Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા અને ભારત વચ્ચેના સંબંધોની વાત થાય છે ત્યારે લોકો સોવિયેત સંઘના હુંફાળા પ્રતિસાદને યાદ કરે છે.
1955માં સોવિયેત સંઘના નેતા નિકિતા ખ્રુશ્ચેવ ભારતની મુલાકાતે આવ્યા હતા. એ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે “અમે તમારી ખૂબ નજીક છીએ. ભલે તમે અમને પર્વતની ટોચ પરથી બોલાવો, અમે તમારી પડખે રહીશું.”
1991માં સોવિયેત સંઘનું વિઘટન થયું અને રશિયા બચી ગયું ત્યારે ભારત સાથેના સંબંધોમાં વિશ્વાસ અકબંધ રહ્યો. પશ્ચિમી દેશો કાશ્મીર અંગે દ્વિધામાં હતા ત્યારે સોવિયેત સંઘે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે.
શીતયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રસ્તાવને ઘણી વખત વીટો કરીને રોક્યો છે. ભારત હંમેશાં કહેતું આવ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને રશિયા શરૂઆતથી જ તેનું સમર્થન કરી રહ્યું છે.
યુએનએસસીના કાયમી સભ્યોમાં સોવિયેત યુનિયન એકમાત્ર એવો દેશ હતો જેણે 1957, 1962 અને 1971માં કાશ્મીરમાં હસ્તક્ષેપના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને અવરોધિત કર્યો હતો. રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત વિરુદ્ધના ઠરાવોને અત્યાર સુધીમાં છ વખત વીટો કર્યો છે. આમાંથી મોટા ભાગના વીટો કાશ્મીર માટે હતા. ગોવામાં પોર્ટુગીઝ શાસનનો અંત લાવવા માટે ભારતના લશ્કરી હસ્તક્ષેપને પણ સોવિયેત સંઘે યુએનએસસીમાં વીટો કર્યો હતો.
ઑગસ્ટ 2019માં ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો ત્યારે રશિયાએ પણ ભારતને ટેકો આપ્યો હતો, પરંતુ પહલગામ હુમલા પછી પાકિસ્તાનમાં ભારતની લશ્કરી કાર્યવાહી પર રશિયાનો પ્રતિભાવ ભારત માટે ખૂબ ઉત્સાહજનક માનવામાં આવતો નથી. રશિયાનો પ્રતિભાવ ખૂબ જ સંતુલિત અને તટસ્થ હતો.
રશિયાએ ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી અને મધ્યસ્થી પણ ઑફર કરી હતી.
રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, “ભારત અમારો વ્યૂહાત્મક ભાગીદાર છે. પાકિસ્તાન પણ અમારો ભાગીદાર છે. અમે દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથેના સંબંધોને મહત્ત્વ આપીએ છીએ.”
રશિયાનો સંતુલિત પ્રતિભાવ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લવરોફ વચ્ચે 3 મેના રોજ વાતચીત થઈ હતી. આ વાતચીત વિશે માહિતી આપતાં રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું, “રશિયન વિદેશ મંત્રીએ દિલ્હી અને ઇસ્લામાબાદને દ્વિપક્ષીય વાતચીત દ્વારા વિવાદનો અંત લાવવા અપીલ કરી છે.”
રશિયન વિદેશ મંત્રાલયની આ ટિપ્પણીને ફરીથી પોસ્ટ કરતાં થિંક ટેન્ક બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના સિનિયર ફેલો તન્વી મદને લખ્યું હતું, “રશિયાએ 12 વર્ષથી ઓછા સમયમાં યુક્રેન પર બે વાર હુમલા કર્યા છે. તે ભારતને વાતચીત દ્વારા પાકિસ્તાન સાથેના વિવાદનો અંત લાવવા કહી રહ્યું છે.”
તન્વી મદનની આ પોસ્ટ બાબતે ઍક્સના એક યૂઝરે લખ્યું હતું, “રશિયાને શું થયું છે? ભારતે રશિયાની પડખે પાક્કા દોસ્તની જેમ ઊભું રહેવું જોઈતું હતું, પરંતુ આપણા વડા પ્રધાન યુક્રેન ગયા અને કહ્યું કે રશિયા અને યુક્રેનને વાતચીત દ્વારા વિવાદ ઉકેલવો જોઈએ. આને ન્યૂટનનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે, એટલે કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.”
તેના જવાબમાં તન્વી મદન લખ્યું, ”ભારતે 2022માં યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને ટેકો આપ્યો ન હતો તેથી રશિયાએ પણ તેનું સમર્થન કર્યું નહીં એવું કહેવું સંપૂર્ણપણે યોગ્ય નથી. 2019માં પણ પુલવામા પછી રશિયાએ ભારતને શાંતિની અપીલ કરી હતી અને મધ્યસ્થીની ઓફર કરી હતી.”
તન્વી મદનની આ ટિપ્પણીનો જવાબ આપતા થિંક ટેન્ક ORF ખાતે ભારત-રશિયા સંબંધોના નિષ્ણાત એલેક્સી ઝાખારોવે લખ્યું હતું, ”90ના દાયકાથી ભારત પ્રત્યે રશિયાનું વલણ મિશ્ર રહ્યું છે. 2002માં પણ પુતિને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે તેને નકારી કાઢ્યો હતો. બદલાતી ભૂરાજનીતિ ઉપરાંત યુએનએસસીના પાંચ કાયમી સભ્ય દેશોમાં એ બાબતે સર્વસંમતિ છે કે તેઓએ તણાવ ઘટાડવામાં તેમની ભૂમિકા ભજવવી જોઈએ.”
એલેક્સી સાથે સંમત થતાં મોસ્કો સ્થિત HSE યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિવેદિતા કપૂરે લખ્યું હતું, ”હું પરમાણુ મુદ્દા પર એલેક્સી સાથે પણ સંમત છું. પરમાણુ શક્તિ તરીકે, અન્ય શક્તિશાળી દેશો સાથે તણાવ ઘટાડવાની જવાબદારી રશિયાની છે. જ્યારે બે પરમાણુ શક્તિઓ યુદ્ધ તરફ આગળ વધી રહી છે ત્યારે શાંતિની અપીલ સ્વાભાવિક છે.”
રશિયા પાસેથી અપેક્ષાઓ

ઇમેજ સ્રોત, Getty Images
નિવેદિતા કપૂરે લખ્યું છે, ” સંઘર્ષની ઘડીમાં ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે ત્યારે ભારત તરફથી એવી અપેક્ષા વધી જાય કે રશિયા પણ ખુલ્લેઆમ ભારતને ટેકો આપશે. રશિયા એવો માથાનો દુખાવો ખરેખર નથી ઇચ્છતું, જેમાં તેણે ભારત તથા ચીન વચ્ચે સંતુલન જાળવી રાખવાની ચિંતા કરવી પડે અને બન્ને પક્ષોને પોતાની ભાગીદારી બાબતે ખાતરી આપવી પડે. વળી તેના બે મુખ્ય ભાગીદારો વિરુદ્ધ બાજુ પર હોય ત્યારે કોઈ એકની સક્રીય રીતે તરફેણ કરવાથી બચવાનો પ્રયાસ પણ રશિયા કરે છે.”
નવી દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતેના સેન્ટર ફૉર રશિયન ઍન્ડ સેન્ટ્રલ એશિયન સ્ટડીઝના ઍસોસિએટ પ્રોફેસર ડૉ. રાજનકુમારને પૂછ્યું કે પાકિસ્તાન સાથેના ભારતના સંઘર્ષમાં તેઓ રશિયાના વલણને કેવી રીતે જુએ છે?

ઇમેજ સ્રોત, Yan Dobronosov/Global Images Ukraine via Getty Images
ડૉ. રાજનકુમાર કહે છે, “પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે ભારતને એકપક્ષીય સમર્થન આપવાની વાત અત્યાર સુધી રશિયા કરતું હતું, પરંતુ આ વખતે રશિયાએ સમગ્ર મામલામાં દ્વિપક્ષીય વાટાઘાટની વાત કરી, મધ્યસ્થી વિશે વાત કરી પણ ભારતની તરફેણમાં તેનું એકપક્ષીય વલણ હતું તે જોવા મળ્યું નહીં.”
ડૉ. રાજનકુમાર કહે છે, “આ વખતે પણ રશિયાનો ઝુકાવ ભારત તરફે જોવા મળ્યો એ વાત સાચી છે, પરંતુ તેનું નિવેદન બહુ જ સંતુલિત હતું. સંપૂર્ણપણે ભારતની તરફેણમાં ન હતું. લવરોફનું નિવેદન બહુ જ સંતુલિત હતું. આ વખતે આખા મામલામાં રશિયા પોતાને મર્યાદિત રાખતું જોવા મળ્યું છે.”
ડૉ. રાજનકુમાર માને છે કે તેનાં ત્રણ કારણો છે. તેઓ કહે છે, “રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત રશિયા તરફ ઝુકેલું હતું, પરંતુ ભારતે રશિયા ઇચ્છતું હતું તેમ તેનું સંપૂર્ણ સમર્થન કર્યું ન હતું. વડા પ્રધાને યુક્રેનની મુલાકાત લીધી હતી અને તેમણે યુક્રેન યુદ્ધનું નિરાકરણ ડિપ્લોમસી દ્વારા લાવવા કહ્યું હતું. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે કોઈ પણ દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ન થવું જોઈએ.”
“બીજું કારણ એ છે કે ભારત અમેરિકાની ખૂબ નજીક ગયું છે અને સંરક્ષણ સહયોગ ઘણો વધ્યો છે. રશિયા સાથેની ભારતની સંરક્ષણ ભાગીદારી ઘટી છે. પશ્ચિમ સાથે વધી છે. ત્રીજું કારણ રશિયાની પોતાની મજબૂરી છે. રશિયાએ તાલિબાન પરનો પ્રતિબંધ હઠાવી લીધો છે. રશિયા પાકિસ્તાન મારફત અફઘાનિસ્તાનમાં પગપેસારો કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં પુતિન પાકિસ્તાનને સંપૂર્ણપણે બાજુ પર ધકેલવા ઇચ્છતા નથી.”
રશિયા અને પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છેલ્લે ડિસેમ્બર 2021માં આવ્યા હતા. એટલે કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી પુતિન ભારત આવ્યા નથી.
બીજી તરફ, તેઓ બે વખત ચીન ગયા છે. વચ્ચેના સમયગાળામાં તેમણે અન્ય દેશોનો પ્રવાસ પણ કર્યો છે. ડિસેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાયેલી જી-20 સમિટમાં પણ પુતિન આવ્યા ન હતા. ભારતની રશિયા સાથે વાર્ષિક શિખર પરિષદ થતી હોય છે. તેમાં પણ અનિયમિતતા આવી છે.
રશિયા મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય તેવા શાંઘાઈ કો-ઑપરેશન ઍર્ગેનાઇઝેશન (એસસીઓ) જેવાં સંગઠનોમાં ભારતનો અલગાવ તાજેતરનાં વર્ષોમાં વધ્યો છે.
જુલાઈ 2024માં યોજાયેલી એસસીઓ સમિટમાં નરેન્દ્ર મોદી સામેલ થયા ન હતા. એસસીઓનું અધ્યક્ષપદ 2023માં ભારત પાસે હતું અને તેથી તેને લો પ્રોફાઇલ અધ્યક્ષતા તરીકે જોવામાં આવે છે.
ભારતે એ શિખર પરિષદનું વર્ચ્યુઅલ આયોજન કરાવ્યું હતું. બીજી તરફ એ જ વર્ષે ભારતે પોતાના અધ્યક્ષપદે જી-20 સમિટનું હાઈ પ્રોફાઇલ આયોજન કર્યું હતું. બન્ને દેશો વચ્ચે ગત વર્ષે 68 અબજ ડૉલરનો વેપાર હતો, પરંતુ ભારતે તેમાંથી 60 અબજ ડૉલરનું તો ઑઇલ જ રશિયા પાસેથી ખરીદ્યું હતું.
2009થી 2013 દરમિયાન ભારત કુલ પૈકીનાં 76 ટકા શસ્ત્રો રશિયાથી આયાત કરતું હતું, પરંતુ 2013થી 2019 દરમિયાન તેમાં 36 ટકા ઘટાડો થયો છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રશિયા અને મધ્ય એશિયા અધ્યયન કેન્દ્રના પ્રોફેસર સંજયકુમાર પાંડેના કહેવા મુજબ, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારત રશિયાની વિરુદ્ધ ન હતું, પરંતુ તેનું એકતરફી સમર્થક પણ ન હતું.
પ્રોફેસર પાંડે કહે છે, “રશિયા માટે પાકિસ્તાન કોઈ અછૂત નથી, એ આપણે ભૂલવું ન જોઈએ. 1965માં પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધમાં રશિયા તટસ્થ હતું તથા મધ્યસ્થી કરતું હતું. સોવિયેત સઘની મધ્યસ્થતામાં જ તાશ્કંદ કરાર થયો હતો અને તે ભારતની તરફેણમાં ન હતો. એ કરાર પછી ભારતીય સેનાએ પાછું હઠવું પડ્યું હતું. 1971ના યુદ્ધમાં રશિયા ભારત સાથે હતું, પરંતુ હવે દુનિયા બહુ બદલાઈ ગઈ છે. તેમ છતાં હું માનું છું કે રશિયા આજે પણ આપણી સાથે છે. અમેરિકાના વિરોધ છતાં ભારતે રશિયા પાસેથી એસ-400ની ખરીદી કરી હતી અને આ વખતે પાકિસ્તાનના હુમલા રોકવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.”
પાકિસ્તાનના પશ્ચિમ સાથે સંબંધો નબળા પડવાને કારણે રશિયા સાથેનો તેનો સંબંધ વધ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. 2023માં રશિયા અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી વેપાર એક અબજ ડૉલરનો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધારે હતો. રશિયાના નાયબ વડા પ્રધાન અલેક્સેઈ ઓવરચુકે ગયા વર્ષે પાકિસ્તાનને બ્રિક્સમાં સામેલ કરવાનું સમર્થન કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS