Source : BBC NEWS

દાદા મેકણ, લાલિયો, મોતિયો, કચ્છ, રણ, બીબીસી

રોજ સવાર પડેને ગધેડાના છાલકામાં પાણીનાં માટલાં ગોઠવી દેવાતાં. બાદમાં લાલિયો ગધેડા અને મોતિયો કૂતરાને કચ્છના રણપ્રદેશમાં મોકલી દેવાતાં.

મોતિયો રણમાં ભૂલા પડેલા અને ભટકી પડેલા લોકોને, તરસથી વ્યાકુળ બનેલા લોકોને શોધી કાઢી તેમને પાણી સુલભ કરી આપતો.

આવા લોકો લાલિયાની પીઠ પર મૂકેલ પાણી પીને સુખેથી ધ્રંગ પહોંચી જતા.

17મી સદીમાં કચ્છના અફાટ રણમાં અસહ્ય ગરમીમાં પાણી વગર ટળવળતા ભૂલા પડેલાને મોતિયા અને લાલિયાની આ જોડી પાણી પાઈને જાણે ‘મોતના મુખમાંથી બચાવવાનું’ કાર્ય કરતી.

મેકણદાદાએ મોતિયા કૂતરા અને લાલિયા ગધેડાને પાળીને તેમને માનવસેવાના ઉમદા કાર્યમાં પ્રયોજ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશમાં 17મી સદીમાં કચ્છના મેકણ દાદાએ પોતાના જીવનકાળમાં કરેલી ‘નિ:સ્વાર્થ માનવસેવા’ માટે કંઈક ઉપરોક્ત વાત નોંધાયેલી છે.

કચ્છના રણમાં ભૂલા પડેલા લોકો માટે જીવનરૂપી ‘પાણી’ લઈ પહોંચેલાં આ બંને પ્રાણીઓ અને દાદા મેકણનાં સેવાકાર્યોનો ઇતિહાસ અને સ્થાનિક લોકકથાઓમાં ઘણી વાર ઉલ્લેખ થયો છે.

તાજેતરમાં કચ્છના મોટા રણમાં બીએસએફ માટે રસ્તો બનાવવાના કામના અનુસંધાને પહોંચેલા એક ખાનગી કંપનીના સર્વેયર પોતાની સાથે આવેલા અન્ય બે સભ્યોથી વિખૂટા પડી અને રણમાં ખોવાઈ ગયાના સમાચાર આવ્યા હતા.

તેમને શોધવા માટે 125 લોકોની ટીમ લગાડાઈ ત્યારે જતાં પાંચ દિવસ બાદ તેમની ભાળ મળી. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. પાંચમા દિવસે આ સર્વેયર મૃત અવસ્થામાં કચ્છના રણમાં મળી આવ્યા. ફોરેન્સિક તપાસ પરથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર તેમનું મૃત્યુ તરસને કારણે થયું હતું.

આ ઘટના કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટના બાદ કેટલાક લોકો હવે મેકણ દાદા દ્વારા કચ્છના રણમાં ભૂલા પડેલા તરસ્યા લોકોને બચાવવા માટે ચલાવાયેલી ‘માનવસેવાના કાજ’ને યાદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે દાદા મેકણની કચ્છના ‘સંત’ તરીકે ખ્યાતિ છે.

આજે જાણીએ કચ્છમાં માનવસેવાની સરવાણી રેલાવનાર દાદા મેકણની કહાણી.

કોણ હતા દાદા મેકણ?

દાદા મેકણે ગુરુ ગંગારામ પાસેથી પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથને વધુ પ્રકાશમાં લાવ્યા. મેકણજીના કાપડી પંથમાં એક નવી શાખા શરૂ થઈ, જે મેકાપંથી નામે ઓળખાય છે.
દાદા મેકણ, લાલિયો, મોતિયો, કચ્છ, રણ, બીબીસી

દાદા મેકણનો જન્મ કચ્છ જિલ્લાના ખોભંડી ગામમાં થયો હતો. તેમનું જન્મ વર્ષ 1664 માનવામાં આવે છે.

દાદા મેકણના પિતાનું નામ હળધોળજી અને માતાનું નામ પબાબાઈ હતું, બાળપણનું નામ મેકોજી હતું જે તેમનાં માતાએ પાડ્યું હતું.

માત્ર બાર વર્ષની ઉંમરે જ તેમણે કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગુરુ ગંગારામ પાસેથી સાધુ તરીકે દીક્ષા લીધી હતી.

દાદા મેકણે ગુરુ ગંગારામ પાસેથી પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથને વધુ પ્રકાશમાં લાવ્યા. મેકણજીના કાપડી પંથમાં એક નવી શાખા શરૂ થઈ, જે મેકાપંથી નામે ઓળખાય છે.

કાપડી ‘સંતો’ નું મૂળ સ્થાન ક્ચ્છમાં રહેલું છે. ‘લક્ષ્મણજી’થી કચ્છના આ પંથના ‘આદિ પુરુષ જસારાજા’ને ભેખ મળેલો, તેમની પરંપરામાં ‘ગંગારામ’ થયા અને તેમના શિષ્ય દાદા મેકણ કચ્છમાં ખૂબ ખ્યાતિ પામ્યા.

ગિરનારમાં કરી તપસ્યા

દાદા મેકણ, કચ્છ, કબીર, લાલિયો, મોતિયો, કચ્છ, ધ્રંગ

ઇમેજ સ્રોત, Brijesh Maheshwari/FB

દાદા મેકણની નોંધ કચ્છી સર્જક અને લોકસંશોધક દુલેરાય કારાણીએ પુસ્તક ‘કચ્છના સંતો અને કવિઓ’માં કરી છે.

દુલેરાય કારાણી લખે છે એ પ્રમાણે દાદા મેકણ કચ્છમાંથી ગિરનાર-જૂનાગઢ આવ્યા હતા અને એક ગુફામાં છ મહિના સુધી અખંડ તપ કર્યું હતું.

તેમાં લખાયું છે કે, “મેકણ દાદાની ભક્તિ જોઈને ગુરુ દત્તાત્રેયની જગ્યા પરથી એમને એક કાવડ મળી અને એ કાવડ દ્વારા સંસારની સેવા કરવાનો આદેશ મળ્યો.”

પ્રાધ્યાપક સૂર્યકાંત ભટ્ટ નોંધે છે એ પ્રમાણે દાદા મેકણે સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું. ત્યાર બાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઈ ગામે પધાર્યા. ત્યારે તેમને નિર્મલગિરિનો ભેટો થયો. ધ્રંગ ગામ મેકણ દાદાના જીવનકાર્યની કર્મભૂમિ છે.

મેકણ દાદા કાવડને કામધેનુના નામથી ઓળખતા હતા. કાવડ ખભે લઈને તેઓ ભિક્ષા માગી લાવતા હતા. આ ભિક્ષા વડે પોતાનું અને ગરીબ સાધુઓનું પોષણ કરવું એ જ દાદા મેકણનું જીવન લક્ષ્ય બની ગયું.

‘લાલિયો’ અને ‘મોતિયો’: બે પ્રાણીઓ કેવી રીતે દાદા મેકણના જીવનમાં વણાઈ ગયાં હતાં?

દાદા મેકણ, કચ્છ, કબીર, લાલિયો, મોતિયો, કચ્છ, ધ્રંગ

ઇમેજ સ્રોત, Brijesh Maheshwari/FB

દાદા મેકણના આ ‘સમર્પિત’ જીવનનું અભિન્ન અંગ બની ગયેલા લાલિયા અને મોતિયાની જોડી કચ્છના ઇતિહાસમાં ‘અજોડ’ છે.

લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો વિશે ઘણી બધી વાયકાઓ જોડાયેલી છે

દુલેરાય કારાણી ‘કચ્છના સંતો અને કવિઓ’ પુસ્તકમાં નોંધે છે એ પ્રમાણે જોઈએ તો લાલિયો ગધેડો અને મોતિયો કૂતરોની વાર્તા એવી છે કે કચ્છમાં એક ધર્મપ્રેમી કુંભાર રહેતો હતો. એને ત્યાં બાળકની ખોટ હતી. પુત્રપ્રાપ્તિ માટે એણે ઘણી માનતાઓ કરી પણ સંતાન સુખ પ્રાપ્ત નહોતું થતું.

એક દિવસ સવારમાં મેકણ દાદા ખભે કાવડ ચડાવીને નીકળ્યા ત્યાં પેલા કુંભારનાં પત્ની આવી પહોંચ્યાં. દાદાના પગોમાં મસ્તક મૂકી અશ્રુભીની આંખે સંતાન જન્મની પ્રાર્થના કરવા લાગ્યાં. કુંભારનાં પત્નીનાં આંસુઓથી દાદા મેકણના પગ ભિંજાઈ ગયા.

દાદા મેકણે કહ્યું, “જા બહેન, પ્રભુ તારું કલ્યાણ કરશે.”

કહેવાય છે કે આ પ્રસંગ પછી બાર માસની અંદર કુંભાર દંપતિને ત્યાં બે પુત્રોનો જન્મ થયો.

પૈસે ટકે સુખી કુંભાર દાદા મેકણને કંઈક માગી લેવા વિનંતી કરી.

દાદા મેકણે કહ્યું, “જો ભાઈ તારે મને જરૂર કંઈક આપવું હોય તો તારો લાલિયો ગધેડો મને આપી દે.”

કુંભારને થયું કે દાદા મજાક કરે છે.

કુંભારે ગધેડાને બદલે ઘોડો લઈ આપવાની વાત કરી પણ દાદા મેકણ મક્કમ હતા.

દાદા મેકણે ગંભીર થઈ જણાવ્યું, “તારો એક લાલિયો મને લાખોની ભેટ કરતાં કીમતી લાગે છે.”

કુંભારે હરખથી લાલિયો ગધેડો એ દિવસે દાદા મેકણને આપ્યો. દાદા મેકણ પાસે એક ‘અતિ ચતુર’ કૂતરો પણ હતો. તેનું નામ મોતિયો.

આ પ્રાણીઓની જોડી દ્વારા દાદા મેકણે એક ‘અસાધારણ’ સેવાકાર્યની શરૂઆત કરી અને ‘માનવસેવા એ જ પ્રભુસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું.’

લાલિયા-મોતિયાની જોડી કેવી રીતે રણમાં લોકોના જીવ બચાવતી હતી?

દાદા મેકણ, કચ્છ, કબીર, લાલિયો, મોતિયો, કચ્છ, ધ્રંગ

ઇમેજ સ્રોત, @VinodChavdaBJP

દુલેરાય કારાણી લખે છે એ પ્રમાણે કચ્છ અને સિંધની મધ્યમાં આવેલા ખાવડાથી લોડાઈના રસ્તા વચ્ચે ચૌદ ગાઉનો રણનો રસ્તો આવે છે. ઉનાળાની ઋતુમાં આ રણો ધખતો હોય છે. મુસાફર પાસે પાણી ન હોય અને તડકો વધી જાય તો મુસાફર એ રણમાંથી ભાગ્યે જ જીવતો બહાર નીકળી શકે.

એમ કહેવાય છે કે અનેક મુસાફરો પાણીના અભાવે મૃત્યુ પામ્યાં હતાં. પાણી વગર તરફડી મરતા મુસાફરોને બચાવી લેવાના કાર્યમાં મેકણ દાદાએ લાલિયા અને મોતિયાનો ઉપયોગ કર્યો.

લાલિયાની પીઠ પર છાલકામાં ઠંડા પાણીનાં બે માટલાં બંને બાજુએ મૂકવામાં આવતાં. સાથે એક દોરીથી બાંધેલો પ્યાલો પણ રાખવામાં આવે.

મોતિયો અને લાલિયો રણના તરસ્યા મુસાફરોને શોધવા નીકળી પડે. મોતિયો જે કોઈ માણસને જોતો તે તરફ લાલિયાને દોરી જતો. અચાનક આવેલું ઠંડું પાણી પેલા મુસાફરને નવું જીવનદાન આપતું.

માણસો ન કરી શકે એવી સેવા દાદા મેકણના આ મૂંગા સાથીદારોએ નિભાવી. મરતા મુસાફરો માટે આ બંને પ્રાણીઓ ‘ફરિશ્તા’ બની ગયાં હતાં.

ઝવેરચંદ મેઘાણી પોતાના પુસ્તક ‘પુરાતન જ્યોત’માં નોંધે છે એ પ્રમાણે દાદા મેકણ કહેતા,

લાખિયો મુંજો લખણે જેડો

હુંદો ભાયા જેડો ભા !

બ કાં ચા લખ ધોરે ફગાયાં

લાલિયા, તોજી પૂછડી મથા.

એટલે કે લાલિયા મારા ભાઈ જેવા ભાઈ! લખવા જેવું તે તારું ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બે ચાર લાખ માનવીઓને ધોળ્યા કરી ફેંકી દઉં, તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં જડશે?”

દાદા મેકણ મોતિયા માટે સાખી (ગઝલ) રચતા :

મોતિયો કુતો પ્રેમજો

ને ડેરી વીંધી હીરજી

જીયાં મને પાંચે ઈંયાં લે જાય.

રાજમહેલેથી પણ લાલિયો અને મોતિયો સામાન લઈ આવતાં હતાં

દાદા મેકણ, કચ્છ, કબીર, લાલિયો, મોતિયો, કચ્છ, ધ્રંગ

ઇમેજ સ્રોત, Getty Images

લાલિયા અને મોતિયાને દાદા મેકણ ભુજ પણ મોકલતા. ભુજની ગાદી પર એ વખતે મહારાઓ દેશળજી પહેલા બિરાજમાન હતા. મહારાઓ પોતે મેકણ દાદાના શિષ્ય હતા.

દાદા મેકણને કોઈ પણ ચીજની જરૂર હોય તો તે ચિઠ્ઠીમાં લખીને તેને મોતિયાની ડોકે બાંધી દેતા હતા, આ બંને પ્રાણીઓ ત્વરાથી ભુજ રાજમહેલમાં પહોંચી જતાં.

દાદાએ મંગાવેલી તમામ ચીજો લાલિયાની પીઠ પર લાદવામાં આવતી.

પીઠ પર સામાન બંધાઈ જતાં તરત જ આ બંને મિત્રો ત્યાંથી ચાલી નીકળતાં અને દાદા મેકણ પાસે હાજર થઈ જતાં. આ જ રીતે દાદા ભુજના વેપારીઓ પાસેથી પણ દાદા મેકણ જોઈતો માલ મંગાવતા હતા.

‘કચ્છના કબીર’ તરીકે ઓળખાતા હતા દાદા મેકણ

મેકણ દાદા અથવા મેકરણ દાદા એ કચ્છના કબીર તરીકે ઓળખાતા હતા.

સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓ-સાખીઓની રચના કરી છે.

તેમણે લખ્યું છે, ”પીર પીર કુરો કર્યોતા, નાંય પીરેજી ખાણ પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ”

એટલે કે પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ માનવી પોતાની પાંચ ઇન્દ્રિયને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે.

લખ્યા પ્રમાણેનું જીવન જીવીને આ પદનું જીવંત ઉદાહરણ દાદા મેકણે પૂરું પાડ્યું હતું.

દુલેરાય કારાણી લખે છે, ‘મહાત્મા મેકણનાં ભજનો અને સાખીઓ પણ એક ગામડિયાથી માંડીને વિદ્વાન વર્ગ સુધી અતિ માનીતાં થઈ પડ્યાં છે. દાદાની વાણીમાં થોડામાં થોડા શબ્દોમાં ઘણામાં ઘણું કહી દેવાની કળા દેખાય છે’

‘એમનું ઘણુ ખરું સાહિત્ય કચ્છની લોક-ભાષામાં હોવાથી જનમાનસ પર એની તાત્કાલિક અસર થાય છે. દાદાની સાખીઓ દિલ પર સીધી ચોટ કરે એવી સચોટ છે’

ગુજરાતી વિશ્વકોશમાં નોંધાયું છે એ પ્રમાણે, “મેકણ દાદા પાસે આવતા લોકોમાં ભૂખ્યાને રોટી, તરસ્યાને પાણી અને દુ:ખીઓને આશ્રય તથા દિલાસો મળતાં, કચ્છમાં તેમની સેવાપરાયણતા અને જ્ઞાનનો ડંકો વાગવા લાગ્યો.”

“મેકણ દાદા આર્ત માનવોના સેવક હોવા ઉપરાંત બાહ્યાડંબરો અને કર્મકાંડના વિરોધી હતા. સમાજમાં વ્યાપેલ દંભ અને ઊંચનીચના ભેદભાવની તેઓ ભર્ત્સના કરતા, અંધવિશ્વાસો અને ધર્માંધતાની નિંદા કરતા, હંમેશાં સાત્ત્વિક જીવન જીવવાની હિમાયત કરતા.”

મેકણ દાદાના જીવનસંદેશ વિશે ગુજરાતી વિશ્વકોશમાં નોંધાયું છે એ પ્રમાણે, “ધાર્મિક ભેદભાવોની વ્યર્થતા, માનવજીવનમાં સેવાવ્રતની આવશ્યકતા, યોગસાધના, રહસ્યવાદ જેવા વિષયોનું નિરૂપણ તેમની વાણીમાં મળે છે.”

આ સિવાય કચ્છમાં અનેક ચમત્કારિક અને અલૌલિક પ્રસંગો-કિવંદંતીઓ-કથાઓ દાદા મેકણ સાથે જોડાયેલી છે.

દાદા મેકણે જ્યારે સમાધિ લીધી

દાદા મેકણ, લાલિયો, મોતિયો, કચ્છ, રણ, બીબીસી

ઇમેજ સ્રોત, Valjibhai Shamjibhai Mata/FB

તારીખ 10 ઑકટોબર, વર્ષ 1730.

વિક્રમ સંવત 1786ના આસો વદ ચૌદશ, શનિવારનો દિવસ.

આ દિવસ કચ્છના ઇતિહાસમાં ખાસ નોંધાયેલો છે. આ એ દિવસ છે કે જયારે દાદા મેકણે જીવંત સમાધિ ધારણ કરી હતી.

દુલેરાય કારાણીએ આખો પ્રસંગ પોતાના પુસ્તકમાં ટાંક્યો છે.

જે પ્રમાણે દાદા મેકણની સમાધિની પત્રિકાઓ કચ્છને ગામડે-ગામડે મોકલવામાં આવી હતી. સાધુ-સંન્યાસીઓ, આજુબાજુનાં ગામોના લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. દરેકના ચહેરા પર એક પ્રકારની ઘેરી ઉદાસી છવાઈ ગઈ હતી.

સૌની છાતીમાં ડૂમાં ભરાઈ ગયાં હતાં. સમાધિ ખોદનારાઓ સમાધિઓ ખોદી રહ્યા હતા, કોઈ માટીની ગાર બનાવી રહ્યા હતા.

અગિયાર સમાધિઓ તૈયાર કરવામાં આવી હતી, કારણકે દાદા મેકણ સાથે બીજા દસ જણ જીવંત સમાધિ લેવાના હતા.

આખરી ક્ષણે લાલિયો અને મોતિયો પણ દાદા મેકણની પાસે આવીને ઊભા.

દાદા મેકણે બંનેનાં માથાં પર હાથ ફેરવ્યો. તેઓ દાદા સાથે સમાધિ લેવાની મંજૂરી માગી રહ્યા હતા. દાદા મેકણે લાલિયા અને મોતિયા માટે પણ બે સમાધિઓ બહાર તૈયાર કરાવવાની આજ્ઞા આપી. સુંદરદાસજીએ એકતારો લઈને ભજનના તાર છેડયા…

જી રે વીરા! વહાણ ખેડો તમે વડા વેપારી,

રખે મૂરગી મૂડી જાઓ હારી;

પેઢી તણા સાહેબો લેખાં માંગશે,

તેને જવાબ દેજો વિચારી. જી રે વીરા…

ભજન પૂરું થયું. તમામ મંડળી ઊઠીને ઊભી થઈ. સૌપ્રથમ દાદા મેકણ સમાધિમાં ગોઠવાઈ ગયા. સૌએ પોતપોતાની સમાધિમાં પોતાનું સ્થાન લઈ લીધું.

આખરે કચ્છ ભૂમિના આ ‘નિ:સ્વાર્થ સેવક’એ સમાધિ લીધી. ગમગીન અને ઘેરી હવા ચારે તરફ ફેલાઈ ગઈ.

દુલેરાય કારાણીના પુસ્તકની નોંધ અનુસાર, “દાદા મેકણ સદાને માટે ગયા પણ સેવામંત્રની જવલંત જ્યોત અંતરમાં ઝબૂકતી મૂકી ગયા.”

કબીર, નરસિંહ અને દાદા મેકણ

દાદા મેકણ પર ‘જીનામ’ નામની નવલકથા લખનારા કચ્છી સર્જક હરેશ ધોળકિયા લખે છે, “સંત મેકણ એટલે છેલ્લાં હજાર વર્ષમાં કચ્છમાં જે જાણીતી વ્યક્તિઓ થઈ ગઈ તેમાં સૌથી પ્રભાવશાળી વ્યકિતત્વ. સંત મેકણે કચ્છ અને સૌરાષ્ટનાં અધ્યાત્મ અને સેવાક્ષેત્રે જે કાર્યો કર્યાં છે તેનો પ્રભાવ આજે ત્રણ સદી પછી પણ જોવા મળે છે.”

“તેમનાં દોહા અને ભજનો સંત કબીરની કક્ષાનાં છે. તત્કાલીન સમાજને સુધારવાનો તેમનો પ્રયાસ તેમને કબીર, નરસિંહ વગેરેની કક્ષામાં મૂકે છે. રણમાં મુસાફરોને બચાવવાની તેમની પ્રવૃતિ સંત બર્નાડને યાદ કરાવે એવી છે.”

દાદા મેકણ પર ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત નાટ્યકાર ભરત યાજ્ઞિકે નાટકનું પણ નિર્માણ કર્યું છે.

ધ્રંગમાં આજે પણ દાદા મેકણની યાદમાં મહાશિવરાત્રિના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS