Home તાજા સમાચાર gujrati ડૉનથી ડૉન-3: જેના માટે બનાવાઈ એ જ જોવા જીવતા ના રહ્યા, 48...

ડૉનથી ડૉન-3: જેના માટે બનાવાઈ એ જ જોવા જીવતા ના રહ્યા, 48 વર્ષનો ‘અભિશાપ’ અને ફિલ્મના વિવાદની કહાણી

5
0

Source : BBC NEWS

ડૉન, બીબીસી

‘ડૉન 3’ ફિલ્મ માટે ઊભો થયેલો વિવાદ હવે માત્ર અભિનેતા રણવીરસિંહ વિરુદ્ધ ફરહાન અખ્તર જ નથી રહ્યો. હવે તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કૉન્ટ્રેક્ટ, જવાબદારી અને ઉત્તરદાયિત્વ જેવા મોટા સવાલ પણ જોડાઈ ગયા છે. સૌની નજર એના પર છે કે હવે આગળ આ કહાનીમાં કેવો વળાંક આવે છે.

અખબારોનાં મથાળાં તો માત્ર વિવાદો બતાવે છે, પરંતુ સાચી કહાની તો પરદા પાછળ છે. તે કહાની છે એક એવી ફ્રેન્ચાઇઝીની જેણે મોટી સફળતા તો જોઈ પરંતુ છેલ્લાં 48 વર્ષોમાં કોઈ ને કોઈ અવરોધ, વિવાદ કે બદનસીબીનો સામનો પણ કર્યો અને ‘ડૉન 3’ સુધી આવતાં તો જાણે તે કોઈ ‘અભિશાપ’ જેવું દેખાવા લાગી છે.

ફિલ્મમાંથી રણવીરસિંહના નીકળી જવાની સંપૂર્ણ કહાની સમજતાં પહેલાં આપણે સિનેમાના ઇતિહાસનાં પાનાં પલટાવીને સહેજ ભૂતકાળમાં જવું પડશે, જ્યારે 48 વર્ષ પહેલાં ‘ડૉન’ પર પહેલી વાર બદનસીબીનો પડછાયો પડ્યો હતો.

‘ડૉન’નો પાયો અને પહેલી દુર્ઘટના

કહાનીની શરૂઆત થાય છે વર્ષ 1974થી. દિગ્દર્શક મનોજકુમાર પોતાની ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’ બનાવતા હતા. ફિલ્મને શૂટ કરતા હતા ખ્યાતનામ સિનેમૅટોગ્રાફર નરીમન ઈરાની.

ઈરાનીએ સુનીલ દત્તને લઈને થોડા સમય પહેલાં ‘જિંદગી-જિંદગી’ (1972) નામની એક ફિલ્મ બનાવી હતી, જે ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી. ઈરાની દેવામાં ડૂબ્યા અને ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા.

મનોજકુમારે તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો અને નક્કી થયું કે એક નવી ફિલ્મ નરીમન ઈરાની માટે બનાવવામાં આવશે. ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’માં અભિનય કરી રહેલાં અમિતાભ બચ્ચન અને ઝીનત અમાન ઇરાનીની મદદ માટે તરત જ તૈયાર થઈ ગયાં.

અભિનેતા પ્રાણ પણ તેમાં જોડાઈ ગયા. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી મનોજકુમારના યુવા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ચંદ્રા બારોટને સોંપવામાં આવી.

હવે એક મજબૂત સ્ક્રિપ્ટ શોધવાની હતી, જેના પર ફિલ્મ બનાવી શકાય.

લેખક સલીમ-જાવેદ સાથે વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે તેમની પાસે એક સ્ક્રિપ્ટ છે, જેને ઘણા નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા નકારી ચૂક્યા છે. તેઓ નરીમન ઈરાની માટે તે સ્ક્રિપ્ટ આપવા તૈયાર થઈ ગયા. સ્ક્રિપ્ટનું શીર્ષક હતું, ‘ડૉન’.

બીબીસી ગુજરાતી,ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડૉન 3

ઇમેજ સ્રોત, PRAKASH SINGH / AFP) (Photo by PRAKASH SINGH/AFP via Getty Images

ખૂબ ઓછા બજેટમાં કોઈક રીતે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. નરીમન ઈરાનીને આશા જાગી હતી, તેઓ ફિલ્મ બનાવવામાં ખૂબ મહેનત કરતા હતા. પરંતુ બદકિસ્મતે સાથ ન છોડ્યો. શૂટિંગ દરમિયાન જ એક દુર્ઘટના થઈ ગઈ.

નિર્માતા નરીમન ઈરાની કે જેમના માટે આ ફિલ્મ ઊભી કરવામાં આવી હતી, શૂટિંગ દરમિયાન જ એક દીવાલ પડી અને એ દુર્ઘટનામાં ઈરાનીનું મૃત્યુ થઈ ગયું.

તેમ છતાં, બાકી ટીમે સાથે મળીને આ ફિલ્મ કોઈક રીતે પૂરી કરી, જેથી ઈરાનીના પરિવારને ટેકો મળી શકે.

આખરે, 12 મે 1978એ ‘ડૉન’ રિલીઝ થઈ અને અમિતાભ બચ્ચનના કરિયરની પહેલી મોટી સોલો બ્લૉકબસ્ટર બની ગઈ.

પરંતુ સૌથી દુઃખદ વાત એ હતી કે જે માણસના સપના માટે આ ફિલ્મ બની હતી, એ જ આ સફળતાને જોવા માટે જીવિત નહોતા.

શાહરુખખાન અને પ્રથમ તિરાડની કહાની

આજે ‘ડૉન 3’ જે મુશ્કેલ સમયનો સામનો કરે છે, જો તેનું ખરું કારણ સમજવું હોય, તો કહાનીને ત્યાંથી શરૂ કરવી પડશે જ્યાં પહેલી મોટી તિરાડ પડી હતી. જ્યારે શાહરુખખાને ‘ડૉન 3’ને અલવિદા કહ્યું હતું.

એક લીટીમાં કહીએ તો, આ કહાની ઇતિહાસની ખૂબ ઝડપથી પોતાના પુનરાવર્તનની દાસ્તાં છે.

શાહરુખખાનની ‘ડૉન 2’ (2011) એ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ હતી.

એવું મનાય છે કે શાહરુખને આ સ્ટાયલિશ પાત્ર સાથે ખાસ લગાવ હતો અને તેઓ ‘ડૉન’ને એક લાંબી ચાલનારી ફેન્ચાઇઝીરૂપે જોવા લાગ્યા હતા. દિગ્દર્શક ફરહાન અખ્તરે પણ એલાન કર્યું કે તેઓ ‘ડૉન 3’ પર કામ કરી રહ્યા છે.

પરંતુ, પરદા પાછળ કહાની ધીમે-ધીમે બદલાઈ રહી હતી.

દર્શક ‘ડૉન 3’ની રાહ જોતા હતા, પરંતુ આ વરસો દરમિયાન બે મહત્ત્વપૂર્ણ ઘટના એકસાથે ઘટી રહી હતી.

પહેલી, 2011માં જ આવેલી હિટ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’માં ફરહાન અખ્તરના અભિનયનાં ખૂબ વખાણ થયાં. ત્યાર પછી આવેલી ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ (2013)એ તો તેમને એક હીરો તરીકે સ્થાપી દીધા.

અભિનેતા તરીકે તેઓ વધારે સક્રિય થવા લાગ્યા અને દિગ્દર્શન ધીમે ધીમે ઓછું થતું ગયું. પરિણામ એ આવ્યું કે વર્ષો સુધી ‘ડૉન 3’ની ‘સ્ક્રિપ્ટ પર કામ’ થતું રહ્યું અને તે અટકી ગઈ.

બીબીસી ગુજરાતી,ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડૉન 3

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL/AFP via Getty Images

બીજી તરફ, આ વરસોમાં શાહરુખખાનની કરિયર બૉક્સ ઑફિસ પર એક પડકારભર્યા સમયમાંથી પસાર થઈ રહી હતી. તેમની ઘણી ફિલ્મો ચાલી નહોતી. બૉલીવુડ પણ બદલાઈ રહ્યું હતું. ફ્રેન્ચાઇઝી અને સીક્વલ્સ નવા જમાનાની ઓળખ બની ગઈ હતી.

આ દરમિયાન ઇન્ટરવ્યૂમાં શાહરુખને સતત ‘ડૉન 3’ વિશે સવાલ પૂછવામાં આવતા હતા.

વર્ષ 2017માં પોતાની ફિલ્મ ‘રઈશ’ના પ્રોમોશન દરમિયાન શાહરુખે મીડિયાને કહ્યું, “ડૉન જ કદાચ મારી એકમાત્ર ફિલ્મ છે જેની સીક્વલ બની શકે છે, પરંતુ ફરહાન પાસે અત્યારે તેની કહાની તૈયાર નથી.”

શાહરુખ ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટની રાહ જોતા હતા. પરંતુ ઇન્ડસ્ટ્રીનાં આંતરિક સૂત્રો અનુસાર, પરદા પાછળની કહાની તેના કરતાં ઘણી વધારે જટિલ હતી.

જ્યારે શાહરુખની ‘ફૅન’, ‘જબ હૅરી મેટ સેજલ’ અને ‘ઝીરો’ જેવી મોટી ફિલ્મો ફ્લૉપ થઈ, ત્યારે મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચાઓ થવા લાગી કે તેમનું સુપરસ્ટારડમ અસ્ત થવા લાગ્યું છે.

આવા વાતાવરણમાં ફરહાન અખ્તર અને તેમની કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ ‘ડૉન 3’માં મોટું રોકાણ કરવા અને શાહરુખખાન પર મોટું જોખમ ખેડવાથી બચતાં જોવા મળ્યાં.

જાણકારો અનુસાર, આ કોઈ મતભેદ નહોતો, બલકે, એક નિર્માતાનું વિચારણાપૂર્વકનું સાવચેત વલણ હતું. તેઓ યોગ્ય સમયની, જ્યારે મુખ્ય સ્ટારની બૉક્સ ઑફિસ સ્થિતિ વધારે મજબૂત અને સ્થિર હોય તેની, રાહ જોવા માગતા હતા.

જ્યારે શાહરુખ ઝડપથી ‘ડૉન 3’ પર આગળ વધવા માગતા હતા, કેમ કે, તેમને એક મજબૂત ‘કમબૅક પ્રોજેક્ટ’ની જરૂર હતી અને વિલંબ માટે તેઓ રાજી કે તૈયાર નહોતા. બીજી તરફ ફરહાન અખ્તરની એક અભિનેતા તરીકેની ઘણી ફિલ્મો (‘રૉક ઑન 2’, ‘લખનઉ સેન્ટ્રલ’, ‘તૂફાન’) ફ્લોપ થઈ, પરંતુ ‘ડૉન 3’નો પ્રોજેક્ટ આગળ ન વધ્યો.

પછી આવ્યું વર્ષ 2023, જ્યારે ફિલ્મ ‘પઠાન’થી શાહરુખે ઐતિહાસિક કમબૅક કર્યું. સૂત્રોનું માનીએ તો, એ વખતે ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ ‘ડૉન 3’ને ફરીથી શરૂ કરવા માટે ખૂબ આતુર થઈ ગઈ.

ફરહાન ‘ડૉન 3’નો નવો સ્ક્રિપ્ટ આઇડિયા લઈને શાહરુખને મળ્યા, પરંતુ હવે શાહરુખખાનની પ્રાથમિકતાઓ બદલાઈ ચૂકી હતી. તેઓ હવે મોટા સ્કેલવાળી ઍક્શન ફિલ્મોની દિશામાં આગળ વધી ચૂક્યા હતા. ‘ડૉન 3’ પર ફરહાન અને શાહરુખના વિચારો એકમત ન થઈ શક્યા.

શાહરુખખાને મે 2023માં ‘ડૉન’ ફ્રેન્ચાઇઝીમાંથી પોતાને અલગ કરી લીધા. એ સુપરસ્ટાર જેમણે ‘ડૉન’ને આધુનિક પૉપ કલ્ચરનો ભાગ બનાવી, તે હવે ‘ડૉન’ છોડી ચૂક્યા હતા.

‘ડૉન’ની કહાની અહીં જ સમાપ્ત થઈ શકતી હતી, પરંતુ ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’એ સાહસિક પગલું ભરીને ફ્રેન્ચાઇઝીને રીબૂટ કરવાનો નિર્ણય કર્યો અને નવા ‘ડૉન’ના રૂપમાં રણવીરસિંહના નામની જાહેરાત કરી દીધી.

‘ડૉન 3’ના ટીઝરમાં રણવીરસિંહને નવા ‘ડૉન’ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા, ત્યારે ઇન્ડસ્ટ્રી અને મીડિયામાં ખૂબ ચર્ચા થવા લાગી કે શું તેઓ આ રોલ માટે યોગ્ય સ્ટાર છે? ખુદ રણવીર આ પાત્ર માટે ખૂબ જ ઉત્સાહિત હતા.

આ તેમની કરિયરની એક મોટી તક હતી, કેમ કે, આ તક તેમને સીધી અમિતાભ બચ્ચન અને શાહરુખ જેવા દિગ્ગજોની લાઇનમાં લાવી શકતી હતી.

હવે રાહ જોવાતી હતી તો ‘ડૉન 3’ બનવાની.

પરંતુ પરદા પાછળ એવું શું થયું કે શૂટિંગ શરૂ થાય તેનાં થોડાંક અઠવાડિયાં પહેલાં જ રણવીરે પણ ‘ડૉન 3’ને અલવિદા કહી દીધું.

શું ‘ધુરંધર’એ ‘ડૉન 3’ને ખતમ કરી નાખી?

બીબીસી ગુજરાતી,ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડૉન 3

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

ઇન્ડસ્ટ્રીમાં ચાલતી ચર્ચા મુજબ, રણવીરે ‘ડૉન 3’ છોડી તેની પાછળ કોઈ એક ઘટના જવાબદાર નહોતી, પરંતુ ધીરે-ધીરે ઊભા થઈ રહેલા ઘણા મુદ્દાની અસર હતી. ‘ડૉન 3’ની જાહેરાત પછી ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડેવલપમેન્ટ પર કામ થતું રહ્યું.

આ દરમિયાન રણવીર પોતાના બીજા મોટા પ્રોજેક્ટ ‘ધુરંધર’માં સંપૂર્ણ વ્યસ્ત થઈ ગયા હતા. જ્યારે ફરહાન પણ પોતાના ‘ફરહાન લાઇવ’ કૉન્સર્ટ્સ અને પોતાની ફિલ્મ ’21 બહાદુર’ના શૂટિંગમાં વ્યસ્ત હતા, જેમાં તેઓ પોતે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.

સૂત્રો અનુસાર, આ દરમિયાન ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ સતત વધતી-ઘટતી રહી, નવા ડ્રાફ્ટ બનતા રહ્યા. પરંતુ જેમ-જેમ પ્રોજેક્ટ પોતાના અંતિમ સ્ક્રિપ્ટિંગ સ્ટેજની નજીક પહોંચ્યો, ત્યારે જૂના દબાયેલા તણાવ ફરીથી સપાટી પર આવવા લાગ્યા.

બૉલીવુડ વર્તુળોમાં એવી જ ચર્ચા છે કે શું ‘ધુરંધર’એ ‘ડૉન 3’ને ખતમ કરી નાખી?

જે રીતે ‘પઠાન’ અને ‘જવાન’એ શાહરુખખાનની કરિયરની દિશા બદલી હતી, એ જ રીતે હવે ‘ધુરંધર’ની અપ્રતિમ સફળતાએ રણવીરસિંહને નવું સ્ટારડમ આપ્યું અને તેમની કરિયરની પ્રાથમિકતાઓને બદલી નાખી.

આ દરમિયાન ‘ડૉન 3’ની તૈયારી પણ પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી હતી. યોજના અનુસાર, જાન્યુઆરી 2026માં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું અને ત્યાર પછીના લગભગ છ મહિના સુધી ચાલવાનું હતું.

‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ સાથે સંકળાયેલાં સૂત્રો અનુસાર, રણવીરસિંહે પહેલાંથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. નવેમ્બર 2025માં તેમણે ફિલ્મ ‘ડૉન 3’ માટે ખાસ ઍક્શન અને સ્ટંટની ટ્રેનિંગ પણ લીધી હતી, જેનો સંપૂર્ણ ખર્ચ ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’એ ભોગવ્યો હતો.

પરંતુ ‘ડૉન’ના શ્રાપે પીછો ન છોડ્યો.

ડિસેમ્બર 2025ના આખરના દિવસોમાં એક અનપેક્ષિત વળાંક આવ્યો. રણવીરસિંહે પોતે નિર્માતાઓને ફોન કૉલ કરીને ‘ડૉન 3’માંથી હટી જવાનો નિર્ણય સંભળાવી દીધો. ઉલ્લેખનીય છે કે ‘ધુરંધર’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને મોટી બ્લૉકબસ્ટર બની ચૂકી હતી.

અહીંથી જ વિવાદ શરૂ થયો.

‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ અનુસાર, તેમણે પ્રી-પ્રોડક્શન પાછળ લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જેમાં આંતરરાષ્ટ્રીય લોકેશનની પસંદગી, ક્રૂ પર ખર્ચ, ટ્રેનિંગ અને શરૂઆતના સેટની ડિઝાઇન સામેલ હતાં.

આ જ વિવાદની વચ્ચે એ અફવાએ પણ જોર પકડ્યું કે રણવીરને સાઇન કર્યા છતાં નિર્માતાઓએ અભિનેતા ઋતિક રોશન સાથે ‘ડૉન’ના રોલ માટે વાતચીત કરી હતી. સૂત્રો અનુસાર, આ સમાચારોએ રણવીરની સ્થિતિ વધારે ચિંતિત કરી દીધી હતી.

અફવા એટલી વધી ગઈ કે ઋતિક રોશને સત્તાવાર રીતે ફેબ્રુઆરી 2026માં એક સ્પષ્ટ ખંડન બહાર પાડવું પડ્યું.

તેમણે કહ્યું, “જે શરૂઆતમાં માત્ર એક અફવા હતી તેણે હવે અલગ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એ જરૂરી છે કે સચ્ચાઈ રજૂ કરવામાં આવે. હું એ સ્પષ્ટપણે કહેવા માગું છું કે ‘ડૉન 3’ માટે કોઈ પણ સમયે મારો સંપર્ક નહોતો કરવામાં આવ્યો. હું મીડિયાને વિનંતી કરું છું કે આવા સમર્થન વગરના સમાચારોથી દૂર રહે.”

રચનાત્મક મતભેદ અને વધતો વિવાદ

બીબીસી ગુજરાતી,ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડૉન 3

ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

રણવીરસિંહ સાથે સંકળાયેલાં નિકટનાં સૂત્રોનું કહેવું છે કે ‘ક્રિએટિવ મતભેદ’ અને સ્ક્રિપ્ટ બાબતની ચિંતાઓ ધીમે-ધીમે વધતાં ગયાં.

‘ડૉન’ સાથે વારસાગત રીતે અમિતાભ બચ્ચન અને શાહરુખખાન જેવા દિગ્ગજોનાં નામ જોડાયેલાં છે અને રણવીરને લાગતું હતું કે ‘ડૉન 3’ના છેલ્લા ડ્રાફ્ટમાં એટલો દમ નથી જે જૂના સુપરસ્ટારની જગ્યા લેવા માટે જરૂરી છે.

વારસા અને આશાના દબાણની વચ્ચે, તેમણે ‘ધુરંધર’ દ્વારા મળેલી પોતાની ઐતિહાસિક સફળતાને સુરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો અને એવી ફિલ્મને છોડી દીધી જેના પર તેમને પૂરો વિશ્વાસ નહોતો.

જ્યારે નિર્માતાઓ તરફથી બિલકુલ અલગ કહાની કહેવામાં આવે છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલા લોકોનો સવાલ હતો કે જો રણવીરને ફિલ્મ સામે આટલો બધો મૂળભૂત વાંધો હતો, તો તેમણે છેલ્લા તબક્કા સુધી તૈયારીઓ શા માટે થવા દીધી?

બીબીસી ગુજરાતી,ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડૉન 3

ઇમેજ સ્રોત, Parveen Kumar/Hindustan Times via Getty Images

આ વિવાદ ધીમે-ધીમે અંગત મતભેદથી આગળ વધી ગયો. રિપોર્ટ કરાયેલા આર્થિક નુકસાન પછી નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એપ્લોયીઝ (એફડબ્લ્યૂઆઇસીઇ)માં ફરિયાદ દાખલ કરાવી.

ત્યાર બાદ ફેડરેશને રણવીરસિંહ વિરુદ્ધ ‘નૉન-કોઑપરેશન ડાયરેક્ટિવ’ બહાર પાડ્યો, જેને ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનો ‘શૅડો બૅન’ માનવામાં આવ્યો.

તેના જવાબમાં રણવીરસિંહે આ ફેડરેશનના અધિકારક્ષેત્રને પડકારતાં એક કાયદેસર નોટિસ મોકલી, કેમ કે આ એક પ્રાઇવેટ કૉન્ટ્રેક્ટનો વિવાદ હતો.

એક અઠવાડિયા પછી ફેડરેશને આ સૂચના પાછી ખેંચી લીધી. 3 જૂને એફડબ્લ્યૂઆઇસીઇના મુખ્ય સલાહકાર અશોક પંડિતે મીડિયાને જણાવ્યું કે અપીલ અને ફિલ્મ ઉદ્યોગનાં મોટાં હિતને ધ્યાનમાં રાખીને આ (નૉન-કોઑપરેશન ડાયરેક્ટિવ) સૂચના તરત હટાવી દેવામાં આવી છે.

આમિર–સલમાન જેવા બૉલીવુડના દિગ્ગજોએ મધ્યસ્થી કરવાની કોશિશ કરી.

આ વિવાદને ઉકેલવા માટે પરદા પાછળ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’એ ચાલુ વર્ષની શરૂઆતમાં ‘પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’નો સંપર્ક કર્યો, ત્યાર પછી બંને પક્ષો વચ્ચે વાતચીત અને મધ્યસ્થતાના પ્રયત્નો શરૂ થયા.

સૂત્રો અનુસાર, બૉલીવુડના ઘણા દિગ્ગજ પણ સત્તાવાર કે બિનસત્તાવાર રીતે આ પ્રક્રિયામાં સામેલ થયા. આમિરખાન, સલમાનખાન, અનિલ કપૂર, આશુતોષ ગોવારીકર, રોહિત શેટ્ટી અને કરણ જોહર આ વિવાદને ઉકેલવા માટેની અલગ-અલગ મીટિંગમાં સામેલ થયા, જેથી આ વિવાદમાં કશું સમાધાન શોધી શકાય.

જો ‘ધુરંધર’ બ્લૉકબસ્ટર ન થઈ હોત, તો રણવીર ‘ડૉન 3’ ન છોડત?

બીબીસી ગુજરાતી,ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડૉન 3

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

વેરાઇટી ડૉટ કૉમમાં છપાયેલા અહેવાલમાં બીજો એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

તેના અનુસાર મધ્યસ્થતા બાબતે થયેલી એક મીટિંગમાં જ્યારે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા હતા, ત્યારે ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’માં ફરહાન અખ્તરના પાર્ટનર નિર્માતા રિતેશ સિધવાનીએ રણવીરને સીધો સવાલ પૂછ્યો હતો, જો ‘ધુરંધર’ બ્લૉકબસ્ટર ન થઈ હોત, તો શું તમે ‘ડૉન 3’ છોડી દેતા?

રિપોર્ટમાં કહેવાયું છે કે ત્યાં હાજર લોકો અનુસાર તે બાબતમાં રણવીરે સીધો જવાબ આપ્યો કે તો કદાચ તેઓ આવું ન કરત.

સૂત્રો અનુસાર, એક અનૌપચારિક બેઠકમાં ખુદ રણવીરસિંહ પણ સામેલ થયા, જેમાં તેમણે સ્પષ્ટ રૂપે પોતાનો પક્ષ અને ચિંતાઓ રજૂ કર્યાં. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે, ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ તેમની અપેક્ષા પ્રમાણે મજબૂત નહોતી.

તેમણે એમ પણ કહ્યું કે ફરહાન અખ્તર પોતાના ઍક્ટિંગ પ્રોજેક્ટ અને લાઇવ કૉન્સર્ટ્સમાં વ્યસ્ત હોવાના લીધે ‘ડૉન 3’ને પૂરતો સમય નહોતા આપી શકતા. તદ્ ઉપરાંત, તેમણે એવો આરોપ પણ કર્યો કે ફિલ્મનું બજેટ અને તેમની ફીમાં ઘણો બધો ઘટાડો કરવામાં આવ્યો, જેનાથી અસંતોષ ઘણો વધ્યો.

જોકે, નિર્માતાઓએ આ બધા દાવાને સખત રીતે નકારી કાઢ્યા. તેમનું કહેવું છે કે તેમની પાસે એવા પુરાવા છે જે દર્શાવે છે કે રણવીરસિંહ સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટ દરમિયાન સતત સક્રિય અને સકારાત્મક રીતે જોડાયેલા રહ્યા હતા અને ઘણાં સ્ક્રિપ્ટ રીડિંગ વખતે તેમણે ઉત્સાહ પણ બતાવ્યો હતો.

આમ, વાતચીત અને મધ્યસ્થતા છતાં, આ વિવાદ ઉકેલાવાના બદલે વધારે ગૂંચવાતો ગયો.

વિવાદના લીધે તૂટતા સંબંધ

‘ડૉન 3’ના આ સમગ્ર વિવાદની અસર માત્ર ફિલ્મો અને કૉન્ટ્રેક્ટ્સ સુધી જ સીમિત નથી રહી; કહેવાય છે કે તેણે ઘણા અંગત સંબંધો પર પણ ઘેરી અસર કરી છે.

રણવીરસિંહનો ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર સાથે લાંબો સાથ રહ્યો છે. રણવીરના કરિયરની બે મોટી અને સફળ ફિલ્મો ‘દિલ ધડકને દો’ અને ‘ગલી બૉય’નું દિગ્દર્શન ઝોયા અખ્તરે કર્યું છે. પરંતુ ‘ડૉન 3’ના વિવાદે એ વિશ્વાસમાં પણ ફાટ પાડી દીધી છે.

એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલાં સૂત્રો અનુસાર, સ્થિતિને સંભાળવા માટે રણવીર તરફથી 10 કરોડ રૂપિયાના વળતર અને ભવિષ્યની કોઈ પણ ભાગીદારીમાં ફીમાં છૂટછાટનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

પરંતુ નિર્માતાઓએ તેનો સ્વીકાર ન કર્યો અને 45 કરોડ રૂપિયાની પૂરેપૂરી ભરપાઈની માગ પર અડગ છે.

રણવીરસિંહે આ આરોપો વિશે સાર્વજનિક રીતે પોતે કશું નથી કહ્યું.

જોકે, 25 મેએ તેમના પ્રવક્તા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું: “‘ડૉન 3’ સાથે સંકળાયેલી તાજેતરની ઘટનાઓ દરમિયાન તેમણે જાણી જોઈને ચૂપ રહેવાનો નિર્ણય કર્યો છે, કેમ કે, તેઓ માને છે કે વ્યાવસાયિક વાતચીત અને વ્યક્તિગત સંબંધોને ગરિમા, પરિપક્વતા અને પારસ્પરિક સન્માન સાથે જ સાચવી રાખવાં જોઈએ.”

સ્પષ્ટ છે કે આ લડાઈ હજુ સમાપ્ત નથી થઈ. એક્સેલ એન્ટરટેઇનમેન્ટની સામે ફરીથી એ જ સવાલ છે કે આગામી ડૉન કોણ હોઈ શકે?

એ ડૉન, જેને પકડવો મુશ્કેલ જ નહીં, અશક્ય છે; એ પાત્રને ભજવવા માટે એક મોટા સ્ટારને શોધવાનું પણ હવે અશક્ય બનતું જાય છે; કેમ કે ‘ડૉન 3’ના ‘અભિશાપ’ની પાછળ વર્ષો જૂનો ઇતિહાસ, અધૂરો ડ્રાફ્ટ, તૂટી ગયેલો વિશ્વાસ અને કાયદાકીય જટિલતાઓનો લાંબો પડછાયો ચાલી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS