Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Supreme Court Bar Association
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના ચીફ જસ્ટિસ મીડિયામાં ચમકતા રહે છે. કેટલાક પોતાના ચુકાદાના કારણે, તો કેટલાક પોતાનાં ભાષણો અને ઇન્ટરવ્યૂના કારણે અને અમુક પોતાનાં વહીવટી કામોના કારણે ચર્ચામાં રહે છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ ગયા વર્ષે 11 નવેમ્બરે ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તે વખતે લોકો કહેતા કે તેઓ પોતાના કામથી કામ રાખનારી વ્યક્તિ છે અને મીડિયાથી દૂર રહેવામાં માને છે.
તેઓ પોતાનાથી આગળના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ કરતાં અલગ સ્વભાવ ધરાવતા હતા. જસ્ટિસ ચંદ્રચૂડ ભારતના સૌથી ચર્ચાસ્પદ ન્યાયાધીશો પૈકી એક હતા.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના 13 મેએ નિવૃત્ત થઈ ગયા. તેમના છ માસના કાર્યકાળની વાત કરીએ તો તેમનું કોઈ ભાષણ કે જાહેર ઉપસ્થિતિની ચર્ચા નહોતી થઈ.
જોકે, આમ છતાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના ઘણી વખત ચર્ચામાં રહ્યા.
તેમણે પોતાના ટૂંકા કાર્યકાળમાં કોર્ટના ઇતિહાસમાં પોતાની છાપ છોડી. વકફ કાયદો, પૂજાસ્થળ સાથે સંકળાયેલા મંદિર-મસ્જિદ વિવાદ અને યશવંત વર્માના ઘરેથી મળેલી કથિત રોકડ રકમ જેવા કેસ તેમની પાસે હતા.
આટલું જ નહીં, તેમના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટે પારદર્શિતા વધારવાનાં કેટલાંક પગલાં લીધાં. ન્યાયાધીશોની સંપત્તિ જાહેર કરવાનું પગલું તેમાંથી એક હતું.
સૌથી પહેલા એવા મહત્ત્વના ચુકાદાની વાત કરીએ જે તેમણે ચીફ જસ્ટિસ તરીકે આપ્યા હતા. ચીફ જસ્ટિસ બનતા અગાઉ પણ તેઓ મહત્ત્વના નિર્ણયોમાં સામેલ હતા. તેના વિશે તમે અહીં વાંચી શકો છો.
મંદિર-મસ્જિદના કેસ

ઇમેજ સ્રોત, ANI
ગયા નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં સંભલની એક કોર્ટમાં એક અરજી દાખલ થઈ. તેમાં કહેવામાં આવ્યું કે ત્યાંની જામા મસ્જિદની જગ્યાએ એક મંદિર હતું.
સ્થાનિક અદાલતે મસ્જિદના સર્વેક્ષણનો આદેશ આપ્યો. ત્યાર પછી ત્યાં તણાવનો માહોલ સર્જાયો, હિંસા ફાટી નીકળી અને પાંચ લોકોનાં મોત થયાં.
ત્યાર બાદ નવેમ્બરમાં રાજસ્થાનની એક અદાલતે વિખ્યાત અજમેર શરીફની દરગાહને લગતા એક કેસમાં નોટિસ જારી કરી. કેસમાં દાવો કરવામાં આવ્યો કે દરગાહની નીચે એક શિવમંદિર છે.
આ બંને વિવાદના કારણે મંદિર-મસ્જિદના બીજા મામલા પણ ચર્ચામાં આવ્યા. વર્ષ 2019માં અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ મામલે ચુકાદો આવ્યો ત્યાર પછી ઓછામાં ઓછા 12 મસ્જિદો, દરગાહ અને સ્મારકો પર વિવિધ હિંદુ પક્ષોએ દાવો કર્યો કે મંદિરો તોડીને આ સ્થળો બનાવાયાં હતાં. તેમણે આ સ્થળો હિંદુઓને સોંપવા માગણી કરી હતી.
મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કરતા કહ્યું કે આ બધા કેસ પૂજાસ્થળ કાયદો 1991ની વિરુદ્ધ છે. મંદિર-મસ્જિદ વિવાદોને રોકવા આ કાયદો બનાવાયો હતો.
પૂજાસ્થળના કાયદા સાથે સંકળાયેલા એક કેસમાં જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં ત્રણ જજની એક બેન્ચે ડિસેમ્બરમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ સામે ઘણી અરજીઓ હતી જેમાં આ કાયદા હેઠળ આવા મામલા રોકવાની માગણી કરવામાં આવી હતી. કેટલીક અરજીઓમાં આ કાયદાનો વિરોધ કરાયો હતો. આ તમામ મામલા 2020થી પૅન્ડિંગ હતા.
ગઈ 12 ડિસેમ્બરે કોર્ટે સુનાવણી વખતે વચગાળાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી આ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ અદાલત આ મામલે કોઈ પગલાં નહીં લઈ શકે અને નવા મામલા પણ દાખલ નહીં થાય. મુસ્લિમ પક્ષ ઉપરાંત બીજા ઘણા લોકો આવા ચુકાદાની માગણી કરતા હતા.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તેઓ આવા આદેશ વિશે વિચારણા કરે છે, ત્યારે સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને બીજા કેટલાક વરિષ્ઠ વકીલોએ તેનો વિરોધ કર્યો. કોર્ટરૂમ વકીલોથી ખીચોખીચ ભરેલો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની ટિપ્પણીથી ત્યાં હલચલ મચી ગઈ.
તેઓ પોતાનો ચુકાદો લખાવતા હતા ત્યારે પણ વકીલોએ તેમને આમ કરતા રોકવા પ્રયાસ કર્યો. તેના પર જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, “અમે આ રીતે કોઈ ચુકાદો સંભળાવી ન શકીએ. તે અમે કોર્ટમાં ઑર્ડર લખવા નહીં દો તો અમે પોતાની ચેમ્બરમાં ચુકાદો આપીશું.”
કોર્ટના આ ચુકાદાથી મંદિર-મસ્જિદ વિવાદના મામલા પર વચગાળાનો વિરામ લાગ્યો. આ મામલે સુનાવણી હજુ બાકી છે.
વકફ કાયદો

ઇમેજ સ્રોત, Getty Images
બીજો એક મહત્ત્વનો કેસ સુપ્રીમ કોર્ટ પાસે આવ્યો જે વકફ કાયદામાં સુધારા સાથે જોડાયેલો છે. સંસદમાં ચર્ચા પછી એપ્રિલમાં વકફ કાયદાની જોગવાઈઓમાં ઘણા સુધારા થયા હતા. તેમાં વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોની નિમણૂક અને ‘વકફ બાય યૂઝર’ સાથે સંકળાયેલા ઘણા સુધારા થયા જેના પર વિવાદ થયો છે.
કાયદો પસાર થતા જ કોર્ટમાં ઢગલાબંધ અરજીઓ દાખલ થઈ. તેમાં આ સુધારાને પડકારવામાં આવ્યા. આ વર્ષે 16 એપ્રિલે સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે આ અરજીઓની સુનાવણી કરી.
જસ્ટિસ સંજીવ ખન્ના પણ આ બેન્ચમાં સામેલ હતા. સંજીવ ખન્નાએ સુનાવણી દરમિયાન એક વચગાળાનો આદેશ આપવાની ઇચ્છા દર્શાવી. તેના પરથી એવો સંકેત મળ્યો કે તેઓ આ બંને જોગવાઈ પર વચગાળાની રોક લગાવવાનો વિચાર કરે છે.
જોકે, કેન્દ્ર સરકારે આનો વિરોધ કર્યો. પછી સરકારે જાતે આશ્વાસન આપ્યું કે તેઓ આ જોગવાઈઓને હાલમાં લાગુ નહીં કરે. કોર્ટે તેને ‘ઑન રેકૉર્ડ’ લીધું. હજુ આ મામલો ચાલે છે.
ઘણા સમયથી કોર્ટની ટીકા થતી હતી કે કેટલાક મહત્ત્વના મામલા લાંબો સમય પૅન્ડિંગ રહે છે. પરંતુ આ મામલે કોર્ટે ઝડપથી પગલાં લીધાં.
સુપ્રીમ કોર્ટના આ બે વચગાળાના નિર્ણયોથી દેશમાં ધર્મને લગતા બે મુદ્દા પર કેટલાક સમય માટે રોક લાગી ગઈ. જોકે, આ કારણોથી ઘણા લોકોએ કોર્ટની ટીકા પણ કરી.
વકફ મામલાની સુનાવણી પછી ભાજપના નેતા નિશિકાંત દુબેએ જસ્ટિસ ખન્નાની આકરી ટીકા કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે, “આ દેશમાં જેટલાં ગૃહયુદ્ધ થાય છે તેના માટે માત્ર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્નાસાહેબ જવાબદાર છે.”
સુપ્રીમ કોર્ટને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર પણ ‘ટ્રોલ’ કરવામાં આવી.
બંધારણીય કાયદાના જાણકાર ગૌતમ ભાટિયાએ પોતાના એક લેખમાં કહ્યું કે આ બે ચુકાદાના પરિણામ ભલે સારા હોય, પરંતુ કોર્ટે પોતાના ચુકાદા પાછળનું કારણ નથી આપ્યું.
તેમણે લખ્યું કે કોર્ટનો નિર્ણય તર્કના આધારે હોવો જોઈએ. નહીંતર આગળના જજ તેને બદલી પણ શકે છે.
જસ્ટિસ સંજીવ ખન્ના સામે કેટલાક લોકોએ બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ના ઉપયોગ વિરુદ્ધ પણ અરજીઓ પણ દાખલ કરી હતી. આ બે શબ્દ ઇંદિરા ગાંધીના કાર્યકાળ વખતે પ્રસ્તાવનામાં ઉમેરાયા હતા.
જોકે, જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં બે જજની બેન્ચે એમ કહીને અરજીઓ ફગાવી દીધી કે લોકોમાં સમાનતા વધારવા બંને સિદ્ધાંત જરૂરી છે.
એક મામલે સુનાવણી કરતા તેમણે ઉત્તર પ્રદેશ પોલીસની ટીકા કરી અને કહ્યું કે યુપીમાં સામાન્ય સિવિલ મામલાને ક્રિમિનલ કેસ બનાવવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારને 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સરકાર એવા ઑફિસરો પાસેથી દંડ વસૂલી શકશે જેમણે સિવિલ કેસને ક્રિમિનલ કેસ બનાવ્યો હતો.
યશવંત વર્મા મામલો

ઇમેજ સ્રોત, ALLAHABADHIGHCOURT.IN/GETTY IMAGES
જસ્ટિસ સંજીવ ખન્નાના કાર્યકાળમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને જજોની વર્તણૂકને લગતી બે ઘટનાઓ પણ બની.
તેમાંથી એક કેસ દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માને લગતો હતો. 14 માર્ચે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને એક સ્ટોરરૂમમાં આગ લાગી.
ત્યાર પછી ત્યાંથી કથિત રીતે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી. 15 માર્ચે આ મામલો દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ સંજીવ ખન્નાના સંજ્ઞાનમાં લાવવામાં આવ્યો.
21 માર્ચે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આને લગતો અહેવાલ છપાયો ત્યારે સામાન્ય લોકોને આની ખબર પડી. તે વખતે કોર્ટની ઘણી ટીકા કરવામાં આવી કે આવી ઘટના બની હતી તો તેને છુપાવવાની જરૂર ન હતી.
ત્યાર બાદ 22 માર્ચની રાતે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના મામલે પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો. આ ઉપરાંત એક ઇન-હાઉસ કમિટીને આ મામલાની તપાસ કરવા કહેવામાં આવ્યું.
ઇન-હાઉસ કમિટીમાં બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને એક હાઇકોર્ટના જજ હતા.
રિપોર્ટ જાહેર કરવાના પગલાને ઘણા લોકોએ આવકાર્યો અને તેને ન્યાયતંત્રની પારદર્શિતા ગણાવી.
જોકે, ‘ઇન-હાઉસ સમિતિ’નો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યો. જસ્ટિસ સંજીવ ખન્નાએ આ રિપોર્ટ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે મોકલ્યો છે.
જોકે, દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને આપેલા જવાબમાં યશવંત વર્માનું કહેવું છે કે તેઓ ‘નિર્દોષ’ છે.
હવે ઘણા સામાજિક કાર્યકરો અને વકીલોની માગ છે કે ‘ઇન-હાઉસ સમિતિ’નો રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ.
પારદર્શિતાની દિશામાં પગલું

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના પછી પહેલી એપ્રિલે સુપ્રીમ કોર્ટની ‘ફુલ કોર્ટ મીટિંગ’ થઈ. તેમાં નક્કી થયું કે સુપ્રીમ કોર્ટના તમામ જજોએ પોતાની સંપત્તિની માહિતી ભારતના ચીફ જસ્ટિસને આપવી પડશે અને આ માહિતી કોર્ટની વેબસાઇટ પર જાહેરમાં પ્રકાશિત કરાશે.
અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના જજ પોતાની સંપત્તિની માહિતી માત્ર ચીફ જસ્ટિસને આપતા હતા. તેને વેબસાઇટ પર આપવી જરૂરી ન હતી.
જોકે, ઘણા સમયથી સાંસદો અને ધારાસભ્યોની જેમ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોની સંપત્તિની માહિતી પણ જાહેર કરવાની માગણી થઈ રહી હતી.
આ સાથે સંજીવ ખન્નાના નેતૃત્વમાં કોર્ટે કેટલીક બીજી જાણકારી પણ જાહેર કરી. જેમ કે છેલ્લાં અઢી વર્ષમાં અત્યાર સુધીમાં કોર્ટમાં જજોની નિમણૂક માટે કેટલી ભલામણો આવી છે, તેમાંથી કેટલી ભલામણ સરકાર પાસે પૅન્ડિંગ છે, તેમાંથી કેટલા ભૂતપૂર્વ અથવા વર્તમાન જજના પરિવારમાંથી આવે છે.
સાથે સાથે તેમના ધર્મ અને જાતિની પણ માહિતી આપવામાં આવી. જોકે, આ માહિતી સતત જાહેર થાય છે કે નહીં તેનો આધાર આગળની ચીફ જસ્ટિસ પર રહેશે.
બીજી તરફ એક મહત્ત્વની ઘટના પર કોર્ટે કંઈ નક્કર કર્યું હોય તેમ દેખાતું નથી.
અલાહાબાદ હાઇકોર્ટના જજ શેખર યાદવે ડિસેમ્બર 2024માં વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં મુસ્લિમો વિરુદ્ધ કથિત રીતે ‘હેટ સ્પીચ’ આપી હતી.
તેમાં પણ જસ્ટિસ સંજીવ ખન્નાએ ‘ઇન-હાઉસ’ તપાસ શરૂ કરી હતી. જોકે, આ મામલે હજુ સુધી કોઈ નવી માહિતી બહાર નથી આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS