Home તાજા સમાચાર gujrati ગુજરાત : જન્મના અઢી વર્ષ બાદ બાળકે મોઢેથી ખોરાક લીધો, અન્નનળી વગર...

ગુજરાત : જન્મના અઢી વર્ષ બાદ બાળકે મોઢેથી ખોરાક લીધો, અન્નનળી વગર જન્મેલા બાળકની કેવી રીતે સર્જરી કરાઈ

7
0

Source : BBC NEWS

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક બાળકની જટિલ સર્જરી કરાઈ. બાળકનો જન્મ અન્નનળી વિના થયો હતો અને હવે અઢી વર્ષ બાદ તેને મોંઢાથી ખોરાક આપવાનું શરૂ કરાયું છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

“અઢી વર્ષ પહેલાં અમારો દીકરો અન્નનળી વગર જન્મ્યો હતો, એ ફીડિંગ કરી શકતો નહોતો. ડૉક્ટરોએ બીજા જ દિવસે ગળામાં અને હોજરીમાં નળી નાખી પ્રવાહી ખોરાક આપવાનું શરૂ કર્યું, અઢી વર્ષની મહેનત પછી એનું વજન વધ્યું અને પાંચ કલાકના ઑપરેશન પછી આજે મારા દીકરાને પહેલી વાર મોઢેથી પાણીનો ઘૂંટડો ઊતર્યો ત્યારે મને લાગ્યું કે હું દુનિયાની સૌથી સુખી માતા છું…”

આ શબ્દો છે અમદાવાદ જિલ્લાના સાણંદના વસોધરા ગામનાં રશ્મિબહેન પટેલના.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં અન્નનળી વગર જન્મેલા બાળક પર સતત અઢી વર્ષ સુધી ગળા અને જઠરમાં ટ્યૂબને ઇન્ફેક્શન ન લાગે એવી રીતે રાખવાની કાળજી રખાઈ.

રોજ કેટલી માત્રમાં પ્રોટીન ફેટ કાઇબ્રોહાઇડ્રેડ સહિત વિટામિન-મિનરલ મળે એનો ડાયેટ ચાર્ટ બનાવાયો હતો, નિયત સમયે ખોરાક આપી વજનનું નિયંત્રણ કરાયું અને અઢી વર્ષ સુધી ધીરજ રાખી અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરે પાંચ કલાક લાંબી ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીથી અન્નનળી બનાવી.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં આ સર્જરી સરકારી યોજના હેઠળ મફતમાં કરાવાઈ હતી.

‘અમે સતત પ્રાર્થના કરતાં એ ખાતો થાય’

બાળકનાં માતાપિતા શૈલેશ પટેલ અને તેમનાં પત્ની રશ્મિબહેન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

સાણંદના વાસોધરા ગામમાં રહેતા શૈલેશ પટેલ બાપદાદાની જમીનમાં ખેતી કરે છે અને એગ્રો કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે.

શૈલેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મારા ઘરમાં 7 નવેમ્બર, 2023ના દિવસે દીકરાનો જન્મ થયો, આખુંય ઘર ખુશ હતું, પણ દીકરાના જન્મ પછી જ્યારે ગળથૂંથી પીવડાવવાની હતી ત્યારે અમારી બધી ખુશી ગુમ થઈ ગઈ, કારણ કે એ પાણી કે ફીડિંગ પણ લઈ શકતો નહોતો, પણ ડૉક્ટરોએ એક રસ્તો કાઢ્યો.”

“એમણે બાળકના ગળામાં અને જઠરમાં પાઇપ નાખી પ્રવાહી આપવાનું કહ્યું. એમને એક ડાયેટ ચાર્ટ બનાવી અપાયો, જેથી બાળકનું વજન વધે અને ઑપરેશન કરીને અન્નનળી બનાવી આપવાની ખાતરી આપી.”

તેઓ કહે છે કે “અમને સતત ચિંતા રહેતી હતી કે જો આનું ઑપરેશન સફળ નહીં થાય તો આખી જિંદગી એને ટ્યૂબથી ખાવું પડશે.”

શૈલેશભાઈનાં પત્ની રશ્મિબહેને કહ્યું કે , “અમે ગામડામાં રહીએ છીએ, ડૉક્ટરોએ કહ્યું હતું કે બાળકને સહેજ પણ ઇન્ફેક્શન ન લાગે એની કાળજી રાખવાની છે. એટલે અમે ઘરમાં એક ઓરડો અલગ કર્યો, ડૉક્ટરોએ એને કેટલા સમયે કઈ વસ્તુ પ્રવાહી બનાવીને ખવડાવવાની એનું લિસ્ટ આપ્યું હતું.”

તેઓ કહે છે, “હું એના ખોરાકનું ખાસ ધ્યાન રાખતી હતી. હું મારા દીકરા મંતવ્યના જમવાના સમયમાં કોઈ ફેરફાર કરતી નહીં. ઘણી વાર એવું પણ થતું હતું કે ઘરમાં એક ટાઇમ રસોઈ બને, ક્યારેક મારા પતિ ઑફિસ જાય ત્યારે સમયસર ટિફિન ન બનાવી શકું, પણ મંતવ્ય માટે ઘરના લોકોએ બધાં સમાધાન કર્યાં.”

પરિવારનું કહેવું છે કે તેઓ નિયમિત સમયે બાળકની ગળા અને જઠરની ટ્યૂબ બદલાવવા જતા હતા. સિવિલ હૉસ્પિટલમાં નિયમિત રીતે ચેકઅપ કરાવતા અને ધીમે ધીમે એમના દીકરા મંતવ્યનું વજન વધતું ગયું.

રશ્મિબહેન કહે છે, “જ્યારે એનું વજન વધ્યું અને ઑપરેશન કરવાને લાયક થયો ત્યારે એનું 3 જુલાઈએ ઑપરેશન નક્કી થયું. પાંચ કલાક ચાલેલા ઑપરેશન પછી 23થી 24 દિવસ એ સુધી એને ઑબ્ઝર્વેશનમાં રાખ્યો. અમે સતત પ્રાર્થના કરતા હતા કે એ ખાતો થાય અને પહેલી ઑગસ્ટ એને પહેલી વાર એને એક પ્રવાહીનો ઘૂંટડો આપ્યો અને એ પી શક્યો. એ સમયે મારી ખુશી મંતવ્યના જન્મ સમયે હતી એના કરતાં 100 ગણી વધારે હતી.

બાળકના ઑપરેશન પહેલાં શું ધ્યાન રાખવામાં આવ્યું?

અમદાવાદ, સિવિલ હૉસ્પિટલ, બીબીસી ગુજરાતી

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને આ અન્નનળીનું જટિલ ઑપરેશન કરનાર ડૉ. રાકેશ જોશીએ આ જટિલ સર્જરી અંગે બીબીસીને જણાવ્યું, “40 હજાર બાળકમાંથી એક બાળકને જન્મતાંની સાથે જ અન્નનળી ન હોવાની સમસ્યા જોવા મળે છે, જેને તબીબી ભાષામાં ‘પ્યોર એસોફ્રેજિયલ એસ્ટ્રેસિયા’ કહેવામાં આવે છે.”

તેમનું કહેવું છે કે આવા કેસમાં બાળકના જન્મથી જ અન્નનળી બનતી નથી, જેથી લાળ પેટમાં ન જાય અને એ લાળ ફેફસામાં જાય તો જોખમી થઈ જાય, એટલે અમે સૌથી પહેલા એના જન્મના બીજા જ દિવસે ઇસોફ્રે ગોસ્ટોમી એટલે ગળાના ભાગે કાણું પડી ટ્યૂબ વાટે રસ્તો બનાવ્યો અને ગૅસ્ટ્રોટોમી જઠરમાં નળી મૂકી.

ડૉ. રાકેશ જોશી કહે છે, “આ ઑપરેશન માટે બાળકનું વજન ઓછામાં ઓછું 5.5થી 6 કિલો હોવું જોઈએ, એટલે અમે એક ડાયેટ ચાર્ટ મંતવ્યનાં માતાપિતા શૈલેશભાઈ અને રશ્મિબહેનને આપ્યો. દર બે કલાકે એ મુજબ ખોરાક આપવાની સૂચના આપી, એ લોકોએ એનું પાલન કર્યું અને અઢી વર્ષે બાળકનું વજન ઑપરેશન કરવા લાયક બન્યું ત્યારે અમે 3 જુલાઈએ ઑપરેશન નક્કી કર્યું.”

ગૅસ્ટ્રિક પુલ-અપ સર્જરી શું હોય?

ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં જે બાળકને જન્મજાત અન્નનળી ન હોય એવા ઇસોફેઝલ એસ્ટ્રેસિયાવાળા બાળકના જઠરના ભાગ ઉપરના ભાગને આકાર આપીને છાતી તરફ ખેંચવામાં આવે છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ડૉક્ટરોના મતે આ એક જટિલ સર્જરી હોય છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશી કહે છે કે ગૅસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં જે બાળકને જન્મજાત અન્નનળી ન હોય એવા ઇસોફેઝલ એસ્ટ્રેસિયાવાળા બાળકના જઠરના ભાગ ઉપરના ભાગને આકાર આપીને છાતી તરફ ખેંચવામાં આવે છે અને એ પછી ગળાના ભાગ સાથે જોડી એક અન્નનળી બનાવવામાં આવે છે.

તેઓ કહે છે, “બાળકનું ઑપરેશન માટે યોગ્ય વજન થઈ ગયું હોય એટલે જઠરનો વિકાસ થઈ ગયો હોય, ત્યારે બાળકના આ ભાગને છાતી તરફ ખેંચી ગળાના ભાગ સુધી લાવી શકાય છે.”

ડૉક્ટરનું કહેવું છે કે આ ઑપરેશન પછી તરત બાળકને મોં વાટે ખોરાક આપવામાં નથી આવતો, એના ટાંકા રુઝાય ત્યાં સુધી એને આઈવીથી (બૉટલ ચઢાવી) પ્રવાહી રૂપે પોષણ આપવામાં આવે છે.

“15થી 27 દિવસમાં જઠરના ઉપરના ભાગને ગળા સુધી ખેંચીને બનાવેલી અન્નનળીના ટાંકાની રૂઝ આવી જાય પછી થોડી થોડી માત્રામાં મોઢા વડે ખોરાક અપાય છે.”

ડૉક્ટરોએ અન્નનળીનું પુનઃનિર્માણ કેવી રીતે કર્યું?

ડૉ. રાકેશ જોશીએ આ ઑપરેશન અંગે માહિતી આપતા કહ્યું કે “પાંચ કલાક ચાલેલા ઑપરેશનમાં અગત્યની બાબત એ હોય છે કે આવાં બાળકોની અન્નનળીનો ઉપરનો ભાગ એક ડેડ ઍન્ડ પાઉચ બનાવે છે, જે વિન્ડ પાઇપને જોડતો નથી, જેના કારણે બાળક લાળ પણ ગળી શકતું નથી.

“એટલે એ માર્ગના ભાગે ઑપરેશન કરીને એક અન્નનળી બનાવી. ત્યાર બાદ 23 દિવસ સુધી ઑપરેશનની રુઝ આવે, કોઈ ઇન્ફેશન ન થાય એનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે મંતવ્યને અમે ઑબ્ઝર્વેશનમાં રાખ્યો અને પહેલી ઑગસ્ટે એને પ્રથમ વખત મોઢાવાટે પ્રવાહી આપ્યું અને મંતવ્ય એને પી શક્યો. ત્યાર બાદ અમારી ટીમની નજર હેઠળ એને થોડા દિવસમાં પ્રવાહી અને અન્ય ખોરાક આપવાનું શરૂ કર્યું. એ અઢી વર્ષ બાદ હવે સારી રીતે મોઢા વાટે ખાઈ શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS