Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી, લીબિયા, ક્રૂર શાસક

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, વલીદ બદરાન
  • પદ, બીબીસી અરબી
  • 19 જાન્યુઆરી 2025, 20:52 IST

    અપડેટેડ 2 કલાક પહેલા

16 જાન્યુઆરી, 1970ના રોજ લીબિયાના વડા પ્રધાન બનેલા મુઅમ્મર ગદ્દાફીએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનું શાસન 42 વર્ષ સુધી ટકશે અને તેનો અંત કેવો આવશે.

તેમણે શાસન દરમિયાન તેમની સામેના કોઈ પણ પ્રકારના વિરોધને નિર્દયતાથી કચડી નાખ્યો હતો.

કદાચ આ જ કારણ હતું કે તેમની સામે બીજા કોઈનું નેતૃત્વ ઊભરી શક્યું જ નહીં.

અને પછી 2011માં ટ્યુનિશિયાથી શરૂ થયેલી ‘આરબ સ્પ્રિંગ’ની લહેરે કર્નલ મુઅમ્મર ગદ્દાફીને પણ લપેટમાં લઈ લીધા.

20 ઑક્ટોબર 2011ના રોજ બળવાખોરો દ્વારા મોતને ઘાટ ઉતારાયેલા મુઅમ્મર ગદ્દાફી બેદુઈન જાતિના એક ખેડૂતના પુત્ર હતા. ગામડાથી શરૂઆત કરીને તેઓ આરબ વિશ્વમાં પ્રભાવશાળી નેતા કેવી રીતે બન્યા?

સેનામાં ભરતી અને બઢતી

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકાના અનુસાર મુઅમ્મર ગદ્દાફીનો જન્મ 1942માં થયો હતો અને તેમના પિતા બેદુઈન ખેડૂત હતા.

શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી મુઅમ્મર ગદ્દાફી યુનિવર્સિટી શિક્ષણ મેળવવા માટે બેનગાઝી ગયા.

1961માં તેમના રાજકીય વલણ અને વિચારધારાને કારણે તેમને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ સમય દરમિયાન મુઅમ્મર ગદ્દાફીએ લીબિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. અહીં જ તેમને લીબિયન સેનામાં જોડાવાની તક પણ મળી.

સેનામાં નોકરી કરીને લીબિયામાં વધુ સારું શિક્ષણ મેળવી શકાતું હતું. સેનાની નોકરીને એક સારા આર્થિક વિકલ્પ તરીકે જોવાતી.

કદાચ એટલા માટે જ તેઓ ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યા પહેલાં જ સેનામાં જોડાઈ ગયા. આ નિર્ણયે તેમને સત્તા સુધી પહોંચાડી દીધા. યુવાનીમાં મુઅમ્મર ગદ્દાફી ઇજિપ્તના ગમાલ અબ્દેલ નાસેર અને તેમની નીતિઓના પ્રશંસક હતા.

ઇજિપ્ત દ્વારા સુએઝ નહેર પર કબજો મેળવ્યા બાદ બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયલ દ્વારા ઇજિપ્ત પરના આક્રમણ સામે 1956માં આરબ વિશ્વમાં શરૂ થયેલાં પ્રદર્શનોમાં મુઅમ્મર ગદ્દાફીએ પણ ભાગ લીધો હતો.

લીબિયામાં લશ્કરી તાલીમ પૂર્ણ કર્યા પછી ગદ્દાફીને 1965માં વધુ તાલીમ માટે બ્રિટન મોકલવામાં આવ્યા.

મુઅમ્મર ગદ્દાફીએ સૈન્યમાં અસાધારણ રીતે બઢતી મેળવી અને આ સમય દરમિયાન જ તેમણે શાહી પરિવાર સામે બળવો કરવાની યોજના બનાવવાનું શરૂ કર્યું હતું.

લીબિયામાં રાજાશાહી સામે બળવો કરવાની યોજના મુઅમ્મર ગદ્દાફીના મનમાં લશ્કરી તાલીમના સમયથી જ રમતી હતી. છેવટે, 1969માં બ્રિટનમાં તાલીમ મેળવ્યા બાદ તેમણે બેનગાઝી શહેરને કેન્દ્ર બનાવીને લશ્કરી બળવો કર્યો. આ બળવાના અંતે તેઓ લીબિયાના શાસક તરીકે ઊભરી આવ્યા.

બળવો અને તેલ

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

1 સપ્ટેમ્બર, 1969ના રોજ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના નેતૃત્વ હેઠળ સેનાએ લીબિયાના રાજાને ઊથલાવી દીધા.

ગદ્દાફી પોતે સેનાના કમાન્ડર-ઇન-ચીફ બન્યા અને ક્રાંતિકારી પરિષદના નવા અધ્યક્ષ તરીકે રાજ્યના વડા પણ બન્યા. પરંતુ તેમણે હંમેશાં કર્નલનો હોદ્દો જાળવી રાખ્યો.

સત્તામાં આવ્યા બાદ ગદ્દાફીએ 1970માં અમેરિકન અને બ્રિટિશ લશ્કરી થાણાં બંધ કરી દીધાં અને ઇટાલિયન અને યહૂદી વસ્તીને પણ દેશમાંથી હાંકી કાઢ્યા.

1973માં કર્નલ ગદ્દાફીએ દેશની તમામ તેલભંડારોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું. તેમણે દેશમાં દારૂ અને જુગાર પર પણ પ્રતિબંધ મૂક્યો.

આ સમય દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય તેલ કંપનીઓના અધિકારીઓને પડકાર ફેંક્યો અને કહ્યું, “જે લોકો પાંચ હજાર વર્ષથી તેલ વિના જીવતા રહ્યા છે તેઓ અધિકારો માટે લડવા માટે થોડાં વધુ વર્ષો પણ જીવિત રહી શકે છે.”

તેમનો આ પડકાર કામ કરી ગયો અને લીબિયા તેનાં તેલ ઉત્પાદનનો મોટો હિસ્સો પાછો મેળવનાર પ્રથમ વિકાસશીલ દેશ બની ગયો.

અન્ય આરબ દેશોએ ટૂંક સમયમાં જ આ ઉદાહરણમાંથી શીખ મેળવીને 1970ના દાયકામાં આરબ પેટ્રોલ બુમ (તેજી)નો પાયો નાખ્યો. એટલે કે આરબ દેશોમાં તેલક્રાંતિની પાયો નંખાયો.

આમ લીબિયા ‘કાળા સોના’માંથી નફો મેળવવા માટે ઉત્તમ સ્થિતિમાં હતું, કારણ કે તે ગલ્ફ દેશો જેટલું જ તેલ ઉત્પન્ન કરતું હતું પણ આ દેશની સૌથી મોટી વસ્તી માત્ર 30 લાખ જ હતી.

આ રીતે તેલના કારણે લીબિયા ખૂબ જ જલદી સમૃદ્ધ બની ગયું.

કર્નલ ગદ્દાફી ઇઝરાયલ સાથે વાટાઘાટનો સખત વિરોધ કરતા હતા. આ કારણે જ તેઓ આરબ વિશ્વમાં એક એવા નેતા તરીકે ઊભરી આવ્યા, જેમણે ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચેના શાંતિકરારને પણ ફગાવી દીધો હતો.

ગદ્દાફીની રાજકીય વિચારધારા

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

1970ના દાયકાની શરૂઆતમાં ગદ્દાફીએ ‘ગ્રીનબુક’ નામના પુસ્તક દ્વારા પોતાના રાજકીય વિચારો રજૂ કર્યા. જે અંતર્ગત ઇસ્લામિક સમાજવાદને પ્રાથમિકતા આપવામાં આવી અને આર્થિક સંસ્થાઓનો કબજો લેવાની જાહેરાત કરવામાં આવી.

આ પુસ્તક મુજબ સમાજની સમસ્યાઓનો ઉકેલ લોકશાહી કે અન્ય કોઈ વ્યવસ્થામાં રહેલો નથી. ગદ્દાફીએ લોકશાહીને સૌથી મોટા પક્ષની સરમુખત્યારશાહી ગણાવી હતી.

ગદ્દાફીના મતે સરકાર એવી સમિતિઓ દ્વારા ચલાવવામાં આવવી જોઈએ જે દરેક વસ્તુ માટે જવાબદાર હોય.

1979માં ગદ્દાફીએ લીબિયાનું ઔપચારિક નેતૃત્વ છોડી દીધું. તેમણે દાવો કર્યો કે હવે તેઓ ફક્ત એક ક્રાંતિકારી નેતા છે. પરંતુ સત્તા અને શક્તિ તેમના હાથમાં જ રહી.

કર્નલ ગદ્દાફી અને તેમની સરકાર તેમના અણધાર્યા નિર્ણયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા હતા.

તેમણે ઘણી સંસ્થાઓને ભંડોળ આપવાનું શરૂ કર્યું. જેમાં અમેરિકન બ્લૅક પેન્થર્સ અને નૅશન ઑફ ઇસ્લામનો સમાવેશ થતો હતો. ગદ્દાફીએ ઉત્તરી આયર્લૅન્ડમાં આઇરીશ રિપબ્લિકન આર્મી (IRA)ને પણ ટેકો આપ્યો હતો.

લીબિયન ગુપ્તચર એજન્ટોએ વિદેશમાં રહેતા ટીકાકારોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું. તે સમયગાળા દરમિયાન ગદ્દાફી સરકાર પર પણ ઘણા ઘાતક બનાવોના આરોપ મૂકવામાં આવ્યા હતો. પછી 1986માં એક ઘટના બની જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.

આ કેસ જર્મનીની રાજધાની બર્લિનના એક ક્લબમાં થયેલા વિસ્ફોટ વિશે હતો. આ ક્લબમાં અમેરિકન સૈનિકો આવતા હતા. આ વિસ્ફોટ માટે લીબિયન એજન્ટોને દોષી ઠેરવવામાં આવ્યા હતા.

બે સૈનિકના મોત બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને ત્રિપોલી અને બેનગાઝી પર હવાઈ હુમલાનો આદેશ આપ્યો હતો. આ હુમલાઓમાં લીબિયાને ભારે નુકસાન થયું અને ઘણા નાગરિકોનાં મોત થયાં.

માર્યા ગયેલા લોકોમાં કર્નલ ગદ્દાફીનાં દત્તક પુત્રી પણ સામેલ હોવાનું કહેવાય છે. પરંતુ ગદ્દાફી પોતે બચી ગયા હતા.

આ પછી 1988માં સ્કોટિશ શહેર લોકરબીમાં પેન એમ પેસેન્જર વિમાન તૂટી પડ્યું અને 270 લોકો માર્યા ગયા. આ દુર્ઘટના માટે લીબિયાને જ જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.

લૉકરબી કરાર

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

ગદ્દાફીએ શરૂઆતમાં લૉકરબી બૉમ્બવિસ્ફોટના બે શંકાસ્પદોને સ્કૉટલૅન્ડને સોંપવાનો ઇનકાર કર્યો હતો.

આના કારણે પ્રતિબંધો અને વાટાઘાટનો સિલસિલો શરૂ થયો. જે 1999માં સમાપ્ત થયો જ્યારે ગદ્દાફીએ આખરે તેમને સ્કૉટલૅન્ડને સોંપી દીધા.

તેમાંથી એકને આજીવન કેદની સજા ફટકારાઈ, જ્યારે બીજાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ઑગસ્ટ 2003માં લીબિયાએ સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં વિસ્ફોટની જવાબદારી સ્વીકારી અને ઘટનાના પીડિતોને આશરે 2.7 અબજ ડૉલરનું વળતર આપ્યું. જવાબમાં સપ્ટેમ્બર 2003માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લીબિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો હઠાવી લીધા.

ત્યાર બાદ લીબિયાએ 1989માં ડૂબી ગયેલા ફ્રેન્ચ પેસેન્જર જહાજના પીડિતોને તેમજ બર્લિન ક્લબને પણ વળતર ચૂકવ્યું.

લૉકરબી કરાર બાદ કર્નલ ગદ્દાફીએ કબૂલ કર્યું કે તેઓ ગુપ્ત પરમાણુ અને રાસાયણિક કાર્યક્રમોના છોડી દશે. આ જાહેરાતથી લીબિયા અને પશ્ચિમી દેશો વચ્ચે સારા સંબંધોનો માર્ગ મોકળો થયો.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હઠી ગયા બાદ લીબિયા ફરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પાછું ફર્યું.

આ પછી બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લૅર સહિત ઘણી મોટી હસ્તીઓ ગદ્દાફીના ભવ્ય મહેલમાં તેમના બેદુઈન તંબુમાં જોવા મળી.

કર્નલ ગદ્દાફી યુરોપ અને અમેરિકાના આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન આ તંબુ સાથે લઈ જતા. આ સમયગાળા દરમિયાન લીબિયાએ યુરોપિયન શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ અને ઑઇલ કંપનીઓ સાથે ઘણા વ્યાવસાયિક કરાર કર્યા.

કર્નલ ગદ્દાફી જે તેમના અનોખા વર્તન માટે જાણીતા હતા તેઓ ઘણી વાર ટેલિવિઝન પર તંબુમાં રહેતા હોય તેમ બતાવવામાં આવતું.

એમ કહેવાય છે કે તેમના અંગત સુરક્ષા કર્મચારીઓમાં મોટા ભાગની મહિલાઓ હતી.

આરબ વિશ્વમાં પરિવર્તન

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

ફેબ્રુઆરી 2011માં ટ્યુનિશિયા અને ઇજિપ્તમાં લોકોનાં વિરોધપ્રદર્શનોએ ઝીન અલ અબેદીન અને હોસ્ની મુબારકના લાંબા શાસનનો અંત આણ્યો ત્યારે લીબિયામાં પણ મુઅમ્મર ગદ્દાફી વિરુદ્ધ વિરોધપ્રદર્શનો શરૂ થયાં.

ગદ્દાફીની સરકારે દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોને બળપ્રયોગથી દબાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ અને અન્ય એજન્સીઓએ વિરોધીઓ પર ગોળીબાર પણ કર્યો.

વિરોધીઓ પર ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનોએ પણ લીબિયાના આ પગલાની નિંદા કરી હતી.

બીજી બાજુ કર્નલ ગદ્દાફીની સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ સ્થિતિથી ગુસ્સે ભરાયા. આ જ કારણસર કાયદામંત્રીએ રાજીનામું આપ્યું અને ઘણા રાજદૂતોએ પણ સરકારની ટીકા કરી.

22 ફેબ્રુઆરીના રોજ કર્નલ ગદ્દાફીએ સરકારી ટીવી પર એક સંબોધનમાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો અને વિરોધીઓને “દેશદ્રોહી” કહ્યા.

તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષ અલ-કાયદાના રક્ષણ હેઠળ છે અને વિરોધીઓ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે સમર્થકોને વિરોધીઓથી પોતાને બચાવવા અનુરોધ કર્યો.

પરંતુ ધીમેધીમે ગદ્દાફીની સત્તા પરની પકડ નબળી પડી અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તેમના વિરોધીઓએ લીબિયાના મોટા વિસ્તારો પર કબજો કરી લીધો.

આ પછી, ત્રિપોલીને પણ ઘેરી લેવામાં આવ્યું, જ્યાં ગદ્દાફી એકલા પડી ગયા હતા અને તેમના પર રાજીનામાનું દબાણ વધી રહ્યું હતું.

28 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગદ્દાફી સરકાર પર નવા પ્રતિબંધો લાદ્યા અને તેમના પરિવારની સંપત્તિઓ ટાંચમાં લઈ લીધી.

28 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રે જાહેરાત કરી કે કર્નલ ગદ્દાફીની 30 અબજ ડૉલરની સંપત્તિ ટાંચમાં લેવાઈ ગઈ છે.

તે જ દિવસે પશ્ચિમી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્નલ ગદ્દાફીએ દાવો કર્યો હતો કે લોકો હજુ પણ તેમને ચાહે છે.

તેમણે એ આરોપોને નકારી કાઢ્યા કે તેમની સરકારે વિરોધીઓ સામે બળનો ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાના દાવાનું પણ પુનરાવર્તન કર્યું કે તેમના વિરોધીઓ અલ-કાયદાના રક્ષણ હેઠળ કામ કરી રહ્યા હતા.

કર્નલ ગદ્દાફીની સેનાએ આશ્ચર્યજનક રીતે બળવાખોરોના નિયંત્રણમાંથી ઘણા વિસ્તારો પાછા મેળવી લીધા હતા. આવી સ્થિતિમાં જ્યારે લીબિયન સેના બેનગાઝી તરફ આગળ વધી રહી હતી ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 17 માર્ચે લશ્કરી હસ્તક્ષેપ માટે મતદાન કર્યું અને નાટો દ્વારા હવાઈ બૉમ્બમારાથી કર્નલ ગદ્દાફીની સેનાને ભારે નુકસાન થયું.

માર્ચના અંતમાં કર્નલ ગદ્દાફીની સરકારને મોટો ફટકો પડ્યો જ્યારે બે વરિષ્ઠ અધિકારીઓએ વફાદારી બદલી નાંખી. પરંતુ ગદ્દાફીએ ત્રિપોલી પર નિયંત્રણ જાળવી રાખ્યું અને જાહેર કર્યું કે તેઓ શક્ય તેટલી રીતે પ્રતિકાર કરતા રહેશે.

30 એપ્રિલના રોજ નાટો હવાઈ દળોએ ત્રિપોલીમાં ગદ્દાફીના બાબ અલ-અઝીઝિયાના ઘર પર હુમલો કર્યો. જેમાં તેમના નાના પુત્ર સૈફ અલ-અરબ અને ત્રણ પૌત્રો માર્યા ગયા. આ હુમલામાં ગદ્દાફીને નિશાન બનાવાયા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા.

કર્નલ ગદ્દાફીનું મૃત્યુ

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

27 જૂનના રોજ ગદ્દાફી તેમના પુત્ર અને ગુપ્તચર વડાની ધરપકડ માટે વૉરંટ જારી કરાયાં હતાં.

ત્યાર બાદ ઑગસ્ટમાં બળવાખોરો લીબિયાની રાજધાની ત્રિપોલીમાં પ્રવેશી ચૂક્યા, 23 ઑગસ્ટના રોજ તેમણે ગદ્દાફીના મુખ્ય મથક બાબ અલ-અઝીઝિયા કમ્પાઉન્ડ પર કબજો મેળવી લીધો.

પરંતુ ગદ્દાફીનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહીં. અનેક ઓડિયો સંદેશામાં તેમણે લીબિયાના લોકોને બળવાખોરોની સામે થવા અપીલ કરી.

બળવાખોરોએ ગદ્દાફી વિશે માહિતી આપનારને 1.17 મિલિયન ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

આવી સ્થિતિમાં દરિયાકાંઠાનું શહેર સિર્તે ઘેરાયેલું હતું અને સૂત્રો અનુસાર કર્નલ ગદ્દાફીએ તેમના કેટલાક સમર્થકો સાથે આ ઘેરાબંધીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.

કર્નલ ગદ્દાફી અને તેમના સાથીઓ વાહનોમાં દુશ્મન લડવૈયાથી બચવાનો પ્રયાસ કરી ભાગી રહ્યા હતા.

વાહનોના આ કાફલામાં કર્નલ ગદ્દાફીના સેનાપ્રમુખ અબુ બકર યુનૂસ અને ગદ્દાફીના પુત્ર મોતાસિમ પણ સામેલ હતા. આ જ સમયે નાટોનાં લડાકુ વિમાનોએ આ કાફલા પર હુમલો કરી દીધો.

નાટોના આ હુમલામાં પંદર સશસ્ત્ર વાહનોના ફૂરચા ઊડી ગયા. પરંતુ કર્નલ ગદ્દાફી અને તેમના કેટલાક સાથીઓ આ હુમલામાં બચી ગયા.

ગદ્દાફી બે મોટા ડ્રૅનેજ પાઇપોમાં છુપાઈ ગયા. થોડી વારમાં જ બળવાખોરો પણ ત્યાં પહોંચી ગયા.

સલીમ બકર નામના એક લડવૈયાએ પાછળથી રૉઇટર્સને જણાવ્યું: “પહેલા તો અમે કર્નલ ગદ્દાફી અને તેમના સાથીઓ પર વિમાન વિરોધી બંદૂકોથી ગોળીબાર કર્યો પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.”

“પછી અમે પગપાળા ત્યાં ગયા. જ્યારે અમે કર્નલ ગદ્દાફી અને તેમના સાથીઓ જ્યાં છુપાયેલા હતા ત્યાં પહોંચ્યા ત્યારે અચાનક જ ગદ્દાફીના એક લડવૈયો બંદૂક લહેરાવતો બહાર આવ્યો અને અમારા પર ગોળીબાર શરૂ કરી દીધો.”

સલીમ બકરે કહ્યું, “લડવૈયાએ બૂમ પાડી કે મારા માલિક અહીં છે, મારા માલિક અહીં છે અને તે ઘાયલ છે.”

સલીમ બકરે કહ્યું, “અમે કર્નલ ગદ્દાફીને બહાર આવવા મજબૂર કર્યા. તે સમયે તેમણે કહ્યું કે આ શું થઈ રહ્યું છે.”

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ગદ્દાફીને જોતા જ તેમને 9 મિમીની બંદૂકથી ગોળી મારી દેવામાં આવી. આ પછી કર્નલ ગદ્દાફીની ગંભીર હાલતમાં ધરપકડ કરવામાં આવી.

અલ-જઝીરા ટીવી ચૅનલ પર દર્શાવવામાં આવેલા ફૂટેજમાં ગદ્દાફી ગંભીર રીતે ઘાયલ હાલતમાં હતા અને તેમના હરીફ લડવૈયાઓ તેમને માર મારી રહ્યા હતા.

ત્યાર બાદનો ઘટનાક્રમ સ્પષ્ટ નથી.

પરંતુ લીબિયાના ટ્રાન્ઝિશનલ નૅશનલ કાઉન્સિલના વડા પ્રધાન મહમૂદ જિબ્રિલે પાછળથી પત્રકારોને જણાવ્યું હતું કે કર્નલ ગદ્દાફીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે તેમનું મૃત્યુ ગોળી વાગવાથી થયું છે.

મહમૂદ જિબ્રિલે કહ્યું, “કર્નલ ગદ્દાફીને જીવતા પકડવામાં આવ્યા હતા અને તેમણે કોઈ પ્રતિકાર કર્યો ન હતો. જ્યારે તેમને કારમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે બંને બાજુના લડવૈયાઓ દ્વારા કાર પર ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાંથી એક ગોળી કર્નલ ગદ્દાફીના માથામાં વાગી, જેના કારણે તેમનું મોત થયું.”

‘ખિલાફતનું સ્વપ્ન’

બીબીસી ગુજરાતી, મુઅમ્મર ગદ્દાફી

ઇમેજ સ્રોત, Getty Images

કર્નલ ગદ્દાફી એક સરમુખત્યાર હતા જેમણે ચાર દાયકા સુધી લીબિયા પર શાસન કર્યું. ઑઇલ અને બીજા ઘણા વ્યવસાયોને કારણે તેમનો પરિવાર ધનવાન બન્યો.

એવું કહેવાય છે કે કર્નલ ગદ્દાફીની નીતિ વફાદારી ખરીદવાની હતી, જેના લીધે તેમણે દોલત વહેંચી પણ હતી.

બીજી બાજુ ગદ્દાફીએ ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. જેમાંથી એક પ્રોજેક્ટ દેશના ઉત્તર પ્રદેશમાં પાણી પૂરું પાડતો હતો.

તેઓ તેમના પોશાક તેમજ તેમનાં નિવેદનો માટે પ્રખ્યાત હતા. આવા જ એક નિવેદનમાં, તેમણે કહ્યું કે પેલેસ્ટિનિયનો અને ઇઝરાયલીઓએ એક રાજ્યમાં એક થવું જોઈએ, કારણ કે બે અલગ રાજ્યો બનાવાય એટલી પૂરતી જમીન જ નથી.

તેઓ આરબ લીગની બેઠકોમાં સિગારનો ધુમાડો ફેંકતા ફેંકતા કહેતા કે તેઓ આફ્રિકાના “રાજાઓનો રાજા” છે.

ગદ્દાફીની વિચારધારા પણ સમય સાથે બદલાતી રહી. શરૂઆતમાં તેમણે આરબ રાષ્ટ્રને એક કરવાનું સૂત્ર આપ્યું અને પોતાને જમાલ અબ્દુલ નાસેર જેવા આરબ રાષ્ટ્રવાદી નેતા તરીકે રજૂ કર્યા.

પરંતુ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ સ્વપ્ન પૂરું કરવું મુશ્કેલ છે, ત્યારે તેમણે આફ્રિકા તરફ નજર નાખવાનું શરૂ કર્યું અને પોતાને આફ્રિકાના નેતા તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું.

પછી એક સમય આવ્યો જ્યારે તેમણે ઇસ્લામિક વિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું અને એમ પણ કહ્યું કે સુન્ની અને શિયા વચ્ચેના મતભેદોને સમાપ્ત કરવા માટે ઉત્તર આફ્રિકામાં બીજી ફાતિમી ખિલાફતની સ્થાપના થવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS