Home તાજા સમાચાર gujrati દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવ કેમ સતત ઘટી રહ્યા છે, હજુ ઘટશે કે...

દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવ કેમ સતત ઘટી રહ્યા છે, હજુ ઘટશે કે હવે વધશે?

4
0

Source : BBC NEWS

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે

વાંચવાનો સમય: 6 મિનિટ

વૈશ્વિક શૅરબજારોમાં ભારે વેચવાલી અને ક્રૂડઑઇલની કિંમત પ્રતિ બૅરલ 117 ડૉલર સુધી પહોંચ્યા બાદ 23 ઑક્ટોબરે સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.

સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ બે લાખ રૂપિયાથી નીચે સરકી ગયો હતો.

વૈશ્વિક બજારમાં કૉમેક્સ પર સોનાના વાયદા ભાવ પ્રતિ ઔંસ આશરે 4,030 ડૉલર આસપાસ હતા, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ લગભગ 54 ડૉલર આસપાસ રહ્યો હતો.

સ્થાનિક બજારમાં મલ્ટી કૉમૉડિટી ઍક્સચેન્જ (એમસીએક્સ) પર સોનાનો વાયદા ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 1,42,300 રૂપિયા અને ચાંદીનો વાયદા ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે 1,96,000 રૂપિયા આસપાસ રહ્યો હતો.

સોનાના ભાવમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગે લખ્યું, “કિંમતી ધાતુઓના ભાવમાં આ અઠવાડિયે લગભગ ચાર ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. જૂનની શરૂઆત પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો બની શકે છે.”

રયાન મેકેના જણાવ્યા અનુસાર, હાલમાં રોકાણકારો જોખમથી બચવા માટે વિવિધ સંપત્તિમાં વેચવાલી કરી રહ્યા છે અને તેના કારણે સોનાના ભાવ પણ દબાણમાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે “મધ્યપૂર્વમાં ફરી વધી રહેલા તણાવને કારણે ઊર્જાના ભાવ વધ્યા છે. બીજી તરફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી કંપનીઓના શૅરોમાંથી રોકાણ નીકળ્યું હોવાથી રોકાણકારો અમેરિકન સરકારી બૉન્ડ તરફ વળી રહ્યા છે.”

“તેના પરિણામે અમેરિકન ટ્રેઝરી બૉન્ડ પર મળતું વળતર વધ્યું છે, જેનાથી સોનાના ભાવ પર દબાણ વધ્યું છે.”

“સામાન્ય રીતે બૉન્ડનું વળતર વધે ત્યારે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળે છે.”

જોકે, બજારના એક ક્ષેત્રમાં સોનાની આ નબળાઈનો ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી. તે છે ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં સોનાનું હોલ્ડિંગ.

બ્લૂમબર્ગ જે ગોલ્ડ ઇટીએફ પર નજર રાખે છે, તેમાં સતત છેલ્લાં 14 અઠવાડિયાંથી સોનાનો પ્રવાહ વધતો રહ્યો છે. સોનાના ભાવમાં ઘટાડા છતાં આ પ્રવૃત્તિ ચાલુ રહી છે.

સેક્સો બૅન્ક એ/એસમાં કોમૉડિટી સ્ટ્રૅટેજીના પ્રમુખ ઓલે હાનસને એક નોંધમાં લખ્યું છે કે, “લાંબા ગાળાના રોકાણકારો ભૂરાજકીય જોખમો અને ચલણની ખરીદશક્તિમાં ઘટાડા સામે સુરક્ષા મેળવવા માટે ઇટીએફ મારફતે સોનું જમા કરવાનું ચાલુ રાખી રહ્યા છે.”

ચાંદીના ભાવમાં સતત ઘટાડો

ઑગસ્ટમાં પ્રતિ કિલોગ્રામ 2,48,800 રૂપિયાના સર્વોચ્ચ સ્તરેથી ચાંદીનો ભાવ અત્યાર સુધીમાં 56,000 રૂપિયા જેટલો ઘટી ચૂક્યો છે

શુક્રવારે ચાંદીના ભાવમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઑગસ્ટમાં પ્રતિ કિલોગ્રામ 2,48,800 રૂપિયાના સર્વોચ્ચ સ્તરેથી ચાંદીનો ભાવ અત્યાર સુધીમાં 56,000 રૂપિયા જેટલો ઘટી ચૂક્યો છે.

ચાંદી તેના પ્રતિ કિલોગ્રામ 4,20,048 રૂપિયાના રેકૉર્ડ ઉચ્ચ સ્તરથી અડધાથી પણ વધુ નીચા સ્તરે પહોંચી ગઈ છે.

2025 દરમિયાન ચાંદીના ભાવમાં 170 ટકાનો ભારે ઉછાળો આવ્યા બાદ હવે આ ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઑગસ્ટમાં પ્રતિ 10 ગ્રામ 1,64,773 રૂપિયાના સર્વોચ્ચ સ્તરેથી સોનું હવે લગભગ 23,000 રૂપિયા સસ્તું થયું છે.

ક્રૂડઑઇલના વધતા ભાવને કારણે મોંઘવારી અંગેની ચિંતા વધી રહી છે. સાથે જ વ્યાજદર વધવાની શક્યતા પણ વધુ મજબૂત બની છે.

ઝાય કેપિટલ માર્કેટ્સના મુખ્ય રોકાણ અધિકારી નઈમ અસલમે એક નોંધમાં જણાવ્યું હતું કે, “તાજેતરની નબળાઈ પાછળ અમેરિકન ટ્રેઝરી બૉન્ડ પર વધતું વળતર, ડૉલરની મજબૂતી અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બૅરલ 110 ડૉલરથી ઉપર જતાં ફરી મોંઘવારી વધવાની ચિંતા જવાબદાર હોવાનું અમે માનીએ છીએ.”

બૉન્ડ પર ઊંચું વળતર અને અમેરિકન ડૉલરની મજબૂતીને કારણે સોનાના ભાવ પર પણ દબાણ વધ્યું છે.

આ પરિસ્થિતિમાં સોના જેવી કિંમતી ધાતુઓ પાસે રાખવાનું આકર્ષણ ઓછી થઈ જાય છે, કારણ કે તેમાં નિયમિત વ્યાજની આવક મળતી નથી.

ગયા વર્ષની સરખામણીએ સોનું હજુ પણ મોંઘું

ગત વર્ષ કરતાં સોનાના ભાવ હજુ પણ વધારે છે, જે રોકાણકારો માટે વિશ્વાસનું કારણ છે

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના સચિવ કુમાર જૈનનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીએ રોકાણકારોને સોનામાં સારો નફો મળ્યો છે. તેના કારણે રોકાણકારોમાં આશા જળવાઈ રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “… તહેવારોની સિઝન ચાલી રહી છે. ધનતેરસ અને દિવાળી નજીક હોવાથી લોકો મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યા છે. સાથે સાથે જૂનું સોનું રિસાઇકલ કરીને તેનો ઉપયોગ કરવાનું વલણ પણ વધ્યું છે.”

તેમના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દશેરા પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,16,000 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે દશેરાના સમયે તે વધીને પ્રતિ 10 ગ્રામ 1,49,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

કુમાર જૈનનું કહેવું છે કે ભાવમાં થયેલા આ વધારાએ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “લગ્નની સિઝન પણ નજીક આવી રહી છે અને લોકો ઘરેણાં બનાવવા સોનાની ખરીદી કરી રહ્યા છે. સોનાની માગ વધવાનું આ પણ એક મહત્ત્વનું કારણ છે.”

જોકે, તેમણે કહ્યું કે ચાંદીમાં રોકાણ કરનારાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે.

ભવિષ્યમાં શું થઈ શકે?

નિષ્ણાતો અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી કંપનીઓના શૅરોમાંથી રોકાણ નીકળ્યું હોવાથી રોકાણકારો અમેરિકન સરકારી બૉન્ડ તરફ વળી રહ્યા છે

જોકે, કેન્દ્રીય બૅન્કો દ્વારા સોનાની સતત ખરીદી અને ગોલ્ડ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં મજબૂત માગને કારણે સોનાના ભાવમાં થતો ઘટાડો મર્યાદિત રહ્યો છે.

XS.comનાં બજાર વિશ્લેષક લિન ટ્રાને એક નોંધમાં જણાવ્યું, “બજાર હાલમાં સોનાની ખરીદીની માગ અને ઊંચા વ્યાજદરોના દબાણ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. વેચવાલીનું દબાણ થોડું ઘટ્યું છે, પરંતુ હાલની ખરીદીની માગ એટલી મજબૂત નથી કે તે ભાવને નવી દિશા આપી શકે.”

અસલમે જણાવ્યું હતું કે ચાંદીનું ઔદ્યોગિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હોવાથી ઉત્પાદન ગતિવિધિઓમાં મંદીની સીધી અસર તેના ભાવ પર પડે છે. તેના કારણે ચાંદીના ભાવ પર વધારાનું દબાણ વધ્યું છે.

તેમણે કહ્યું કે ઝાય કૅપિટલને એવી અપેક્ષા છે કે ચાંદીના ભાવની ભાવિ દિશા એ વાત પર નિર્ભર રહેશે કે ઔદ્યોગિક માગમાં સુધારો અને ભૌતિક ચાંદીની મર્યાદિત સપ્લાય અમેરિકાની કડક નાણાકીય નીતિના દબાણને પાછળ છોડી શકે છે કે નહીં.

ફૉરેક્સ ડૉટ કૉમના બજાર વિશ્લેષક ફવાદ રઝાકજાદાએ એક નોંધમાં જણાવ્યું હતું કે મોંઘવારીની સોનાના ભાવ પર બે પ્રકારની અસર થાય છે.

તેમણે કહ્યું, “સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો સતત ઊંચી મોંઘવારીના સમયમાં મૂલ્ય જાળવી રાખતા સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માગ વધવી જોઈએ.”

“પરંતુ જો મોંઘવારી લાંબા સમય સુધી રહે અને તેના કારણે કેન્દ્રીય બૅન્કો કડક નાણાકીય નીતિ જાળવી રાખે, તો વાસ્તવિક અને નામમાત્ર વ્યાજદરોમાં વધારો થાય છે, જેનાથી સોનામાં રોકાણનું આકર્ષણ અમુક અંશે ઘટી જાય છે.”

ક્રૂડઑઇલના ભાવની અસર

મધ્યપૂર્વમાં ચાલતા તણાવને કારણે ક્રૂડઑઇલના ભાવ પ્રતિ બૅરલ પર 113.75 ડૉલર સુધી પહોંચી ગયા છે

ક્રૂડઑઇલના ભાવ સોના અને ચાંદીના ભાવને મુખ્યત્વે પરોક્ષ રીતે અસર કરે છે. તેની અસર મોંઘવારી, વ્યાજદર અને આર્થિક વૃદ્ધિ દ્વારા જોવા મળે છે.

જોકે, એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે ઑઇલ મોંઘું થાય તો કિંમતી ધાતુઓના ભાવ ગગડે.

જ્યારે ઑઇલના ભાવ વધે છે, ત્યારે ઈંધણ, પરિવહન અને ઉત્પાદનનો ખર્ચ પણ વધે છે. તેના કારણે બજારમાં એવી ચિંતા ઊભી થાય છે કે મોંઘવારી લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહી શકે છે.

રોકાણકારોને લાગે છે કે કેન્દ્રીય બૅન્કો વ્યાજદરોમાં ઘટાડો ઓછો કરશે અથવા લાંબા સમય સુધી તેને ઊંચા સ્તરે જ રાખશે. એવામાં બૉન્ડ પર મળતું વળતર વધે છે. તેના કારણે સોનામાં રોકાણનું આકર્ષણ ઘટી શકે છે, કારણ કે સોનામાં નિયમિત વ્યાજ મળતું નથી.

પરંતુ બીજી સ્થિતિ પણ બની શકે છે. ઑઇલના ભાવમાં અચાનક મોટો વધારો થવાથી મોંઘવારી અને ભૂરાજકીય તણાવ અંગેની ચિંતા વધે, ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી શકે છે.

આવી સ્થિતિમાં જો વ્યાજદરો વધારવાનું દબાણ સીમિત રહે, તો સોનાના ભાવને ટેકો મળી શકે છે અને તેમાં તેજી જોવા મળી શકે છે.

ચાંદી એક કિંમતી ધાતુ હોવા ઉપરાંત ઔદ્યોગિક કાચો માલ પણ છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, સોલર પૅનલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોમાં થાય છે. વર્ષ 2024માં ચાંદીની વૈશ્વિક કુલ માગમાં ઔદ્યોગિક ઉપયોગનો હિસ્સો અંદાજે 56 ટકા હતો.

આથી, જો ઑઇલના ભાવમાં વધારો થવાને કારણે ઉત્પાદન ખર્ચ વધે અને મૅન્યુફૅક્ચરિંગ પ્રવૃત્તિઓ ધીમી પડે, તો ચાંદી માટે વધારાની ચિંતા ઊભી થઈ શકે છે. એટલે કે તેની ઔદ્યોગિક માગમાં ઘટાડો થઈ શકે છે.

જ્યારે બજારને કડક નાણાકીય નીતિ અને ધીમી આર્થિક વૃદ્ધિ બંનેની આશંકા હોય, ત્યારે ચાંદીના ભાવ પર સોનાની સરખામણીએ વધુ દબાણ આવી શકે છે.

જોકે, આ માત્ર માગ સાથે જોડાયેલું એક સંભવિત જોખમ છે.

ઑઇલના ભાવ સીધા સોના અને ચાંદીના ભાવને નિયંત્રિત કરતા નથી.

ખરેખર તો સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઑઇલના વધતા ભાવ વ્યાજદર અંગેની અપેક્ષાઓ, મોંઘવારીને ધ્યાનમાં લીધા પછી મળતા બૉન્ડ રિટર્ન અને ખાસ કરીને ચાંદીના કિસ્સામાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર કેવી અસર પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS