Home તાજા સમાચાર gujrati ડિલિવરી માટે મહિલા હૉસ્પિટલ લવાઈ પણ તપાસ કરી તો ગર્ભમાંથી બાળક જ...

ડિલિવરી માટે મહિલા હૉસ્પિટલ લવાઈ પણ તપાસ કરી તો ગર્ભમાંથી બાળક જ ગાયબ

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રસૂતિશાસ્ત્રનો આ એક દુર્લભ કિસ્સો છે, જેમાં ડૉક્ટરોએ ઑપરેશન દરમિયાન શોધી કાઢ્યું કે મહિલાના ગર્ભાશયમાં બાળક જ નહોતું.

વાસ્તવમાં, બાળકના જન્મ માટેનું ઑપરેશન 17 ઑગસ્ટના રોજ પાકિસ્તાનના ધ પ્રાંતની રાજધાની કરાચીમાં થઈ રહ્યું હતું. નાઝિમાબાદની હમદર્દ હૉસ્પિટલમાં લાવવામાં આવેલી મહિલાના પરિવારનું માનવું હતું કે તેની ગર્ભાવસ્થાને નવ મહિના પૂર્ણ થઈ ચૂક્યા હતા. પરિવાર પાસે તેની 38 અઠવાડિયાંની ગર્ભાવસ્થા દર્શાવતો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પણ હતો.

પરંતુ ઑપરેશન પછી પરિવારજનોને જાણ થઈ કે મહિલાના ગર્ભાશયમાં બાળક જ નહોતું. તેઓ ગુસ્સે થઈ ગયા અને બાળકને શોધવામાં નિષ્ફળ રહેવાનો હૉસ્પિટલ પર આરોપ લગાવ્યો.

હૉસ્પિટલમાં થયેલા હોબાળા પછી પોલીસ પણ ત્યાં પહોંચી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મહિલાએ કથિત રીતે પોતાની ગર્ભાવસ્થા વિશે ખોટું કહ્યું હતું. પોલીસનું કહેવું છે કે મહિલાના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં હતાં અને તેના પરિવારની અન્ય મહિલાઓ માતા બની ચૂકી હતી. આ કારણે તેણે પણ પોતે ગર્ભવતી હોવાની વાત કરી હતી.

આ ઘટના બાબતે એ સવાલ પણ થઈ રહ્યો છે કે હૉસ્પિટલ દ્વારા પોતાની રીતે ગર્ભાવસ્થાની પુષ્ટિ કર્યા વિના મહિલાનું ઑપરેશન શા માટે કરવામાં આવ્યું?

હમદર્દ હૉસ્પિટલના સ્ત્રીરોગ વિભાગનાં વડા ડૉ. અંજુમ આરા હસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એ મહિલા 27 ઑગસ્ટના રોજ હૉસ્પિટલમાં આવી હતી અને તેણે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેના આધારે ફરજ પરના ડૉક્ટરે તબીબી તપાસ અને અન્ય પરીક્ષણો પછી ઑપરેશન કરવાનો નિર્ણય લીધો હતો.

બીબીસીએ આ ઘટના અંગે હૉસ્પિટલ વહીવટતંત્ર પાસેથી વધુ સ્પષ્ટતા માગી, ત્યારે તેમણે સિંધ હેલ્થકેર કમિશનના નિર્ણયની રાહ જોવા જણાવ્યું.

જોકે, તબીબી નિષ્ણાતો સહમત છે કે ગર્ભાવસ્થાની ઔપચારિક પુષ્ટિ વિના ઑપરેશન કરી શકાય નહીં અને ડૉક્ટરોની પ્રથમ પ્રાથમિકતા હંમેશાં સામાન્ય રીતે કરાતી પ્રસૂતિ હોય છે.

કરાચીના પોલીસ સર્જન ડૉ. સામિયા પૂછે છે, “મહિલાની કથિત ખોટી વાત ઑપરેશન પહેલાં કેમ બહાર આવી નહીં?”

મહિલા સામાજિક દબાણનો સામનો કરી રહી હતી: પોલીસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ

ઇમેજ સ્રોત, Hospital Website

આ ઘટનાની તપાસ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ પોલીસે કરી હતી અને તપાસની જવાબદારી ઇન્સ્પેક્ટર ખાલિદ રફીકને સોંપવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તબીબી સ્ટાફને ઑપરેશન દરમિયાન ખબર પડી કે મહિલાના ગર્ભાશયમાં બાળક જ નહોતું, ત્યારે મહિલા અને તેનો પરિવાર આ હકીકત સ્વીકારવા તૈયાર નહોતાં. આને કારણે હૉસ્પિટલમાં હોબાળો થયો હતો.

ઇન્સ્પેક્ટર ખાલિદ રફીકે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે મહિલાના પતિએ લેખિત ફરિયાદ નોંધાવી હતી અને હૉસ્પિટલનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, ‘ઑપરેશન દરમિયાન મહિલાના ગર્ભાશયમાં બાળક નહોતું.’

પોલીસ અધિકારીનું કહેવું છે કે આ બાબત તેમના માટે આશ્ચર્યજનક હતી અને તેથી તપાસ માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો.

“સરકારી હૉસ્પિટલમાં મહિલાની તાત્કાલિક તપાસ અને પરીક્ષણ કરવામાં આવ્યાં. ત્યાંથી એવો રિપોર્ટ મળ્યો કે મહિલા કદી ગર્ભવતી થઈ જ નહોતી.”

“હૉસ્પિટલના રિપોર્ટ પછી પણ મહિલા અને તેનો પરિવાર આ વાત સ્વીકારવા તૈયાર નહોતાં, ત્યાર પછી તમામ પરીક્ષણો આગાખાન હૉસ્પિટલ દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.”

ઇન્સ્પેક્ટર ખાલિદ રફીક આગળ જણાવતાં કહે છે: “અમે હમદર્દ હૉસ્પિટલના તમામ રેકોર્ડ અમારા કબજામાં લઈ લીધા હતા અને સ્ટાફના તમામ લોકોનાં નિવેદનો પણ નોંધ્યાં હતાં.”

“પોલીસે તમામ પરીક્ષણો અને અન્ય પુરાવાઓ તપાસ માટે આગાખાન હૉસ્પિટલમાં મોકલ્યા, ત્યારે મહિલાએ સ્વીકાર્યું કે પોતે કદી ગર્ભવતી થઈ જ નહોતી અને તેણે ખોટું નિવેદન આપ્યું હતું.”

પોલીસના દાવા અનુસાર મહિલાએ તેમને કહ્યું હતું કે તેનું કારણ ‘સામાજિક દબાણ’ હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ તેમને વધુમાં કહ્યું હતું કે, “લગ્નનાં ત્રણ વર્ષ પછી પણ તેમના ઘરમાં સંતાન નહોતું, જ્યારે પોતાની ઉંમરની અન્ય મહિલાઓ માતા બની ગઈ હતી. આ બાબત પોતાને અંદરથી પરેશાન કરી રહી હતી, તેથી તેણે પોતાના પરિવારને કહ્યું કે પોતે ગર્ભવતી છે.”

ઇન્સ્પેક્ટર ખાલિદ રફીકના જણાવ્યા અનુસાર, મહિલાને ગર્ભવતી થવાની આશા હતી, પરંતુ એમ થયું નહીં અને બાળકના જન્મનો અપેક્ષિત સમય પણ આવી ગયો.

જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીએ ‘પસ્તાવો વ્યક્ત કર્યા’ બાદ હવે પતિ આ ઘટનાને વિસારે પાડીને આગળ વધવા માગે છે.

ઇન્સ્પેક્ટર ખાલિદ રફીક કહે છે કે પરિવારે સવાલ ઉઠાવ્યો છે, “મહિલાએ ખોટું કહ્યું હોય તો પણ ડૉક્ટરની નજરથી સત્ય કેવી રીતે છૂપું રહ્યું? અને તેની પુષ્ટિ કર્યા વિના હૉસ્પિટલ દ્વારા ઑપરેશન શા માટે કરવામાં આવ્યું?”

મહિલાના પતિએ હૉસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે.

ઇન્સ્પેક્ટર ખાલિદ રફીકના જણાવ્યા અનુસાર, “સિંધ હેલ્થકેર કમિશન યોગ્ય કાર્યવાહી કરી શકે છે. પોલીસ પોતાની સમગ્ર તપાસ, સંશોધન અને મેળવેલા પુરાવાઓ સિંધ હેલ્થકેર કમિશનને મોકલી આપશે.”

હૉસ્પિટલનું વલણ કેવું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

હમદર્દ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગનાં વડા ડૉ. અંજુમ આરા હસને એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે અને હોસ્પિટલના પ્રવક્તાએ પણ આ વીડિયો નિવેદનની પુષ્ટિ કરી છે.

ડૉ. અંજુમ આરાના જણાવ્યા અનુસાર, મહિલાના તબીબી રેકોર્ડમાં કેટલીક નોંધો પણ શંકાસ્પદ હતી.

તેમના જણાવ્યા અનુસાર, મહિલાએ પછી અન્ય હોસ્પિટલનો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં તેની ગર્ભાવસ્થા દર્શાવવામાં આવી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ પણ કથિત રીતે નકલી હતો.

ડૉ. અંજુમ આરાના જણાવ્યા અનુસાર, એ મહિલા 27 ઑગસ્ટના રોજ ઇમરજન્સી વિભાગમાં આવી હતી અને રિપોર્ટના આધારે ડ્યુટી ડૉક્ટરે તબીબી તપાસ તેમજ સીટીજી સહિત જરૂરી પરીક્ષણો કર્યાં હતાં. ત્યાર પછી ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડૉ. અંજુમ આરા કહે છે કે ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે મહિલા ગર્ભવતી નહોતી અને તેના ગર્ભાશયમાં કોઈ બાળક નહોતું.

“આ ઘટનાથી સવાલ થાય છે કે ઓપરેશન પહેલાં હોસ્પિટલ દ્વારા મહિલાની ગર્ભાવસ્થા અંગે પોતે તપાસ કરીને ખાતરી શા માટે કરવામાં આવી નહોતી?”

ઑપરેશન પહેલાં કયા પગલાં જરૂરી છે?

બીબીસીએ તબીબી નિષ્ણાતો સાથે વાત કરીને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાન ઇસ્લામિક મેડિકલ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. ફઝલ રબી કહે છે, “કોઈપણ સર્જરી પહેલાં સામાન્ય રીતે દર્દીની તબીબી તપાસ કરવામાં આવે છે અને તેનો તબીબી ઇતિહાસ લેવામાં આવે છે. ત્યાર પછી સર્જરીની જરૂરિયાત અને નિદાનની પુષ્ટિ કરવા માટે દર્દીની સ્થિતિ અનુસાર સંબંધિત પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે, જેમાં લોહીની તપાસ, ઇમેજિંગ અથવા અન્ય જરૂરી તપાસનો સમાવેશ થઈ શકે છે.”

તેમણે કહ્યું કે સર્જરી પહેલાં ઍનેસ્થેસિયા માટે દર્દીની તબીબી સ્થિતિનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે, સાથોસાથ બ્લડ પ્રેશર, નાડીના ધબકારા, ઑક્સિજનનું સ્તર અને અન્ય મહત્ત્વપૂર્ણ શારીરિક માપદંદોની તપાસ કરવામાં આવે છે.

ડૉ. ફઝલ રબીએ ઉમેર્યું કે તમામ જરૂરી મૂલ્યાંકન પછી સર્જરી માટે દર્દીની સંમતિ પણ લેવામાં આવે છે.

“કોઈપણ પ્રકારની ગર્ભાવસ્થામાં શરૂઆતમાં સામાન્ય પ્રસૂતિને પ્રાથમિકતા આપવામાં આવે છે, પણ કેટલીક ગંભીર પરિસ્થિતિઓમાં સર્જરીનો સહારો લેવામાં આવે છે.”

તેમણે કહ્યું કે સામાન્ય રીતે દર્દીની તપાસ કર્યા પછી ડૉક્ટરને ખબર પડી જાય છે કે સામાન્ય પ્રસૂતિ શક્ય છે કે નહીં અને ત્યાર પછી પોતાની ખાતરી માટે તે અલ્ટ્રાસાઉન્ડ કરાવે છે.

“કોઈ પણ સિઝેરિય ઑપરેશન કરતાં પહેલાં ડૉક્ટર મહિલાની સંપૂર્ણ તબીબી તપાસ કરે છે. આ તપાસથી ડૉક્ટરને માતા અને બાળક વિશે ઘણી બાબતોની જાણકારી મળે છે.”

“ડૉક્ટર મહિલાના પેટની પણ તપાસ કરે છે. આ તપાસથી ગર્ભાશયનું કદ, બાળકની સંભવિત સ્થિતિ અને ગર્ભાવસ્થાની સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન થાય છે. બાળકની હાજરી અને તેની સ્થિતિ તપાસવા માટે તેના હૃદયના ધબકારા પણ તપાસવામાં આવે છે.”

તેમણે કહ્યું કે તબીબી તપાસ અથવા અગાઉના તબીબી રેકોર્ડના આધારે ગર્ભાવસ્થા અંગે કોઈ શંકા હોય, તો ડૉક્ટર વધુ તપાસ કરાવી શકે છે. બાળકની સ્થિતિ અંગે શંકા હોય તો પણ ડૉક્ટર જરૂરિયાત મુજબ અલ્ટ્રાસાઉન્ડ અથવા અન્ય જરૂરી તબીબી તપાસ કરાવી શકે છે. કોઈ જટિલતાની શંકા હોય તો પણ જરૂરી પરીક્ષણો કરવામાં આવી શકે છે.

‘આપણી તબીબી વ્યવસ્થાની વાસ્તવિકતા છતી થઈ’

બીબીસી ગુજરાતી, ગુજરાત, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

કરાચીના પોલીસ સર્જન ડૉ. સામિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં એમ પણ લખ્યું કે તેમની ચિંતા એ નથી કે મહિલાએ પોતાની ગર્ભાવસ્થા વિશે ખોટી વાત શા માટે કરી. વાસ્તવિક સવાલ એ છે કે, “સિઝેરિયન ઑપરેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી મહિલાનું કથિત જૂઠાણું કેવી રીતે ન પકડાયું?”

તેમણે કહ્યું, “તબીબી શાસ્ત્રમાં દર્દીને નુકસાન ન પહોંચાડવાનો એક મૂળભૂત સિદ્ધાંત છે, પણ આ કિસ્સામાં આપણી તબીબી વ્યવસ્થાની વાસ્તવિકતા ફરી એક વાર છતી થઈ છે.”

ડૉ. સામિયાના જણાવ્યા અનુસાર, સિઝેરિયન ઑપરેશન એવી પ્રક્રિયા નથી કે જે કેવળ એક રિપોર્ટ જોઈને નક્કી કરી શકાય. તેઓ કહે છે કે તેમાં અનેક તબક્કા સામેલ હોય છે, જેમાં અનેક દસ્તાવેજો તૈયાર કરવા, દર્દીની તબીબી તપાસ કરવી અને વિવિધ પરીક્ષણોના પરિણામોની સમીક્ષા કરવાનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS