Home તાજા સમાચાર gujrati ગુજરાત : સિંહને પણ અન્ય પ્રાણીને જેમ હડકવા થાય ખરો?

ગુજરાત : સિંહને પણ અન્ય પ્રાણીને જેમ હડકવા થાય ખરો?

6
0

Source : BBC NEWS

અમરેલીમાં પાંચ માણસો પર હુમલો કરનાર સિંહણને હડકવા થયો હતો? સિંહને હડકવા થાય તો કેવું વર્તન કરે

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામે બુધવાર, પહેલી ઑક્ટોબરની રાત્રે મોટરસાઇકલ પર જઈ રહેલા બે યુવાનોને રસ્તામાં એક સિંહણ મળી ગઈ.

સિંહણે તે યુવાનો પર હુમલો કરતા યુવાનો લોહીલુહાણ થઈ ગયા હતા. વન વિભાગના અધિકારીઓ કહે છે કે બીજા દિવસે સવારે તે જ ગામમાં તે જ સિંહણે અલગ-અલગ વાડીમાં કામ કરી રહેલા બે અન્ય પુરુષો પર હુમલો કરી તેમને પણ ઘાયલ કર્યા.

સિંહણે કરેલા પ્રથમ હુમલા બાદ તેને શોધવા વન વિભાગના ત્રણ સ્થાનિક કર્મચારી પ્રયાસ કરી રહ્યા હતા.

ગુરુવારે બપોરના સમયે તેઓ સિંહણને શોધી રહ્યા હતા ત્યારે તેમના પર પણ સિંહણે હુમલો કર્યો હતો.

વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે કર્મચારીઓ હાથમાં લાકડી લઈને તે વિસ્તારમાં સિંહણની હાજરીની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણ તેમના તરફ ધસી અને અનિરુદ્ધ વાળા નામના ગાર્ડ પર હુમલો કરી તેમને પણ ઘાયલ કર્યા.

24 કલાક કલાક કરતાં પણ ઓછા સમયમાં સિંહણે પાંચ લોકોને ઘાયલ કરતા વન વિભાગે ત્યાં વધારે સ્ટાફ દોડાવ્યો હતો.

શેત્રુંજી વન વિભાગના નાયબ વનસંરક્ષક ચિરાગ અમીને બીબીસીને જણાવ્યું કે છેવટે વન વિભાગની એક રૅસ્ક્યૂ ટીમે તે સિંહણને પકડવામાં સફળતા મેળવી છે અને તેને અમરેલીના લીલિયા તાલુકામાં આવેલા ક્રાકચ વાઇલ્ડલાઇફ રૅસ્ક્યૂ સેન્ટર ખાતે લઈ જવાઈ, પરંતુ પકડાયાના આશરે 20 કલાક બાદ તે સિંહણનું સેન્ટરમાં મૃત્યુ થયું છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “સિંહણ અને તેના વર્તનને જોતા પ્રાથમિક દૃષ્ટિએ અમને એવું લાગતું હતું કે સિંહણને હડકવા થયો હોઈ શકે છે.

તેઓ કહે છે, “મોતનું ખરું કારણ જાણવા માટે અમે તે સિંહણના શરીરમાંથી લેવાયેલા સૅમ્પલને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મોકલ્યા છે અને લૅબોરેટરી ટેસ્ટના રિપોર્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ.”

સિંહને પણ હડકવા થઈ શકે?

અરજણસુખ ગામમાં સિંહણના હુમલામાં ઘાયલ થયેલી એક વ્યક્તિની અમરેલી સિવિલ હૉસ્પિટલ થઈ રહેલી સારવારની તસવીર

ભારતમાં સામાન્ય રીતે શેરીનાં કૂતરાંને હડકવા થવાના બનાવો નોંધાતા રહે છે.

ગુજરાતના વન વિભાગમાં 20 વરસ સુધી સેવા આપી 2011માં જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી પશુચિકિત્સક તરીકે નિવૃત્ત થનાર પશુચિકિત્સક ડૉ. છગનલાલ ભૂવા કહે છે કે હડકવાનો રોગ હડકવા નામના વાઇરસથી સ્તનધારી પ્રાણીઓમાંમાં ફેલાય છે.

તેઓ કહે છે કે લાળ વાટે આ વાઇરસ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. ભારતમાં કૂતરાં, શિયાળ, વરુ, લોંકડી, નોળિયા, ઝરખ વગેરે પ્રાણીઓ હડકવાના વાઇરસનાં કેરિયર એટલે કે વાહક પ્રાણીઓ છે.

ડૉ. ભૂવા કહે છે કે જે પ્રાણીના શરીરમાં હડકવાના વાઇરસ હોય તે કોઈ અન્ય પ્રાણીને કરડે અથવા હડકવાના વાઇરસ ધરાવતા પ્રાણીનું એંઠું કોઈ અન્ય પ્રાણી ખાય તો હડકવાના વાઇરસ ફેલાય છે.

તેઓ ઉમેરે છે કે હડકવાથી મૃત્યુ પામેલા પ્રાણીને કોઈ માંસાહારી પ્રાણી ખાય તો ખાનાર પ્રાણીને પણ હડકવાનો ચેપ લાગવાની શક્યતા રહે છે.

તો શું સિંહને હડકવા થઈ શકે, તેવા પ્રશ્નનો જવાબ આપતા ડૉ. ભૂવાએ બીબીસીને જણાવ્યું, “દીપડાં કૂતરાંને ખાઈ જાય છે. તેથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યની હદમાં કૂતરાં દ્વારા હડકવા ફેલાવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. કૂતરાં સિંહથી પણ દૂર જ રહે છે.”

“પરંતુ કોઈ પ્રાણીના શબને પ્રથમ કૂતરાં ખાય અને પછી તે જ મરેલા પ્રાણીને જો સિંહ ખાય તો સિંહને હડકવા થવાની શક્યતા રહે છે, પરંતુ સિંહને હડકવા થાય તે ખૂબ વિરલ ઘટના ગણાય. મેં સિંહને હડકવા થયો હોય તેવું જોયું નથી.”

કુંકાવાવની સિંહણને હડકવા થયાની વન વિભાગને કેમ શંકા છે?

અમરેલીમાં પાંચ માણસો પર હુમલો કરનાર સિંહણને હડકવા થયો હતો? સિંહને હડકવા થાય તો કેવું વર્તન કરે

ડૉ. ભૂવા કહે છે કે હડકવાના વાઇરસ ચેતાતંત્ર મારફત મગજમાં પ્રવેશે છે અને પરિણામે મગજમાં સોજો આવી જાય છે, મગજની કામગીરી ખોરંભાય છે, પ્રાણી ચીડિયું અને આક્રમક થઈ જાય છે, તેના મોઢામાંથી લાળ ઝરવા લાગે છે, તે અન્ય પ્રાણીઓને બચકાં ભરવાં લાગે છે અને પાણીથી દૂર ભાગે છે.

નાયબ વનસંરક્ષક ચિરાગ અમીન કહે છે કે ગીરના સિંહો સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલા કરતા નથી. તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ સિંહોની પજવણી કરે, ખૂબ જ નજીક જાય, સંવનન દરમિયાન ખલેલ પહોંચાડે, બચ્ચાંવાળી સિંહણ નજીક જાય વગેરે સંજોગોમાં સિંહો માણસો પર હુમલો કરી શકે છે.

તેમણે બીબીસીને જણાવ્યું, “અરજણસુખ ગામની ઘટનામાં સિંહણનું વર્તન ખૂબ જ અજુગતું અને અસામાન્ય લાગતું હતું. મોટરસાઇકલ પર જઈ રહેલી બે વ્યક્તિ પર હુમલાની ઘટનામાં ઘાયલો જ્યારે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે હું પોતે તેમને હૉસ્પિટલમાં મળ્યો હતો અને ઘટનાની માહિતી મેળવી હતી. અમારા સ્ટાફના સભ્યો તાલીમબદ્ધ હોય છે અને સિંહોના વર્તનના જાણકાર હોય છે અને તેથી સિંહોના હુમલામાં તે ઘવાય તેવું જવલ્લે જ બનતું હોય છે. આ કિસ્સામાં સિંહણે અમુક કલાકોની અંદર પાંચ લોકો પર હુમલા કર્યા તે અસામાન્ય ઘટના હતી.”

ચિરાગ અમીને વધુમાં કહ્યું, “પાંચ લોકો પર હુમલા કર્યા બાદ પણ સિંહણ ખૂબ જ આક્રમક જણાતી હતી જે સિંહો માટે સામાન્ય નથી. તેનું રૅસ્ક્યૂ પણ પડકારજનક બની ગયું હતું. રૅસ્ક્યૂ દરમિયાન અમારા સ્ટાફના એક સભ્યને ઈજા થયા બાદ ટીમ વાહનમાં સવાર રહીને જ સિંહણનું પગેરું દાબતી રહી અને મોકો મળતા અમારા ક્રાકચ વાઇલાઇફ રૅસ્ક્યૂ સેન્ટરના પશુચિકિત્સકે દૂરથી જ તેને ઇન્જેક્શન મારી બેભાન કરી દીધી અને પાંજરામાં પૂરી દીધી.”

“પાંજરામાં પૂરી દેવાયા બાદ સિંહણ ભાનમાં આવી અને તેને અવલોકન હેઠળ રાખવા માટે ક્રાકચ વાઇલ્ડલાઇફ રૅસ્ક્યૂ સેન્ટર લઈ જવાઈ, પરંતુ રૅસ્ક્યૂ કરાયાના આશરે 20 કલાક બાદ રેસ્ક્યૂ સેન્ટરમાં તેનું મોત થયું. આ આખો ઘટનાક્રમ જોતા પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે તે સિંહણને હડકવા થયો હોઈ શકે.”

અધિકારીએ કહ્યું કે હુમલો કરનાર સિંહણ કિશોરાવસ્થામાં હતી અને તેની ઉમર બેથી ત્રણ વરસ હોવાનો અંદાજ હતો.

ગીરના સિંહોમાં હડકવાનો ફેલાવો છે?

અમરેલીમાં પાંચ માણસો પર હુમલો કરનાર સિંહણને હડકવા થયો હતો? સિંહને હડકવા થાય તો કેવું વર્તન કરે

ગુજરાતમાં હાલ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે. આ ચારેય જિલ્લાઓ તેમજ પોરબંદર જિલ્લામાં વસતા વન્ય પ્રાણીઓની રક્ષણ અને સંરક્ષણની જવાબદારી ગુજરાત રાજ્યના વન વિભાગના જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળની છે.

ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના નિવૃત્ત ઑફિસર દુષ્યંત વસાવડાએ આ વર્તુળમાં 2018થી 2022 સુધી મુખ્ય વનસંરક્ષક તરીકે ફરજ બજાવી હતી. તે સમયગાળા દરમિયાન તેમણે સિંહો પરના કેટલાક સંશોધન પ્રોજેક્ટસમાં માર્ગદર્શન પણ આપ્યું હતું.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “તમે એમ નહીં કહી શકો કે ગીરના સિંહોમાં હડકવાની બીમારી નથી. સિંહોમાં આ બીમાર થાય છે, પરંતુ તેનો ફેલાવો ખૂબ ઓછો છે. વર્ષે બે વર્ષે આવા એકાદ-બે બનાવો બનતા રહે છે. જો સિંહોની વસ્તીનું કદ ધ્યાને લેવામાં આવે તો હડકવાના કેસોનું પ્રમાણ ખૂબ નીચું છે.”

ચિરાગ અમીન કહે છે કે અરજણસુખમાં બનેલી ઘટના જેવી ઘટના આશરે છ મહિના પહેલાં કુંકાવાવથી આશરે 100 કિલોમીટર દૂર આવેલા અમરેલીના રાજુલા નજીક પણ બની હતી.

તેઓ કહે છે કે રાજુલા અને જાફરાબાદ વચ્ચે એક નર સિંહે એક મોટોરસાઇકલસવારને પછાડી દીધો હતો અને ત્યાર બાદ એક રિક્ષા પાછળ દોડ્યો હતો. આ હુમલમાની કેટલીક કલાકો બાદ તે સિંહનું મૃત્યુ થયું હતું.

નાયબ વનસંરક્ષક કહે છે, “અમે તે સિંહના સૅમ્પલ પણ હડકવાની તપાસ માટે લૅબોરેટરીમાં મોકલ્યા હતા. કૂતરાં, નોળિયા, ઝરખ, શિયાળ વગેરે દ્વારા વન્ય પ્રાણીઓમાં હડકવા ફેલાય છે. પરંતુ સિંહોની વસ્તીની સાપેક્ષ સિંહોમાં હડકવાની બીમારીનું પ્રમાણ બહુ જ નીચું છે.”

ક્યા વિસ્તારના સિંહોમાં હડકવા વધારે છે?

અમરેલીમાં પાંચ માણસો પર હુમલો કરનાર સિંહણને હડકવા થયો હતો? સિંહને હડકવા થાય તો કેવું વર્તન કરે

2025માં હાથ ધરાયેલી સિંહો ગણતરી દરમિયાન કુલ 891 સિંહો નોંધાયા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના અગિયાર જિલ્લામાંથી સાત જિલ્લા—જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં સિંહોની હાજરી નોંધાઈ હતી.

હાલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્ય, અમરેલીમાં આવેલા પાણિયા વન્ય જીવ અભયારણ્ય અને મિતિયાળા વન્ય જીવ અભયારણ્ય, જૂનાગઢ શહેર નજીક આવેલા ગિરનાર વન્ય જીવ અભયારણ્ય અને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પથરાયેલા બરડા વન્ય જીવ અભયારણ્ય જેવા રક્ષિત વન વિસ્તારોમાં સિંહો વસી રહ્યા છે.

પરંતુ 2025માં નોંધાયેલા 891 સિંહોમાંથી 394 સિંહો રક્ષિત વન વિસ્તારોની બહાર રહેતા હોવાનું નોંધાયું હતું. આ સિંહો જ્યાં માણસોનો વસવાટ વધારે હોય છે તેવા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની ખેતીની જમીનો, સરકારી ખરાબા કે સરકારી પડતર જમીનોમાં રહેતા હોવાનું નોંધાયું હતું. ઘણા લોકો આ વિસ્તારોને બૃહદ ગીર તરીકે સંબોધે છે.

દુષ્યંત વસાવડા કહે છે કે સિંહોમાં હડકવાના કેસો અમરેલી તરફના બૃહદ ગીર વિસ્તારોમાંથી ક્યારેક ક્યારેક નોંધાય છે.

તેઓ કહે છે, “ત્યાં કૂતરાં અને સિંહોનું ઇન્ટરેક્શન (પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક) વધારે થાય છે, કારણ કે ત્યાંના રેવન્યુ એરિયામાં કૂતરાની વસ્તી વધારે છે. વળી, જ્યાં સિંહ-દીપડા રહેતા હોય તેવા રક્ષિત વન વિસ્તારોમાં પાલતુ કે શેરીનાં કૂતરાં સામાન્ય રીતે ટકી નથી શકતા, પરંતુ રેવન્યુ એરિયામાં તેવી પરિસ્થિતિ નથી હોતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS