Source : BBC NEWS
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
-
17 જાન્યુઆરી 2025, 16:06 IST
અપડેટેડ એક કલાક પહેલા
તાજેતરમાં અમરેલીમાં પાયલ ગોટીના વિવાદ બાદ ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પર ખુદને પટ્ટા માર્યા હતા. મામલો રાજકીય બની ગયો હતો, આપ તથા કૉંગ્રેસ બંને પાર્ટીએ તેમાં પ્રશાસન અને પોલીસને ઘેરી હતી. વિવાદ હજી પણ યથાવત્ છે.
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પક્ષના બે નેતાઓ વચ્ચે થયેલા વિવાદમાં થયેલી પોલીસ ફરિયાદમાં પાયલ ગોટી નામની યુવતીને આરોપી બનાવ્યાં પછી કથિતપણે તેમનું જાહેરમાં ‘સરઘસ’ કાઢવાનો વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
જોકે, પોલીસે તો એ આરોપી યુવતીને જાહેરમાં ગુનાના સ્થળે લઈ જવાની બાબતને સરઘસ નહીં, પણ ઘટનાનું ‘રિકન્સ્ટ્રક્શન’ કરવાની કામગીરીનો ભાગ ગણાવ્યો હતો.
એ પછી મામલો સામાજિક અને રાજકીય રીતે ચર્ચાસ્પદ બન્યો હતો. જિલ્લા પોલીસવડાએ આ કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
હવે આ મામલાની તપાસ ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને નૅશનલ જૉઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા આ મામલે વધુ સક્રિય જોવા મળી રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ તેમની સાથે વિવિધ મુદ્દે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “પોલીસે આ કિસ્સામાં ભૂલ નથી કરી પણ ગુનો કર્યો છે. કાયદો ભણેલા લોકો રાતે કોઈ મહિલાને લઈ જાય, સરઘસ કાઢે એ કાંઈ ભૂલ થોડી છે, એ તો ગુનો છે. સૌથી પહેલા તો સર્વસમાજના લોકોએ જ આ ઘટનાને વખોડી હતી અને કહ્યું હતું કે આ ખોટું છે. તે પછી સરકાર પર દબાણ આવ્યું હતું.”
પાટીદાર યુવતી મામલે ‘રાજકારણ’ થઈ રહ્યું છે?
ગયા મહિને જ ભરૂચમાં દશ વર્ષની એક બાળકી પર બળાત્કાર થયો હતો એ અગાઉ પણ બળાત્કાર તેમજ મહિલા અત્યાચારની ઘટનાઓ બની હતી. પાયલ ગોટી પાટીદાર યુવતી છે. તમે ખુદને પટ્ટા માર્યા તેને તમારી સંવેદના ઉપરાંત એક ‘રાજકીય ગણતરી’ તરીકે પણ જોવામાં આવે છે. તમારું શું કહેવું છે?
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, “આ વાત પાયાવિહોણી છે. અમે ભરૂચની બળાત્કારની ઘટનામાં પણ દીકરીના સમર્થનમાં હતા, બિલકીસબાનો ગૅંગરેપ વખતે પણ દીકરીના સમર્થનમાં જ હતા, અમરેલી વખતેય દીકરીના સમર્થનમાં જ છીએ. ભરૂચ-દહેજમાં કે સમગ્ર ગુજરાતમાં જે બળાત્કાર વગરે ઘટના બની કે મોરબી પુલ દુર્ઘટના હોય કે વડોદરામાં બોટ ઊંધી પડતા બાળકોના થયેલા અપમૃત્યુ હોય. અમે ન્યાય અપાવવા માટે સામાજિક, રાજકીય અને કાયદાકીય રીતે પ્રયાસ કર્યા પણ ન્યાય ન અપાવી શક્યા. ભાજપની સરકારે ન્યાય ન આપ્યો તેથી સમાજના સૂતેલા આત્માને ઢંઢોળવા મેં મને ખુદને પટ્ટા માર્યા હતા.”
ડ્રગ્સની સામે અમે સુરતમાં મોટો કાર્યક્રમ આપ્યો હતો ત્યાં પણ પાટીદારવાળી કોઈ ઘટના નહોતી બની. તેથી કોઈ એક ઘટનામાં અમારો આત્મા જાગ્યો ને અમે ઠેકડા મારવા માંડ્યા એવું નથી. અમે તો દર વખતે અમારી પૂરતી ક્ષમતાથી લડીએ જ છીએ.”
15 ઑગસ્ટ, 2022ના રોજ બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારની ‘સજામાફી નીતિ’ અંતર્ગત જેલમાંથી મુક્ત કરાયા હતા. તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હારતોરા કરવામાં આવ્યા હતા.
એ મામલે તેમણે કહ્યું હતું કે, “એ વખતે પણ અમે નિવેદન આપ્યાં જ હતાં. એ છતાંય કોઈ ભૂલી ગયું હોય તો ફરીથી કહી દઉં કે બળાત્કાર એ દુનિયાનો જઘન્ય અપરાધ છે. કોઈ પણ ધર્મ કે જાતિનો માણસ બળાત્કારી હોય તો આકરામાં આકરી સજા થવી જોઈએ અને ભોગ બનનારને ન્યાય મળવો જોઈએ. મેં અગાઉ પણ કહ્યું કે અમે ગાંધીઆશ્રમ સુધી જે રેલી કાઢી હતી તે અન્યાયનો ભોગ બનેલી દરેક દીકરીને ન્યાય મળે તે માટે કાઢી હતી.”
ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી હર્ષ સંઘવીની કેમ છાશવારે ટીકા કરે છે?
ગોપાલ ઇટાલિયા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે સોશિયલ મીડિયામાં રાજકીય લડાઈ સતત ચાલતી રહે છે. ‘આઠ પાસ ગૃહમંત્રી’ કહીને ગોપાલ ઇટાલિયાએ અનેક વખત ગૃહમંત્રી હર્ષ સઘવીની ટીકા કરી છે.
આ દેશનું સંવિધાન તો દરેકને ચૂંટણી લડવાનો અધિકાર આપે છે, પછી તેની પાસે અક્ષરજ્ઞાન હોય કે ન હોય. તો પછી તમે કેમ આવા આક્ષેપ કરો છો?
આ સવાલના જવાબમાં ગોપાલભાઈએ કહ્યું હતું કે, “એ વાત બરાબર છે કે સંવિધાન એ અધિકાર આપે છે. આઠ પાસ હોય તો સારો મુખ્ય મંત્રી પણ હોઈ શકે છે, ઓછું ભણેલા પણ સારા મંત્રી આપણે ત્યાં પુરવાર થયા છે, પછી તે કેશુભાઈ પટેલ સહિત અન્ય કેટલાક નેતાઓ ગણાવી શકીએ. પણ આ ભાઈ (હર્ષ સંઘવી) મંત્રી બન્યા પછી તેમની નિષ્ફળતા ઊડીને આખે વળગે છે. હજારો કિસ્સા એવા છે જેમાં પોલીસે એફઆઈઆર લેવાનું જ બંધ કરી દીધું છે. મેં પોલીસમાં નોકરી કરી છે, મને પણ ખબર પડે છે. ગુજરાતમાં ક્યારેય આટલી હદે દારૂ વેચાતો નહોતો, હવે તો હોમ ડિલિવરી થવા માંડી છે. ડ્રગ્સ બેફામ વેચાવા માંડ્યું છે. ચપ્પલચોરોના સરઘસ નીકળે છે અને છ હજાર કરોડના કૌભાંડીઓને ખોળે બેસાડીને રાખે છે. તેથી કહીએ છીએ કે આ માણસ ન ચાલે.”
હર્ષ સંઘવી સુરત રહે છે અને ત્યાંથી ચૂંટાયા છે. ગોપાલ ઇટાલિયા પણ સુરત રહે છે. બંને યુવા નેતા છે. બંનેના સામસામે પ્રહાર અંગે સુરતના વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ બીબીસી સંવાદદાતા આર્જવ પારેખને જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીની શરૂઆત ગુજરાતમાં સુરતથી થઈ. ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી બંને સુરતમાં રહે છે. આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો અહીંથી ચૂંટાયા અને અહીંથી જ પાર્ટી તૂટી. આમ સરવાળે સુરત એ આમ આદમી પાર્ટીનું બેટલગ્રાઉન્ડ છે, જેથી પાર્ટી કોઈ પણ મુદ્દો હોય, અહીં સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે.”
તેઓ કહે છે, “ભાજપની હાલની પરિસ્થિતિ એવી છે કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવાય કોઈ નેતા મીડિયામાં ચમકતા નથી કે સીધી રીતે ખૂલીને નિવેદનો આપતા નથી. આથી, હર્ષ સંઘવી પર સીધા પ્રહારો કરવાથી દેખીતું માઇલેજ મળે છે, અને ચર્ચામાં રહેવાય છે, એ ગોપાલ ઇટાલિયા જાણે છે.”
પાટીદાર આંદોલનના નેતા ભાજપમાં કેમ જોડાયા?
તાજેતરમાં પાટણમાં પાટીદાર વિદ્યાર્થીઓના એક સન્માન સમારંભના કાર્યક્રમમાં નિરમાથી જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાંથી પેદા થયેલા પાટીદાર આંદોલનને યાદ કરીને કહ્યું કે “પાટીદાર આંદોલનથી કોઈ ફાયદો નથી થયો અને કેટલાય યુવાનોનાં મોત થયાં છે. બીજી તરફ આ આંદોલનના નામે કેટલાક લોકોએ પોતાના રાજકીય રોટલા શેક્યા છે.”
તેમના આ નિવેદન પછી પાટીદાર અનામત આંદોલન ફરી ચર્ચામાં આવ્યું હતું. કરસનભાઈ પટેલે જે કહ્યું એનો સાર એ હતો કે આનંદીબહેન પટેલને હઠાવવા માટે થયું હતું. પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ ગોપાલ ઇટાલિયા વગેરે એકસાથે હતા.
આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “જે ભાજપની સરકારે અમારા કહેવાથી એક પીએસઆઈને સસ્પેન્ડ નથી કર્યો. અમારા કહેવાથી તલાટી નથી બદલતી તે શું અમારા આંદોલનને લીધે કોઈ મુખ્ય મંત્રીને બદલે? આનંદીબહેનને તો ભાજપના અંદરોઅંદરના ડખાને લીધે હઠાવાયાં છે અને દોષનો ટોપલો આંદોલન પર ઢોળવામાં આવે છે. આંદોલન થયાં એને લીધે પૈસાવાળાઓને નથી ગમ્યું. કેમ કે, એને લીધે તેમની મૉનોપોલી તૂટી ગઈ છે. પૈસાવાળા લોકો પૈસા હતા એટલે સમાજના નેતા બનીને ફરતા હતા. આંદોલન પછી મારા જેવા કે હાર્દિકભાઈ પટેલ જેવા ગરીબ પરિવારના લોકો નેતા થઈ ગયા તેથી પૈસાવાળાના પેટમાં તેલ રેડાયું છે.”
ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલને બાદ કરીએ તો પાટીદાર અનામત આંદોલનના નેતાઓ જેની સામે પડ્યા હતા એ જ સરકારમાં એટલે કે ભાજપમાં કેમ જોડાઈ ગયા?
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “એનો જવાબ તો એ જ બહેતર રીતે આપી શકે. ભાજપમાં જવાના ત્રણેક મનોવૈજ્ઞાનિક કારણ છે, એક પૈસા જોઈતા હોય, બીજું જેને કોર્ટ કે પોલીસનો ડર લાગતો હોય અને ત્રીજું એ કે જેને મોટા મોટા હોદ્દા જોઈતા હોય. માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જે લોકો કોઈ પણ પાર્ટી છોડીને ભાજપમાં જાય છે એમાં મુખ્ય રીતે આ ત્રણ કારણ જ જોઈ શકાય છે.”
અનામત આંદોલન વખતે ગોપાલ ઇટાલિયાના સહયોગી અને પછી ભાજપમાં જોડાઈ ગયેલા વરુણ પટેલે આ બાબતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “ના, મારે એવો કોઈ સ્વાર્થ કે ભય ન હતો. ભાજપમાં જોડાવાના મારા કારણ બીજા છે. હું જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે બે જ પાર્ટી હતી ભાજપ અને કૉંગ્રેસ. મારે રાજકારણ કરવું હતું અને એ પણ પાછલા બારણે નહીં પણ ખૂલીને કરવું હતું તેથી હું ભાજપમાં જોડાયો હતો.
ભાજપમાં જોડાવાની ઑફર અંગે ગોપાલ ઇટાલિયા કહે છે કે, “જે માલ વેચવાનો છે એની ઑફર હોય, જે માલ વેચવાનો જ નથી એની થોડી ઑફર હોય? તમારા ઘરે ગાડી પડી હોય એનો ભાવ થોડો પુછાય? શોરૂમમાં પડી હોય એનો પુછાય.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS