Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
એવું નહોતું કે મુઘલો બંગાળમાં એક જ વાર સૈન્ય લઈને આવ્યા અને આખો પ્રદેશ જીતી લીધો.
રિચર્ડ ઇટન પોતાના પુસ્તક ‘ધ રાઇઝ ઑફ ઇસ્લામ ઍન્ડ ધ બંગાલ ફ્રન્ટિયર, 1204–1760’માં લખે છે કે 25 સપ્ટેમ્બર, 1574ના રોજ તે સમયની આ ઐતિહાસિક પ્રદેશની રાજધાની ટાંડામાં શાહી સૈન્યનું પ્રવેશવું નિર્ણાયક સાબિત થયું હશે એવું લાગે છે.
પરંતુ આજના બાંગ્લાદેશ ઉપરાંત ભારતનાં પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશાના વિસ્તારોને આવરી લેતા આ પ્રદેશ પર કબજો મેળવવામાં મુઘલોને ચાર શાસકોના શાસનકાળનાં થઈને 75 વર્ષ (1537થી 1612) લાગ્યાં.
આ સમયગાળાના મધ્યકાળને ‘અફઘાનકાળ’ કહેવામાં આવે છે. તેનું કારણ એ હતું કે ઉત્તર ભારતમાંથી આવેલા અફઘાન વંશના શાસકો અહીંના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારો પર પોતાનો અંકુશ જાળવી રાખતા હતા.
1526માં મધ્ય એશિયામાંથી આવેલા ઝહીર-ઉદ્દીન મુહમ્મદ બાબરે ભારતમાં અફઘાન લોદી વંશના છેલ્લા શાસકને હરાવીને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછી હજારો અફઘાનો બિહાર અને બંગાળમાં આવ્યા અને લડાયક સરદારો તરીકે અહીં સ્થાયી થયા.
ઇક્તિદાર હુસેન સિદ્દીકી પોતાના પુસ્તક ‘મુઘલ રિલેશન્સ વિથ ધ ઇન્ડિયન રૂલિંગ ઍલિટ’માં લખે છે કે બંગાળના સુલતાન નસીરુદ્દીન નસરતશાહે (1519–1532) બિહારમાં અફઘાન પ્રભાવને પ્રોત્સાહન આપ્યું હતું. બંગાળ અને મુઘલ સામ્રાજ્ય વચ્ચે તે એક સુરક્ષાકવચ બની રહે એવી તેમની ગણતરી હતી.
પરંતુ તેમના અનુગામી મહમૂદશાહે (1532–1538) 1533માં બિહારમાં પોતાના એક બળવાખોર ગવર્નર સામે સૈન્ય મોકલ્યું. આ ગવર્નર અફઘાન સરદાર શેરખાન સૂર (સૂરી)નો સાથી હતો.
જવાબમાં શેરખાને 1535માં બંગાળની રાજધાની ગૌર પર કબજો કરી લીધો અને મહમૂદશાહને રાજમહલની પશ્ચિમે આવેલો આખો પ્રદેશ પોતાના હવાલે કરવા તેમજ દર વર્ષે 9 લાખ ટાકાનો કર ચૂકવવા ફરજ પાડી.
બે વર્ષ પછી મહમૂદશાહે ખંડણી આપવાનો ઇન્કાર કર્યો અને શેરખાનના તહેસીલદારની હત્યા થઈ. આ પછી શેરખાને, જે હવે શેરશાહ તરીકે ઓળખાતો હતો, ફરી બંગાળ પર આક્રમણ કર્યું અને મહમૂદશાહનું શાસન ખતમ કરી નાખ્યું.
ઇમેજ સ્રોત, Getty Images
અબુલ ફઝલ અલ્લામીના ‘અકબરનામા’ અનુસાર, 1538માં હુમાયૂં પૂર્વ ભારતમાં વધતા અફઘાન પ્રભાવને રોકવા મોટી સેના સાથે ગંગાના મેદાની પ્રદેશ તરફ ગયા હતા.
શેરશાહ બિહારના આંતરિક ભાગ તરફ ખસી ગયા અને બંગાળની રાજધાની પર સરળતાથી કબજો મેળવવાનો માર્ગ હુમાયૂં માટે મોકળો થયો. જોકે, બીજા જ વર્ષે દિલ્હીમાં બળવો થયાના સમાચાર મળતાં હુમાયૂં ચોમાસાના પૂરથી ઘેરાયેલા નદીના મુખ પાસેના નીચાણવાળા પ્રદેશમાંથી બહાર નીકળી ઉત્તર ભારત તરફ રવાના થયા. બંગાળનો વહીવટ તેમણે પોતાના અધિકારીઓને સોંપી દીધો.
શેરશાહે આ તક ઝડપી લીધી. 7 જૂન, 1539ના રોજ તેમણે પશ્ચિમ બિહારના ચૌસામાં હુમાયૂંને નિર્ણાયક રીતે હરાવ્યા અને મુઘલોને બંગાળ તથા દિલ્હી બંનેમાંથી હાંકી કાઢ્યા. હુમાયૂંને ભારત છોડવું પડ્યું. ત્યાર પછીનાં 16 વર્ષ સુધી બંગાળ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારો પર અફઘાનોનું શાસન રહ્યું.
1556માં હુમાયૂંએ શેરશાહના અનુગામીઓ પાસેથી દિલ્હી ફરી જીતી લીધું. એ પછી મોટી સંખ્યામાં અફઘાનો ફરી બંગાળમાં આવ્યા. ત્યાં શેરશાહના પરિવારના સભ્યોનું શાસન હતું. 1564 પછી અફઘાન સરદાર તાજ ખાન કરાણી (1564–1565)ના પરિવારનું શાસન સ્થપાયું.
અકબરની સત્તા સ્વીકારી હોવાનો બંગાળના શાસકોનો દેખાવ
1560ના દાયકામાં અકબરના નેતૃત્વ હેઠળ મુઘલ સામ્રાજ્ય ઉત્તર ભારતમાં ઝડપથી વિસ્તરવા લાગ્યું. અબુલ ફઝલના જણાવ્યા મુજબ, મુઘલોનો ખતરો પારખીને સુલતાન સુલેમાન કર્રાની (1565–1572)એ દેખીતી રીતે અકબરનું આધિપત્ય સ્વીકારી લીધું.
સુલેમાનના સિક્કાઓ પર અકબરનું નામ કોતરાવા લાગ્યું અને નમાઝ દરમિયાન અપાતા ખુતબામાં પણ અકબરનું નામ લેવાવા લાગ્યું. બીજી તરફ, વજીર લોદી ખાન મુઘલ દરબારને ભેટો અને મિજબાનીઓ આપીને ખુશ રાખવામાં વ્યસ્ત હતા.
પરંતુ સુલેમાને ગુપ્ત રીતે અફઘાન સૈન્યની તાકાત વધારવાનું ચાલુ રાખ્યું. તેમણે મોટો ખજાનો એકઠો કર્યો અને હાથીઓ પણ મેળવ્યા. 1568માં તેમણે ઓડિશા પર આક્રમણ કર્યું. ત્યાં ઉત્તર ભારતનું છેલ્લું સ્વતંત્ર હિંદુ રાજ્ય હતું. નેમતુલ્લાહના ‘તારીખ’ (ઇતિહાસ) અનુસાર, સુલેમાને પુરીના જગન્નાથ મંદિરને પણ લૂંટ્યું.
આ પગલું ઉપરથી જોતાં ધાર્મિક પરંપરાથી વિરુદ્ધનું લાગતું હતું, પરંતુ તેની પાછળનાં મુખ્ય કારણો રાજકીય હતાં. ઓડિશાના રાજા મુકુંદ દેવે અકબર સાથે જોડાણ કર્યું હતું અને સુલેમાનના ગાદીના દાવેદાર ઇબ્રાહીમ સૂરને આશ્રય આપ્યો હતો.
ઑક્ટોબર 1572માં સુલેમાનના મૃત્યુ પછી તરત જ તેમના પરિવારમાં સત્તા માટે લોહિયાળ આંતરિક સંઘર્ષ શરૂ થયો.
તેમના પુત્ર દાઉદે પોતાના નામે સિક્કા બહાર પાડીને અને ખુતબામાં પોતાનું નામ લેવડાવીને સ્વતંત્રતા જાહેર કરી. આથી અકબરને બંગાળ પર આક્રમણ કરવાની તક મળી.
1574માં અકબર પોતે મોટી સેના સાથે પટણા પહોંચ્યા. અફઘાનોને હરાવ્યા પછી તેમણે બંગાળ પરના આક્રમણની જવાબદારી મુનમ ખાનને સોંપી.
લગભગ 20,000 સૈનિકોની સેના સાથે મુનમ ખાન ગંગા કિનારે આગળ વધ્યા. અફઘાન સૈન્ય પીછેહઠ કરતું ગયું અને મુનઅમ ખાન ટાંડા સુધી પહોંચી ગયા. અંતે અફઘાનોએ કોઈ પ્રતિકાર કર્યા વિના રાજધાની મુઘલોને સોંપી દીધી.
બંગાળમાં મુઘલ શાસનનો શરૂઆતનો અનુભવ, 1574–1610
પરંતુ રાજધાની પર કબજો કરવો અને સમગ્ર પ્રદેશ પર સત્તા જમાવવી એ બે અલગ બાબતો હતી.
મુનઅમ ખાન અને અકબરના નાણામંત્રી રાજા ટોડરમલ ટાંડામાં નવા જીતેલા પ્રાંતની નાણાકીય વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા ત્યારે હજારો અફઘાનો ગાઢ જંગલોમાં સંતાઈ ગયા.
આગામી ચાર દાયકા સુધી અફઘાનો મુઘલો સામે લડતા રહ્યા. તેમાં મુસ્લિમ અને હિંદુ જમીનદારો, પોર્ટુગીઝ બળવાખોરો અને આદિવાસી સરદારો પણ જોડાયા હતા. તેમાંના ઘણા ઉત્તર ભારતમાંથી આવેલા મુઘલોને બહારના અને ઘૂસણખોર તરીકે જોતા હતા.
અબુલ ફઝલ 1574 પછી ચાલેલા આ લાંબા સંઘર્ષને બંગાળમાંથી ‘વિરોધનાં કાંટા દૂર કરવાનો’ પ્રયાસ ગણાવે છે.
મુઘલ સૈન્ય અફઘાનોનો પીછો કરતાં ઘોડાઘાટ, સાતગાંવ, સોનારગાંવ અને ફતેહાબાદ સુધી પહોંચ્યું. 3 માર્ચ, 1575ના રોજ દક્ષિણ મિદનાપુરમાં તુકારોઈના યુદ્ધમાં ટોડરમલ અને મુનમ ખાને સુલતાન દાઉદ ખાનને નિર્ણાયક રીતે હરાવ્યા.
ઈટન લખે છે કે, મુઘલોએ માર્યા ગયેલા દુશ્મનોની ખોપરીઓના આઠ મિનારા પણ બનાવ્યા હતા, જેથી લોકોમાં ભય ફેલાય. જોકે, યુદ્ધમાં આટલી ક્રૂરતા સામાન્ય નહોતી.
રિચર્ડ ઈટનના જણાવ્યા મુજબ, બંગાળનાં ગાઢ જંગલોમાં મુઘલ ઘોડેસવાર સૈન્ય બહુ અસરકારક સાબિત થતું નહોતું. તેથી વિરોધીઓને કાબૂમાં લેવા માટે મુઘલો લાંચ, સમજાવટ, રાજદ્વારી પ્રયાસો, પોતાની તાકાતનું પ્રદર્શન અને એકબીજા સામેના મતભેદોનો લાભ લેવા જેવી રીતો અપનાવતા હતા.
આ રીત અકબરના રાજાશાહી અંગેના વિચાર સાથે પણ બંધબેસતી હતી. તેનો હેતુ વિરોધીઓને ખતમ કરી નાખવાનો નહીં, પરંતુ તેમને વિજેતા રાજાની સર્વોચ્ચ સત્તા સ્વીકારવા માટે તૈયાર કરવાનો હતો.
આથી 12 એપ્રિલ, 1575ના રોજ મુઘલ છાવણીમાં યોજાયેલા ‘સમાધાનના ભોજન’ દરમિયાન દાઉદ ખાને ઔપચારિક રીતે મુઘલ શાસન સ્વીકાર્યું. તેમણે પોતાની તલવાર કાઢીને બાજુ પર મૂકી. ત્યાર પછી મુનઅમ ખાને તેમને મુઘલ તલવાર, ભરતકામ કરેલો કમરબંધ અને રાજવી પોશાક આપ્યાં.
દાઉદે મુઘલ પોશાક પહેર્યો અને અકબરની રાજધાની ફતેહપુર સિકરી તરફ મોં કરીને ઔપચારિક રીતે નમન કર્યું.
આ સાથે અફઘાન સુલતાનનું સ્વતંત્ર શાસન સમાપ્ત થયું અને બંગાળ મુઘલ બાદશાહની સર્વોચ્ચ સત્તા હેઠળ આવ્યું.
પરંતુ નવા પ્રાંતને મુઘલ સામ્રાજ્યમાં સીધો ભેળવવામાં હજી અનેક મુશ્કેલી હતી.
તુકારોઈની જીત પછી મુનઅમ ખાન ઉત્તર બંગાળમાં પાછા ફર્યા ત્યારે તેમણે ટાંડાથી વહીવટી મથકને બદલીને પ્રાચીન શહેર ગૌરમાં કર્યું. 1565માં સુલેમાન કર્રાનીના શાસનકાળથી ટાંડા બંગાળની રાજધાની હતું. આ નિર્ણય ભારે નુકસાનકારક સાબિત થયો. ગંગાનો મુખ્ય પ્રવાહ બદલાઈ જવાથી નદીની ઝડપથી વહેતી ધારાઓ હવે સ્થિર પાણીમાં ફેરવાઈ ગઈ હતી અને ચેપી રોગોના ફેલાવાનું સ્થળ બની ગઈ હતી.
એપ્રિલ 1575 પછીના મહિનાઓમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. તેમાં મુઘલોના હજારો અધિકારીઓ અને સૈનિકો ઉપરાંત અસંખ્ય સામાન્ય લોકો પણ મૃત્યુ પામ્યા.
અબુલ ફઝલના શબ્દોમાં, ‘મોતના ભયે સૌને ઘેરી લીધા હતા.’
અકબરના લશ્કરી વહીવટમાં એક મોટો બળવો
ઇમેજ સ્રોત, Getty Images
રફીઉદ્દીન અહમદ ‘બંગાલ મુસ્લિમ્સ, 1871–1906: અ ક્વેસ્ટ ફૉર આઇડેન્ટિટી’માં લખે છે કે, આ વિનાશને કારણે મુઘલ અધિકારીઓમાં એવી માન્યતા વધુ મજબૂત થઈ કે બંગાળ એક પરદેશી અને પ્રતિકૂળ પ્રદેશ છે, જ્યાં થોડા સમય માટે ફરજ બજાવી શકાય, પરંતુ કાયમી વસવાટ કરવો યોગ્ય નથી.
ઑક્ટોબર 1575માં મુનઅમ ખાનના મૃત્યુ પછી મુઘલ અધિકારીઓ વચ્ચેના આંતરિક સંઘર્ષનો લાભ લઈને દાઉદ ખાન ફરી અકબરની સત્તાથી અલગ થઈ ગયા. તેમણે વિખેરાઈ ગયેલી પોતાની અફઘાન સેનાને ફરી એકઠી કરીને બંગાળમાંથી મુઘલોને હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો.
અકબરે જાણીતા મુઘલ સેનાપતિ ખાન જહાનને બંગાળનો ગવર્નર બનાવ્યા. અનુભવી રાજા ટોડરમલ સાથે તેઓ નવેમ્બરમાં ફરી સ્થાપિત કરવામાં આવેલી રાજધાની ટાંડા પહોંચ્યા.
આગામી વર્ષના જુલાઈમાં મધ્ય બંગાળમાં પદ્મા નદીના કિનારે દાઉદ ખાનની સેના સાથે નિર્ણાયક યુદ્ધ થયું. અફઘાનો હારી ગયા અને તેમના એક મુખ્ય સેનાપતિ માર્યા ગયા. દાઉદ ખાનનો ઘોડો વરસાદી કાદવમાં ફસાઈ જતાં તેમને જીવતા પકડી લેવામાં આવ્યા.
આ વખતે મુઘલોએ કોઈ છૂટ આપી નહીં. ખાન જહાનના આદેશથી દાઉદ ખાનનું માથું કાપી નાખવામાં આવ્યું. તેમના મૃતદેહને ટાંડામાં ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યો અને તેમનું માથું યુદ્ધમાં મળેલી જીતના પ્રતીક તરીકે અકબરના દરબારમાં મોકલવામાં આવ્યું.
રાજમહાલના યુદ્ધમાં દાઉદ ખાનની અંતિમ હાર પછી અકબરે બંગાળને સામ્રાજ્યના 12 મોટા પ્રાંતોમાં સામેલ કર્યું. આ પ્રાંતોને સુબા કહેવામાં આવતા હતા.
હવે બંગાળ પર મુઘલ શાસન પહેલાં કરતાં વધુ મજબૂત રીતે સ્થપાઈ ગયું હોય એમ લાગતું હતું, પરંતુ એ જ સમયે અકબરના લશ્કરી વહીવટમાં એક મોટો બળવો ફાટી નીકળ્યો.
આંતરિક સંકટોને કારણે બંગાળનો ડેલ્ટા લગભગ બે વર્ષ સુધી મુઘલોના સીધા અંકુશની બહાર રહ્યો. 1582–83માં અકબરે ભારે લશ્કરી તાકાતથી બળવાને કચડી નાખ્યો. ત્યાર પછી મુઘલોએ સ્થાનિક વિરોધીઓ સામે ફરી કાર્યવાહી શરૂ કરી. હવે વિરોધનું કેન્દ્ર ઉત્તર-પશ્ચિમ બંગાળમાંથી ખસીને પૂર્વના વિશાળ ડેલ્ટા વિસ્તારમાં પહોંચ્યું. મુઘલો આ વિસ્તારને ભાટી કહેતા હતા.
અહીં બંગાળી મુસ્લિમ સરદાર ઈસા ખાનના નેતૃત્વ હેઠળ વિરોધ શરૂ થયો. તેનું મુખ્ય મથક પ્રાચીન શહેર સોનારગાંવ નજીક કતરાબુમાં હતું.
બાબા ખાન કાકશાલ અને માસૂમ ખાન કાબુલી જેવા અફઘાન સરદારોએ ટાંડાના સરકારી કિલ્લા પર કબજો કર્યો, મુઘલ ગવર્નરની હત્યા કરી અને પોતાનું શાસન સ્થાપ્યું.
ડેલ્ટાના કેટલાક હિંદુ જમીનદાર અને બિહારના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા. માસૂમ ખાન કાબુલી ત્યાર પછી લગભગ બે દાયકા સુધી મુઘલો સામે લડતા રહ્યા.
ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર 1584માં ઈસા ખાને નૌકા યુદ્ધમાં મુઘલ ગવર્નરને હરાવ્યા. ત્યાર પછી લગભગ 15 વર્ષ સુધી તેઓ પૂર્વ બંગાળના ડેલ્ટા વિસ્તારમાં પોતાની રીતે શાસન કરતા રહ્યા. જોકે, સગવડ પૂરતી તેમણે અકબરની નામમાત્રની સર્વોચ્ચ સત્તા સ્વીકારી હતી.
1586માં અંગ્રેજ વેપારી રાલ્ફ ફિચે પણ લખ્યું હતું કે પૂર્વ બંગાળના લોકો અકબર સામે બળવાખોર હતા અને ત્યાંની અસંખ્ય નદીઓ તથા ટાપુઓને કારણે મુઘલ ઘોડેસવાર સૈન્ય તેમને કાબૂમાં રાખી શકતું નહોતું.
ફિચે ઈસા ખાનને આ પ્રદેશનો સૌથી શક્તિશાળી શાસક અને બીજા શાસકોનો વડો ગણાવ્યો હતો. પછીના યુરોપિયન લખાણોમાં આ સ્થાનિક સરદારોને ‘બારા ભુઇયાં’ તરીકે ઓળખવામાં આવ્યા.
મુઘલોએ ધીમે ધીમે આ સરદારોની પરંપરાગત નૌકા યુદ્ધની પદ્ધતિનો સામનો કરવાની રીતો શીખી. ફેબ્રુઆરી 1586માં તેઓ જંગલો અને નદીના વિસ્તારોમાંથી આગળ વધીને ચિત્તાગોંગ પહોંચ્યા. ત્યાં આરાકાનના શાસકે તેમને હાથીઓની ભેટ આપી.
ઈસા ખાને પણ થોડા સમય માટે સમાધાન કર્યું, પરંતુ મુઘલો પૂર્વ બંગાળમાં કાયમી વહીવટી સત્તા સ્થાપી શક્યા નહીં. 1594 સુધીમાં મુઘલોએ ઈસા ખાનને ભાટીનો એવો જમીનદાર માનવો પડ્યો, જે મુઘલોને ખંડણી ચૂકવતો હતો.
આ સ્થિતિને કાબૂમાં લેવા માટે અકબરે 1594ની શરૂઆતમાં રાજા માનસિંહને બંગાળના ગવર્નર બનાવ્યા.
માનસિંહે ડેલ્ટાના ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા રાજમહાલને પ્રાંતની રાજધાની બનાવી. 1595ના અંતમાં તેઓ મોટી સેના સાથે ભાટી તરફ આગળ વધ્યા, પરંતુ કેદારરાય અને પટકુંવર નારાયણ જેવા પ્રભાવશાળી હિંદુ સરદારોએ મુઘલોની શરણમાં જવાને બદલે ઈસા ખાનનો આશ્રય લીધો.
ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ 1597માં ઈસા ખાને કાબુલીના માસૂમ ખાન સાથે મળીને પોતાના યુદ્ધજહાજોથી મુઘલ નૌકાદળને હરાવ્યું. આ યુદ્ધમાં રાજા માનસિંહના પુત્રો પણ માર્યા ગયા. જોકે, આ ઈસા ખાનની સત્તાનું શિખર હતું.
1599માં તેમના મૃત્યુ પછી વિરોધીઓ ધીમે ધીમે વિખેરાવા લાગ્યા. અફઘાન સાથીઓ તેમના પુત્ર દાઉદની આસપાસ એકઠા થયા, જ્યારે કેદાર રાયે અરાકાનના મુઘલ સાથીઓ સાથે જોડાણ કર્યું.
આ અવ્યવસ્થાનો લાભ લઈને માનસિંહે બાકી રહેલા વિરોધીઓ સામે પોતાની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી. 1602માં તેમણે ઢાકાને પોતાની લશ્કરી કામગીરીનું કેન્દ્ર બનાવ્યું.
સૌપ્રથમ દાઉદના અફઘાન સાથીઓ પીછેહઠ કરી ગયા. ત્યાર પછી 1603માં કેદારરાય અને અરાકાનના સૈનિકો પણ હારી ગયા. કેદારરાય માર્યા ગયા. મુઘલ સૈનિકો નીચલા ડેલ્ટા તરફ પાછા હટી ગયા અને શક્તિશાળી અફઘાન સરદાર ઉસ્માન ખાન મયમનસિંહનાં જંગલોમાં સંતાઈ ગયા.
દરમિયાન અરાકાનના સૈનિકોએ ઢાકાની આસપાસના વિસ્તારો પર હુમલા કર્યા. તેના જવાબમાં માનસિંહે 1604માં પોર્ટુગીઝોની મદદથી મુઘલ નૌકાદળ તૈયાર કર્યું અને અરાકાનના નૌકાદળના આક્રમણને રોકવામાં સફળ રહ્યા. 1609માં કૂચબિહાર અને 1612માં કામરૂપ પણ બંગાળ પ્રાંતમાં સામેલ કરવામાં આવ્યાં.
ડિસેમ્બર 1600ના ગોવાના જેસ્યુઇટ વાર્ષિક અહેવાલમાં પણ બારા ભુઇયાંનો ઉલ્લેખ છે. તેમાં તેમને અગાઉના બંગાળ સલ્તનતના શાસકો સાથે જોડાયેલા સરદારોના ગઠબંધન તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમાં કેદારરાય, રાજા પ્રતાપાદિત્ય અને સૌથી મહત્ત્વના ઈસા ખાનનો સમાવેશ થતો હતો.
ઇતિહાસકાર તપનરૉય ચૌધરીના જણાવ્યા મુજબ, બંગાળમાં મુઘલ શાસનનું ખરું એકીકરણ અને પ્રમાણમાં લાંબી શાંતિ 1594થી શરૂ થઈ હતી. જોકે, પૂર્વ બંગાળમાં વિરોધ સંપૂર્ણપણે ખતમ થવામાં ત્યાર પછી પણ ઘણાં વર્ષો લાગ્યાં.
મુઘલ સત્તાનું મજબૂતીકરણ, 1610–1704
અબુલ ફઝલના જણાવ્યા મુજબ, રાજા માનસિંહે ઢાકાને પોતાની રાજધાની બનાવી અને લશ્કરી ચોકીઓનો વહીવટ સક્ષમ અધિકારીઓને સોંપ્યો, પરંતુ તેઓ લાંબો સમય ત્યાં રહ્યા નહીં. 1605ની શરૂઆતમાં બીમાર અકબરને મળવા તેઓ આગ્રા ગયા. એ જ વર્ષે અકબરનું અવસાન થયું અને જહાંગીર ગાદીએ બેઠા.
જહાંગીરના શાસનકાળ (1605–1627) દરમિયાન બંગાળમાં મુઘલોની કાર્યવાહી બળવાખોરોનો પીછો કરવા પૂરતી સીમિત ન રહી. હવે બંગાળમાં કાયમી વહીવટી સત્તા સ્થાપવાનો તબક્કો શરૂ થયો.
શરૂઆતમાં પૂર્વ બંગાળમાં શક્તિશાળી અફઘાન સરદારો, ખાસ કરીને ઉસ્માન ખાન સામે મુઘલોની કાર્યવાહી બહુ સફળ રહી નહીં. તેથી મે, 1608માં જહાંગીરે પોતાના વિશ્વાસુ સેનાપતિ અલ્લાઉદ્દીન ઇસ્લામ ખાનને બંગાળના ગવર્નર બનાવ્યા. લગભગ 37 વર્ષના ઇસ્લામ ખાન બાદશાહના પાલક ભાઈ અને બાળપણના મિત્ર હતા.
ઇસ્લામ ખાને લશ્કરી તાકાતની સાથે સમાધાનની નીતિને પણ પોતાની વ્યૂહરચનાનો મહત્ત્વનો ભાગ બનાવી. તેમણે સ્થાનિક સરદારો, ખાસ કરીને બારા ભુઈયાં અને શક્તિશાળી જમીનદારોને વિશેષ અધિકારો, જાગીરો અને શાહી સન્માન આપીને મુઘલ શાસનમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો.
આ નીતિને કારણે ઘણા વિસ્તારોમાં તોપો અને બંદૂકોનો ઉપયોગ કર્યા વિના જ લોકોએ મુઘલ શાસન સ્વીકારી લીધું. 1610માં ઇસ્લામ ખાન ઢાકા પહોંચ્યા અને તેને પૂર્વ બંગાળમાં મુઘલ કામગીરીનું કેન્દ્ર બનાવ્યું.
ઇસ્લામ ખાનની સૌથી મહત્ત્વની સિદ્ધિ હતી ઈસા ખાનના પુત્ર અને ભાટી પ્રદેશના સૌથી શક્તિશાળી સરદાર મૂસા ખાનની શરણાગતિ મેળવવી. તેમની પાસે 700 યુદ્ધનૌકાઓ હતી, જેમાંની ઘણી તોપોથી સજ્જ હતી. તેમની સામે મુઘલોના નૌકાદળમાં 295 નૌકાઓ અને 12,000 નાવિકો હતા.
આખરે મૂસા ખાને મુઘલો સામે શરણાગતિ સ્વીકારી. ત્યાર પછી તેમણે ફરી બળવો કર્યો ત્યારે તેમને ઢાકામાં કેદ કરવામાં આવ્યા, પરંતુ 1613માં કાસિમ ખાન બંગાળના ગવર્નર બન્યા. ત્યાર પછી મૂસા ખાન મુઘલ લશ્કરી કાર્યવાહીમાં જોડાયા અને તેમને મુક્ત કરવામાં આવ્યા. ત્રિપુરા સામેની એક લશ્કરી કાર્યવાહીમાં તેમને 5,000 બંદૂકધારીઓ અને 50 હાથીઓની સેનાની કમાન સોંપવામાં આવી. પકડાયેલા રાજાને તેઓ પોતે ઢાકા લાવ્યા.
આ સમય દરમિયાન ઇસ્લામ ખાને પૂર્વ બંગાળમાં મુઘલ શાસન સામેનો અફઘાનોનો છેલ્લો મોટો વિરોધ પણ ખતમ કરી નાખ્યો. 1612માં સિલેટના પર્વતોમાં ઉસ્માન ખાન હારી ગયા અને માર્યા ગયા. આ સાથે અફઘાનોના અસરકારક વિરોધનો છેલ્લો મોટો પ્રયાસ પણ ખતમ થયો. 1613માં ઇસ્લામ ખાનના મૃત્યુ સુધીમાં લશ્કરી તાકાત અને રાજકીય સમાધાનના સંયોજનથી ડેલ્ટામાં મુઘલ સત્તા મજબૂત બની ગઈ હતી.
ઇબ્રાહીમ ખાનના ગવર્નરપદ દરમિયાન (1617–1624), મિર્ઝા નાથનનાં લખાણોમાં મૂસા ખાન અને ભાટી પ્રદેશના બીજા બારા ભુઈયાં સરદારો પૂર્વ બંગાળમાં મુઘલ લશ્કરી કાર્યવાહીમાં સક્રિય હોવાનું જોવા મળે છે.
આ દર્શાવે છે કે એક સમયે મુઘલ શાસનના વિરોધી રહેલા આ સરદારો હવે એ જ સામ્રાજ્યના લશ્કરી અને વહીવટી તંત્રનો ભાગ બની ગયા હતા.
‘ઢાકાની પસંદગી પણ આ નવા યુગનું પ્રતીક હતી’
ઇમેજ સ્રોત, Getty Images
પદ્મા-ગંગાની નદી પ્રણાલિ સાથે જોડાયેલું હોવાથી ઢાકા પશ્ચિમ અને પૂર્વ બંગાળ, ઉત્તર ભારત અને બંગાળની ખાડી વચ્ચેના વેપાર માટે અનુકૂળ સ્થળ હતું.
1610થી આગામી કેટલાક દાયકાઓ સુધી મુઘલોએ તેનો વહીવટી અને વ્યાપારી કેન્દ્ર તરીકે ઉપયોગ કર્યો. ધીમે ધીમે તેમણે પૂર્વીય ડેલ્ટાના વિશાળ જંગલ વિસ્તારને ખેતીલાયક જમીનમાં ફેરવ્યો.
આ જ સમયે પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ વેપારીઓ પણ દરિયાઈ માર્ગે બંગાળમાં પ્રવેશી રહ્યા હતા. આમ, એક સમયે પ્રમાણમાં અલગ એવું પૂર્વ બંગાળ એક તરફ મુઘલ રાજકીય વ્યવસ્થાનું અને બીજી તરફ વિસ્તરતી યુરોપિયન વ્યાપારી વ્યવસ્થાનો ભાગ બનતું ગયું.
આ તમામ રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ઢાકા હતું, જેને સત્તાવાર રીતે જહાંગીરનગર કહેવામાં આવતું હતું. 1610માં મુઘલ રાજધાની બન્યા પછી 17મી સદીમાં ઢાકા સત્તા, વેપાર અને પ્રભાવનું મોટું કેન્દ્ર બની ગયું.
1640માં ત્યાં આવેલા પોર્ટુગીઝ પાદરી ફ્રે સેબાસ્ટિયાઓ મૅનરિકે ઢાકાને ‘ગંગાનું વ્યાપારી કેન્દ્ર’ ગણાવ્યું હતું. તેમણે તેની વસ્તી 2 લાખથી વધુ હોવાનો અંદાજ આપ્યો હતો.
મૅનરિક શહેરની અપાર સંપત્તિથી પણ પ્રભાવિત થયા હતા.
તેમના વર્ણનમાં શ્રીમંત હિંદુ વેપારીઓ, ખાસ કરીને ક્ષત્રિય વેપારીઓનો ઉલ્લેખ મળે છે. ઉત્તર ભારતના આ વેપારીઓ, બૅન્કરો અને ધિરાણ આપનારા લોકો પાછળથી મારવાડી સમુદાય તરીકે વધુ જાણીતા બન્યા. મુઘલ સામ્રાજ્યના વિસ્તરણ સાથે તેમના વ્યાપાર અને નાણાકીય વ્યવહારનાં નેટવર્ક પણ બંગાળ સુધી વિસ્તર્યા.
મુઘલ વિજય અને વેપારી-બૅન્કરો
ઇમેજ સ્રોત, Getty Images
લશ્કરી તાકાતની સાથે નાણાકીય નેટવર્કે પણ બંગાળમાં મુઘલ શાસન સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જમીનમાંથી થતી આવકમાંથી લશ્કરી ખર્ચ ચલાવવાનો મુઘલ અધિકારીઓનો સિદ્ધાંત હતો. પરંતુ હકીકતમાં વધારાના પૈસાની જરૂર પડે ત્યારે તેઓ શાહુકારો પાસેથી ઉધાર લેતા હતા.
ઉદાહરણ તરીકે, 1621ની આસપાસ મિર્ઝા નાથને સૈનિકો અને લશ્કરી સામાનને ઉત્તર બંગાળ સુધી પહોંચાડવા માટે નૌકાઓ ખરીદવા અથવા ભાડે લેવા જહાંગીરનગરના ‘વેપારી રાજકુમારો’ પાસેથી 1 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ પહેલાં તેમણે કચ્છ પ્રદેશના મુઘલ લશ્કરી મથક ગુલ્લાહ ખાતે હિંદુ ધિરાણકર્તાઓ પાસેથી 30,000 રૂપિયા ઉધાર લીધા હતા.
આ ઉદાહરણો દર્શાવે છે કે મુઘલ સૈન્ય જ્યાં જ્યાં પહોંચ્યું, ત્યાં તેની સાથે વેપારી-બૅન્કરોનું નાણાકીય નેટવર્ક પણ દૂરના સરહદી વિસ્તારો સુધી વિસ્તર્યું હતું.
પૂર્વ બંગાળ ખાસ કરીને કાપડ અને વહાણ બનાવવાના ઉદ્યોગ માટે જાણીતું હતું. રેશમ, સુતરાઉ કાપડ, પોલાદ, શેરડી તથા અન્ય ખેતી અને ઔદ્યોગિક ચીજવસ્તુઓની વિદેશમાં નિકાસ થતી હતી.
1576થી 1717 સુધી બંગાળ પર મુઘલ બાદશાહ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ગવર્નરોનું શાસન રહ્યું. 1666માં મુઘલોએ આરાકાન પાસેથી ચિત્તાગોંગ કબજે કર્યું અને તેને મુઘલ બંગાળમાં સામેલ કરી લીધું. આ સાથે બંદર પર ફરી બંગાળનું શાસન સ્થાપાયું. ત્યાર પછી પૂર્વ સરહદના પહાડી વિસ્તારોના કેટલાક શાસકો સાથે ખંડણી અને સંધિઓ દ્વારા સંબંધો સ્થાપવામાં આવ્યા.
ઔરંગઝેબના શાસન દરમિયાન શાઇસ્તા ખાને પૂર્વ બંગાળમાં મુઘલ સત્તાને વધુ મજબૂત બનાવી. ત્યાર પછીના ગવર્નરોએ યુરોપિયન વેપારીઓને વેપારી મથકો સ્થાપવાની મંજૂરી આપી.
પરંતુ 18મી સદીની શરૂઆત સુધીમાં પ્રાંતના ગવર્નરોની સ્વાયત્તતા વધવા લાગી હતી. 1717માં મુર્શિદ કુલિ ખાનને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યા પછી રાજધાની ઢાકાથી મુર્શિદાબાદ ખસેડવામાં આવી. બંગાળમાં મુઘલોનું પ્રાંતીય શાસન સમાપ્ત થઈને નવાબી શાસન આવ્યું. આ વ્યવસ્થામાં બિહાર અને ઓડિશાનો પણ સમાવેશ થતો હતો.
18મી સદી સુધીમાં બંગાળ હકીકતમાં સ્વતંત્ર રાજ્ય બની ગયું હતું. જોકે, નવાબ મુઘલ બાદશાહની નામમાત્રની સર્વોચ્ચ સત્તા સ્વીકારતા રહ્યા.
1757ના પ્લાસીના યુદ્ધ અને 1764ના બક્સરના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સ્થાપિત થઈ. 1765માં શાહ આલમ બીજાએ કંપનીને બંગાળમાંથી મહેસૂલ વસૂલવાનો અધિકાર આપ્યો. 1793 સુધીમાં વહીવટ પણ કંપનીના હાથમાં આવી ગયો. આમ, બંગાળના નવાબ પાસે વાસ્તવિક સત્તા લગભગ રહી નહોતી અને તેઓ માત્ર નામના શાસક બની રહ્યા.
બંગાળ પર અસરકારક શાસન સ્થાપવામાં મુઘલોને લગભગ 75 વર્ષ લાગ્યાં, પરંતુ ત્યાર પછીના દોઢ સૈકામાં તેમની સત્તા ધીમે ધીમે તેમના હાથમાંથી સરકી ગઈ. આ સમગ્ર સફરમાં ઢાકા—અથવા જહાંગીરનગર—મુઘલ બંગાળના ઉદયનું સૌથી મોટું પ્રતીક બની રહ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




