Home તાજા સમાચાર gujrati જનનાંગ ચોરીના આરોપમાં ટોળાના હુમલામાં અત્યાર સુધી 80થી વધુનાં મોત, શું છે...

જનનાંગ ચોરીના આરોપમાં ટોળાના હુમલામાં અત્યાર સુધી 80થી વધુનાં મોત, શું છે સમગ્ર મામલો?

6
0

Source : BBC NEWS

'અમે બચી શકીએ એમ નહોતા, ટોળું અમને જનનાંગ ચોર કહી રહ્યું હતું', આફ્રિકામાં ફેલાયેલી જીવલેણ અફવાઓ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બીબીસી ગ્લોબલ ડિસઇન્ફર્મેશન યુનિટે છ આફ્રિકન દેશોનાં પોલીસ દળો પાસેથી આંકડા એકત્ર કર્યા બાદ શોધી કાઢ્યું છે કે ઑક્ટોબર 2025 અને આ વર્ષના જુલાઈ વચ્ચે ‘જનનાંગ ચોરી’ની અફવાઓને પગલે 80થી વધુ લોકોની ટોળાં દ્વારા હત્યા કરવામાં આવી છે.

આ હત્યાઓ એવી અફવાઓ સાથે જોડાયેલી છે કે કોઈ પુરુષના ખભા પર હળવેથી હાથ મૂકવાથી તેના જનનાંગ સંકોચાઈ શકે છે અથવા અદૃશ્ય થઈ શકે છે.

આ દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી આ અફવાઓને વેગ આપી રહી છે.

તાન્ઝાનિયાના મિકૅનિક બોનિફેસ મ્ગાલાએ એપ્રિલમાં પોતાની સાથે બનેલી ઘટના બીબીસીને જણાવી હતી. તે દરમિયાન તેમને ખૂબ માર મારવામાં આવ્યો હતો, કેમ કે લોકોને ખાતરી હતી કે તેઓ જનનાંગચોર છે.

(આ કથાની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.)

તેમણે કહ્યું, “તેઓ બૂમો પાડીને કહી રહ્યા હતા કે અમે કોઈનાં જનનાંગ ચોરી લીધાં છે. ત્યાં ખૂબ મોટું ટોળું હોવાથી અમારી પાસે બચીને નીકળી જવાનો કોઈ રસ્તો નહોતો.”

તેમનો અનુભવ બીબીસીએ જોયેલા વીડિયોમાં દર્શાવાયેલી ઘટનાઓ જેવો જ હતો.

આ વીડિયોમાં પુરુષો દાવો કરે છે કે અજાણ્યા લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમનાં જનનાંગો, એટલે કે લિંગ અને અંડકોષ, અદૃશ્ય થઈ ગયાં છે અથવા સંકોચાઈ ગયાં છે.

ત્યાર બાદ ટોળાં કથિત આરોપીઓ પાસેથી કથિત રીતે ચોરાયેલી વસ્તુ પાછી આપવાની માગણી કરે છે. લાંબા સમયથી ચાલી આવતી આશંકાઓ અને અંધશ્રદ્ધાઓને કારણે આવી અફવાઓ વધી છે.

આફ્રિકામાં આ નવી વાત નથી, ખાસ કરીને એવા સમુદાયોમાં જ્યાં જાદુટોણામાં બહુ વિશ્વાસ મૂકવામાં આવે છે. સોશિયલ મીડિયાએ આ આશંકાઓને ઓર વધારી છે.

કેવી રીતે ફેલાઈ આ અફવાઓ

'અમે બચી શકીએ એમ નહોતા, ટોળું અમને જનનાંગ ચોર કહી રહ્યું હતું', આફ્રિકામાં ફેલાયેલી જીવલેણ અફવાઓ

ઇમેજ સ્રોત, Alfred Lasteck / BBC

તાજેતરની અફવાઓની આ લહેર ગયા વર્ષે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોથી શરૂ થઈ હોવાનું જણાય છે. ત્યાં 2008માં પણ આવા જ દાવા કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ આ અફવાઓ ધીમે ધીમે સમગ્ર વિસ્તારમાં ફેલાવા લાગી. બુરુન્ડી, ઝામ્બિયા અને તાન્ઝાનિયા ઉપરાંત મોઝામ્બિક, અંગોલા, માલાવી અને કેન્યા સુધી તે પહોંચી ગઈ.

ઝામ્બિયામાં જનનાંગ અદૃશ્ય થવાની અફવાઓએ પહેલી વાર માર્ચમાં જોર પકડ્યું. ત્યારે ટોળાએ એક મહિલાને મારી નાખી હતી. ત્યાર પછી આ દહેશત સરહદ પાર તાન્ઝાનિયા સુધી પ્રસરી ગઈ.

ઝામ્બિયાની સરહદ પાસે આવેલા તાન્ઝાનિયાના વ્યસ્ત વેપારી શહેર ટુંડુમા નજીક મ્પેમ્બામાં મ્ગાલા પોતાના ઘરે રહે છે. તે માથાની જમણી બાજુએ પડેલા દાતરડાના આકારના નિશાન પર આંગળીઓ ફેરવે છે. આમ કરતાં તેઓ પોતાના પીડાદાયક અનુભવને યાદ કરે છે.

મિકૅનિક મ્ગાલા કહે છે, “મને ખબર હોત કે એ દિવસે હું મૃત્યુની આટલી નજીક પહોંચી જઈશ, તો હું એ રેસ્ટોરાંમાં જમવા ન ગયો હોત. પરંતુ મૃત્યુ આપણાથી કેટલું નજીક છે, એ આપણને ખબર હોતી નથી.”

તેઓ અને તેમનો એક મિત્ર એપ્રિલના એક દિવસે કાર વેચવા બાબતે એક ગ્રાહકને મળવા ટુંડુમા ગયા હતા. તેમણે પહેલાં બપોરનું ભોજન લેવાનું નક્કી કર્યું.

રેસ્ટોરાંમાં બેઠા પછી થોડી જ વારમાં એક ટોળું તેમને ખેંચીને બહાર લઈ ગયું.

તેમની દાઢી પરના બે નાના ઘા અને તૂટેલો દાંત પણ એ ઘટનાની યાદ અપાવે છે.

મારપીટ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. બે દિવસ પછી મ્ગાલાને હૉસ્પિટલમાં ભાન આવ્યું. ત્યાં તેમને ખબર પડી કે તેમના મિત્રની હત્યા થઈ ગઈ હતી.

હવે તેઓ પત્ની અને ચાર બાળકો સાથે પોતાના ઘરે રહે છે. તેઓ લંગડાતા ચાલે છે અને કહે છે કે તેમને માથાનો સતત દુખાવો પણ રહે છે.

તેઓ પોતાની મિકૅનિકની દુકાન પર કામે પાછા ફરી શક્યા નથી. જોકે, તેમનું કહેવું છે કે પડોશીઓ અને મિત્રોએ તેમની જરૂરી દવાઓનો કેટલોક ખર્ચ ચૂકવવામાં મદદ કરી છે.

મ્ગાલા અને તેમના મિત્ર પર હુમલો થયો હતો, એ જ દિવસે કમર્શિયલ ફોટોગ્રાફર અને વેપારી માઇકલ સિલાવ્વેએ પણ ટુંડુમામાં આવો જ બીજો એક હુમલો જોયો હતો.

તેમનું કહેવું હતું કે જનનાંગ ચોરી સાથે સંકળાયેલા વીડિયો ટિકટૉક પર ફેલાયા બાદ લોકોમાં ભય વધી રહ્યો હતો.

તેમણે પોતાની દુકાનની બહાર લોકોને ભાગતાં જોયા. તેમના કહેવા મુજબ, તેમને જાણવા મળ્યું હતું કે નજીકમાં એક વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવી રહ્યો હતો.

પછી તેને સળગાવી દેવામાં આવ્યો હતો.

23 વર્ષના સિલાવ્વેએ બીબીસીને કહ્યું, “તેને આગ ચાંપી દેવામાં આવી ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ત્યાર પછી બધા ત્યાંથી ભાગી ગયા.”

બીબીસી ગ્લોબલ ડિસઇન્ફોર્મેશન યુનિટ દ્વારા ચકાસવામાં આવેલા હુમલાના એક વીડિયોમાં એક ટોળું એક વ્યક્તિને મારતું દેખાય છે. આ વીડિયો ટિકટૉક અને ફેસબુક પર એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયોમાં લોકો તે વ્યક્તિ પાસેથી કથિત રીતે ચોરાયેલા જનનાંગ પાછા આપવાની માગણી કરી રહ્યા છે.

સિલાવ્વેએ કહ્યું, “આવી ઘટનાઓ સતત વધી રહી હતી અને લોકોને માર મારવામાં આવી રહ્યો હતો.”

તેમણે કહ્યું કે એ સમયે તેમના જેવા યુવાનો ડરી ગયા હતા. પરંતુ હવે તેમને સમજાઈ ગયું છે કે આ અફવાઓમાં કોઈ સત્ય નથી.

બીબીસીને તપાસમાં શું જાણવા મળ્યું

મોમ્બા જિલ્લામાં આવેલા ટુંડુમામાં રહેતાં 50 વર્ષનાં ફૅશન ડિઝાઇનર આશા સ્ટીવન મ્વાકિલાસા પણ આ વાત સાથે સહમત છે. તેઓ કહે છે, “મને ખ્યાલ આવ્યો કે આ સાચું નહોતું.”

પરંતુ તેનાથી તેમની ચિંતા ઘટી નથી- ખાસ કરીને તેમના પતિ અથવા પુત્રો ઘરની બહાર હોય ત્યારે. જોકે તેઓ કહે છે કે પોલીસ હવે પેટ્રોલિંગ કરી રહી છે અને તેના માટે તેઓ આભારી છે.

મોમ્બા જિલ્લાના કમિશનર એલિયાસ ડેનિયલ મ્વાન્ડોબોએ બીબીસીને કહ્યું કે સ્થાનિક તપાસનાં તારણો મુજબ કેટલીક ઘટનાઓ પાછળ જાણીબૂઝીને કરવામાં આવેલી ગુનાહિત પ્રવૃત્તિ હતી.

તેમણે કહ્યું, “કેટલાક લોકોએ પોતાના લાભ માટે ગુના કરવાનું અને લોકોમાં ગભરાટ ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું.”

તાન્ઝાનિયાના સૌથી મોટા શહેર દાર અસ સલામમાં રેકૉર્ડ કરવામાં આવેલા અન્ય એક વીડિયોમાં એક ટોળું એક વ્યક્તિને બજારમાં ધૂળિયા રસ્તા પર ઢસડી જતું દેખાય છે.

લોકો તેને ધક્કા મારે છે, પકડે છે અને મારે છે. તેઓ તેની પાસેથી જનનાંગ પાછાં આપવાની માગણી કરી રહ્યા છે, જ્યારે તે પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે.

બીબીસી ડિસઇન્ફોર્મેશન યુનિટે મોઝામ્બિક અને કેન્યામાં થયેલા હુમલાઓના આવા જ વીડિયોની પણ પુષ્ટિ કરી છે.

ટોળાની હિંસા, કથિત પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો, કથિત ઘટનાઓ સાથે જોડાયેલી ચેતવણીઓ, ટિપ્પણીઓ અને અલગ-અલગ વિસ્તારોની ઘટનાઓ તરીકે રજૂ કરવામાં આવેલા વીડિયોનાં ડઝનબંધ રેકૉર્ડિંગ્સ ટિકટૉક અને ફેસબુક પર ફેલાઈ રહ્યાં છે.

બીબીસી દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલી આવી ઘણી પોસ્ટ હજી પણ ઑનલાઇન છે. તેમાં ટોળાની હિંસા દર્શાવતા કેટલાક વીડિયો પણ સામેલ છે.

મેટાના એક પ્રવક્તાએ કહ્યું, “અમે શેર કરવામાં આવેલી સામગ્રીની સમીક્ષા કરી રહ્યા છીએ. અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી જણાશે એવી સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવશે.”

ટિકટૉકે હજી સુધી ટિપ્પણી માટેની બીબીસીની વિનંતીનો જવાબ આપ્યો નથી.

કેટલાક સોશિયલ મીડિયા ક્રિએટર લોકોને સાવચેત રહેવાની સલાહ આપે છે. પરંતુ ઘણી વાર એ સ્પષ્ટ થતું નથી કે તેઓ ખરેખર આ દાવાઓમાં માને છે કે કેવળ લોકોનું વધુમાં વધુ ધ્યાન ખેંચવા માગે છે?

આ પોસ્ટ્સની સાથે કેટલાક લોકો એવા કથિત તાવીજનો પણ પ્રચાર કરી રહ્યા છે, જે જનનાંગ ચોરીથી બચાવવાનો દાવો કરે છે. જ્યારે કેટલાક હાસ્ય કલાકારોએ આ દાવાઓની મજાક ઉડાવતા વ્યંગાત્મક વીડિયો પણ બનાવ્યા છે.

લેખક જુલિયન બોનોમ કહે છે કે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા અફવાઓને પહેલાં કરતાં ઘણી વધુ ઝડપથી ફેલાવે છે. તેઓ અફવાઓને ઘણા બધા લોકો સુધી પહોંચાડી દે છે. એક વાર અફવાઓ ફેલાવા લાગે પછી તેને નિયંત્રિત કરવી પણ વધુ મુશ્કેલ બની જાય છે.

તેમના પુસ્તક ‘ધ સેક્સ થીવ્ઝ: ધ ઍન્થ્રોપોલોજી ઑફ અ રૂમર’માં તેમણે જનનાંગ ચોરી સાથે જોડાયેલી અફવાઓ કેવી રીતે ફેલાઈ અને લોકો તેના પર વિશ્વાસ કેમ કરે છે તેની તપાસ કરી છે.

તેમનું કહેવું છે કે લોકો માત્ર કોઈ વ્યક્તિનાં જનનાંગ અદૃશ્ય થઈ ગયાં હોવાની વાત જ નથી સાંભળતા. કેટલાક લોકો પોતાની સાથે આવું બન્યું હોવાનું પણ કહે છે, કે પછી લોકો આવા આરોપો સામે ટોળાની પ્રતિક્રિયા પણ જુએ છે.

તેઓ કહે છે કે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અપ્રમાણિત દાવાઓને વધુ વિશ્વસનીય બનાવી શકે છે. તેનું કારણ એ છે કે લોકો ઘટનાઓને તરત જોઈ લે છે.

તેમના મતે, આજના ડિજિટલ વાતાવરણને કારણે આવી અફવાઓ અગાઉ કરતાં અલગ રીતે ફેલાય છે. આ બંને સમયગાળા વચ્ચેનો આ એક સૌથી મોટો તફાવત છે.

મોઝામ્બિક સૌથી વધુ અસરગ્રસ્ત

સૌથી વધુ અસરગ્રસ્ત દેશ મોઝામ્બિક રહ્યો છે. ત્યાં પોલીસે મે મહિનામાં જણાવ્યું હતું કે છ અઠવાડિયાંમાં 55 લોકોનાં મોત થયાં હતાં.

આમાં એક પોલીસ અધિકારી, આરોગ્યકર્મી અને સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ડેનિયલ ચાપોએ આ વ્યાપક અફવાઓ અને મોતની જાહેરમાં નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દાવાઓ ખોટા છે. સરકારને એવો કોઈ તબીબી પુરાવો મળ્યો નથી, જેનાથી સાબિત થાય કે કોઈ વ્યક્તિના શરીરનો કોઈ ભાગ અદૃશ્ય થયો છે.

બે આરોગ્યકર્મીઓ પર એપ્રિલમાં તેમના ઘર અને કાર્યસ્થળે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના કાબો ડેલગાડો પ્રાંતમાં બની હતી.

આ વિસ્તાર તાન્ઝાનિયાની સરહદને અડીને આવેલો છે અને લગભગ એક દાયકાથી ઇસ્લામિક બળવાખોરીથી અસરગ્રસ્ત રહ્યો છે.

હુમલાગ્રસ્ત વિસ્તારોનાં આરોગ્ય કેન્દ્રો કેટલાંક અઠવાડિયાં સુધી બંધ રાખવા પડ્યાં હતાં. આ દરમિયાન અધિકારીઓએ આ દાવાઓનો જવાબ આપવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

આરોગ્ય અભિયાન હેઠળ સરકારે કહ્યું હતું કે કેટલીક આશંકાઓ કોરો સિન્ડ્રોમ સાથે જોડાયેલી હોઈ શકે છે.

આ એક માનસિક બીમારી છે, જેને જનનાંગ અદૃશ્ય થવા અથવા સંકોચાવા સાથે જોડાયેલા હિસ્ટીરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિંસાની સૌથી તાજેતરની ઘટનાઓ કેન્યામાં બની છે. ત્યાં ક્વાલે અને મોમ્બાસાના દરિયાકાંઠાના કાઉન્ટી વિસ્તારોમાં ટોળાએ પાંચ લોકોની હત્યા કરી છે.

જુલાઈમાં આવી ઘટનાઓના પ્રથમ સમાચાર બહાર આવ્યા પછી, મોમ્બાસા કાઉન્ટીના કમિશનર મોહમ્મદ નૂરે આ માટે કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સને જવાબદાર ઠેરવ્યા હતા.

તેમણે કહ્યું કે આ લોકો માત્ર વધુ વ્યૂઝ અને ધ્યાન આકર્ષિત કરવા માટે આવા દાવા ફેલાવી રહ્યા છે.

નૂરે બીબીસીને કહ્યું, “આ પ્રકારની ખોટી માહિતી સરળતાથી લોકોના જીવ લઈ શકે છે.”

તેમણે કહ્યું કે ત્યાર પછી પોલીસે હિંસાને કાબૂમાં લઈ લીધી અને ઘણા લોકોની ધરપકડ કરી.

આમાં એક પિતા અને તેમનો પુત્ર પણ સામેલ હતા. બંનેએ એક મહિલા પર હુમલો કર્યો હોવાનો ગુનો કબૂલ કર્યો હતો.

તેમનો આરોપ હતો કે તે પુરુષોનાં જનનાંગ અદૃશ્ય કરી દેતી હતી. ત્યાર પછી બંનેને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આવા જ દાવાઓએ માલાવીમાં પણ ટોળાના હુમલાઓને વેગ આપ્યો હતો. ત્યાં આઠ લોકોનાં મોત થયાં હતાં.

પડોશી દેશ તાન્ઝાનિયાના ટુંડુમામાં મિકૅનિક મ્ગાલા હજી પણ એ હુમલાની અસરમાંથી બહાર આવી રહ્યા છે. પરંતુ હુમલાની માનસિક પીડા હજી પણ તાજી છે.

તેઓ કહે છે, “હું પાછળ ફરીને જોઉં છું ત્યારે આજે પણ મને ખૂબ દુઃખ થાય છે. મારા મિત્રનું જે રીતે કોઈ કારણ વિના મૃત્યુ થયું, એ યાદ કરીને હું દુઃખી થઈ જાઉં છું. કારણ કે આજ સુધી મને ખબર નથી કે આખરે થઈ શું રહ્યું હતું.”

તેઓ કહે છે, “અચાનક કોઈ કારણ વિના લોકો તમારા પર પથ્થરો ફેંકવા લાગે. અને પછી તમારો જીવ જતો રહે?”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS