Source : BBC NEWS
અપડેટેડ 5 કલાક પહેલા
દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ખોખો વિશ્વકપ 2025ની ફાઇનલ મૅચમાં ભારતીય મહિલા ટીમે જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે.
ફાઇનલ મુકાબલામાં નેપાળને ભારતીય મહિલા ટીમે 78-40થી હરાવીને પ્રથમ ખોખો વિશ્વકપ જીત્યો હતો.
ભારતીય મહિલા ટીમે નેપાળને 38 પૉઇન્ટ્સના મોટા અંતરથી હરાવી દીધું હતું.
નોંધનીય છે કે આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ એકેય મુકાબલો હારી નથી.
પ્રયાગરાજ : કુંભમેળાના સેક્ટર 19માં આગ, અધિકારીઓએ કહ્યું- સ્થિતિ કાબૂમાં
પ્રયાગરાજના કુંભમેળામાં રવિવારે આગ લાગી હતી. પ્રયાગરાજના જિલ્લા મૅજિસ્ટ્રેટ (ડીએમ) રવીન્દ્રકુમાર અનુસાર, આ આગ સેક્ટર 19 આવેલા ગીતાપ્રેસના ટૅન્ટમાં સાંજે સાડા ચાર વાગ્યે લાગી હતી.
આગ લાગવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આવી નથી, જોકે ડીએમનું કહેવું છે કે આગને ઓલવી નાખવામાં આવી છે.
તેમનું કહેવું છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી કહેવાયું કે “મુખ્ય મંત્રીએ ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને તેમના નિર્દેશ અનુસાર અધિકારીઓ સ્થળ પર હાજર છે.”
પ્રયાગરાજ ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ (એડીજી) ભાનુ ભાસ્કરે ઘટના અંગે કહ્યું કે “બેત્રણ સિલિન્ડર ફાટવાની માહિતી મળી હતી, એ આધારે ફાયર સર્વિસના લોકો ત્યાં પહોંચી ગયા. ત્યાં સુધી કેટલીક ઝૂંપડીમાં આગ લાગી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.”
આ મામલે યુપીના નાયબ મુખ્ય મંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે “પ્રયાગરાજમાં આયોજિક મહાકુંભ-2025માં સેક્ટર 19 (તુલસીમાર્ગ) થયેલી આગ અંગે ઉત્તરપ્રદેશ સરકાર અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ત્યાં આવનાર સાધુ-સંતો તેમજ શ્રદ્ધાળુઓને શક્ય એટલી મદદ કરાઈ રહી છે.”
તેમણે કહ્યું કે “સરકાર તરફથી સંપૂર્ણ નજર રખાઈ રહી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.”
ટિક-ટૉક અમેરિકામાં થયું બંધ
અમેરિકામાં પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા ઍપ ટિક-ટૉક બંધ થઈ ગયું છે.
અમેરિકી યુઝરને ટિક-ટૉક ખોલવા પર, “ટિક-ટૉકનો ઉપયોગ તમે હાલ નહીં કરી શકો તેવો સંદેશો દેખાઈ રહ્યો છે.”
તેની પાછળ ઍપ પર પ્રતિબંધ લગાવનારા અમેરિકાના કાયદાને કારણભૂત ગણવામાં આવે છે.
ઘણા યુઝર્સે કહ્યું છે કે ઍપ સ્ટોરમાંથી પણ ટિક-ટૉક હઠાવી દેવામાં આવ્યું છે અને TikTok.com પર પણ વીડિયો દેખાતા નથી.
ટિક-ટૉકે કહ્યું, “સૌભાગ્યશાળી છે કે ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ પદ સંભાળ્યા પછી ટિક-ટૉક શરૂ કરવાના સમાધાનમાં અમારી સાથે કામ કરશે.”
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ટિક-ટૉકને પ્રતિબંધથી 90 દિવસની છૂટ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિક-ટૉક પર પ્રતિબંધ લગાવવાના કાયદાના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. આ પ્રતિબંધને કારણે ટિક-ટૉક ત્યારે જ બચી શકે છે જ્યારે તે તેની પેરંટ કંપની બાઇટડાંસ તેને વેચી દે.
ટીક-ટૉકે ત્યાર પછી નિવેદન જારી કરીને કહ્યું હતું કે બાઇડન, વ્હાઇટ હાઉસ અને ન્યાય વિભાગ અમને સ્પષ્ટતા આપવામાં અને આશ્વાસન આપવામાં વિફળ રહ્યાં છે.
રાહુલ ગાંધી સામે આસામમાં એફઆઈઆર, મોહન ભાગવત સામે ટિપ્પણી કરવા મામલે દાખલ થઈ ફરિયાદ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે આસામ પોલીસે એક ફરિયાદ દાખલ કરી છે.
આ મામલો ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં એક વકીલ મનજીત ચેતીયાએ દાખલ કર્યો છે.
કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે દાખલ આ એફઆઈઆરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સામે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
આસામ પોલીસ ઇન્સ્પેક્ટર શંકર જ્યોતિનાથે રાહુલ ગાંધી પર બીએનએસએસની કલમ 152, 197-ડી અંતર્ગત આ મામલો દાખલ કર્યો છે.
પોતાની ફરિયાદમાં ચેતીયાએ કહ્યું, “15મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટીના મુખ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ રાહુલ ગાંધીએ એક સાર્વજનિક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હવે આપણે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજ્યથી લડી રહ્યા છીએ.”
ફરિયાદી અનુસાર લોકસભામાં વિપક્ષ નેતાપદેથી આ પ્રકારનું નિવેદન ઇચ્છનીય નથી.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાહુલ ગાંધીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના સાચી આઝાદીવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, “સંઘ પ્રમુખે કહ્યું કે ભારત 1947માં આઝાદ નહોતું થયું. તેમના મતાનુસાર ભારતને સાચી આઝાદી ત્યારે મળી જ્યારે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થયું. અમે ભાજપ, આરએસએસ અને હવે ખુદ ઇન્ડિયન સ્ટેટથી લડી રહ્યા છીએ.”
જોકે, આ મામલે કૉંગ્રેસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
સૈફ અલી ખાન પર હુમલા મામલાનો આરોપી ‘બાંગ્લાદેશી’ હોવાનો મુંબઈ પોલીસને શક
અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરવાના મામલે મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે.
આરોપી થાણેના હીરામંડી લેબર કૅમ્પ પાસેથી પકડાયો છે. તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.
મુંબઈ પોલીસે દાવો કર્યો કે આ ઘટનાને મોહમ્મદ આલિયાન ઉર્ફે બીજેએ અંજામ આપ્યો હતો. ધરપકડની બીકને કારણે આરોપી પોતાની ઓળખ પહેલાં વિજય દાસ તરીકે આપતો હતો.
મોડી રાત્રે 3-30 કલાકે આ આરોપી બાન્દ્રા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. આજે સવારે તેને બાન્દ્રા હૉલિડે કોર્ટમાં પેશ કરાશે.
મુંબઈ પોલીસ આ મામલે એક પ્રેસ કૉન્ફરન્સ કરી.
મુંબઈ પોલીસના ડીસીપી ગેડામ દિક્ષીતે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, આરોપી બાંગ્લાદેશી હોવાનો શક છે અને તેની પાસે કોઈ ભારતીય દસ્તાવેજ નથી.”
તેમણે કહ્યું કે આરોપીની ઓળખ 30 વર્ષીય મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદ તરીકે થઈ છે જે ચોરીના ઇરાદાથી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સૈફ અલી ખાન પર તેમનાં બાન્દ્રાસ્થિત ઘરે ચાકુ વડે હુમલો થયો હતો. હુમલાને કારણે ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અનુસાર આરોપીએ સૈફ અલી ખાનના ઘરે ઘૂસવાની કોશિશ કરી હતી અને તેના માટે સીડીનો ઉપયોગ કર્યો. જે આગ લાગવાની સ્થિતિમાં ઉપયોગમાં આવે છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ લાગુ થાય તે પહેલા નેતન્યાહૂએ આપી ચેતવણી
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે યુદ્ધવિરામનો બીજો તબક્કો સફળ નહીં થાય તો તેમનો દેશ હમાસ સામે ફરી યુદ્ધ કરવા તૈયાર છે.
ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોના છૂટકારા મામલે થયેલી સમજૂતી આજે લાગુ થઈ રહી છે તે પહેલા ટીવી પર પ્રસાર કરવામાં આવેલા ભાષણમાં નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધવિરામ અસ્થાયી છે અને ઇઝરાયલ ગાઝા પર ફરી હુમલો કરવાનો અધિકાર ધરાવે છે.
નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે છે.
તેમણે હમાસ નેતા યાહ્યા સિનવરના મોત મામલાનો ઉલ્લેખ કરીને તેમણે છેલ્લા 15 મહિનામાં ઇઝરાયલની સેનાએ કેવી સફળતા મેળવી તે વર્ણવી હતી.
તેમણે કહ્યું કે ઇઝરાયલ ત્યાં સુધી યુદ્ધવિરામની સમજૂતી લાગુ નહીં કરે જ્યાં સુધી તેમને બંધકોની યાદી નહીં મળે.
ઇઝરાયલના અધિકારીઓનું કહેવુ છે કે રવિવારે છોડવામાં આવનાર ત્રણ બંધકોનાં નામો પણ તેમને મળ્યાં નથી.
ત્યાં હમાસનું કહેવું છે કે યુદ્ધવિરામની સમજૂતીના ઍલાન બાદ ઇઝરાયલના હવાઈહુમલામાં 120 લોકોનાં મોત થયાં છે.
સમજૂતી પ્રમાણે 33 બંધકોના બદલામાં ઇઝરાયલ 1,890 પેલેસ્ટેનિયન કેદીઓને છોડશે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ આજે સવારથી લાગુ થશે, શું છે તૈયારી?
ઇઝરાયલ અને હમાસ 15મી જાન્યુઆરી, 2025ના રોજ જ યુદ્ધવિરામ પર સહમત થયાં હતાં. જોકે, બંને દેશો વચ્ચે અત્યારસુધી યુદ્ધવિરામ સમજૂતી લાગુ થઈ નથી.
આ સમજૂતી આજે એટલે કે રવિવારે સ્થાનિક સમયાનુસાર સવારે સાડા આઠ વાગ્યે લાગુ થશે.
આ બધા વચ્ચે ઇજિપ્તના મંત્રી ગાઝાને આપવામાં આવી રહેલી સહાયતાની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ઇજિપ્ત-ગાઝા સરહદ પાસે પહોંચ્યા હતા.
સહાયતા એજન્સીઓનું કહેવું છે કે ગાઝા સરહદ પર ઘણી સહાયતા સામગ્રી ભેગી થઈ છે. જેને ગાઝામાં અંદર લઈ જવાશે.
શનિવારે સવારે ઇઝરાયલની કૅબિનેટે યુદ્ધવિરામને લાગુ કરવાને મંજૂરી આપી હતી.
આ યુદ્ધવિરામ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. જેમાં પેલેસ્ટાઇનના કેદીઓ અને ઇઝરાયલના બંધકોની અદલાબદલી પણ કરાશે.
પહેલા ચરણમાં ઇઝરાયલની જેલોમાં બંધ સેંકડો પેલેસ્ટાઇનના કેદીઓના બદલામાં 33 બંધકો છોડવામાં આવશે.
ઇઝરાયલી ન્યાય મંત્રાલયે કહ્યું છે કે 737 પેલેસ્ટેનિયન લોકોને છોડવામાં આવશે. જોકે તેમની યાદીને લઈને કોઈ સ્પષ્ટતા નથી.
યુદ્ધવિરામ સમજૂતીના પાલન પર નજર રાખવા ઇજિપ્તમાં અમેરિકા, કતાર અને ઇઝરાયલના સંયુક્ત પ્રતિનિધિઓ માટે ખાસ સંચાલન ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
શનિવારે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં પણ મહિલાઓએ હોસ્ટેજ સ્ક્વેયર પર પોતાના પરિવારના એ લોકો માટે પ્રાર્થના કરી જેમને બંધક બનાવવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS