Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Victoria Stellas
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
ગ્રીસમાં રજાઓ ગાળવા દરમિયાન એક મહિલાને ભમરી કે માખી જેવું જંતુ કરડ્યા પછી તે મહિલા લગભગ છ અઠવાડિયાં સુધી કોમામાં સરી પડ્યાં હતાં.
બસ, ત્યારથી તેઓ યાદશક્તિ ગુમાવવાની અને આંચકી આવવા જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે અને અત્યારે તેમણે રોજ 18 ગોળીઓ ગળવી પડે છે.
એંગ્લિસીનાં રહીશ વિક્ટોરિયા સ્ટેલાસ 2019માં ગ્રીસના સાયરોસ ટાપુ પર હતાં, ત્યારે તેમને ફ્લૂ જેવાં લક્ષણો જણાયાં હતાં. રજાઓ ગાળીને ઘરે આવ્યાં પછી તેમને રાતે આંચકી (ખેંચ) આવવા માંડી હતી.
તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં, પણ “કોઈને સમજાતું નહોતું કે તેમને શું થયું હતું”. તેમનો એમઆરઆઇ સ્કૅન કરવામાં આવ્યો અને હેલિકૉપ્ટર દ્વારા તેમને લિવરપૂલના વૉલ્ટન સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમને 42 દિવસ સુધી પ્રેરિત કોમા (દર્દીને દવાઓ આપીને સલામત રીતે બેભાન રાખવાની સ્થિતિ)માં રાખવામાં આવ્યાં હતાં.
તે પછી વિક્ટોરિયાને ટિક-બૉર્ન ઍન્સેફાલિટીસ (ટીબીઈ) હોવાનું નિદાન થયું હતું, જે મગજનું એક સંક્રમણ હતું અને તે જીવલેણ પણ બની શકે છે.
51 વર્ષનાં વિક્ટોરિયા કહે છે, “આ ઘટનાએ મારું જીવન બદલી નાખ્યું છે. હું કામ સિવાય ખાસ બહાર જતી નથી.”
વિક્ટોરિયાને એક પુત્રી છે. વિક્ટોરિયા માને છે કે, તેઓ તેમના બનેવીના ઘરે હતાં, ત્યારે તેમને એક ઝીણું જંતુ કરડ્યું હતું. તેમના બનેવી પાસે બકરાં છે અને બકરાં હોય, ત્યાં આવાં જંતુ આકર્ષાય છે.
વિક્ટોરિયાએ કહ્યું હતું, “મને સતત આંચકી આવતી હતી અને કોઈને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે. તે એક દુર્લભ સંક્રમણ હતું અને મને નથી લાગતું કે, તેમનામાં તેનું નિદાન કરવાની કાબેલિયત હતી.”
બીમારીને કારણે ગુમાવવી પડી નોકરી
ઇમેજ સ્રોત, Victoria Stellas
“હૉસ્પિટલમાં મારી સારવાર અને તે પછીની સારવાર કરતાં બધું મળીને કુલ છ મહિનાનો સમય લાગ્યો.”
“કેટલીક વખત હું બસ ચૂપચાપ બેઠી રહેતી. પહેલાં હું ઘણી મળતાવડી હતી.”
બીમારી દરમિયાન વિક્ટોરિયાને જે લક્ષણો અનુભવાયાં, તેના લીધે તેમણે તેમની પબની નોકરી, વિકલાંગ તથા વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતાં બાળકો માટેની સ્કૂલમાં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકેની નોકરી ગુમાવવી પડી.
તેઓ કહે છે, “એવી કઈ નોકરી છે, જેમાં યાદશક્તિની જરૂર નથી પડતી?” જીવનમાં દરેક જગ્યાએ સ્મૃતિની જરૂર પડે છે, પછી તે શૉપિંગ હોય, કામ હોય કે પ્રવાસ હોય.
“ઘરે પરત ફર્યા પછી મેં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી જોયો, પણ મને જુદા-જુદા વર્ગોનાં સ્ટાફ અને બાળકોનાં નામ યાદ રહેતાં નહોતાં.
“મને બધા લોકો પરિચિત લાગતા હતા, પણ હું તેમનાં નામ યાદ રાખી શકતી નહોતી અને એ સમસ્યા આજે પણ છે.”
એનએચએસના જણાવ્યા પ્રમાણે, ટીબીઇ એ યૂરોપ, રશિયામાં તથા ચીન અને જાપાનના અમુક ભાગોમાં જોવા મળતાં ટિક્સ (ઢોર-ઢાંખર હોય, ત્યાં મળી આવતી નાની જીવાત) કરડવાથી ફેલાય છે.
એનએચએસે જણાવ્યું છે કે, બ્રિટનમાં ટીબીઇ થવાનું જોખમ ઘણું ઓછું છે અને ટિક કરડવાથી ગંભીર બીમારી થવાનું જોખમ પણ ઘણું જ ઓછું છે.
ટિક કરડ્યાના લગભગ એકાદ અઠવાડિયા પછી થાક, માથું દુ:ખવું, ખેંચ આવવી, મૂંઝવણ, જીભ લથડવી કે શરીરના અમુક ભાગમાં હલન-ચલન બંધ થઈ જવા જેવાં સંક્રમણનાં લક્ષણો જોવા મળે છે.
હવે ચેપ વિશે જાગૃતિ ફેલાવવા માગે છે
ઇમેજ સ્રોત, Victoria Stellas
એનએચએસે સલાહ આપી છે કે, જે લોકો આ સંક્રમણ સામાન્ય હોય તેવા દેશોનો પ્રવાસ ખેડવા માગતા હોય અને બહારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે પ્રવાસના ઓછામાં ઓછા એક મહિના પહેલાં ટીબીઈ રસી લઈ લેવી જોઈએ.
પબ્લિક હેલ્થ વૅલ્સ (પીએચડબલ્યૂ)એ જણાવ્યું હતું કે, વૅલ્સમાં ટિક કરડ્યા પછી ટીબીઇનો એક પણ કન્ફર્મ કેસ નોંધાયો નથી, પરંતુ 2019થી ઇંગ્લૅન્ડ અને સ્કોટલૅન્ડમાં સ્થાનિક સ્તર પર ફેલાયેલા થોડા કેસો જોવા મળ્યા છે.
વિક્ટોરિયાનો જન્મ ગ્રીસમાં થયો હતો અને તેઓ પાંચ વર્ષનાં હતાં, ત્યારે વૅલ્સ સ્થળાંતર કરી ગયાં હતાં. તેઓ દર વર્ષે રજાઓ ગાળવા માટે ગ્રીસ જાય છે, પણ તેમને આ રસી વિશે જાણકારી ન હતી.
તેઓ આ સંક્રમણ વિશે જાગૃતિ ફેલાવવા માગે છે અને જોખમી વિસ્તારોમાં પ્રવાસ કરતા અને જંગલમાં કે પશુઓની આસપાસ સમય પસાર કરનારા લોકોને રસી લેવાનો અનુરોધ કરે છે.
ઇમેજ સ્રોત, Victoria Stellas
તેઓ બેંગોર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ષમાં એક વાર તેમની કહાણી વિશે જણાવે છે.
વિક્ટોરિયા હાલમાં રોજની 15થી 18 ગોળીઓ લે છે અને રોજિંદાં કાર્યો કેવી રીતે કરવા, તે યાદ રાખવા માટે તેમણે જુદી-જુદી પ્રયુક્તિઓ પર આધાર રાખવો પડે છે.
“મને હવે અગાઉની માફક રાતે નિયમિતપણે ખેંચ નથી આવતી હતી. હું હવે મારાં માતા સાથે સૂઈ જાઉં છું,” એમ તેમણે કહ્યું હતું.
“હું નસીબદાર છું કે, મારો પરિવાર અને મારા મિત્રો આ મુશ્કેલીભર્યા ગાળા દરમિયાન મારી પડખે રહ્યા હતા.”
વિક્ટોરિયાનાં માતા લિઝ સ્ટેલાસે જણાવ્યું હતું, “તમારે એવી વસ્તુઓથી ચેતવું જોઈએ જે નિર્દોષ જણાતી હોય, કારણ કે, હકીકતમાં તે નિર્દોષ નથી હોતી.”
“જીવાતના કરડવાથી તમારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવી શકે છે. મને નથી લાગતું કે, લોકોને તે વિશે જાણ હોય.”
ટીબીઇની રસી એનએચએસ થકી ઉપલબ્ધ નથી. તે માત્ર ખાનગી ટ્રાવેલ હેલ્થ સેન્ટર્સ અને સ્પેશ્યાલિસ્ટ ફાર્મસીઓ પર જ મળે છે.
શું સાવચેતી રાખવી?
ઇમેજ સ્રોત, Getty Images
પીએચડબલ્યૂએ જણાવ્યું હતું, “ઇતરડી (ટિક)ની હાજરી હોવાની શક્યતા ધરાવતી જગ્યાઓ પર જવાનું થાય, ત્યારે લોકોએ લાંબી બાંયનાં કપડાં અને આખું પૅન્ટ પહેરવું જોઈએ, ખુલ્લી ત્વચા પર ડીઇઇટી ધરાવતું ઇન્સેક્ટ રૅપેલન્ટ લગાવવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સ્પષ્ટ રીતે ચિહ્નિત કરેલા રસ્તા પર જ ચાલવું જોઈએ.”
બહાર સમય પસાર કર્યા પછી તમારું શરીર, કપડાં અને પાલતૂ પશુની તપાસ કરી લેવી જરૂરી છે. ત્વચા સાથે ચોંટી ગયેલી ઇતરડીને ટિક રિમૂવલ ટૂલ (ઇતરડી કાઢવાના સાધન) કે અણીદાર ચીપિયા વડે બને તેટલી જલદી કાઢી નાખવી જોઈએ.”
“ઇતરડીને જલદી કાઢી નાખવાથી કોઈ જંતુજન્ય સંક્રમણ થવાનું જોખમ ઘટી જાય છે.
યુનિવર્સિટી ઑફ લિવરપૂલ ખાતે ઝુઓનોટિક ઇન્ફૅક્શન્સના નિષ્ણાત પ્રોફેસર બૅનેડિક્ટ માઇકલના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 30 વર્ષોમાં વિશ્વભરમાં ટીબીઇના કેસોની સંખ્યામાં વધારો થયો છે, પણ બ્રિટનમાં આવા કેસોની સંખ્યા “ઘણી ઓછી” છે.
યૂરોપ અને પૂર્વ એશિયામાં આ કેસો ઘણા સામાન્ય હોવા છતાં ઊંચું જોખમ ધરાવતાં ચોક્કસ સ્થળો દર્શાવવાં ઘણું વ્યાપક ગણાશે, એમ તેમણે કહ્યું હતું.
સાથે જ તેમણે નોંધ્યું હતું કે, વિક્ટોરિયા જેવા કેસો “સદ્ભાગ્યે અત્યંત દુર્લભ છે.”
તેમણે આગળ કહ્યું હતું, “એકંદરે આશરે ત્રણ ટકા લોકોમાં મગજના સંક્રમણ જેવી જટિલતાઓ વિકસે છે, જ્યારે 97 ટકા લોકોમાં કોઈ લક્ષણો જણાતાં નથી અથવા તો તે લક્ષણો ટૂંકા ગાળાનાં, છતાં તીવ્ર ફ્લૂ જેવાં પરેશાન કરનારાં હોય છે.”
“આ એક ગંભીર બીમારી છે, કારણ કે તેના માટે કોઈ અસરકારક ઍન્ટિવાઇરલ સારવાર ઉપલબ્ધ નથી.”
“આથી, વિક્ટોરિયાની માફક જ્યારે કોઈને ઍન્સેફાલિટીસ (મગજનો સોજો) થાય, ત્યારે સારવારનું મુખ્ય ફોકસ તે વ્યક્તિને સલામત રાખવા પર, ખેંચ આવતી અટકાવવા પર અને આ પ્રકારની જટિલતાઓ નિવારવા પર હોય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




