Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Gujarat Information
વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કથિત રીતે ગેરકાયદેસર 362 બાંગ્લાદેશીની ધરપકડ કરાઈ છે. જેમાં 103 પુરુષો, 188 મહિલાઓ અને 71 બાળકોનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, હજુ પણ 782થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ ચાલુ છે.
આ ઑપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે.
ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13 અને ભરૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી ‘અવૈધ’ રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે.
પ્રેસ રિલીઝ અનુસાર, ટેકનૉલૉજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ‘ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ’ અંગે પણ તપાસ ચાલુ કરી છે.
સરકારના દાવા પ્રમાણે ‘ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે’ ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરાઈ છે.
આ ઑપરેશન અંગે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.”
“રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કેએલએન રાવે જણાવ્યું હતું કે, “આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ‘સાયબર સેન્ટર ઑફ ઍક્સેલન્સ’ દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકૉમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.”
“તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે.”
તેમણે કહ્યું કે આ પદ્ધતિથી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બિહારમાં એક હૉસ્પિટલના આઇસીયુમાં આગ, અનેક લોકોનાં મોત
ઇમેજ સ્રોત, @DM_Muzaffarpur
બિહારના મુઝફ્ફરપુરની એક ખાનગી હૉસ્પિટલમાં આગ લાગતાં અનેક લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, આ ઘટના જિલ્લાની પ્રસાદ હૉસ્પિટલમાં ઘટી છે.
સ્થાનિક જિલ્લા અધિકારીએ જણાવ્યું કે હૉસ્પિટલના આઇસીયુમાં આગ લાગવાથી કમસે કમ ત્રણ લોકોનાં મોત થયાં છે.
આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી આશંકા છે અને અનેક અહેવાલોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અંદાજે 10 ગણાવાઈ રહી છે, જ્યારે અનેક લોકો દાઝ્યા પણ છે.
માનવમાં આવી રહ્યું છે કે મૃતકો અને ઈજાગ્રસ્તો મોટા ભાગે હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ જ છે.
આ ઘટના ગુરુવારે વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યાની છે.
જિલ્લા અધિકારી અનુસાર, પ્રથમ દૃષ્ટિએ આ ઘટના શૉર્ટ સર્કિટને કારણે થઈ હોવી જોઈએ. જોકે આ મામલે પૂરી તપાસ બાદ માહિતી મળી શકશે.
અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ ઘટનાની તસવીરો શૅર કરી છે, જેમાં હૉસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢતા જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતની રાજધાની દિલ્હીના માલવીયનગરમાં એક હોટલમાં આગ લાગી હતી અને 21 લોકોનાં મોત થયાં હતાં.
ઈરાન યુદ્ધ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકન સંસદે કેવો ઝટકો આપ્યો?
ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનમાં સૈન્ય કાર્યવાહીને આગળ વધારતા રોકવા માટે અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સે એક પ્રસ્તાવ પાસ કર્યો છે.
આ પ્રસ્તાવ 208 સામે 215 મતથી પાસ થયો છે. ચાર રિપબ્લિકન સાંસદોએ ડેમૉક્રેટિક પાર્ટીને સાથ આપતા આ શક્ય બની શક્યું છે.
અમેરિકન સંસદમાં યુદ્ધ મામલે અસહમતિનું સાર્વજનિક પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે.
ઈરાન સામે અમેરિકાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કર્યું હતું. આ ચોથી વાર હાઉસે ટ્રમ્પની યુદ્ધ સંબંધિત શક્તિઓ પર લગામ કસવાનો પ્રયત્ન કર્યો છે.
ટીકાકારોનું કહેવું છે કે ટ્રમ્પે આ શક્તિઓ વાપરતા પહેલાં સંસદની મજૂરી નહોતી લીધી.
હાઉસના આ પ્રસ્તાવને હજુ રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળી અમેરિકન સૅનેટની મંજૂરી મળવાની બાકી છે.
ભલે આ પ્રસ્તાવ સૅનેટમાં પાસ થઈ જાય, પરંતુ એની શક્યતા બહુ ઓછી છે કે આ ઈરાન સામે સૈન્ય કાર્યવાહીને સંપૂર્ણ રોકી શકે.
ટ્રમ્પ આ પ્રસ્તાવ સામે વીટો વાપરી શકે છે. જો આવું થાય તો તેને રદ કરવા માટે બંને સદનમાં બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે.
સૅનેટેમાં મે મહિનામાં પણ આ રીતે એક પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો હતો. સાત નિષ્ફળ પ્રયત્નો બાદ આ પ્રસ્તાવ આગળ વધ્યો હતો, પરંતુ હજુ સુધી આખા સદનમાં મતદાન થયું નથી.
કૉક્રોચ જનતા પાર્ટીએ ફંડ સંબંધિત સવાલ પર શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
ક્રૉકોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે પાર્ટીને મળતા ફંડ સંબંધિત સવાલનો જવાબ આપ્યો છે.
સીજેપીના પ્રવક્તાઓએ બુધવારે પાર્ટીની પ્રથમ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ કૉન્ફરન્સ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન સંબંધિત હતી.
આ પત્રકારપરિષદમાં સૌરવ દાસને પાર્ટીને મળતા ફંડ સંબંધિત સવાલ કરાયો, તો તેમણે કહ્યું કે “ફન્ડિંગ શેના માટે જોઈએ?”
તેમણે પોતાની પાછળ લાગેલા એક પોસ્ટર તરફ ઇશારો કરીને કહ્યું કે “આ પોસ્ટર 200 રૂપિયાનું છે. અહીં આટલા બધા લોકો ભેગા થઈ ગયા, બધા લોકો એક-એક રૂપિયો આપે તો 200 રૂપિયાનું એક પોસ્ટર ન બની જાય?”
તેમણે કહ્યું કે “જો યુવાઓએ રોડ પર આવવું હશે, જંતરમંતર પર પહોંચવું હશે તો શું રિક્ષા લઈને 100 રૂપિયા આપીને ન પહોંચી શકે? અમે લોકો પહોંચી જઈશું. આના માટે શું ફન્ડિંગ જોઈએ?”
તેમણે વધુમાં કહ્યું કે “આ એક નૅરેટિવ ચલાવાય છે. કોઈ પણ આંદોલન હોય, ઇતિહાસ સાક્ષી પૂરશે કે કોઈ પણ આંદોલન થયું છે, ત્યારે તેની સામે એક કાઉન્ટર નૅરેટિવ ચલાવાય છે. કૉન્સ્પીરસી થિયરી ચલાવાય છે. ફન્ડિંગ લાવવામાં આવે છે, વિદેશી હાથ લાવવામાં આવે છે, અનેક કહાણીઓ ઘડવામાં આવે છે, કેમ કે આ આંદોલન એક યોગ્ય રસ્તે છે.”
તેમણે કહ્યું કે, “અમને એ ખાતરી મળી છે કે આ આંદોલન યોગ્ય રસ્તે છે, માટે આવી કહાણીઓ ઘડવામાં આવી રહી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







