Home તાજા સમાચાર gujrati ‘કૉલેજિયમમાં નિમણૂકોના મામલે પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકાર પ્રત્યે વધારે નરમ હતા’, જસ્ટિસ...

‘કૉલેજિયમમાં નિમણૂકોના મામલે પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકાર પ્રત્યે વધારે નરમ હતા’, જસ્ટિસ કૌલના પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી બાદ વિવાદ

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલે (જમણે) પોતાના પુસ્તકમાં પૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડની કામકાજની રીતો સામે સવાલ ઉઠાવ્યા છે.

વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ તેમના સહયોગી રહેલા જસ્ટિસ સંજય કિશન કૌલ દ્વારા કરવામાં આવેલા દાવાઓ છે.

જસ્ટિસ કૌલે પોતાના આવનારા પુસ્તક ‘વિધાઉટ ફિયર ઑર ફેવર’માં નોંધાયેલ એક ઘટનાનો ઉલ્લેખ એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.

તેમણે દાવો કર્યો છે કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટ કૉલેજિયમમાં ન્યાયાધીશોની નિમણૂક માટે પ્રસ્તાવિત નામો અંગે ઔપચારિક ચર્ચા થાય તે પહેલાં જ સરકાર સાથે તેના પર વિચારવિમર્શ કરતા હતા.

જસ્ટિસ કૌલના જણાવ્યા અનુસાર, તેમને આ રીત પસંદ નહોતી અને તે સરકાર પાસેથી અગાઉથી જ “મંજૂરી” મેળવવા જેવી લાગતી હતી.

જોકે, જસ્ટિસ કૌલના દાવાઓ અંગે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે, સંજય કૌલે શું કહ્યું છે અને કયા સંદર્ભમાં કહ્યું છે, તેના પર હાલમાં ટિપ્પણી કરવી મુશ્કેલ છે, કારણ કે તેમણે હજુ સુધી તે પુસ્તક વાંચ્યું નથી.

જસ્ટિસ કૌલના નિવેદન પર કૉંગ્રેસે જણાવ્યું છે કે, તેમનું પુસ્તક મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર ન્યાયતંત્ર પર દબાણ લાવી રહી છે અને તેને નબળું પાડી રહી છે.

તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું, “કૉલેજિયમની બેઠક દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ મને અલગ બેઠકમાં લઈ ગયા અને પૂછ્યું કે શું તેમણે પ્રસ્તાવિત નિમણૂકો અંગે સરકારનો અભિપ્રાય જાણવા માટે સરકારને ફોન કરવો જોઈએ?”

જસ્ટિસ કૌલે જણાવ્યું કે, તેમણે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડને કહ્યું હતું કે કૉલેજિયમમાં નામો પર વિચારણા દરમિયાન આવું ન કરવું જોઈએ.

તેમણે દાવો કર્યો કે, કૉલેજિયમ પાંચ નામો પર સંમત થઈ ગયું હતું. પરંતુ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ ઇચ્છતા હતા કે એક છઠ્ઠા નામને પણ મંજૂરી આપવામાં આવે, આ નામને અંતિમ સમયે આગળ ધપાવવામાં આવ્યું હતું.

જસ્ટિસ કૌલ અને કૉલેજિયમના અન્ય સભ્યો તેના માટે તૈયાર નહોતા.

તેમણે કહ્યું, “શક્ય છે કે તેમણે અન્ય નામો માટે, જેમાં છઠ્ઠું નામ પણ સામેલ છે, સરકાર પાસેથી પહેલેથી કોઈ પ્રકારની મંજૂરી મેળવી લીધી હોય.”

જસ્ટિસ કૌલે પૂર્વ CJI પર શું આરોપ લગાવ્યા?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલે (જમણે) પોતાના પુસ્તકમાં પૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડની કામકાજની રીતો સામે સવાલ ઉઠાવ્યા છે.

કરણ થાપર જ્યારે The Wire પર જસ્ટિસ કૌલનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂછ્યું કે, શું મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કૉલેજિયમના નિર્ણય પહેલાં જ સરકારની મંજૂરી મેળવી લીધી હતી?

તેના જવાબમાં જસ્ટિસ કૌલે કહ્યું, “દુર્ભાગ્યવશ, નામો અંગે ચર્ચા કરવાની અને સરકાર સાથે અગાઉથી કોઈ પ્રકારની વાતચીત કરવાની એક પરંપરા બની ગઈ છે. આવું સતત થતું રહ્યું છે. મને લાગે છે કે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ પહેલાં પણ અને તેમના પછી પણ આવું થતું રહ્યું છે. આ જ બાબત મને પરેશાન કરે છે.”

સરકાર પાસેથી પહેલાંથી જ “મંજૂરી” લેવાની આ વિચારધારાથી અસહમતિ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, કૉલેજિયમના નિર્ણય પછી સરકાર સાથે વિચારવિમર્શ કરવો એક અલગ બાબત છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન કરણ થાપરે પુસ્તકનો એક અંશ વાંચ્યો, જેમાં લખવામાં આવ્યું છે: “વિચારવિમર્શ અને તે પ્રક્રિયામાં ફરક છે, જેને હું અગાઉથી મંજૂરી મેળવેલી ગણું છું. એટલે કે કૉલેજિયમમાં ઔપચારિક ચર્ચા થાય તે પહેલાં જ સરકારની સંમતિ મેળવવી. તેનાથી ખોટો સંદેશ જાય છે.”

કરણ થાપરે પુસ્તકમાં કરેલી બીજી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લખાયું છે કે: “નિમણૂકોના મામલામાં ચંદ્રચૂડ સરકાર પ્રત્યે જરૂર કરતાં વધારે નરમ હતા.”

જ્યારે જસ્ટિસ કૌલને પૂછવામાં આવ્યું કે, શું તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડનો આ અભિગમ કૉલેજિયમ વ્યવસ્થાને નબળી બનાવી રહ્યો હતો, ત્યારે તેમણે કહ્યું, “તેમનું માનવું હતું કે આ પ્રક્રિયા પહેલેથી જ આવી રીતે ચાલતી આવી છે. મારું માનવું હતું કે જો બે વર્ષના કાર્યકાળ ધરાવતા કોઈ મુખ્ય ન્યાયાધીશ આવું કરે, તો તેમના પછી આવતા મુખ્ય ન્યાયાધીશ માટે આ પરંપરા ન અનુસરવી મુશ્કેલ બની જશે. તેમનો કાર્યકાળ ટૂંકો હોય છે અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકો પહેલાં સરકાર એક ચોક્કસ રીતની આદી બની જશે. આ કારણે મેં તેમને દરેક બાબતમાં અગાઉથી સરકાર સાથે ચર્ચા ન કરવાની સલાહ આપી હતી.”

તેમણે આગળ કહ્યું, “જો તમે સંપૂર્ણ યાદી પર અગાઉથી જ ચર્ચા કરી લો, તો તેનાથી પોતાની પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે.”

તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ સરકાર સાથે ચર્ચા કરવાના વિરોધમાં નહોતા, પરંતુ આ ચર્ચા કૉલેજિયમની બેઠક પહેલાં ન થવી જોઈએ.

તેમણે કહ્યું, “મને નથી લાગતું કે ચર્ચા કરવાની કલ્પના ખોટી છે. પ્રશ્ન એ છે કે, ચર્ચા કયા તબક્કે અને કેવી રીતે થાય છે.”

જસ્ટિસ કૌલે કહ્યું કે, તેમને લાગતું હતું કે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ એ બાબતે અસ્વસ્થ હતા કે કૉલેજિયમ છઠ્ઠા નામને મંજૂરી આપતું નહોતું.

“મને લાગે છે કે એ જ બાબત તેમને પરેશાન કરતી હતી.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ચંદ્રચૂડને નબળા મુખ્ય ન્યાયાધીશ માને છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, “મુખ્ય ન્યાયાધીશની બે ભૂમિકાઓ હોય છે, એક ન્યાયિક અને બીજી વહીવટી. તેમની ન્યાયિક ભૂમિકાને લઈને મને કોઈ ચિંતા નહોતી. મારી દૃષ્ટિએ તેમની પાસે જરૂરી બૌદ્ધિક ક્ષમતા, લાયકાત અને મહેનત કરવાની કાબેલિયત હતી. પરંતુ સરકાર સાથે વિચારવિમર્શના મામલામાં મને લાગતું હતું કે તેઓ જરૂર કરતાં વધારે નરમ હતા. વહીવટી બાબતોમાં સરકાર સાથે ખૂબ જ વધુ ચર્ચા થતી હતી.”

પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડની પ્રતિક્રિયા

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલે (જમણે) પોતાના પુસ્તકમાં પૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડની કામકાજની રીતો સામે સવાલ ઉઠાવ્યા છે.

ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું કે, કૉલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ સંજય કૌલ સાથે તેમનો સંબંધ હંમેશાં સન્માનપૂર્ણ રહ્યો હતો.

તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “સંજય કૌલે તેમના પુસ્તકમાં શું લખ્યું છે તેના પર ટિપ્પણી કરવી મારા માટે અત્યંત મુશ્કેલ છે, કારણ કે મેં તે પુસ્તક વાંચ્યું નથી. તેથી જ્યાં સુધી હું એ નહીં જોઈ લઉં કે તેમણે શું અને કયા સંદર્ભમાં લખ્યું છે, ત્યાં સુધી હું તેના પર વિગતવાર પ્રતિક્રિયા આપી શકું નહીં.”

તેમણે વધુમાં કહ્યું, “છતાં પણ હું એટલું જરૂર કહીશ કે મુખ્ય ન્યાયાધીશ તરીકે કૉલેજિયમની બેઠકોનો મારો અનુભવ અત્યંત સારો રહ્યો છે. સંજય કૌલ સાથે પણ મારો સંબંધ હંમેશાં સન્માનપૂર્ણ રહ્યો છે. અમારી વચ્ચે અર્થસભર ચર્ચાઓ થઈ છે, તર્કપૂર્ણ સંવાદ થયા છે અને કૉલેજિયમમાં અમે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સાથે રહ્યા છીએ.”

પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડે વધુમાં કહ્યું, “તમે વૉકઆઉટ અને મતભેદોની વાત કરો છો. મને એવો કોઈ પ્રસંગ યાદ નથી જ્યાં સંજય કૌલ કોઈ કૉલેજિયમ બેઠકમાંથી ઊભા થઈને ચાલ્યા ગયા હોય.”

તેમણે ઉમેર્યું, “આ ઉપરાંત, મેં દરેક કૉલેજિયમ બેઠક પછી ઠરાવ પસાર કરવાની પરંપરા શરૂ કરી હતી અને મને કોઈ પણ ઠરાવમાં નોંધાયેલી અસહમતિ યાદ નથી. જો તમે કહો છો કે ન્યાયમૂર્તિ કૌલે સૂચવ્યું છે કે સીજેઆઈ સરકાર સાથે પરામર્શમાં હતા, તો મને પહેલાં ચોક્કસ રીતે વાંચવું પડશે કે તેમણે શું લખ્યું છે. પરંતુ સરકારની પણ એક ભૂમિકા હોય છે અને તેનો સીજેઆઈ સાથે સંવાદ રહે છે, એવું નથી શું? આખરે ન્યાયાધીશોની નિમણૂકના વૉરન્ટ પર રાષ્ટ્રપતિ જ હસ્તાક્ષર કરે છે.”

કૉંગ્રેસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલે (જમણે) પોતાના પુસ્તકમાં પૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડની કામકાજની રીતો સામે સવાલ ઉઠાવ્યા છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશએ કહ્યું, “સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલના પુસ્તકે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.”

તેમણે જણાવ્યું, “ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારની દખલગીરી, કૉલેજિયમ બેઠક પહેલાં જ સરકારની મંજૂરી મેળવવાના પ્રયાસો અને અલ્પસંખ્યક સમુદાયના એક ન્યાયાધીશનાં નામ અંગે તેમની જાતિ વિશે સરકારના અસમંજસભર્યા પ્રશ્નોનો જસ્ટિસ કૌલે ઉલ્લેખ કર્યો છે. જે બાબતો લોકો ખુલ્લેઆમ કહેતા ગભરાતા હતા, તે બધું જસ્ટિસ કૌલે ખૂબ સંયમિત શબ્દોમાં નોંધ્યું છે.”

તેમણે વધુમાં કહ્યું, “આશ્ચર્યની વાત એ છે કે, પૂર્વ મુખ્ય ન્યાયાધીશે નિમણૂકો પહેલાં સરકાર સાથે ચર્ચા થતી હોવાની વાતનો ઇન્કાર કર્યો નથી. જ્યારે પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ કહે છે કે સરકારની સીજેઆઈ સાથે વાતચીત અને નિમણૂકોમાં ભૂમિકા હોય છે, ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગેના પ્રશ્નો વધુ ગંભીર બની જાય છે.”

તેમણે કહ્યું, “પીએમએલએ મામલામાં તેમની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયના કેટલાંક પાસાંઓ પર પુનર્વિચારનો પ્રશ્ન ઉઠાવ્યા પછી કેસને તેમની સાથે ચર્ચા કર્યા વિના બીજી બેન્ચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો. આ ખૂબ ગંભીર મુદ્દો છે. તેનાથી સુપ્રીમ કોર્ટના કામકાજમાં સરકારની દૈનિક દખલગીરીનો અંદાજ આવે છે.”

“જો ન્યાયાધીશોની નિમણૂકો પર સરકારની મંજૂરી મેળવવાનું દબાણ હોય અને સંવેદનશીલ કેસોની સુનાવણી કરતી બેન્ચ પણ બદલી દેવામાં આવે, તો લોકશાહીની સુરક્ષા માટે આ પ્રશ્ન પૂછવો જરૂરી છે કે જો આ ન્યાયતંત્ર પર દબાણ અને તેની સ્વતંત્રતાને નબળી પાડવું નથી, તો પછી શું છે? બંધારણનું સંરક્ષણ કરતી સંસ્થા સત્તાના દબાણથી મુક્ત હોવી જોઈએ. લોકશાહીમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા કોઈ વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા છે.”

સંજય કિશન કૌલ કોણ છે?

ત્યારબાદ તેમણે 1982માં દિલ્હી યુનિવર્સિટી કૅમ્પસ લૉ સેન્ટરમાંથી LL.B.ની ડિગ્રી મેળવી અને 15 જુલાઈ, 1982ના રોજ દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે રજિસ્ટર્ડ થયા હતા.

1987થી 1999 સુધી તેઓ સુપ્રીમ કોર્ટમાં ઍડ્વોકેટ-ઑન-રેકૉર્ડ રહ્યા. ડિસેમ્બર 1999માં તેઓ સિનિયર ઍડ્વોકેટ બન્યા.

3 મે, 2001ના રોજ તેમને દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 2 મે, 2003ના રોજ તેઓ કાયમી ન્યાયાધીશ બન્યા.

17 ફેબ્રુઆરી, 2017ના રોજ સંજય કિશન કૌલને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS