Source : BBC NEWS
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
-
11 જાન્યુઆરી 2025, 13:24 IST
અપડેટેડ 37 મિનિટ પહેલા
શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ તાજેતરમાં કેતન પારેખ સહિત ત્રણ લોકો પર શેરબજારમાં પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો પર ‘ફ્રન્ટ-રનિંગ’ કૌભાંડનો આરોપ છે.
સેબીનું કહેવું છે કે તેમણે ગેરકાયદે રીતે 65.77 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.
સેબીએ કેતન પારેખને સકંજામાં લાવવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં કેતન પારેખે પોતાની ઓળખ છુપાવવા માટે અલગ-અલગ ફોન નંબર અને નામનો ઉપયોગ કર્યો હતો.
સેબીએ તમામ ઘટનાના સંબંધ જોડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. શું છે આખી વાત, ચાલો અહીં સમજીએ.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને ભારતીય શેરબજારોમાં રોકાણ કરવા માટે મોટાભાગે ફેસિલિટેટર અથવા સ્થાનિક સહાયકની જરૂર પડે છે.
આવા સોદાઓમાં લાખો કરોડોની રકમ લાગેલી હોય છે. તેથી ફેસિલિટેટરે આ સોદાઓને ખૂબ જ સમજદારીપૂર્વક અને શ્રેષ્ઠ કિંમતે અમલમાં મૂકવાનું કામ કરવાનું હોય છે.
રોહિત સલગાંવકર આવા જ એક ફેસિલિટેટર છે. તેમણે અમેરિકા સ્થિત ટાઇગર ગ્લોબલ સાથે કામ કર્યું છે અને શેરબજારમાં આ સોદા સરળતાથી અને શ્રેષ્ઠ કિંમતે થાય તે સુનિશ્ચિત કરતા હતા.
સેબીનું કહેવું છે કે કેતન પારેખે સાલગાંવકર સાથે હાથ મિલાવ્યા અને ફ્રન્ટ રનિંગનો એક પ્લાન બનાવ્યો હતો.
ફ્રન્ટ રનિંગ શું હોય છે?
ફ્રન્ટ રનિંગ એ શેરબજારમાં થતી એક પ્રકારની છેતરપિંડી છે. તેમાં એક બ્રોકર અથવા ટ્રેડરને કોઈ સોદો થાય તે પહેલાંથી તેની જાણકારી હોય છે અને તે જાતે તે શેરોનો પહેલેથી સોદો કરે છે.
તેનો અર્થ એવો થયો કે તે પોતાના ગ્રાહકની માહિતીનો ખોટી રીતે ઉપયોગ કરીને જાતે ફાયદો ઉઠાવે છે.
એક ઉદાહરણ દ્વારા આખી વાતને સમજીએ. ધારો કે એક અમેરિકન પેઢી ભારતીય બજારમાં શેરોનો સોદો કરવા માંગે છે. રોહિત સલગાંવકરને આના વિશે જાણકારી હોય છે કારણ કે તેમણે જ આ સોદામાં લે-વેચ કરવાની છે.
રોહિત સલગાંવકરને ખબર હોય છે કે અમેરિકન કંપની કયા શેર ખરીદવા અથવા વેચવા માંગે છે, તેઓ કયા ભાવે શેરનો સોદો કરવા માંગે છે અને આ સોદો ક્યારે થવાનો છે.
અમેરિકન ક્લાયન્ટની માહિતીને ગુપ્ત રાખવાના બદલે રોહિત સલગાંવકર તેને કેતન પારેખને લીક કરી દે છે. ત્યાર પછી આ ખેલમાં કેતન પારેખ અને તેમના સહયોગીઓની ભૂમિકા શરૂ થાય છે.
ધારો કે અમેરિકન કંપની કોઈ કંપનીના એક લાખ શેર 100 રૂપિયાના ભાવે ખરીદવાનો ઇરાદો ધરાવે છે. તો આ જાણકારીના આધારે કેતન પારેખનું નેટવર્ક 100 રૂપિયા અથવા તેનાથી નીચા ભાવે આ શેર ખરીદી લે છે. અમેરિકન કંપની એક લાખ શેરનો સોદો કરે ત્યારે સ્વભાવિક રીતે જ આ શેરોનો ભાવ પણ વધી જાય છે.
ધારો કે આ ભાવ 106 રૂપિયા સુધી પહોંચી જાય છે. ત્યારે કેતન પારેખનું નેટવર્ક આ શેરોને વેચી નાખે છે અને ટૂંકા ગાળામાં જ શેર દીઠ 6 રૂપિયાનો નફો રળે છે.
ભારતમાં ફ્રન્ટ રનિંગ ગેરકાયદે પ્રવૃત્તિ છે.
કેતન પારેખે કઈ રીતે નેટવર્ક તૈયાર કર્યું?
સેબી મુજબ કેતન પારેખનું નેટવર્ક ઘણું ફેલાયેલું હતું. તેમાં અશોક કુમાર પોદ્દાર સહિત ઘણા લોકો સામેલ હતા.
આ લોકો કોલકાતા સ્થિત સ્ટૉક ફર્મ જીઆરડી સિક્યૉરિટીઝ અને સાલાસર સ્ટૉક બ્રોકિંગ માટે કામ કરે છે. આ બધા લોકો આમાં સામેલ હતા. તેઓ એવા જ શેરોમાં સોદા કરતા હતા જેમાં ટાઇગર ગ્લોબલ ડીલ કરવાની હતી.
આ આખો પ્લાન અનેક મોબાઇલ ફોન નંબરના સહારે કરવામાં આવતો હતો. વાસ્તવમાં આખો ખેલ કેતન પારેખ ચલાવતા હતા અને પોતાના સહયોગીઓની સાથે ફ્રન્ટ રનિંગ દ્વારા તેમણે 65 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી હતી.
સેબી કેતન પારેખના નેટવર્ક સુધી કઈ રીતે પહોંચી?
સેબીએ કઈ રીતે કેતન પારેખના નેટવર્કનો પતો લગાવવાનો નિર્ણય લીધો તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.
કેતન પારેખના નેટવર્કને શોધવાનું કામ સરળ ન હતું. હજારો સોદાની તપાસ અને તેની પેટર્ન જોયા પછી સેબી આ નેટવર્ક સુધી પહોંચી શકી. સેબીએ ટ્રેડની પેટર્ન જોઈ, કૉલ રેકૉર્ડ્સ ચકાસ્યા અને મોબાઇલ મૅસેજ પર પણ નજર રાખી.
સેબીના કહેવા મુજબ પારેખ જુદા જુદા 10 મોબાઇલ નંબરોથી પોતાના સહયોગીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. તેમાંથી એક પણ મોબાઇલ નંબર પારેખાના નામે ન હતો. જે લોકો સાથે તેઓ વાત કરતા હતા તેમનાં નામ તેમણે જૅક, જ્હૉન, બૉસ, ભાભી…વગેરે નામે સેવ કર્યાં હતાં.
સેબીને તપાસમાં જાણવા મળ્યું કે એક મોબાઇલ નંબર કેતન પારેખની પત્નીના નામે રજિસ્ટર્ડ છે. આ 10 મોબાઇલ નંબરો પૈકી એક હતો જેના દ્વારા કેતન પારેખ પોતાના સહયોગીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. સેબીએ બધી માહિતીને સાંકળવાનું શરૂ કર્યું અને કોયડો ઉકેલી નાખ્યો.
સેબીની તપાસમાં બીજી એક રસપ્રદ વાત પણ જાણવા મળી હતી. સંજય તાપડિયા નામની એક શંકાસ્પદ વ્યક્તિએ ‘જૅક લેટેસ્ટ’ને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. કેતન પારેખની જન્મતારીખ 15 ફેબ્રુઆરી છે જે તેમના પેન કાર્ડમાં પણ લખાયેલ છે. ત્યાર પછી કેતન પારેખના નેટવર્ક પર સેબીની શંકા વધુ પ્રબળ બની.
સેબીએ પોતાના આદેશમાં શું કહ્યું?
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેતન પારેખ, રોહિત સાલગાંવકર અને અશોક કુમાર પોદ્દાર પર સેબીમાં રજિસ્ટર્ડ કોઈ પણ મધ્યસ્થ સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે તાત્કાલિક અસરથી જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સેબીએ કેતન પારેખ, સાલગાંવકર અને પોદ્દાર સહિત 22 એન્ટીટીને કારણદર્શક નોટિસ આપીને પૂછ્યું છે કે તેમની સામે રૂપિયા પાછા મેળવવા, પ્રતિબંધ અને દંડ સહિતના આદેશ કેમ આપવામાં ન આવે.
રેગ્યુલેટરે જણાવ્યું કે આ એન્ટીટીએ આ આદેશ મળ્યાની તારીખથી 21 દિવસની અંદર સેબી સમક્ષ પોતાના જવાબ આપવા પડશે.
188 પાનાના વચગાળાના આદેશમાં સેબીએ જણાવ્યું છે કે, રોહિત સાલગાંવકર અને કેતન પારેખે ફ્રન્ટ રનિંગ દ્વારા મોટા ગ્રાહકો પાસેથી સંબંધિત એનપીઆઈ (બિનજાહેર માહિતી) દ્વારા ખોટી રીતે ફાયદો મેળવવાની આખી યોજના બનાવી હતી.
સેબીએ ઉલ્લેખ કર્યો હતો કે પોદ્દારે ફ્રન્ટ રનિંગ પ્રવૃત્તિમાં એક સૂત્રધાર હોવાની વાત સ્વીકારી છે.
જોકે, કેતન પારેખ અને તેમના સહયોગીઓ પર પ્રતિબંધ મૂકવાનો સેબીનો આદેશ વચગાળા પૂરતો છે.
સેબી આ આદેશમાં ફેરફાર કરી શકે છે, તેને પરત લઈ શકે છે અથવા પોતાના અંતિમ આદેશમાં આ નિર્ણયની પુષ્ટિ કરી શકે છે. આ મામલો જટિલ હોવાના કારણે અંતિમ નિર્ણય સુધી પહોંચવામાં સેબીને થોડો સમય લાગી શકે છે.
આ દરમિયાન કેતન પારેખ અને તેમના સહયોગીઓ પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. તેઓ સેબીના વચગાળાના આદેશ અને તેમની વિરુદ્ધની કારણદર્શક નોટિસને કોર્ટમાં પડકારી શકે છે.
કેતન પારેખ કોણ છે?
2000ના દાયકામાં ભારતીય શેરબજારમાં કેતન પારેખનું નામ બહુ ચર્ચાસ્પદ હતું. શેરબજારમાં તેમની દરેક ચાલ પર ટ્રેડર્સની નજર રહેતી હતી.
તે સમયે તેમણે કોલકાતાના શેરબજારમાં પોતાનો અલગ દબદબો બનાવ્યો હતો. વર્ષ 1999 અને 2000માં જ્યારે આખી દુનિયામાં ટેકનૉલૉજીની પરપોટાના કારણે શેરો તૂટ્યા હતા ત્યારે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ હતો.
પરંતુ થોડા જ સમયમાં કેતન પારેખનું કૌભાંડ બહાર આવ્યું.
સેબીની તપાસમાં જાણવા મળ્યું કે કેતને બૅન્ક અને પ્રમોટર્સના ફંડનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે શેરોના ભાવ વધાર્યા હતા.
માર્ચ 2001માં કેતન પારેખની ધરપકડ કરવામાં આવી અને તેઓ 50 કરતા વધુ દિવસ સુધી જેલમાં રહ્યા હતા.
ત્યાર બાદ શેરબજારમાંથી ઘણી ખામીઓ દૂર કરવામાં આવી અને ટ્રેડિંગ સાઇકલનો ગાળો એક અઠવાડિયાથી ઘટાડીને એક દિવસ કરી દેવામાં આવ્યો. બદલાનો કારોબાર બંધ કરવામાં આવ્યો અને કેતન પારેખ પર શેરબજારમાં સક્રિય થવા પર 14 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS