Home તાજા સમાચાર gujrati ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ માત્ર મૅરેજ સર્ટિફિકેટથી લગ્ન માન્ય...

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ માત્ર મૅરેજ સર્ટિફિકેટથી લગ્ન માન્ય ન ગણાય

5
0

Source : BBC NEWS

ગુજરાત હાઈકૉર્ટનો ચુકાદો, હિન્દુ મેરેજ એક્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં આદેશ આપ્યો છે કે, હિન્દુ મૅરેજ ઍક્ટ પ્રમાણે જો સપ્તપદીના સાત ફેરા ન થયા હોય અને લગ્નના હક્ક ભોગવ્યા ન હોય, તો ફક્ત સર્ટિફિકેટના આધારે લગ્ન માન્ય ગણાશે નહીં.

ગુજરાત હાઈકોર્ટમાં બ્રિટનમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા એક યુવકે અરજી કરી હતી કે, તેનાં લગ્ન હિન્દુ વિધિ અને સપ્તપદીના ફેરાથી નથી થયાં અને તેમણે લગ્નના કોઈ હક્ક ભોગવ્યા નથી; તેથી આ લગ્નને અમાન્ય ગણવામાં આવે. યુવકે અગાઉ ફેમિલી કોર્ટમાં લગ્ન રદ કરવાની અરજી કરી હતી, જે કોર્ટે નકારી દીધી હતી. ત્યારબાદ યુવક હાઈકોર્ટ પહોંચતાં હાઈકોર્ટ દ્વારા લાંબી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે હિન્દુ મૅરેજ ઍક્ટ પ્રમાણે જો સપ્તપદીના સાત ફેરા ન થયા હોય અને લગ્નના હક્ક ભોગવ્યા ન હોય, તો માત્ર મૅરેજ સર્ટિફિકેટના આધારે તેને માન્ય ન રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે કાયદા નિષ્ણાતો આ બાબતે શું માને છે? જાણીએ આ અહેવાલમાં:

શું છે સમગ્ર મામલો ?

ગુજરાત હાઈકૉર્ટનો ચુકાદો, હિન્દુ મેરેજ એક્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદના એક યુવકે 6 માર્ચ, 2025ના રોજ અમદાવાદની ફેમિલી કોર્ટ સમક્ષ પોતાનાં લગ્ન અમાન્ય હોવાથી રદ ગણવાની દાદ માંગી હતી. યુવકે અરજીમાં જણાવ્યું હતું કે, તે એક વેલ્ડિંગ અને હાર્ડવેર કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તે દરમિયાન તેની કંપનીના માલિકની દીકરી પિતાના કામમાં મદદ કરવા ઓફિસ આવતી હતી અને એ સમયે બંનેનો પરિચય થયો હતો.

અરજીમાં જણાવ્યા અનુસાર, તેણે પોતે બ્રિટન ભણવા જવાનો હોવાની વાત માલિકની દીકરી સાથે કરી ત્યારે માલિકની દીકરીએ પણ કહ્યું હતું કે તે પણ બ્રિટન જવા માંગે છે. આ દરમિયાન તેના માલિકની દીકરીએ જણાવ્યું કે તેના જન્મના દાખલામાં કેટલાક સુધારા કરવાના છે અને તેમાં સાક્ષીની જરૂર છે; આથી તે દરિયાપુરની સરકારી કચેરીમાં ગયો હતો અને સરકારી ચોપડાઓમાં સહીઓ પણ કરી હતી.

યુવક જણાવે છે, “ત્યારબાદ હું 27 નવેમ્બર, 2023ના રોજ બ્રિટન પહોંચી ગયો. અહીં એમ.બી.એ.માં અભ્યાસ કરવા ઉપરાંત પાર્ટ-ટાઈમ નોકરી પણ કરી રહ્યો હતો. મારા વિદેશ ગયાના એક વર્ષ પછી તે યુવતીએ મારી માતાને મળીને કહ્યું કે મારાં અને તેનાં લગ્ન 1 સપ્ટેમ્બર, 2023ના રોજ થયાં છે. ત્યારે મારી માતાએ મને ફોન કરીને પૂછ્યું કે, ‘મેં તેમની જાણ બહાર વિદેશ જવાના બે મહિના પહેલાં લગ્ન કર્યાં છે?’ આ વાતથી મને ખૂબ આઘાત લાગ્યો. મેં મારી મમ્મીને કહ્યું કે વકીલની સલાહ લઈને આ લગ્ન રદ કરાવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરો. મારી મમ્મીએ મને મૅરેજ સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું.”

યુવકનું કહેવું છે કે તેનાં લગ્ન ખોટી રીતે થયાં હતાં. હિન્દુ મૅરેજ ઍક્ટ અનુસાર સપ્તપદીના ફેરા લેવાયા નથી અને તેમણે પતિ-પત્ની તરીકેના કોઈ હક્ક પણ ભોગવ્યા ન હોવાથી આ લગ્ન રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન યુવતીએ પણ ફેમિલી કોર્ટમાં લેખિત નિવેદન આપ્યું હતું કે, તેમનાં લગ્ન સપ્તપદીના ફેરા ફર્યા વગર થયાં છે અને તેમણે લગ્નના કોઈ હક્ક ભોગવ્યા નથી.

લાંબી સુનાવણી બાદ ફેમિલી કોર્ટના જજ પી.જે. ચૌધરીએ આ લગ્ન રદ ન કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે યુવકે ગુજરાત હાઈકોર્ટમાં લગ્ન રદબાતલ કરવાની અરજી કરી હતી.

ગુજરાત હાઈકોટે શું કહ્યું?

ગુજરાત હાઈકૉર્ટનો ચુકાદો, હિન્દુ મેરેજ એક્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઈકોર્ટમાં થયેલી લાંબી સુનાવણી બાદ જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર. ટી. વાછાણીએ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, હિન્દુ મૅરેજ ઍક્ટ, 1955ના સેક્શન 8 મુજબ લગ્નના પુરાવા જરૂરી છે અને સેક્શન 7 મુજબ જો સપ્તપદીના ફેરા ફરવામાં ન આવ્યા હોય તેમજ લગ્નના હક્ક ભોગવ્યા ન હોય, તો તેવા સંજોગોમાં લગ્ન રદ થઈ શકે છે.

“કારણ કે સપ્તપદીના ફેરા એ માત્ર ઉજવણી કે ભોજન સમારંભ નથી, પણ હિન્દુ મૅરેજ ઍક્ટ, 1955 મુજબ અનિવાર્ય પ્રક્રિયા છે.”

કોર્ટે ટાંક્યું કે, અહીં યુવતી પોતે સ્વીકારે છે કે તેમનાં લગ્ન સપ્તપદી મુજબ થયાં નથી અને તેમણે લગ્નના હક્ક ભોગવ્યા નથી. અહીં ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટના 2010 રાધના અને સુજાતાના કેસને ટાંકતાં કહ્યું હતું કે, જ્યારે યુવતી પોતે જ કહે છે કે હિન્દુ વિધિ મુજબ સપ્તપદીના ફેરા નથી ફર્યા અને લગ્નના હક્ક નથી ભોગવ્યા, ત્યારે માત્ર લગ્નનું સર્ટિફિકેટ તે લગ્નને હિન્દુ મૅરેજ ઍક્ટ પ્રમાણે કાયદેસર સાબિત કરી શકતું નથી. તેથી માત્ર સર્ટિફિકેટના આધારે લગ્નને કાયદેસર ગણી શકાય નહીં.

શું કહે છે વકીલ ?

ગુજરાત હાઈકૉર્ટનો ચુકાદો, હિન્દુ મેરેજ એક્ટ, બીબીસી

અરજદાર યુવકના વકીલ રાહીલ જૈને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારો મુખ્ય મુદ્દો એ હતો કે હિન્દુ મૅરેજ ઍક્ટના સેક્શન 7 મુજબ આ લગ્ન માન્ય ન ગણાય. સિવિલ પ્રોસિજર કોડ મુજબ જ્યારે યુવક અને યુવતી બંને હિન્દુ હોય અને તેમણે સપ્તપદીના ફેરા ન ફર્યા હોય તથા લગ્નના હક્ક ન ભોગવ્યા હોય, તો તે મૅરેજ સર્ટિફિકેટને કાયદેસર લગ્નનો આધાર ન ગણી શકાય.”

“આ આંતરધર્મીય લગ્ન હોય, તો તે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ રજિસ્ટર થાય છે, જેમાં 30 દિવસની નોટિસ મોકલવાની હોય છે અને જો તેની સામે કોઈ વિરોધ ન આવે તો જ મૅરેજ સર્ટિફિકેટ માન્ય ગણાય છે. પરંતુ યુવક અને યુવતી બંને હિન્દુ હોવાથી હિન્દુ મૅરેજ ઍક્ટ મુજબ સપ્તપદીના ફેરા અનિવાર્ય છે.”

લગ્નના હક્ક ભોગવ્યા હોય તે અલગ બાબત છે, પણ અહીં યુવક અને યુવતી બંને સંમત છે કે સપ્તપદીના ફેરા ફર્યા નથી અને લગ્નના હક્ક ભોગવ્યા નથી; આથી આ લગ્ન માન્ય રાખી શકાય નહીં. આ દલીલ સ્વીકારીને ગુજરાત હાઈકોર્ટે માત્ર સર્ટિફિકેટ પર થયેલાં લગ્નને અમાન્ય ઠેરવ્યાં છે.

યુવક અને યુવતીનાં માતાપિતા આ અંગે શું કહે છે?

યુવકનાં માતાએ જણાવ્યું કે, “મારા દીકરાએ જ્યારે મને લગ્નનું સર્ટિફિકેટ મોકલ્યું, એ પછી પાવર ઑફ ઍટર્ની તરીકે હું કોર્ટની મુદતમાં હાજર રહેતી હતી. તેના ભણતર પછી અમારી જ્ઞાતિમાં તેણે પસંદ કરેલી યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી થયું હતું, પણ અચાનક અમારી પાસે આ મૅરેજ સર્ટિફિકેટ આવતાં મોટી પરેશાની ઊભી થઈ હતી. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો અને હવે ન્યાય મળ્યાનો સંતોષ છે.”

જ્યારે યુવતીના ઘરે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે યુવતીએ આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

શું કહે છે કાનૂની નિષ્ણાતો?

ગુજરાત હાઈકૉર્ટનો ચુકાદો, હિન્દુ મેરેજ એક્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

નિવૃત્ત જજ અને કાનૂનવિદ જ્યોત્સના યાજ્ઞિકે જણાવ્યું કે, “સમાજમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે મૅરેજ સર્ટિફિકેટ હોય એટલે લગ્ન આપોઆપ કાયદેસર થઈ જાય છે. પરંતુ હિન્દુ મૅરેજ ઍક્ટ, 1955 મુજબ સપ્તપદીના ફેરા ફર્યા હોવા અનિવાર્ય છે અને મૅરેજ સર્ટિફિકેટ હોવા છતાં જો લગ્નના હક્ક ન ભોગવ્યા હોય કે વિધિ ન થઈ હોય, તો તે લગ્ન રદબાતલ ગણાય છે.”

“સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં બે અલગ-અલગ ધર્મના યુવક-યુવતીઓ લગ્ન કરે ત્યારે તેનું રજિસ્ટ્રેશન થાય છે અને 30 દિવસ સુધી નોટિસ મુકાય છે. જો કોઈ વાંધો ન આવે, તો જ તે માન્ય ગણાય છે. જ્યારે આ કિસ્સામાં છોકરી પોતે સ્વીકારે છે કે લગ્નમાં સપ્તપદીના ફેરા નથી ફર્યા અને લગ્નના હક્ક નથી ભોગવ્યા, એટલે આ લગ્ન રદ થવાને પાત્ર છે.”

(નોંધ – યુવક-યુવતીની ઓળખ જાહેર ના થાય એ માટે અહેવાલમાં તેમનાં નામ લખવામાં નથી આવ્યાં)

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS