Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચંડોળા, બાંગ્લાદેશી, પોલીસ કાર્યવાહી, તંત્રની કાર્યવાહી, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, Tejas Vaidya

  • લેેખક, તેજસ વૈદ્ય
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,
  • 22 મે 2025, 15:48 IST

    અપડેટેડ 35 મિનિટ પહેલા

અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવને કાંઠે ચારે તરફ ખંડરો છે. સામાન અને જીવતર બંને જાણે કે વેરવિખેર છે.

રૂપા ગર્ભવતી છે. નવમો મહિનો જઈ રહ્યો છે. પ્રસૂતિ માટે ચંડોળા તળાવને કાંઠે પિયર આવ્યાં છે. મકાન તોડી પડાતાં રૂપા અને પરિવાર ખૂબ ચિંતામાં છે.

તૂટેલા મકાનની બહાર એક ઝાડ પર નણંદની નાનકડી દીકરી ખુશીને હીંચકો નાખતાં નાખતાં તેઓ કહે છે કે, “મને તો ખબર નથી પડતી તે પ્રસૂતિ કેવી રીતે થશે. કદાચ પ્રસૂતિ નજીકની હૉસ્પિટલમાં થઈ જાય, પણ બાળકને લઈને રહેવા ક્યાં જઈએ?”

રૂપાનાં ભાભી સુનીતા ઘરના કાટમાળની વચ્ચે ખીચડી રાંધી રહ્યાં છે. મકાન તોડી પડાયું તેનાં લાકડાંનો જ ચૂલો પેટાવ્યો છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે તેઓ તેમની બે પેઢીથી અહીં રહેતાં હતાં.

તેમનાં ભાભી સુનીતાને ત્રણ દીકરી છે.

સુનીતા કહે છે કે, “અમે તો સામાન ભેગો કરશું અને અહીં જ રહેશું. તેમનો પરિવાર કડિયાકામ કરે છે. પરિવારના મોભી રમેશભાઈ જણાવે છે કે, અહીં અમારાં છાપરાવાળાં ઘર હતાં. ઘરમાં વીજળી હતી અને બિલ ભરતા હતા. ઘરમાં ચાર બાળકો છે.”

રમેશભાઈને આશા છે કે મહાનગરપાલિકા તેમને અહીં રહેવા દેશે અને ફરી તેઓ કાચું મકાન બનાવશે.

“પહલગામમાં તો લોકોને પૂછી પૂછીને માર્યા, અહીં તો પૂછ્યા વગર જ જીવતેજીવ માર્યાં”

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચંડોળા, બાંગ્લાદેશી, પોલીસ કાર્યવાહી, તંત્રની કાર્યવાહી, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

વધુ એક સ્થાનિક હીરાબહેન ચાલીસેક વર્ષથી ચંડોળામાં રહે છે.

હીરાબહેને આ કાર્યવાહી અંગે કહ્યું હતું કે, “અમે અગાઉ અમદાવાદમાં મીરા વિસ્તારમાં રહેતા હતા, ત્યાં રમખાણો થતાં હતાં, તેથી એ વિસ્તાર છોડીને ચંડોળા રહેવા આવી ગયાં. રવિવારની ગુજરી બજારમાંથી જૂની વસ્તુઓ ખરીદીને ઘરવખરી ઊભી કરી હતી. જેમ જેમ પૈસા આવ્યા તેમ પૈસા જોડીને નાનું ઘર બનાવ્યું હતું. પણ બુલડોઝર આવ્યું અને એક જ દિવસમાં અમે બેઘર થઈ ગયાં.”

તેઓ સવાલ ઉઠાવતાં કહે છે કે, “પહલગામમાં તો લોકોને પૂછી પૂછીને માર્યા હતા. અહીં તો પૂછ્યા વગર જ અમને જીવતેજીવ માર્યાં.”

અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તાર, ડિમોલિશન, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

વયોવૃદ્ધ સવિતાબહેન ચાવડાનું કહેવું છે કે તેમણે ગામમાંથી ઈંટો વીણીવીણીને કાચું-પાકું ઘર બાંધ્યું હતું.

તેઓ તંત્ર પાસેથી માગણી કરતા કહે છે કે, “અમારી પાસે પૈસાની એટલી ત્રેવડ નથી કે અમે ક્યાંય ભાડે રહેવા જઈ શકીએ. અમારે એટલે જ કહેવું છે કે અહીંથી ભલે હઠાવો પણ બીજે ક્યાંક પણ અમને રહેઠાણ આપો. અમે જતા રહેશું.”

સવિતાબહેન કહે છે કે, “ગઈ કાલે રાત અમે રોડ પર વિતાવી હતી. બહારના માણસો ખાવાનું આપીને ગયા ત્યારે ભોજન પણ રોડ પર જ કર્યું.”

ગત 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલા બાદ ગુજરાતમાં ઠેરઠેર કથિત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ થઈ હતી.

આ કાર્યવાહીમાં અમદાવાદ ખાતેનો ચંડોળા તળાવ આસપાસના વિસ્તાર કેન્દ્રસ્થાને રહ્યો હતો.

26 એપ્રિલના રોજ આ વિસ્તાર અને ગુજરાતમાં સુરત સહિતનાં કેટલાંક સ્થળોએથી કથિતપણે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ હતી.

જે બાદ 29 એપ્રિલના રોજ આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને કથિત બાંગ્લાદેશીઓનાં ઘરો સહિતનાં ‘દબાણો’ તોડી પડાયાં હતાં.

આ કાર્યવાહી બાદથી એવું કહેવાઈ રહ્યું હતું કે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી આગળ વધારાશે અને વિસ્તારને સંપૂર્ણપણે ‘દબાણમુક્ત’ કરાશે. અંતે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ ચાલેલી કાર્યવાહીમાં તંત્રે આ વિસ્તારનાં તમામ મકાનો તોડી પાડ્યાં હતાં.

ચંડોળા વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહીમાં અત્યાર સુધી શું થયું?

અમદાવાદ, ચંડોળા તળાવ વિસ્તાર

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

સત્તાવાર માહિતી પ્રમાણે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કરીને 2.50 લાખ ચોરસ મીટરથી વધારે જગ્યા પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.

જે અંતર્ગત મુસ્લિમ તેમજ હિંદુઓનાં મકાન ત્યાં તોડી પાડવામાં આવ્યાં હતાં.

આ કાર્યવાહી અંગે અમદાવાદના ડીસીપી રવિ મોહન સૈનીએ જણાવ્યું કે “ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડોળા તળાવની આસપાસ જે ગેરકાયદે દબાણો છે તેને બીજા તબક્કા હેઠળ હઠાવાઈ રહ્યાં છે.”

રવિ મોહન સૈનીએ કહ્યું કે “આ આખો તળાવનો વિસ્તાર છે અને ત્યાં થયેલાં બાંધકામ ગેરકાયદે છે, તેને હઠાવાઈ રહ્યું છે. પહેલી વખત અભિયાન દરમિયાન જે લોકો પકડાયા હતા તેમની સામે ડિપૉર્ટેશનની કાર્યવાહી કરવામાં આવી છે.”

અમદાવાદના જૉઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) શરદ સિંઘલે કહ્યું હતું કે, “પહેલા તબક્કામાં કૉર્પોરેશન તરફથી લગભગ 1.5 લાખ વર્ગ મીટર ક્ષેત્રને ખાલી કરાવવામાં આવ્યું હતું.”

ચંડોળા તળાવની આસપાસ રહેતા કેટલાક રહીશોએ આ ડિમોલિશન પર રોક લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. જે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેથી ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહી છે.

“સરકારે અમને નિરાધાર કરી નાખ્યાં”

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચંડોળા, બાંગ્લાદેશી, પોલીસ કાર્યવાહી, તંત્રની કાર્યવાહી, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

આ કાર્યવાહીમાં મકાન ગુમાવનારાં પૈકી એક શાંતાબહેન પણ છે.

ચંડોળામાં રહેતાં શાંતાબહેન પટેલને લકવો છે. તેમને ચાલવામાં તકલીફ પડે છે. તૂટેલા મકાનની વચ્ચે ખાટલો ઢાળીને શાંતાબહેન બેઠાં છે. વાત કરતી વખતે તેમની આંખ છલકાઈ જાય છે.

તેઓ કહે છે કે, “પરિવારમાં અમે ત્રણ જણા છીએ. અમે કાલનું કશું ખાધું નથી. સરકારે અમને નિરાધાર કરી નાખ્યા. અમને ક્યાંક આશરો તો આપવો જોઈએ ને.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચંડોળા, બાંગ્લાદેશી, પોલીસ કાર્યવાહી, તંત્રની કાર્યવાહી, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

ચંડોળા પાસે તૂટેલા મકાનની બહાર પુષ્પાબહેન સોલંકી બેઠાં છે. તેમના ખાટલા પાસે પાળેલો કૂતરો બેઠો છે. પુષ્પાબહેન તેને જીમ્મી કહીને બોલાવે છે.

પુષ્પાબહેન કહે છે કે, “ગઈ કાલે મકાન તોડી પડાયું હતું. જીમ્મીએ ગઈ કાલથી ખાધું નથી. અમે બિસ્કિટ આપીએ છીએ તો પણ નથી ખાતો.”

પુષ્પાબહેન કહે છે કે, “હું તો 25 વર્ષ પહેલાં લગ્ન કરીને આવી ત્યારથી ચંડોળામાં રહું છું. તોડફોડ થઈ એમાં રસોડાનો સામાન પણ દબાઈ ગયો છે.”

પુષ્પાબહેનનાં દાદી સાસુ એંશી વર્ષનાં મણિબહેન સોલંકી કહે છે કે “અમે ચાલીસેક વર્ષથી અહીં રહીએ છીએ. અમારાં મકાન તોડી નાખ્યાં છે. અમે બે દિવસથી આ ભાંગેલા મકાનમાં બેઠા છીએ. અમારો પેટનો ખાડો માંડ પૂરાય છે, બીજે ભાડેથી મકાન ક્યાં લેવા જઈએ? અમને સૂઝતું નથી કે શું કરીએ?”

ચંડોળા તળાવ કેવો વિસ્તાર છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચંડોળા, બાંગ્લાદેશી, પોલીસ કાર્યવાહી, તંત્રની કાર્યવાહી, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

નોંધનીય છે કે અમદાવાદમાં હાલમાં જે લોકોની કથિત બાંગ્લાદેશી તરીકે અટકાયત કરાઈ છે તેમાંના ઘણા ચંડોળા તળાવ પાસે રહેતા હતા.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલું ચંડોળા તળાવ એ લગભગ 1200 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.

અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોનો મુદ્દો ચર્ચાય ત્યારે દાણીલીમડા, શાહઆલમ, મણિનગર અને ઇસનપુરની વચ્ચે વસેલા આ ચંડોળા તળાવની આસપાસની વસાહતોનું નામ ચર્ચામાં આવે છે.

ત્યાં અગાઉ પણ પોલીસે સર્ચ ઑપરેશન કર્યાં છે. ગયા વર્ષે 24મી ઑક્ટોબરે ગુજરાત પોલીસે કરેલા ઑપરેશનમાં લગભગ 48 લોકોની અટકાયત કરીને તેમને બાંગ્લાદેશ ડિપૉર્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી.

આ તમામ લોકો ખોટાં આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરેના આધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઘર બનાવીને વસવાટ કરી રહ્યા હતા તેવો પોલીસનો એ વખતે દાવો હતો.

બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ની 25મી બટાલિયનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ જબ્બાર અહમદે ભારત તરફથી કથિત અવૈધ બાંગ્લાદેશી નાગરિકોને બાંગ્લાદેશની સીમામાં ‘ધકેલાઈ રહ્યા’ હોવાનો દાવો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS