Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

21 જાન્યુઆરી 2025, 16:55 IST

અપડેટેડ એક કલાક પહેલા

મંગળવારે ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાર્યક્રમ પત્રકારપરિષદ યોજીને જાહેર કર્યો હતો.

તેમણે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મામલે રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં આપેલી માહિતી અનુસાર રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે.

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ત્રણ બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની નવ બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ રાજ્ય ચૂંટણીપંચે જાહેર કર્યો હતો.

એસ. મુરલીકૃષ્ણે કહ્યું હતું કે ચૂંટણી જાહેરાત થયાની તારીખ એટલે કે મંગળવારથી રાજ્યમાં જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, “રાજ્યમાં કુલ 170 સંસ્થામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ વૉર્ડ 696 છે, અને બેઠકોની સંખ્યા 4,390 છે.”

“સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાનમથકોની સંખ્યા અનુક્રમે 1,032 અને 244 છે. ચૂંટણીપ્રક્રિયા માટે કુલ 25 હજાર પોલીસજવાનોને તહેનાત કરાશે.”

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચે જાહેર કરેલ ચૂંટણીકાર્યક્રમ

બીબીસી ગુજરાતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ
  • ચૂંટણી જાહેરાતની તારીખ – 21/01/25
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ – 27/01/25
  • ઉમેદવારી પત્રો ભરવાની અંતિ તારીખ – 1/02/25
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ – 3/02/25
  • ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ – 4/02/25
  • મતદાન તારીખ – 16/02/25 (રવિવાર) (સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી)
  • જરૂર પ્રમાણે પુન:મતદાનની તારીખ – 17/02/25
  • ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ – 21/02/25

રાજ્યમાં નવા જિલ્લા અને નવ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની જાહેરાત

ગુજરાતમાં વર્ષ 2025ની પ્રથમ કૅબિનેટ બેઠકમાં ગુજરાત સરકારે બનાસકાંઠામાંથી નવો જિલ્લો ‘વાવ-થરાદ’ બનાવવાની સાથે રાજ્યમાં નવ નવી મહાનગરપાલિકા બનાવવાની પણ જાહેરાત કરી હતી.

આ જાહેરાત પહેલાં રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર-એમ કુલ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન હતાં.

જેમાં ઉમેરો કરીને નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, વાપી, આણંદ, મહેસાણા, પોરબંદર અને નડિયાદ આમ કુલ નવ નવાં મ્યુનિસિપલ કૉર્પોરેશન બનાવવાની જાહેરાત કરી હતી.

આ અગાઉ 2002માં જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને 2010માં ગાંધીનગર કૉર્પોરેશનની રચના થઈ હતી.

નવી મહાનગરપાલિકાઓની જાહેરાતની સાથે જ તેની હદમાં આવતી તમામ ગ્રામપંચાયતો તથા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખને વિખેરી દેવામાં આવી હતી અને જે-તે જિલ્લાના કલેક્ટરને તેનો વહીવટ સોંપી દેવાયો હતો. સરકારે નવી મ્યુનિસિપલ કૉર્પોરેશનોના કમિશનરોનાં નામ પણ જાહેર કરી દીધાં હતાં.

2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શું થયું હતું?

બીબીસી ગુજરાતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતની 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોની વાત કરીએ તો તેમાં ભાજપને ‘જબરદસ્ત’ વિજય હાંસલ થયો હતો.

નગરપાલિકામાં ભાજપ, કૉંગ્રેસ, બસપા અને અન્યોને અનુક્રમે 2085, 388, 172 અને છ અને 24 બેઠકો મળી હતી.

જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 800, કૉંગ્રેસે 169, અપક્ષે ત્રણ, આપે બે, બીએસપીએ એક અને અન્યે ચાર બેઠકો જીતી હતી.

તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ 3352 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કૉંગ્રેસે 1252, અપક્ષે 115, આપે 31, બીએસપીએ ચાર અને અન્યે 16 બેઠકો જીતી હતી.

આ ઉપરાંત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ ચૂંટણીકાર્યક્રમ અનુસાર વર્ષ 2021માં પ્રથમ તબક્કામાં યોજાઈ હતી.

જે તમામમાં ભાજપ સત્તા જાળવવામાં સફળ રહ્યો હતો.

નોંધનીય છે કે એ સમયે છ મ્યુનિસિપલ કૉર્પોરેશન – અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરની કુલ 575 બેઠકોમાંથી ભાજપને 483, કૉંગ્રેસને 55, આમ આદમી પાર્ટીને 27, બસપાને ત્રણ અને અપક્ષને એક બેઠક મળી હતી.

આ પહેલાં નવેમ્બર-2015માં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ભાજપ બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. જેના માટે અનામત આંદોલનને કારણે પાટીદારોમાં રહેલા આક્રોશને જવાબદાર માનવામાં આવતો હતો.

જોકે, વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સત્તાપક્ષ માટે આવું કોઈ ફૅક્ટર નુકસાનકારક સાબિત થઈ શક્યું નહોતું.

વર્ષ 2021ની ચૂંટણીઓની વાત કરીએ તો એ સમયે આ એક ચતુષ્કોણીય રાજકીય જંગ હતો.

જેમાં ગુજરાતની પરંપરાગત પાર્ટીઓ ભાજપ અને કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમએ પણ ઝંપલાવ્યું હતું.

એ સમયે રાજ્યમાં છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત, 231 તાલુકાપંચાયત અલગ-અલગ બે તબક્કામાંઓમાં યોજાઈ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ યોજાય છે?

બીબીસી ગુજરાતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સ્થાનિક સ્વરાજ્યના મહત્ત્વ અંગે વાત કરતાં પંચાયતી રાજના જાણકાર અને એચ. કે. આર્ટ્સ કૉલેજના પૂર્વ અધ્યાપક પ્રોફેસર હેમંતકુમાર શાહ કહ્યું હતું કે, “તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે કંઈ પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિકસ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવાં કામ પંચાયત અથવા પાલિકા કરતી હોય છે માટે સ્થાનિક કામોના નિકાલ માટે આ ખૂબ જ જરૂરી છે. આ સંસ્થાઓ લોકોને સીધી રીતે સ્પર્શે છે.”

ગુજરાત સરકારની પંચાયતી રાજ વિભાગની વેબસાઇટ પર તાલુકા પંચાયતે કરવાનાં કામની યાદી પણ આપવામાં આવી છે.

જેમાં ગામના રસ્તા બનાવવા, પ્રાથમિક શાળાઓ ખોલવી અને તેનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ આરોગ્યની સેવાઓ પૂરી પાડવી વગેરે જોગવાઈ કરવામાં આવી છે.

ભારતના બંધારણમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધારણની કલમ 243 જી પ્રમાણે પંચાયતની સત્તાઓ, સત્તાધિકાર અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જેમાં 29 કાર્યો પંચાયતોએ કરવાનાં છે. જે પ્રમાણે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યાદીઓને વહેંચી દેવામાં આવી છે.

યાદી ભારતના બંધારણમાં આપવામાં આવેલી યાદી કરતાં પણ મોટી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS