Home તાજા સમાચાર gujrati જીવનસાથીની શોધમાં 4,000 કિમીની મુસાફરી, ત્રણ આફ્રિકન જંગલી કૂતરાંએ બનાવ્યો નવો રેકૉર્ડ

જીવનસાથીની શોધમાં 4,000 કિમીની મુસાફરી, ત્રણ આફ્રિકન જંગલી કૂતરાંએ બનાવ્યો નવો રેકૉર્ડ

5
0

Source : BBC NEWS

આફ્રિકન જંગલી કૂતરાં અસાધારણ લાંબા અંતરના પ્રવાસી મનાય છે

ઇમેજ સ્રોત, Getty Images

આફ્રિકન વાઇલ્ડ ડૉગ્સના એક સમૂહે ઝાંબિયામાં 2,485 માઇલ (4,000 કિલોમીટર)ની રેકૉર્ડબ્રૅક મુસાફરી પૂર્ણ કરી છે.

વૈજ્ઞાનિકો મુજબ જીવનસાથીની શોધમાં નીકળેલા કોઈ પણ આફ્રિકન સ્થળચર સસ્તન પ્રાણી દ્વારા નોંધાયેલું આ સૌથી લાંબું અંતર છે. માનવીય દબાણ સતત વધી રહ્યું હોવા છતાં વન્ય જીવો હજુ પણ અત્યંત લાંબા અંતરની મુસાફરી કરી શકે છે, તે માટે આ ઘટના આશાજનક માનવામાં આવે છે.

આ ત્રણ જંગલી કૂતરાં ભાઈ છે અને તેમણે ઝાંબિયામાં ઘનઘોર રસ્તામાં મુસાફરી કરી હતી. તેમણે માનવીય પ્રવૃત્તિઓથી સતત બદલાઈ રહેલા ભૂદૃશ્યમાં માર્ગ શોધ્યો હતો અને મોટાં શહેરો સહિતના અનેક અવરોધોથી પોતાને બચાવ્યા હતા.

જોકે, આ અભ્યાસ દરમિયાન જીપીએસ કૉલરથી ટ્રેક કરાયેલા અન્ય કેટલાંક જંગલી કૂતરાં ગેરકાયદે જંજાળમાં ફસાઈને મૃત્યુ પામ્યા હતા, જે તેમના સામે રહેલા જોખમોને ઉજાગર કરે છે.

ત્રણ બહેનો (કૂતરી) પણ લગભગ એટલી જ લાંબી અને અસાધારણ મુસાફરી પૂર્ણ કરવા નજીક પહોંચી ગઈ હતી, પરંતુ એક બહેન ફસાઈ જતાં તેમની સફર અટકી ગઈ હતી.

આફ્રિકન વાઇલ્ડ ડૉગ્સ આફ્રિકાના સૌથી દુર્લભ શિકારી પ્રાણીઓમાં સામેલ છે અને જંગલોમાં હવે તેમની સંખ્યા માત્ર આસપાસ 6,000 જેટલી જ બચી છે.

તે અત્યંત સામાજિક સમૂહોમાં રહે છે, એકસાથે શિકાર કરે છે અને નવા વિસ્તાર તથા અન્ય સમૂહો સાથે પ્રજનનની તક શોધવા માટે લાંબા અંતરની મુસાફરી માટે જાણીતાં છે.

તે પોતાના જ સમૂહમાં પ્રજનન કરી શકતા નથી. તેથી તે કાં તો રાહ જુએ છે અને ક્યારેક પોતાનો મૂળ સમૂહ વારસામાં મેળવે છે અથવા બે કે ત્રણ વર્ષની ઉંમરે જીવનસાથીની શોધમાં નીકળી પડે છે.

કૂતરાંએ આટલી મોટી મુસાફરી કેમ ખેડી?

માનવ જીવન ફેલાઈ રહ્યું છે અને તેમના ફરવાનાં મેદાનો પણ ઘટી રહ્યાં છે

ઇમેજ સ્રોત, Education Images/Universal Images Group/Getty Images

આ ત્રણ ભાઈઓએ આઠ મહિનાના સમયગાળા દરમિયાન સીધી રેખામાં આશરે 260 માઇલનું અંતર કાપ્યું હતું, પરંતુ વિખરાયેલા ભૂદૃશ્યમાં માર્ગ શોધતાં તેમણે કુલ મળીને તેના કરતાં લગભગ દસ ગણું વધુ અંતર પાર કર્યું હતું.

આ પ્રકારની મુસાફરીને ‘ડિસ્પર્સલ’ કહેવામાં આવે છે, જેમાં પ્રાણી જીવનસાથીની શોધમાં એક જ દિશામાં આગળ વધે છે. આ વર્તન સ્થળાંતર (માઇગ્રેશન)થી અલગ છે, કારણ કે સ્થળાંતરમાં પ્રાણીઓ ખોરાક અથવા નિવાસસ્થાનની શોધમાં ઋતુઓ પ્રમાણે અવરજવર કરતા રહે છે.

સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શન ઑન માઇગ્રેટરી સ્પીશીઝ અનુસાર, આફ્રિકામાં સૌથી લાંબા સ્થળાંતરોમાંનું એક વાઇલ્ડબિસ્ટનું છે, જે ચારો અને પાણીની શોધમાં તાન્ઝાનિયા અને કેન્યા વચ્ચે ઋતુગત રીતે 400 માઇલથી વધુ પ્રવાસ કરે છે.

વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો કેરિબૂ કોઈ પણ પ્રાણીનું સૌથી લાંબું જમીની સ્થળાંતર કરે છે અને એક આવન-જાવનની મુસાફરીમાં આશરે 839 માઇલનું અંતર કાપે છે. જ્યારે ગ્રે વુલ્ફ એક વર્ષમાં 4,350 માઇલથી વધુ અંતર કાપતા નોંધાયા છે.

આ મુસાફરીમાં માત્ર લાંબું અંતર જ નોંધપાત્ર નહોતું, પરંતુ જંગલી કૂતરાંએ ઝાંબિયામાં પસંદ કરેલો માર્ગ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ હતો.

તેઓ એક વન્ય જીવ વિસ્તારથી બીજા વિસ્તારમાં ગયા હતા અને રાજધાની લુસાકા તેમજ ભારે ઔદ્યોગિક વિકાસ ધરાવતા વિસ્તારો જેવા મોટા માનવીય અવરોધોને ટાળ્યા હતા.

આ તારણો સૂચવે છે કે પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં જંગલી કૂતરાંની વસતી કદાચ સંરક્ષણવાદીઓ અગાઉ માનતા હતા તેના કરતાં વધુ પ્રમાણમાં એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે છે.

આફ્રિકન વાઇલ્ડ ડૉગ્સ આફ્રિકાના સૌથી દુર્લભ શિકારી પ્રાણીઓમાં સામેલ છે અને જંગલોમાં હવે તેમની સંખ્યા માત્ર આસપાસ 6,000 જેટલી જ બચી છે.

ઇમેજ સ્રોત, Jacopo Raule/Getty Images

અભ્યાસના મુખ્ય લેખક અને મોન્ટાના સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર સ્કૉટ ક્રિલ 1991થી આફ્રિકન વાઇલ્ડ ડૉગ્સનો અભ્યાસ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું કે આ સંશોધન સાવચેતીભર્યો આશાવાદ પ્રદાન કરે છે.

તેમણે કહ્યું, “એવું માનવું વાજબી છે કે પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં આવેલાં મોટાં ભાગનાં જંગલી કૂતરાંનાં સમૂહો, જે વાડથી ઘેરાયેલા નથી, તે સંભવતઃ એકબીજા સાથે જોડાયેલાં છે.”

પરંતુ તેમણે એ પણ જણાવ્યું કે સંરક્ષણના ક્ષેત્રમાં સ્થિતિ એવી છે કે “ગ્લાસ અડધો ખાલી પણ છે અને અડધો ભરેલો પણ છે.”

તેમણે ખાસ કરીને ગેરકાયદે જાળના ખતરાનો ઉલ્લેખ કર્યો હતો.

જ્યારે ત્રણ નર જંગલી કૂતરાંએ પોતાની અસાધારણ સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, ત્યારે ત્રણમાંથી બે માદા જંગલી કૂતરાં મૃત્યુ પામ્યાં હતાં.

સંશોધકોએ એક પૅટર્ન પણ જોઈ હતી, જેમાં બચી ગયેલા સમૂહના સભ્યો વારંવાર એક જ સ્થળે પાછા ફરતા હતા. સામાન્ય રીતે આ પ્રકારનું વર્તન તેમના સાથીના મૃત્યુનો સંકેત માનવામાં આવે છે.

‘ઇકૉલૉજી’ જર્નલમાં પ્રકાશિત આ સંશોધન સંરક્ષિત વિસ્તારોની બહાર કુદરતી ભૂમિના એવા પટ્ટા વિકસાવવા માટે કરવામાં આવતી માગને વધુ મજબૂત બનાવે છે, જે રસ્તાઓ, નગરો અથવા ખેતીની જમીનને કારણે વિભાજિત થઈ ગયેલા વન્ય જીવ વિસ્તારોને ફરીથી જોડે.

અભ્યાસના સહ-લેખક અને પર્યાવરણ સંસ્થા ધ નેચર કન્ઝર્વન્સીના કાફુએ કન્ઝર્વેશન ડાયરેક્ટર બ્રુસ ઍલેન્ડરે જણાવ્યું કે જંગલી કૂતરાં અને હાથી જેવા વિશાળ વિસ્તારમાં વિચરણ કરતાં પ્રાણીઓને ભવિષ્યમાં ટકી રહેવા માટે એકબીજા સાથે જોડાયેલા ભૂદૃશ્યોની જરૂર છે.

તેમણે કહ્યું, “અમે સંરક્ષિત વિસ્તારોને અલગ-અલગ ટાપુઓ તરીકે જોઈ શકતા નથી અને લાંબા ગાળે તેઓ અસરકારક રીતે કાર્ય કરશે એવી અપેક્ષા રાખી શકતા નથી. તેના કરતાં ઘણું વ્યાપક વિચારવાની જરૂર છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS