Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ચોમાસું: સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, હવે ક્યાં પડશે ભારેથી અતિભારે...

ગુજરાતમાં ચોમાસું: સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, હવે ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, સુરત

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં પાછલા અમુક દિવસથી કેટલાક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સોમવારે સુરત, નવસારી, તાપી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

જૂન માસમાં ગરમી અને બફારા વચ્ચે વરસાદના લાંબા ઇંતેજાર બાદ આખરે જુલાઈ માસમાં રાજ્યમાં વરસાદ જામ્યો છે. હવે તો ચોમાસાએ રાજ્યને સંપૂર્ણપણે કવર કરી લીધું છે.

થોડા દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. તાજેતરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વરસાદને કારણે સર્જાયેલી આફતના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા અને વરસાદને પગલે થયેલી સુરત શહેરની સ્થિતિ સમાચાર માધ્યમોમાં હેડલાઇન બની હતી.

હવે હવામાન વિભાગે ફરી એક વાર રાજ્યમાં આગામી દિવસો દરમિયાન વરસાદ માટે વરતારો જાહેર કર્યો છે.

કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, સુરત

ઇમેજ સ્રોત, Rupesh Sonawane

હવામાન વિભાગે 7 જુલાઈના રોજ સાંજના છ વાગ્યે જાહેર કરેલા બુલેટિનમાં આપેલી વિગતો પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ચોમાસું ઍક્ટિવ હોવાની વાત કહેવાઈ હતી.

તેમજ દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ અતિશય ભારે વરસાદ પડ્યો હતો.

નોંધનીય છે કે કચ્છને બાદ કરતાં ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારી, તાપી, વલસાડ, ભાવનગર અને અમરેલી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ અતિભારે વરસાદ પડ્યો હતો. તેમજ પાટણ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને મોરબી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.

હવે નૈઋત્ય ચોમાસાની આગેકૂચની વાત કરીએ તો બુલેટિનમાં આપેલી વિગતો પ્રમાણે ચોમાસું હવે ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, તેમજ ગુજરાતના બાકીના ભાગો અને રાજસ્થાન અને હરિયાણાના વધુ ભાગો તરફ આગળ વધી ચૂક્યું છે.

હવામાન વિભાગની ચોમાસાની આગાહીની વાત કરીએ તો 8 તારીખે પણ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ ખાતે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ જિલ્લા માટે વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

આ ઉપરાંત દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તેમજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ અને 40-50 કિમીની ગતિથી પવન ફૂંકાવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નોંધનીય છે કે ઉપરોક્ત તમામ જિલ્લા માટે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યો છે.

9 જુલાઈ માટેની આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દિવસ માટે પણ આ જિલ્લામાં વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યો છે.

24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, સુરત

ઇમેજ સ્રોત, IMD

રાજ્યમાં 7 જુલાઈના રોજ પડેલા વરસાદના પ્રમાણ અંગે વાત કરીએ તો સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરે પાછલા 24 કલાકમાં પડેલ વરસાદના ડેટા પ્રમાણે સુરતમાં પલસાણા અને કામરેજ તાલુકા, નવસારી જિલ્લાના નવસારી તાલુકા અને સુરત સિટી ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં અનુક્રમે 18.19, 17.4, 15.28 અને 14.09 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરતના અન્ય તાલુકાની વાત કરીએ તો બારડોલી, અંબિકા, મહુવા, ઉમરપાડા, ચોરાસી, માંડવી, અરેઠ, ઓલપાડ અને માંગરોળ ખાતે અનુક્રમે 9.37, 9.25, 8.86, 6.34, 6.26, 4.88, 3.15, 3.07 અને 2.72 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત નવસારીમાં જલાલપોર ખાતે 11.02 ઇંચ, ગણદેવી ખાતે 7.72 ઇંચ, ચીખલી ખાતે 7.36 ઇંચ, વાંસદા ખાતે 5.67 ઇંચ અને ખેરગામ ખાતે 5.31 ઇંચ વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઇંચ, નાના પોંઢણા ખાતે 6.38 ઇંચ, ધરમપુર ખાતે 5.98 ઇંચ, પારડી ખાતે 4.92 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં 8.46 ઇંચ, સુબીર ખાતે 7.76 ઇંચ અને વઘઈ ખાતે 5.35 ઇંચ વરસાદ નોંધાયો હતો.

તેમજ તાપીના ડોલવણ ખાતે 8.9 ઇંચ, વલોડ ખાતે 7.44 ઇંચ, વ્યારા ખાતે 6.65 ઇંચ, સોનગઢ ખાતે 5.71 ઇંચ, ઉકાઈ ખાતે 4.72 ઇંચ, ઉચ્છલ ખાતે 2.64 ઇંચ, કુકુરમુંડા ખાતે 0.59 ઇંચ અને નીઝર ખાતે 0.43 ઇંચ વરસાદ નોંધાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS