Home તાજા સમાચાર gujrati ગુજરાત : ખેડૂત આંદોલનનું કેન્દ્ર રહેલા મોરબી સહિત અનેક માર્કેટ યાર્ડની ચૂંટણીમાં...

ગુજરાત : ખેડૂત આંદોલનનું કેન્દ્ર રહેલા મોરબી સહિત અનેક માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપપ્રેરિત પૅનલની હાર શું સંકેત આપે છે?

6
0

Source : BBC NEWS

પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના ઉમેદવારોને હરાવનાર ઉમેદવારો જયેશ રાદડિયા જૂથના અને ભાજપથી નારાજ પ્રાદેશિક નેતા હતા

ઇમેજ સ્રોત, Jayesh Radadiya FB/Sachin pithva

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ વાર છે, એવા સમયે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામો રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.

તાજેતરમાં ગુજરાતમાં વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની (એપીએમસી) ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે, જેમાં વીજ થાંભલા અંગે વિરોધનું કેન્દ્ર બનેલા એવા મોરબી સહિત ધોળકા અને લોધિકામાં ભાજપ સમર્થિત ઉમેદવારોની પૅનલોને ફટકો પડ્યો હતો.

જાહેર કરાયેલાં પરિણામો પ્રમાણે, મોરબી અને ધોળકામાં ભાજપ સમર્થિત પૅનલને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે લોધિકામાં સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ સમર્થિત 15 ઉમેદવારોમાંથી બેની હાર થઈ હતી, પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર આ બંને ઉમેદવારોને હરાવનાર ઉમેદવારો જયેશ રાદડિયા જૂથના અને ‘ભાજપથી નારાજ’ પ્રાદેશિક નેતા હતા.

ગુજરાતમાં હવે જ્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર દોઢ વર્ષની વાર છે ત્યારે એક પછી એક એપીએમએસી અને સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોને ફટકો પડતાં આ અંગે ચર્ચાએ વેગ પકડ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી વીજ થાંભલા અને ખેતીની જમીનના વળતરના મુદ્દે ખેડૂતોએ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો હતો, જે બાદ સરકારે આ મામલે સ્પષ્ટતા કરી તેના ઉકેલ માટે માર્ગદર્શિકા જાહેર કરવી પડી હતી.

તેમજ ઑગસ્ટ માસમાં યોજાયેલી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન (બારડોલી)ની ચૂંટણીમાં પણ ભાજપ સમર્થિત પૅનલની હાર થઈ હતી.

હવે, ગુજરાતમાં જ્યારે આ ચૂંટણીઓમાં ‘પરિવર્તનનાં એંધાણ’ જોવા મળી રહ્યાં છે ત્યારે બીબીસી ગુજરાતીએ આ ચૂંટણી પરિણામો અંગે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને તેના રાજકીય સંકેતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

લોધિકાથી માંડીને ઈડર સુધી ભાજપપ્રેરિત પૅનલોના ઉમેદવાર હાર્યા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠકો પર થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસપ્રેરિત ખેડૂત પરિવર્તન પૅનલના સાત ઉમેદવારોની જીત થઈ હતી, તેમજ વેપારી વિભાગની ચારમાંથી બે બેઠકો પર ખેડૂત પરિવર્તન પૅનલના સભ્યો વિજેતા થયા હતા.

આમ, તાજેતરનાં આ ચૂંટણી પરિણામો બાદ વર્ષોના ઇંતેજાર બાદ મોરબી માર્કેટિંગ યાર્ડ પર કૉંગ્રેસનો કબજો થયો હતો.

આ સિવાય, ધોળકા એપીએમસીમાં યોજાયેલી ચૂંટણીમાં હાર બાદ ભાજપ સમર્થિત ઉમેદવારોના 30 વર્ષ જૂના શાસનકાળનો અંત આવ્યો છે.

ધોળકા એપીએમસીની ચૂંટણીમાં ભાજપથી નારાજ ઉમેદવારોની બનેલી ‘કિસાન વિકાસ પૅનલ’નો ‘આશ્ચર્યજનક અને ભવ્ય’ વિજય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપપ્રેરિત ‘ખેડૂત સહકાર પૅનલ’એ ‘કારમા પરાજય’નો સામનો કરવો પડ્યો હતો.

‘કિસાન વિકાસ પૅનલ’ના તમામ દસ ઉમેદવારોની ભારે બહુમતી સાથે જીત થઈ હતી, સ્થાનિક પત્રકારોના મતે આ હાર સ્થાનિક ભાજપ માટે મોટો આંચકો મનાઈ રહી છે. નોંધનીય છે કે જિલ્લા ભાજપ મહામંત્રી દેવેશ પટેલની પણ આ ચૂંટણીમાં હાર થઈ હતી.

આ સિવાય ઈડર માર્કેટ યાર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ‘ભાજપથી નારાજ’ એવા બળવાખોર ઉમેદવારોની બનેલી ‘ખેડૂત એકતા પૅનલ’નો ખેડૂત વિભાગની દસ બેઠક પર વિજય થયો છે. તેમજ ભાજપપ્રેરિત પૅનલના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.

સ્થાનિક પત્રકારોએ આપેલી માહિતી અનુસાર, ભાજપ દ્વારા આ ચૂંટણીમાં મૅન્ડેટ ન મળતાં ‘ખેડૂત એકતા પૅનલ’ મેદાને આવી હતી અને ભાજપપ્રેરિત પૅનલે તેના ‘ગઢમાં જ પરાજય’નો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે ખેડૂત વિભાગની બેઠકો પર હાર મળ્યા છતાં વેપારી વિભાગની ચાર બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપપ્રેરિત પૅનલના ત્રણ અને અન્ય એકની જીત થઈ હતી.

તેમજ રાજકોટ-લોધિકા સહકારી સંઘમાં યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપ સમર્થિત પૅનલના 15માંથી 13 ઉમેદવારોને જીત મળી હતી.

જ્યારે ભાજપના નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની નિકટ મનાતા બે ઉમેદવારોની જીત થઈ હતી.

કુલ 15 બેઠકો પૈકી દસ બેઠકો પર ભાજપ સમર્થિત પૅનલના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા હતા, જ્યારે અન્ય પાંચ ઉમેદવારોમાંથી બે ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ સરકારના પૂર્વ મત્રી અને જૂનાગઢ ભાજપના પ્રભારી એવા અરવિંદ રૈયાણીએ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપપ્રેરિત પૅનલોની હાર શું રાજકીય સંકેત આપે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sachin Pithhva

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય આ પરિણામોના રાજકીય અર્થ અંગે વાત કરતાં કહે છે કે, “આ પરિણામો ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમા પર હોવાનો સંકેત આપે છે. આ પરિણામો ભાજપના જ નેતાઓનાં શક્તિપ્રદર્શન અને તેના કારણે ભાજપ સમર્થિત ઉમેદવારોને નડી રહ્યા હોવાનું વલણ દેખાઈ રહ્યું છે.”

તેઓ આગળ કહે છે કે, “આ પરિણામો એક સમયે શિસ્તબદ્ધ પક્ષ તરીકે ઓળખાતા ભાજપમાં જૂથવાદ ઘણી ખરી હદે સપાટી પર આવ્યાનું સૂચવે છે. નાનાં નાનાં સેન્ટરોમાં ભાજપના જ નેતાઓના જુદા જુદા શક્તિશાળી ફાંટા પડ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.”

આવી જ રીતે દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા નરેશ વરિયા કહે છે કે, “આ પરિણામો સહકારી અને ખેડૂતોના સંઘની ચૂંટણીઓમાં ભાજપમાં સીઆર પાટીલના સમયે શરૂ થયેલી મૅન્ડેટની પ્રથા સામે એક સવાલ ઊભો કરે છે.”

“સહકારી ક્ષેત્રમાં પક્ષને પછડાટ મળવાનું કારણ આ કેન્દ્રીકરણ પણ છે, જેમાં પક્ષના મૅન્ડેટ પ્રમાણેના ઉમેદવારોને ચૂંટણી લડવાથી માંડીને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવવાની વાત છે. આ સ્થિતિને કારણે એવું થાય છે કે આ સંગઠનોમાં પાર્ટીના સમર્થકોને પસંદ કોઈ અન્ય ઉમેદવાર હોય છે અને ચૂંટણી માટેનું મૅન્ડેટ અન્ય કોઈને આપી દેવાય છે, જેના કારણે આંતરિક અસંતોષની સ્થિતિ પેદા થાય છે.”

તેઓ આગળ કહે છે કે, “આવી રીતે ચૂંટાઈ આવેલા ભાજપના મૅન્ડેટવાળા ઉમેદવારો બાદમાં જે-તે સંઘના સભ્યોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ જાય છે, એ કારણે પણ આ ચૂંટણીઓમાં આ લાગણીના પડઘા પડી રહ્યા છે.”

બારડોલી સહકારી મિલની ચૂંટણીમાં પણ પરિવર્તન થયું હતું

ઉલ્લેખનીય છે કે અગાઉ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન (બારડોલી)ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કિસાન પરિવર્તન પૅનલનો જંગી મતોથી વિજય થયો છે.

આ ચૂંટણીમાં સહકાર પૅનલ અને કિસાન પરિવર્તન પૅનલ વચ્ચે જંગ હતો અને 14 ઉમેદવારો મેદાનમાં હતા.

જોકે આ ચૂંટણીમાં વર્તમાન સત્તાધીશો સાથે સંકળાયેલા ઉમેદવાર સામે નવા નેતૃત્વનો વિજય થયો હતો. એટલે કે 14માંથી 14 ઉમેદવાર પરિવર્તન પૅનલના ચૂંટાયા હતા.

આ સત્તા પરિવર્તન પાછળ ખેડૂતોની નારાજગી પણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS