Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર માવઠું હવામાન ગરમી તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images

6 મે 2025, 11:15 IST

અપડેટેડ 58 મિનિટ પહેલા

ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં હવામાનમાં ઓચિંતો ફેરફાર આવ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સોમવારે સાંજે પ્રચંડ વેગથી પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરી ઊડી હતી.

જોકે, ગરમીથી શેકાઈ રહેલા રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને જે શહેરોમાં તાપમાન 44થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું ત્યાં પણ હવે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે.

હવામાન ખાતાના અહેવાલ પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી નીચું રહેશે.

ગુજરાતમાં થયેલા વરસાદને લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને તેમને નુકસાન થવાની પણ ભીતિ છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે?

બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર માવઠું હવામાન ગરમી તાપમાન

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

6 મેની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા અને નગરહવેલી, દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સામેલ છે.

6 મેથી 7 મે દરમિયાન પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા છે.

એવી રીતે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સામેલ છે.

સાતથી 8 મે દરમિયાન પણ આ તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે તેવું હવામાન ખાતાના અહેવાલમાં જણાવાયું છે.

કરા સાથે પવન ફૂંકાવાની શક્યતા

બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર માવઠું હવામાન ગરમી તાપમાન

ઇમેજ સ્રોત, IMD

આ દરમિયાન પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કરા સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ અમુક વિસ્તારમાં કરા પડી શકે છે.

બુધવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાક રહેશે અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

બુધવારે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

માવઠામાં ખેતીને ભારે નુકસાન, 10થી વધુ લોકોનાં મોત

બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર માવઠું હવામાન ગરમી તાપમાન

ઇમેજ સ્રોત, IMD

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભરઉનાળે વરસાદનો માહોલ સર્જાવાના કારણે ખેતીને નુકસાન ગયું છે.

ગુજરાત માહિતી વિભાગ અનુસાર, વરસાદ અને વાવાઝોડાને કારણે 14 લોકોનાં મોત થયાં છે.

અમદાવાદ જિલ્લામાં બે, ખેડામાં ચાર લોકોનાં મોત થયાં છે.

અરવલ્લીના ભિલોડાના ધંધાસણમાં પંચાયત કચેરી પાસે ઊભેલા બે યુવાનો પર વીજળી પડવાથી બંનેનાં મોત થયાં હતાં.

બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર માવઠું હવામાન ગરમી તાપમાન

ઇમેજ સ્રોત, IMD

સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં વાવાઝોડા સાથે પડેલા જોરદાર વરસાદના કારણે મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલો ફંગોળાઈને દૂર ફેંકાતા અગરિયા સમુદાયને મોટું નુકસાન થયું હતું.

સોમવારે સાંજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા હતા.

અમદાવાદ, વડોદરામાં ધૂળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો.

બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર માવઠું હવામાન ગરમી તાપમાન

ઇમેજ સ્રોત, Ankit Chauhan

સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં સોમવારે વાતાવરણમાં પલટો આવવાથી આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને વીજ પુરવઠો બંધ થયો હતો.

ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડતા સુરેન્દ્રનગરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. સોમવારે લીંબડીની આસપાસનાં ગામોમાં પણ ભારે વરસાદ થયો હતો અને કલાકો સુધી વીજળીનો પુરવઠો ખોરવાયો હતો.

બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણ બદલાયું તેની સાથે વીજળી પડી હતી જેમાં બે ભેંસનાં મોત થયાં હતાં.

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનને કારણે ઉપલેટા શહેરમાં વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ બની છે.

ગોંડલ નજીક રીબડા અને વીંછિયામાં પણ મધ્યરાત્રીએ વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી વહેવાં લાગ્યાં હતાં.

સાણંદ અમદાવાદ મુખ્ય હાઈવે પર વાવાઝોડાને કારણે નુકસાન થયું છે અને પવનના કારણે હોર્ડિંગ બોર્ડ પડી જવાથી ગીબપુરા પાસે હાઈવે બંધ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS