Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘અમે ભારતીય નાગરિકો છીએ, તો અમારો દીકરો બાંગ્લાદેશી કેવી રીતે...

ગુજરાત : ‘અમે ભારતીય નાગરિકો છીએ, તો અમારો દીકરો બાંગ્લાદેશી કેવી રીતે હોઈ શકે?’

5
0

Source : BBC NEWS

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કરીને અનેક મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

અમદાવાદના ગણેશનગર વિસ્તારમાં એક નાના ઘરમાં જીવન વિતાવી રહેલા 80 વર્ષીય અલામિયાં શેખ અને તેમનાં પત્ની હાલમાં ચિંતિત છે, કારણ કે તેમના દીકરા રાણા શેખની અટકાયત અમદાવાદ પોલીસે એક ‘ગેરકાયદેસર બાંગ્લાદેશી’ તરીકે કરી છે.

શેખનો દાવો છે કે તેઓ વર્ષોથી અહીં રહે છે અને તેમનાં બાળકોના જન્મ પણ ભારતમાં જ થયા છે.

આ વૃદ્ધ દંપતીને તેમના દીકરાની અટકાયતની જાણ આસપાસના લોકો દ્વારા થઈ હતી. આ ઉંમરે પોતાનું કામ કરવા માટે પણ તેમને કોઈ ટેકાની જરૂર રહે છે. અલામિયાં લાકડીના સહારે ચાલે છે.

આ સ્થિતિમાં પોલીસ સ્ટેશનને જઈ પોતાના દીકરા વિશે પૂછપરછ કરવાની તો વાત તેઓ નથી વિચારી શકતા. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શેખ કહે છે, “અમને ખબર નથી પડી રહી કે જો અમે ભારતીય નાગરિકો છીએ, તો અમારો દીકરો બાંગ્લાદેશી કેવી રીતે હોઈ શકે? ગુજરાત સરકારે વર્ષ 2002નાં તોફાનો બાદ અમને મકાન સહાય આપી છે, અમે અહીંયાં મતદાન કરીએ છીએ. મારા દીકરાને જો બાંગ્લાદેશ મોકલી દેશે તો તે ક્યાં જશે?”

ગુજરાત સરકારના ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ કથિત ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને દેશનિકાલની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, બંગાળી બોલતા કેટલાક મુસ્લિમ પરિવારોનો દાવો છે કે તેઓ ભારતીય નાગરિક હોવા છતાં પોલીસની કાર્યવાહીનો ભોગ બન્યા છે.

અલામિયાં શેખ જેવા ઘણા પરિવારો છે જેમને ગુજરાત સરકાર તરફથી અવારનવાર ભારતીય નાગરિક તરીકે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે.

વર્ષ 2002નાં તોફાનોમાં તેમનું મકાન બાળી નાંખવામાં આવ્યું હતું, ત્યાર બાદ સરકાર સહાય સ્વરૂપે સરકાર તરફથી તેમને ગણેશનગરનું મકાન આપવામાં આવ્યું હતું. જોકે હવે જ્યારે તેમના દીકરાને એક બાંગ્લાદેશી નાગરિક હોવાના આરોપમાં પકડવામાં આવ્યા છે, ત્યારે તેમને ફરીથી બેસહારા થઈ જવાનો ડર લાગી રહ્યો છે.

તેમનું કહેવું છે કે, નાગરિકતા પુરવાર કરવા માટે એમણે પોતાના સરકારી મકાનના ફાળવણીપત્ર સહિત તમામ દસ્તાવેજો આપી દીધા છે, છતાંય પોલીસ માનવા તૈયાર નથી કે એમનો દીકરો ભારતીય નાગરિક છે.

ગુજરાત સરકારનું ઑપરેશન ડેલ્ટા હન્ટ અને બંગાળી બોલતા મુસલમાનો પર તોળાતી અનિશ્ચતતાની સ્થિતિ

અમદાવાદ, બાંગ્લાદેશ, મુસ્લિમ, ચંડોળા તળાવ

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં રાજ્ય સરકારે ઑપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે. જેમાં હજી સુધી આશરે 6000થી વધુ લોકોની પૂછપરછ કરાઈ છે, ઘણાને પાછા તેમના ઘરે મોકલી દેવાયા છે. જોકે પોલીસને એવા ઘણા લોકોની પણ જાણ થઈ હતી જેમની પાસે પૂરતા પુરાવા નહોતા. જૂનની શરૂઆતમાં આવા લોકોની સંખ્યા 362 હતી.

માત્ર અમદાવાદમાંથી અમદાવાદ પોલીસે હજી સુધી 215 લોકોની અટકાયત કરી છે અને અનેક લોકોની પૂછપરછ કરી છે. ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “આ તમામ લોકોને પાછા બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘણાને મોકલી દીધા છે અને બીજાને ટૂંક સમયમાં મોકલવામાં આવશે.”

જોકે આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે અલામિયાં જેવા લોકો પણ છે, જેમનો દાવો છે કે તેમની પાસે ભારતીય નાગરિક હોવાના તમામ પુરાવા હોવા ઉપરાંત તેમની સાથે હેરાનગતિ થઈ રહી છે.

આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે, ગુલશનબાનો. તેમના પરિવારનો દાવો છે કે તેમનો જન્મ ભારતમાં થયો હતો. હાલમાં તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાના આરોપ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે. તેમના દીકરા દીન ઇસ્લામે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે કે, તેમનાં માતા, તેમનાં પત્ની અને તેમના બે મહિનાના બાળકને પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે.

તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે, “આ ત્રણેયના તમામ પુરાવા લઈને તેઓ પોલીસ પાસે ગયા હતા, અને તેમના દસ્તાવેજો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમની વાત કોઈએ સાંભળી નહોતી.”

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દીન ઇસ્લામ કહે છે, “મારી માતા ગુલશનબાનોનું નામ એસઆઇઆરના લિસ્ટમાં પણ છે. વર્ષ 2002માં તેમની ઉંમર 21 વર્ષની હતી અને તેમણે મતદાન પણ કરેલું છે. તેમ છતાંય તેમને બાંગ્લાદેશી હોવાના આરોપો હેઠળ લઈ ગયાં છે. મારી પત્ની અને મારું બાળક ક્યાં છે, તેઓ કેવી હાલતમાં છે તેની મને હજી સુધી ખબર નથી.”

ઇસ્લામના કહેવા પ્રમાણે તેમનાં સાસુ હલીમા અને પિતા હનીફ ખાનને ત્યાં તારીખ 26મી માર્ચ 2012ના રોજ તેમની પુત્રી મીમબાનોનો જન્મ થયો હતો, જેના જન્મનો દાખલો તેમની પાસે છે.

વર્ષ 2002નાં તોફાનોમાં તેમના મકાનને નુકસાન થયા બાદ રાજ્ય સરકારે ઇસ્લામના પરિવારને અમદાવાદમાં એક સરકારી મકાન પણ ફાળવ્યું હતું, જેનો ફાળવણીપત્ર પણ આ પરિવાર પાસે છે.

ગુલશનબાનો વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ અમદાવાદના જેસીપી શરદ સિંઘલ સાથે વાત કરી તો તેમણે કહ્યું, “આ પ્રકારના કેસોમાં પોલીસ તપાસ કરી રહી છે. એવું નથી કે અમે કોઈને પૂછપરછ માટે બોલાવી લીધા તો તેઓ બાંગ્લાદેશી સાબિત થઈ ગયા. અમે તે માટે માત્ર અહીંયાં જ નહીં, પરંતુ બાંગ્લાદેશમાં પણ તપાસ કરીએ છીએ. જો બાંગ્લાદેશમાં તેમનું કોઈ સંબંધી હોય તો તેની જાણ કર્યા બાદ જ તેમને ત્યાં મોકલવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા સાવ સરળ નથી. આ અંગે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.”

આ પ્રક્રિયાને વિશે પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ઑપરેશન ડેલ્ટા હન્ટની યોજના બનાવી હતી

ઇમેજ સ્રોત, gujarat information department

આવી જ સ્થિતિ નડિયાદમાં રહેતા રફિક-ઉલ-રહેમાનના પરિવારની છે. તેમના જમાઈ મોહમ્મદ મુસ્તેઇનની પણ આવા જ આરોપો હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેઓ કહે છે, “ભારતીય નાગરિક તરીકે જે આપવા પડે તે તમામ પુરાવા અમે આપી દીધા છે. જોકે હજી સુધી અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. અમને બીક છે કે તેને ખોટી રીતે બાંગ્લાદેશી સાબિત કરીને તેનો ત્યાં મોકલી દેશે. ત્યાં તો તેમનું કોઈ જ નથી, તે ક્યાં જશે?”

આ સમગ્ર પ્રક્રિયા પર પ્રશ્ન કરતો એક પત્ર હાલમાં જ રહેઠાણ અધિકાર મંચનાં કન્વીનર બીનાબહેન જાદવે અમદાવાદ પોલીસ કમિશનરને લખ્યો છે.

તેઓ કહે છે, “એવા અનેક પરિવારો છે કે જેમને કોઈ એક કે બીજી રીતે રાજ્ય સરકારે મકાન કે બીજી કોઈ સહાય આપી હોય, જો તેઓ ભારતીય નાગરિક ન હોય તો સરકાર તેમને સહાય જ કેમ આપે? અમારી રજૂઆત છે કે, આ સ્ક્રૂટિની યોગ્ય રીતે કરી જે ખરેખર બાંગ્લાદેશી હોય તેમને મોકલી દેવા જોઈએ, અને જે ભારતીય નાગરિક હોય તેમને પરેશાન કરવાનું બંધ કરી દેવું જોઈએ.”

આ પ્રક્રિયાને વિશે પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ઑપરેશન ડેલ્ટા હન્ટની યોજના બનાવી હતી. જેમાં જિલ્લાની વિવિધ બૉર્ડર પરથી 18 બાંગ્લાદેશીઓ સહિત 6000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને આ કામગીરી આગળ અવિરત ચાલતી રહેશે.

આ પરિવારો વર્ષો પહેલાં બંગાળથી અલગ-અલગ સ્થળે રહેવા માટે પહોંચી ચૂક્યા હતા. બીનાબહેન જાદવ કહે છે કે, મોટા ભાગના લોકો હજી સુધી ઘરમાં બંગાળી ભાષા બોલે છે, માટે તેઓ સહેલાઈથી ઓળખી શકાય છે.

જેમ કે, ઇસ્લામ કહે છે કે, “મારાં માતા તેમજ પત્નીનો જન્મ અહીં જ થયો છે, પરંતુ અમારા જેવા અનેક પરિવારો હજી સુધી ઘરમાં બંગાળી ભાષા બોલે છે. એટલે અમને પકડીને પૂછવામાં આવે છે કે અમે બાંગ્લાદેશી છીએ. ખરેખર તો અમારા જેવા ઘણા પરિવારો વર્ષો પહેલાં બંગાળનાં ગામડાંથી અહીં આવી ગયા હતા.”

બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શું હોય છે?

પ્રતીકારત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારના 2જી મે, 2025ના એક પત્ર પ્રમાણે બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિત કોઈ પણ દેશના નાગરિકને પાછા તેમના દેશમાં મોકલવા માટે એક પ્રક્રિયા અમલમાં છે. આ પ્રક્રિયા પ્રમાણે જે-તે રાજ્યની પોલીસ ગેરકાયદેસર રહેતા લોકોને પકડીને જૉઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં તેમની તપાસ કરીને, તેમની વિગતો વિદેશ મંત્રાલયને આપે છે.

ત્યાર બાદ વિદેશ મંત્રાલય દ્વારા તેની તપાસ બાંગ્લાદેશની સરકાર મારફતે કરે છે અને ગેરકાયદેસર રહેતા નાગરિકની બાંગ્લાદેશમાં નાગરિકતા સાબિત થયા બાદ તેમને અહીંથી ત્યાં ડિપોર્ટ કરવામાં આવે છે.

જો બાંગ્લાદેશી અથવા રોહિંગ્યા (મ્યાનમારથી આવેલા) નાગરિકોને સરહદ પર અટકાવવામાં આવે, તો બૉર્ડર ગાર્ડિંગ ફોર્સ અથવા કોસ્ટ ગાર્ડ્સ તેમને તરત જ પાછા મોકલે છે અને તેમની બાયોમેટ્રિક્સ વિગતો અને અન્ય માહિતી ફૉરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલ (એફઆઇપી) પર અપલોડ કરે છે.

કેન્દ્ર સરકાર પ્રમાણે ઓળખ અને તપાસ પછી, જો વ્યક્તિ ભારતીય નાગરિક હોવાનો દાવો કરે છે, તો તેની તપાસ 30 દિવસમાં પૂર્ણ કરીને અને જો તે વ્યક્તિ કાયદેસર વિદેશી હોવાનું સાબિત થાય છે, તો તેની બાયોમેટ્રિક્સ એફઆઇપી પર અપલોડ થાય છે અને તેને દેશનિકાલ માટે સરહદ પર લઈ જવામાં આવે છે.

આવી રીતે દેશનિકાલ થયેલી વ્યક્તિને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. દેશનિકાલ માટેની તમામ માહિતી સંબંધિત વિભાગોને અગાઉથી આપવામાં આવે છે. બૉર્ડર ગાર્ડિંગ ફોર્સ આ વિશેની માહિતી આપે અને પછી કેન્દ્ર સરકારને તેનો રિપોર્ટ મોકલે. આ પ્રકારનો રિપોર્ટ દર મહિને મંત્રાલયને મોકલવો જરૂરી છે. બાંગ્લાદેશ સરહદ પર આ માટે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ) કામ કરતી હોય છે.

જેસીપી શરદ સિંઘલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે આ તમામ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, અને તેમાંથી ઘણાને બાંગ્લાદેશ મોકલી દેવાયા છે.

જોકે 29મી મે, 2025ના ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ પ્રમાણે કેન્દ્ર સરકારે હાલમાં 2,680થી વધુ જેટલા સંભવિત રીતે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની બાંગ્લાદેશમાં નાગરિતા સાબિત કરવા માટે રજૂઆત કરી છે. આ પ્રક્રિયાને ઝડપી કરવા માટેની પણ વાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ સરકાર તેમની નાગરિકતા ચકાસી લે, બાદ તેમને ત્યાં મોકલી આપવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS