરી રહ્યું છે.

જોકે, લદ્દાખમાં પર્યટન અને વાહનવ્યવહાર વધવા લાગતાં સંશોધકોની ચિંતા પણ વધી. પ્રકાશ પ્રદૂષણનો ખતરો ઊભો થયો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

શેરીઓની લાઇટો, વાહનોની હેડલાઇટ અને વધતાં જતાં ગેસ્ટહાઉસની સંખ્યાને કારણે રાત્રિના આકાશની સ્વચ્છતા જોખમાઈ રહી હતી અને મહત્ત્વપૂર્ણ ખગોળીય નિરીક્ષણોમાં અડચણ ઊભી થઈ રહી હતી. તેના જવાબરૂપે આ વિસ્તારને ‘ડાર્ક સ્કાય રિઝર્વ’ તરીકે સુરક્ષિત કરવામાં આવ્યો.

શહેરોમાં રહેતા લોકોને આકાશમાં થોડાં પરિચિત તારામંડળો જ જોવા મળે છે, પરંતુ હાનલે આવતાં પ્રવાસીઓ નરી આંખે આકાશગંગાની ભવ્ય કમાન જોઈ શકે છે. આકાશમાં ખરતાં તારાઓ ચમકતી રેખા દોરતા પસાર થાય છે અને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહો પણ બ્રહ્માંડમાં શાંતિથી આગળ વધતા જોઈ શકાય છે.

રાત્રિના રખેવાળ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

વેધશાળા વ્યાવસાયિક સંશોધકો પૂરતી મર્યાદિત છે, પરંતુ લોકોમાં તારાદર્શનના વધી રહેલા રસને કારણે સ્થાનિક લોકોને પણ તેમાં જોડવા અને ખગોળ-પર્યટનને પ્રોત્સાહન આપવા પહેલ કરવામાં આવી. આ રીતે ‘ઍસ્ટ્રો ઍમ્બૅસૅડર’ની શરૂઆત થઈ.

2022માં લદ્દાખ પ્રશાસન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોફિઝિક્સે મળીને હાનલે અને આસપાસનાં ગામોના 24 યુવાનોને ખગોળશાસ્ત્રની પાયાની બાબતોની તાલીમ આપી. 15 દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં તેમણે ખગોળશાસ્ત્રનાં વિવિધ વિષયો શીખ્યા અને ગ્રહો, તારા તથા તારામંડળને ઓળખવા માટે આકાશમાં દિશા નક્કી કરવાની રીતો શીખી.

આ ઉપરાંત, તેમને ટેલિસ્કૉપ આપવામાં આવ્યાં, તેને કેવી રીતે ચલાવવું તેની તાલીમ આપવામાં આવી અને મોબાઇલ ફોનથી આકાશગંગાના ફોટા પાડવાનું પણ શીખવવામાં આવ્યું.

આ 24 લોકોની પ્રથમ ટુકડીમાં 18 મહિલા હતાં. પાલઝેસ અંગ્મો, ત્સેરિંગ ડોલ્કર, ત્સેરિંગ યાંગડોલ અને પદ્મા પણ આ જ ટુકડીમાં હતાં.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Test Ring Dagger

પૅન્ગોંગનાં અંગ્મો લગ્ન પછી હાનલે આવીને વસ્યાં, જ્યારે તેમનાં ત્રણ સાથી મહિલા અહીં જ મોટાં થયાં છે. ડોલ્કર યાદ કરતાં કહે છે, “અહીંનું આકાશ હંમેશાં આવું જ ઝગમગતું રહ્યું છે. 2022 પહેલાં અમે ક્યારેય આકાશને આટલું ધ્યાનથી જોયું નહોતું, પરંતુ 2022 પછી અમારી રુચિ વધી ગઈ. હવે અમે દરરોજ રાત્રે આકાશ નિહાળીએ છીએ…”

ચારેય એકબીજાની વાતમાં ઉમેરો કરતાં કહે છે, “તાલીમ પછી અમારા હાથમાં ટેલિસ્કૉપ આવ્યું ત્યારે અમે તેને શરૂઆતમાં સંકોચપૂર્વક ચલાવવાનું શરૂ કર્યું. કંઈક ખોટું થઈ જાય કે ટેલિસ્કૉપ બગડી જાય તો શું થશે, એવી બીક રહેતી.”

“ધીમે-ધીમે અમે શીખતાં ગયાં. હવે અમે ટેવાઈ ગયાં છીએ. ટેલિસ્કૉપ ગોઠવવાનું કામ અમે સરસ રીતે કરી શકીએ છીએ અને તેની પાયાની બાબતો પણ સમજીએ છીએ. ટેલિસ્કૉપમાં કોઈ મોટા સમારકામની જરૂર પડે તો અમે તેને સીધું વેધશાળામાં લઈ જઈએ છીએ.”

હાનલેમાં તારાદર્શન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

આ ઍસ્ટ્રો ઍમ્બૅસૅડરો અહીં આવતાં પ્રવાસીઓને રાત્રિના આકાશની અજાયબીઓથી પરિચિત કરાવે છે. તેઓ પોતાનાં સાધનોની મદદથી તેમને અંતરીક્ષના દૂરના વિસ્તારોનાં અદ્‍ભુત દૃશ્યો બતાવે છે. સાંજે લગભગ નવ વાગ્યે આ ધમધમાટ શરૂ થાય છે.

વાતાવરણની સ્થિતિ મુજબ ટેલિસ્કૉપ ગોઠવવામાં આવે છે. સ્થાનિક હોમસ્ટેમાં રોકાયેલા મહેમાનો જાડા પાર્કા, જૅકેટ અને ઊનની ટોપીઓ પહેરીને બહાર આવે છે અને સામે પથરાયેલા ઝગમગતા આકાશને જોઈને જાણે સ્તબ્ધ થઈ જાય છે. ટેલિસ્કૉપની આસપાસ લોકોની ભીડ જામી જાય છે અને બુધ, શુક્ર, શનિ તથા ચંદ્ર પરના ખરબચડા ખાડાઓ જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ જાય છે.

દરરોજ રાત્રે અગિયાર વાગ્યે ગામોમાં વીજળી બંધ કરી દેવામાં આવે છે અને આખો વિસ્તાર ગાઢ અંધકારમાં ડૂબી જાય છે. આકાશમાં ઝગમગતા તારાઓ વધુ સ્પષ્ટ અને વધુ તેજસ્વી દેખાવા લાગે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

આ અંધકાર વચ્ચે પ્રવાસીઓ પૃષ્ઠભૂમિમાં આકાશગંગા દેખાય એ રીતે પોતાના ફોટા પાડવા માટે ઉતાવળા બને છે. ત્યારે ઍસ્ટ્રો ઍમ્બૅસૅડરો કૅમેરાનું યોગ્ય સેટિંગ ગોઠવવામાં તેમને માર્ગદર્શન આપે છે.

પદ્મા ધીમા અવાજે કહે છે, “લોકો ટેલિસ્કૉપમાંથી જુએ છે અને આકાશગંગા સાથે પોતાનો ફોટો પાડે છે ત્યારે તેમને ખૂબ આનંદ થાય છે. એક વ્યક્તિનો ફોટો પડ્યા પછી તરત જ બીજા લોકોની કતાર લાગી જાય છે. મોબાઇલમાં કયાં સેટિંગ્સ રાખવાં એ અમે તેમને સમજાવીએ છીએ… અમે પણ આકાશગંગા અને ચંદ્રના ફોટા પાડીએ છીએ અને અમારા સ્ટેટસ પર મૂકીએ છીએ કે એકબીજાને મોકલીએ છીએ.”

જીવનમાં પરિવર્તન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Angchuk Dorje

હાનલે ચારેય તરફ પર્વતોથી ઘેરાયેલું છે. ટેકરી પર આવેલા મઠથી આ ગામને જાણે તાજ પહેરાવવામાં આવ્યો હોય એવું લાગે છે અને તેની બાજુમાં લશ્કરી છાવણી છે—લદ્દાખમાં આવું દૃશ્ય સામાન્ય છે.

દરરોજ રાત્રે અગિયાર વાગ્યે ગામની વીજળી બંધ કરી દેવામાં આવે છે અને તે સવાર પડે ત્યારે જ આવે છે. આ રીતે કરવામાં આવતો અંધકાર સ્થાનિક વેધશાળામાં આવેલા હિમાલયન ચંદ્રા ટેલિસ્કૉપના સંચાલન માટે જરૂરી છે. જો કે, તેના કારણે કડકડતી ઠંડીથી બચવા માટે હોમસ્ટેમાં ઇલેક્ટ્રિક હીટર ચલાવી શકાતાં નથી.

ઇન્ડિયન ઍસ્ટ્રોનોમિકલ ઑબ્ઝર્વેટરીએ હવે પોતાની સ્થાપનાનાં 25 વર્ષ પૂરાં કર્યાં છે, પણ સ્થાનિક પર્યટનને વાસ્તવિક વેગ મળ્યો કોરોના મહામારી પછી.

હાનલેના સ્વચ્છ અને તારાઓથી ભરેલા આકાશનાં વીડિયો દર્શાવતી સોશિયલ મીડિયાની વાયરલ રીલ્સને કારણે પ્રવાસીઓનો ધસારો વધ્યો. આ ઉપરાંત, વિશ્વના સૌથી ઊંચા વાહનવ્યવહારયોગ્ય પર્વતીય ઘાટ ઉંમલિંગ લા જવાનો રસ્તો સીધો હાનલેમાંથી પસાર થાય છે. તેથી અહીં આવનારા બાઇકસવારોની સંખ્યા પણ વધી છે.

વેધશાળાના વરિષ્ઠ એન્જિનિયર અને આઉટરીચના વડા સોનમ જોર્ફેઇલ સમજાવે છે: “વિજ્ઞાન અને સમાજ બંને માટે અંધારા આકાશનું કેટલું મહત્ત્વ છે એ સમજાવવામાં આ ઍસ્ટ્રો ઍમ્બૅસૅડરોની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. મુલાકાતીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ સ્થાનિક લોકો તારાઓ જોવા માટે માર્ગદર્શન આપે છે, પ્રવાસીઓને પ્રકાશના યોગ્ય ઉપયોગ વિશે સમજાવે છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડે છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં વેધશાળા અને અંધારા આકાશને લઈને સોશિયલ મીડિયા પર ઊભા થયેલા આકર્ષણને કારણે પર્યટકોનો અચાનક મોટો ધસારો જોવા મળ્યો છે.

ખગોળ-પર્યટનની આ નવી પહેલ હવે અહીં મજબૂત રીતે પગપેસારો કરી રહી છે. હજી સુધી ગામમાં એક પણ રેસ્ટોરાં નથી અને માત્ર બે-એક હોટલ છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

પરંતુ હોમસ્ટેની સંખ્યા ઝડપથી વધી રહી છે. વધતા પ્રવાસીઓ માટે રસ્તાઓનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે અને હાનલે તથા આસપાસનાં ગામોમાં બાંધકામ પણ નજરે પડે છે.

સ્થાનિક લોકો પ્રવાસીઓને રહેવાની જગ્યા આપવા પોતાના ઘરોમાં નવા ઓરડા બનાવી રહ્યા છે. અંગ્મો, ડોલ્કર, યાંગડોલ અને પદ્માનાં પરિવારો પણ હોમસ્ટે ચલાવે છે અને ભારતભરના તથા વિદેશથી આવતા મહેમાનોનું સ્વાગત કરે છે.

પદ્મા કહે છે, “મહેમાનોની સંભાળ રાખવી, ભોજન બનાવવું, ઓરડા સાફ કરવા અને ઘરના બીજા કામકાજમાં આખો દિવસ પસાર થઈ જાય છે. પછી રાત્રે નવ વાગ્યાથી અમે તારાદર્શનની તૈયારી અને ટેલિસ્કૉપ ગોઠવવાનું શરૂ કરીએ છીએ.”

દિવસ દરમિયાન રસોડું સંભાળતા આ હાથ રાત્રે નિપુણતાથી સાધનો ગોઠવે છે અને ઉત્સુક પ્રવાસીઓને તારામંડળ બતાવવા માટે લેસર કિરણોનો ઉપયોગ કરે છે.

આ ચારેય મહિલાઓ યુનિવર્સિટી ગ્રૅજ્યુએટ છે. ટેલિસ્કૉપ ચલાવવાની તક મળતાં તેમના માટે કારકિર્દીનો એક નવો રસ્તો ખૂલ્યો. તેઓ પ્રવાસીઓ પાસેથી તારાદર્શનનાં સત્રો માટે નાણાં મેળવે છે, જ્યારે હોમસ્ટે પરિવારની આવકનો એક મહત્ત્વનો સ્રોત બની ગયો છે.

“આ કામ શરૂ કરતાં પહેલાં અમારામાં જરાય આત્મવિશ્વાસ નહોતો,” ચારેય મહિલાઓ યાદ કરે છે.

“પરંતુ હવે આત્મવિશ્વાસ વધ્યો છે. અમે અલગ-અલગ જગ્યાએથી આવતા લોકોને મળીએ છીએ. સ્થાનિક લોકો પણ આવે છે અને શાળાનાં બાળકો પણ આવે છે—અમે તેમને કોઈ પણ ફી લીધા વિના, સાવ નિ:શુલ્ક બ્રહ્માંડ બતાવીએ છીએ. આઇપીસમાંથી કંઈ અદ્‍ભુત જોવા મળે ત્યારે આશ્ચર્યનો મોટો ઉદ્‍ગાર સંભળાય છે.”

તેઓ ગર્વથી કહે છે કે હવે તેમણે પોતાના ખર્ચ માટે માતા-પિતા પર આધાર રાખવો પડતો નથી. “પહેલાં અમને કંઈ જોઈતું હોય તો માતા-પિતા પાસેથી પૈસા લેવા પડતા. હવે અમે અમારી કમાણી બચાવીએ છીએ અને જે જોઈએ તે ખરીદીએ છીએ…”

પોતાની કમાણીમાંથી બચત કરીને આ યુવાન મહિલાઓએ આધુનિક સ્માર્ટફોન ખરીદ્યા છે. એકે તો આઇફોન પણ ખરીદ્યો છે.

ચારેય સાથે મળીને કામ કરે છે અને ઘરઆંગણેથી જ લોકોને બ્રહ્માંડ બતાવવામાં તેમને ઘણો આનંદ મળે છે. હસતાં-હસતાં તેઓ કહે છે કે હાનલે છોડીને જવાની તેમને જરાય ઇચ્છા નથી. તેમના મતે અહીંના આકાશની સરખામણી દુનિયામાં બીજે ક્યાંયના આકાશ સાથે થઈ શકે એમ નથી. પણ રાત્રે કરવામાં આવતા આ કામ વિશે તેમના પરિવારજનો શું વિચારે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sharad Badhe / BBC Marathi

યાંગડોલ કહે છે, “અમે અમારાં પરિવારજનોને પણ ટેલિસ્કૉપથી વારંવાર રાત્રિનું આકાશ બતાવીએ છીએ. હવે તેમને પણ તે જોવાની મજા આવે છે. હકીકતમાં, તેઓ અમને દરરોજ સાંજે મહેમાનોને તારાઓ બતાવવા માટે કહે છે. અમે એક દિવસ પણ રજા લઈએ તો તેઓ પૂછે છે કે ટેલિસ્કૉપ કેમ ગોઠવ્યું નથી.”

અમારા રોકાણ દરમિયાન અમે એક સાંજ પદ્માના ભરચક હોમસ્ટેમાં વિતાવી. તે રાત્રિના ભોજન માટે રોટલી વણવામાં વ્યસ્ત હતી ત્યારે અમે ચા પીતાં પીતાં તેમનાં માતા-પિતા સાથે વાતો કરી. લદ્દાખી અને હિન્દી વચ્ચેનો સંવાદ સરળ બનાવવા માટે અમારા લદ્દાખી સાથી અને દુભાષિયા નામખાએ મદદ કરી.

પદ્માનાં માતા-પિતાએ તેમનાં દીકરીને મળેલી સ્વતંત્રતા અને કમાણીની ક્ષમતા અંગે ખૂબ સંતોષ વ્યક્ત કર્યો.

તેમના પિતાએ કહ્યું, “અમે યુવાન હતા ત્યારે આકાશ હજી વધુ સ્વચ્છ દેખાતું. હવામાન સારું હોય ત્યારે અમે ખુલ્લામાં બહાર સૂતા. તારાઓનાં પરંપરાગત લદ્દાખી નામો અમને ખબર છે. જો કે, આ છોકરીઓ હવે જે અંગ્રેજી નામો વાપરે છે એ અમે બરાબર સમજી શકતા નથી. ઘણી વાર હવામાન ખરાબ થઈ જાય છે અને પ્રવાસીઓ નિરાશ થાય છે. એ જોઈને અમને પણ દુઃખ થાય છે.”

શું તેમને ખ્યાલ હતો કે તેમની દીકરી આટલું અસાધારણ કામ કરે છે?

પદ્માના પિતાએ કહ્યું, “આ કામની ટેકનિકલ બાબતો વિશે અમને બહુ ખબર નથી, પરંતુ યુવાન છોકરીઓએ કોઈ ને કોઈ કામ તો કરવું જ જોઈએ…” રાત્રે મોડી સુધી સંપૂર્ણ અંધારામાં કામ કરવા અંગે તેમને ચિંતા નહોતી થતી?

તેમણે સહજતાથી જવાબ આપ્યો, “ના… તે અહીં ગામમાં જ હોય છે અને અહીં કોઈ જંગલી પ્રાણીઓ ફરતાં નથી. ડરવા જેવું છે શું?”

બીજાં શહેરો અને નગરોમાં માતા-પિતાને સતાવતી ચિંતાઓએ અહીં જોવા મળતી નથી. સાચું કહીએ તો, મોડી રાત્રે હાનલેમાં ફરતાં અમને એકે વાર ભય લાગ્યો નહોતો.

આગામી પગથિયું

આ ઍસ્ટ્રો ઍમ્બૅસૅડરો હવે આકાશથી સારી રીતે પરિચિત છે. તેઓ ગ્રહોની સ્થિતિ અને તારાઓની ગતિ પર નજર રાખવા માટે વિવિધ ઍપનો ઉપયોગ કરે છે.

આમ છતાં, તેઓ માને છે કે હજુ ઘણું આગળ વધવાની જરૂર છે. તેમનું માનવું છે કે નિષ્ણાતો પાસેથી વધુ ઉચ્ચ સ્તરની તાલીમ મળે તો તેઓ પોતાની કુશળતાને વધુ નિખારી શકે. સાથે જ, વધુ સારા ટેલિસ્કૉપ અને ઉચ્ચ ગુણવત્તાવાળા આઇપીસ ઉપલબ્ધ થાય તો અહીં આવતા પ્રવાસીઓ માટે તારાઓ જોવાનો અનુભવ પણ વધુ રસપ્રદ બની શકે.

ચાર વર્ષ પહેલાં તેમણે આ સફર શરૂ કરી ત્યારે બધું તેમના માટે સાવ અજાણ્યું હતું, પરંતુ આજે આ ચારેય મહિલાઓ તારાઓની દુનિયામાં પોતાનું ભવિષ્ય ઘડવા માટે મક્કમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS