Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઈરાન એમ બંને દેશોએ એ વાતનો સંકેત આપ્યો હતો કે તેઓ યુદ્ધમાં પરત ફરવા ઇચ્છતા નથી. આઠમી ઍપ્રિલે યુદ્ધવિરામનું એલાન થયું ત્યારથી યુદ્ધ અટકેલું હતું.
બંનેમાંથી કોઈ દેશોએ તેમની વચ્ચે સતત થઈ રહેલા સૈન્ય સંઘર્ષ તથા પાકિસ્તાન, કતાર અને અન્ય દેશોની મધ્યસ્થીમાં ચાલી રહેલી મંત્રણાઓને પણ સમાપ્ત કરી દેવાની વાત કરી નથી.
અમેરિકા પાસે હજુ પણ શક્તિશાળી નૌસેના અને વાયુસેના એટલી નજીક હાજર છે જ્યાંથી ઈરાન પર હુમલો કરવો શક્ય છે.
એવું પણ માની લેવામાં કંઈ ખોટું નથી કે ઈરાની શાસને પણ તેની સેનાને હાઈઍલર્ટ પર રાખી હશે.
અમેરિકા અને ઇઝરાયલે કરેલા હુમલાઓમાં તેને થયેલા નુકસાનમાંથી બેઠાં થવા, પોતાને પુનર્ગઠિત કરવા માટે આ યુદ્ધવિરામના સમયનો ઉપયોગ ઈરાન કરશે.
ખાડીદેશો અને તેની આસપાસના વિસ્તારોમાં સશસ્ત્ર તણાવની હાજરી એ બંને પક્ષો માટે હજુ પણ ખોટાં અનુમાનો કે ખોટી ધારણાઓનો સ્પષ્ટ ખતરો દર્શાવી રહ્યા છે.
અમેરિકા સતત એવું દેખાડવાની કોશિશ કરી રહ્યું છે કે તે હજુ ઈરાનથી નજીક જ છે અને તેને ભારે નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. આમ કરીને તે ઈરાન પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
બીજી તરફ ઈરાનીઓ પણ અમેરિકાને એ યાદ અપાવી રહ્યા છે કે તેમનો પ્રતિરોધનો દૃઢ સંકલ્પ એ ઓછો નથી થયો અને જો જરૂર પડશે તો તે અમેરિકાનાં ઠેકાણાં તથા આરબ દેશોમાં તેનાં ઠેકાણાં પર વ્યાપક હુમલો કરશે.
નેતન્યાહૂ યુદ્ધવિરામ ઇચ્છતા નથી
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ વ્યાપકસ્તરે સમજૂતી થાય એ દિશામાં કદાચ એક રસ્તો છે, પણ એ લાંબો અને અસંભવ રસ્તો છે. તેમાં ઉદ્દેશ્ય યુદ્ધવિરામ શરૂ રાખવો અને બંને વચ્ચે વધુ વાતચીતના એજન્ડા પર એક એમઓયુ માટે સહમતિ બનાવવી એ છે.
પરંતુ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
ઇઝરાયલે તેનાં બૉમ્બર વિમાનો બૈરુત તરફ જશે એવી જાહેરાત કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના વિકલ્પો વધુ સીમિત થઈ ગયા છે.
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને એ વાતની કોઈ ચિંતા નહીં હોય કે લેબનોન પર તેમના નવા હુમલાને કારણે ઈરાન અને અમેરિકાનો સમજૂતી કરાર હજુ વધુ મુશ્કેલ બની જશે.
કારણ કે નેતન્યાહૂ પહેલેથી જ ઈરાન સાથે યુદ્ધવિરામ થાય એવું ઇચ્છતા નથી. નેતન્યાહૂ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે જે પણ સમજૂતી કે કરાર થાય એ ખરાબ જ હશે.
બીજી તરફ ઈરાને લેબનોનમાં તેના સહયોગી અને પ્રૉક્સી સંગઠન હિઝબુલ્લાહનું સમર્થન કરવાનું શરૂ રાખ્યું છે.
ઈરાને સંકેત આપ્યો છે કે અમેરિકા સાથે જે વ્યાપક સમાધાન થાય તેમાં ઇઝરાયલનું આક્રમણ સમાપ્ત થાય એ પણ નક્કી થવું જોઈએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તાજેતરમાં ઇઝરાયલને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગે છે.
ટ્રમ્પે મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયા છે
ઇમેજ સ્રોત, EPA
જ્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીનો સવાલ છે ત્યાં સુધી તેને ખોલવા માટે ઈરાની શાસન કંઈક કિંમત માગશે એવું મનાય છે. એ કદાચ પ્રતિબંધો હળવા કરવા, સામુદ્રધુની ખોલવા માટે ફ્રીઝ કરેલાં ન હોય તેવા ઍસેટ્સ આપવા વગેરે. એવું દેખાઈ રહ્યું છે કે ગંભીર વાટાઘાટો માટે આ બધી પૂર્વશરતો હશે.
હજુ પણ વિશ્વ માટે અતિ મહત્ત્વના અને વ્યસ્ત એવા આ જળમાર્ગમાંથી માત્ર થોડાં જહાજો જ પસાર થઈ રહ્યાં છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો ત્યારથી સ્થિતિ આવી જ છે.
સાઉદી અરેબિયા કેટલુંક ઑઇલ તેના રાતા સમુદ્રના કિનારે આવેલાં બંદરો સુધી પાઇપલાઇન મારફતે પહોંચાડી રહ્યું છે.
યુએઈ પાસે પણ તેના ઓમાનના અખાત સુધીના કાંઠા સુધી પાઇપલાઇન છે, એટલે તે હોર્મુઝને પાર ઑઇલ પહોંચાડી શકે છે.
પરંતુ બાકીના વિશ્વનાં દેશો હજુ પણ તેના જરૂરી ઑઇલ અને ગૅસના સપ્લાય કરતાં 20 ટકા ઓછો સપ્લાય મેળવી રહ્યા છે. આ સિવાયની બીજી જરૂરી નિકાસ પર પણ અસર થઈ રહી છે.
હોર્મુઝ સામુદ્રધુનીને બંધ રાખવી એ વિશ્વનાં અર્થતંત્ર માટે ઘાતક છે.
અમેરિકાની ખાડીદેશો પર ઑઇલ માટે નિર્ભરતા નથી, તેમ છતાં પણ અમેરિકામાં પેટ્રોલની કિંમતો એ ગ્લોબલ ઑઇલ માર્કેટને આધારે નક્કી થાય છે.
ટ્રમ્પે એક મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયા છે. તેમણે આસાન જીત મળવાની આશામાં યુદ્ધ છેડીને જે મોટી ભૂલ કરી તેનાં પરિણામોમાં તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમના નજીકના સહયોગીઓએ તથા ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાનના શાસનની પ્રતિકારની ક્ષમતા, હુમલાનો સામનો કરવાની ક્ષમતાને અતિશય ઓછી આંકી.
ટ્રમ્પ પાસે હવે આમાંથી બહાર નીકળવાનો કોઈ સહેલો રસ્તો નથી અને ઈરાની શાસન આવી પરિસ્થિતિને જાળવી રાખવા માગે છે.
ઈરાનને ઓછું આંકવાની ભૂલનાં પરિણામો ભોગવવાનાં આવ્યાં
ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીને ફરી વાર ખોલાવવી પડશે. ઈરાન સામેનું યુદ્ધ અમેરિકામાં પહેલેથી જ અલોકપ્રિય છે અને તેને હજુ શરૂ રાખવાને કારણે અમેરિકાના નાગરિકોમાં નિરાશા વધે તેવી સંભાવના છે.
ટ્રમ્પની સમસ્યા એ છે કે હોર્મુઝ સામુદ્રધુનીને ખોલવા માટે ઈરાન જે શરતો મૂકશે તેનો વિરોધ તેમની પોતાની જ રિપબ્લિકન પાર્ટીના કટ્ટરપંથીઓ અને તેમના સમર્થકો બંને કરી રહ્યા છે.
2015માં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા પરમાણુ કરાર હોય, ઈરાન સાથે કરવામાં આવેલા કોઈ પણ કરારો કે પછી યુદ્ધવિરામ વધારવા માટેની વ્યવસ્થા હોય, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવી કોઈપણ પરિસ્થિતિઓને લઈને વધુ સંવેદનશીલ છે.
ટ્રમ્પે કાયમ તેની નિંદા કરી છે અને પોતાના પહેલા કાર્યકાળમાં જ અમેરિકાને આ કરારોમાંથી બહાર કાઢી લીધું હતું.
ઈરાનના શાસકોનું એ માનવું પણ કેટલીક હદ સુધી ખોટું નથી કે તેઓ તેમના શાસનના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.
એ વાત બિલ્કુલ સ્પષ્ટ છે કે ઇઝરાયલની સાથે કે ઇઝરાયલ વિના, અમેરિકા દ્વારા વધુ હુમલા કરવામાં આવશે તો પણ ઈરાની શાસકો આ મામલે ટસના મસ નહીં થાય કે પીછેહઠ નહીં કરે.
ખાડીના શ્રીમંત આરબ ઑઇલ ઉત્પાદક દેશોએ લાંબા ગાળાના આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને હવે તેઓ વધુ નુકસાન સહન કરવા માંગતા નથી.
તેમના વ્યવસાયનું મૉડેલ અને તેમના દેશોનો લાંબા ગાળાનો વિકાસ એ વાત પર નિર્ભર છે કે ખાડીક્ષેત્ર એ વૈશ્વિર અર્થવ્યવસ્થા માટે એક સ્થિર કેન્દ્ર બનેલું રહે અને વિદેશી રોકાણ માટે સુરક્ષિત રહે.
યુદ્ધને કારણે તેને મોટો ફટકો પડ્યો છે અને તેમની સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં તેમને વર્ષો લાગશે.
વાટાઘાટો ફરી શરૂ કરવાના રાજદ્વારી પ્રયાસોમાં કતાર એ પાકિસ્તાન સાથે મળીને સંપૂર્ણ મધ્યસ્થી છે.
સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાએ ઈરાનને જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપી છે.
સંયુક્ત આરબ અમીરાતે ઇઝરાયલીઓ સાથેના તેમના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કર્યા છે. તેના કારણે ઇઝરાયલે યુએઈમાં આયર્ન ડોમ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી તહેનાત કરી હતી, અને તેને ચલાવવા માટે ઇઝરાયલી સંરક્ષણ દળોના સૈનિકો પણ હતા.
એવું પણ સામે આવ્યું છે કે સાઉદી અરેબિયાએ ઈરાન પર હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે ઈરાની હુમલાઓનો બદલો લેવા માટે આમ કરવામાં આવ્યું છે.
પરંતુ મહત્ત્વની વાત એ છે કે વરિષ્ઠ સાઉદી સૂત્રોનું કહેવું છે કે તેમણે ઈરાનને સ્પષ્ટપણે કહી દીધું છે કે તેઓ સ્વતંત્ર રીતે કાર્યવાહી કરી રહ્યા છે.
આ કાર્યવાહી તેમણે ઇઝરાયલ-અમેરિકાના ગઠબંધન હેઠળ કરી નથી.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ ઈરાન સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે બંનેએ કહ્યું હતું કે તેમના દેશોની નોંધપાત્ર વાયુશક્તિ જ ઈરાનમાં ઇસ્લામિક શાસનને દૂર કરવા માટે પૂરતી હશે.
પરંતુ તેઓ ખોટા હતા.
એમણે એ શાસનવ્યવસ્થાની પ્રકૃતિને ખોટી સમજી જે યુદ્ધ, પ્રતિબંધો અને અલગ પડી જવા છતાં પણ લગભગ અડધી સદી સુધી કાયમ રહી હતી.
હવે અમેરિકા અને ઇઝરાયલ તેનાં પરિણામો ભોગવી રહ્યા છે – અને બાકીનું વિશ્વ પણ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







