Source : BBC NEWS
ઇમેજ સ્રોત, DEBAJYOTI CHAKRABORTY/Middle East Images/AFP via Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ
યુપીઆઈને લઈને સરકારે નવું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. તેના બાદ સૌથી મોટો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે શું હવે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા પર સામાન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિથી વ્યક્તિ એટલે કે પર્સન ટુ પર્સન (P2P) યુપીઆઈ પેમેન્ટ સંપૂર્ણપણે મફત રહેશે. એટલે કે સામાન્ય લોકોને યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. બીજી તરફ, મોટા ભાગના નાના વેપારીઓ પણ સરકારના આ નિર્ણયથી પ્રભાવિત નહીં થાય.
પરંતુ કેટલાક મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ થશે.
ચાલો, પ્રશ્ન-જવાબના સ્વરૂપમાં સમજીએ કે નવા નિયમો શું છે?
P2P પેમેન્ટ શું છે? એમડીઆક (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) શું છે? અને ગ્રાહકો પર કોઈપણ પ્રકારનું શુલ્ક નહીં લગાડવાની સરકારની જાહેરાત હોવા છતાં યુપીઆઈ વપરાશકર્તાઓમાં ચિંતા કેમ છે?
શું હવે UPI દ્વારા પૈસા મોકલવા પર ચાર્જ લાગશે?
ના. જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને યુપીઆઈ દ્વારા પૈસા મોકલે છે, તો કોઈ ચાર્જ લાગશે નહીં.
રકમ કેટલી પણ હોય, P2P એટલે કે વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે.
સરકારના જણાવ્યા મુજબ, યુપીઆઈનાં કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં અંદાજે 70 ટકા હિસ્સો આવા P2P પેમેન્ટનો છે.
પીટુપી (P2P) પેમેન્ટ શું હોય છે?
આનો અર્થ એ છે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સીધા પૈસા મોકલવા (પર્સન ટુ પર્સન) થાય છે.
ઉદાહરણ તરીકે, તમે તમારા કોઈ નજીકની વ્યક્તિને અથવા મિત્રને યુપીઆઈ મારફતે કેટલી પણ રકમ મોકલો (શરતે કે યુપીઆઈએ આવા ટ્રાન્ઝેક્શન માટે એક દિવસની કોઈ ઉચ્ચ મર્યાદા નક્કી ન કરી હોય).
તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં, જેમ અગાઉ પણ લાગતો નહોતો.
સરકારના જણાવ્યા મુજબ, રકમ કેટલી પણ હોય, આવા યુપીઆઈ પેમેન્ટ મફત જ રહેશે.
2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર શું મર્ચન્ટને ચાર્જ લાગશે?
ઇમેજ સ્રોત, Getty Images
ના. 2,000 રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટને કોઈ MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચૂકવવાનો રહેશે નહીં.
સરકાર અને NPCIના નવા ફ્રેમવર્ક મુજબ, 2,000 રૂપિયા સુધીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે ચાર્જમુક્ત રહેશે.
એટલે કે, જો તમે કોઈ દુકાનદાર, પેટ્રોલ પંપ, રેસ્ટોરાં અથવા અન્ય વેપારીને યુપીઆઈ દ્વારા 2,000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરો છો, તો તેના પર કોઈ એમડીઆર લાગશે નહીં.
સરકારના જણાવ્યા મુજબ, 2,000 રૂપિયા સુધીના ઓછા મૂલ્યના ટ્રાન્ઝેક્શન તમામ યુપીઆઈ P2M ટ્રાન્ઝેક્શનના 95 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, અને આ વ્યવહારો પર કોઈ અસર નહીં પડે.
પીટુએમ પેેમેન્ટ શું હોય છે?
ઇમેજ સ્રોત, Soumyabrata Roy/NurPhoto via Getty Images
ના. બે હજાર રૂપિયા સુધીના તમામ P2M (પર્સન-ટુ-મર્ચન્ટ) એટલે કે વ્યક્તિ દ્વારા મર્ચન્ટને કરવામાં આવતા યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર લાગુ નહીં પડે. એટલે કે ગ્રાહકને તો કોઈ ચાર્જ ચૂકવવાનો જ નથી, અને મર્ચન્ટને પણ બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
P2M પેમેન્ટ શું હોય છે?
જ્યારે તમે કોઈ દુકાનદાર અથવા વેપારીને યુપીઆઈ દ્વારા પૈસા ચૂકવો છો, ત્યારે તેને P2M એટલે કે પર્સન-ટુ-મર્ચન્ટ પેમેન્ટ કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે:
- કરિયાણાની દુકાન પર પેમેન્ટ કરવું.
- પેટ્રોલ પંપ પર પેમેન્ટ કરવું.
- કોઈ દુકાનમાંથી યુપીઆઈ દ્વારા સામાન ખરીદવો.
આવા વ્યવહારોમાં તમે વ્યક્તિ (પર્સન) છો અને સામેનો પક્ષ મર્ચન્ટ એટલે કે વેપારી છે.
2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર શું થશે?
આવા પેમેન્ટ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગશે.
2,000 રૂપિયાથી વધુના સામાન્ય મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એમડીઆર નક્કી કરવામાં આવ્યો છે.
પરંતુ આ શુલ્ક ગ્રાહકે ચૂકવવાનો નહીં હોય.
સાથે જ સરકારે બૅન્કોને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે મર્ચન્ટ આ શુલ્કનો બોજ ગ્રાહક પર ન નાખે.
MDR શું છે અને તે કોણ ચૂકવશે?
ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. સરળ ભાષામાં કહીએ તો, આ ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા મર્ચન્ટ સાથે જોડાયેલું શુલ્ક છે.
ઉદાહરણ તરીકે, માનીએ કે કોઈ નિયમ મુજબ કોઈ મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા એમડીઆર લાગુ પડે છે અને ગ્રાહકે 10,000 રૂપિયાનું યુપીઆઈ પેમેન્ટ કર્યું.
તો એમડીઆર 40 રૂપિયા થશે. પરંતુ અહીં મહત્ત્વની વાત એ છે કે આ 40 રૂપિયા ગ્રાહકે ચૂકવવાના નથી. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે એમડીઆરનો બોજ ગ્રાહક પર નાખવામાં નહીં આવે.
એટલે કે, ગ્રાહક 10,000 રૂપિયાનો સામાન ખરીદે તો તેને યુપીઆઈ ઉપયોગ કરવા બદલ અલગથી 40 રૂપિયા ચૂકવવા ન જોઈએ.
આ 40 રૂપિયાનું શુલ્ક મર્ચન્ટે ચૂકવવું પડશે.
એમડીઆર એ મર્ચન્ટ પેમેન્ટ સિસ્ટમની અંદર લેવામાં આવતું શુલ્ક છે.
આ સરકાર અથવા NPCI (નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) દ્વારા વસૂલવામાં આવતો કોઈ કર (ટૅક્સ) નથી.
તેમાંથી મળતી રકમ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા વિવિધ હિસ્સેદારો, જેમ કે બૅન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને UPI એપ પ્રોવાઇડર્સ વચ્ચે વહેંચવામાં આવશે.
સરકારના જણાવ્યા મુજબ, તેનો ઉપયોગ UPI સિસ્ટમને ચલાવવા અને તેને આગળ વિકસાવવા માટે કરવામાં આવશે.
તો શું જેટલું વધારે પેમેન્ટ, એટલું વધારે MDR લાગશે?
ઇમેજ સ્રોત, Indranil Aditya/NurPhoto via Getty Images
ના. સરકારે એમડીઆર હેઠળ ચૂકવવાની ફીની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. જોકે એમડીઆર 0.4 ટકા નક્કી કરવામાં આવ્યો છે.
આ હિસાબે, 75,000 રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર વધુમાં વધુ 300 રૂપિયા થશે.
અને હા, આ 300 રૂપિયા એમડીઆરની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
એટલે કે, યુપીઆઈ પેમેન્ટ 75,000 રૂપિયાથી વધુ કેટલું પણ હોય, એમડીઆર વધુમાં વધુ 300 રૂપિયા જ રહેશે.
2,000 રૂપિયાથી વધુના પેટ્રોલ, રેલ ટિકિટ અને ફોન બિલના પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે?
કેટલીક જરૂરી સેવાઓ માટે MDRના અલગ નિયમો છે. 2,000 રૂપિયાથી વધુનાં ટ્રાન્ઝેક્શન પર પાંચ રૂપિયાનું ફ્લૅટ એમડીઆર લાગશે.
આમાં નીચેના ક્ષેત્રો સામેલ છે:
- રેલવે
- ટેલિકૉમ
- વીમા
- ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ
- ખેતી સંબંધિત ઇનપુટ
ઉદાહરણ તરીકે, જો પેટ્રોલ માટે 2,000 રૂપિયાથી વધુનું યુપીઆઈ પેમેન્ટ કરવામાં આવે, તો આ ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયાનું એમડીઆર લાગશે.
પરંતુ આ પાંચ રૂપિયા ગ્રાહક પાસેથી લેવામાં આવશે નહીં. સરકારના જણાવ્યા મુજબ, એમડીઆરનો બોજ ગ્રાહક પર નાખવામાં આવશે નહીં.
લોકો યુપીઆઈ ચાર્જથી ડરી કેમ રહ્યા છે?
ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
તેનું એક સીધું કારણ છે: ભારતમાં UPIને શરૂ થયાને 10 વર્ષ થઈ ગયાં છે અને અત્યાર સુધી આ સુવિધા મફત રહી છે.
હવે સરકારે પ્રથમ વખત મોટાં મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે એમડીઆરના દર જાહેર કર્યા છે. તેનાથી લોકોના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થયો છે કે આજે જો એમડીઆર મર્ચન્ટ ચૂકવશે, તો શું દુકાનદાર અથવા વેપારી પોતાનો નફો છોડીને આ બોજ ગ્રાહકો પર નહીં નાખે?
એટલે કે, શું વેપારી પોતાની વધારાની કિંમત વસૂલવા માટે અન્ય કોઈ રીતે ભાવ વધારી શકે?
ઉદાહરણ તરીકે, જો કોઈ વેપારી માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની કિંમત વધે, તો ગ્રાહકોને ચિંતા છે કે તે આ ખર્ચને માલ અથવા સેવાની કિંમતમાં ઉમેરી શકે છે. અથવા પછી રોકડમાં પેમેન્ટ લેવાની વૃત્તિ વધી શકે છે.
જોકે, પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની પ્રેસ રિલીઝમાં સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આવું થવું જોઈએ નહીં. બૅન્કોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે મર્ચન્ટ એમડીઆરની રકમ ગ્રાહકો પાસેથી વસૂલ ન કરે.
યુપીઆઈ ઍપ કંપનીઓને પણ પ્લૅટફૉર્મ ફી અથવા છુપા ચાર્જ લગાવવાથી રોકવામાં આવી છે.
શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટૉક માર્કેટ સંબંધિત યુપીઆઈ પેમેન્ટનું શું થશે?
આ માટે અલગ દર નક્કી કરવામાં આવ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ, સિક્યૉરિટીઝ, સ્ટૉક બ્રોકર અને ડીલર સંબંધિત પેમેન્ટ પર 0.02 ટકા એમડીઆર લાગશે.
આની પણ મહત્તમ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 300 રૂપિયા રહેશે.
શું નાના દુકાનદારોને પણ MDR ચૂકવવો પડશે?
ના, કેટલાક નાના વેપારીઓ આ શુલ્કમાંથી બહાર રહેશે.
સ્ટ્રીટ વેન્ડર, મોહલ્લાની દુકાનો અને અન્ય નાના વેપારીઓ, જેમને પી2પીએમ કૅટેગરીમાં રાખવામાં આવ્યા છે, જો તેઓ UPI QR કોડ દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત કરે છે, તો તેમના ટ્રાન્ઝેક્શન પર શૂન્ય MDR લાગુ રહેશે.
સરકારનું કહેવું છે કે તેનાથી નાના વેપારીઓ પર ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની કોઈ વધારાની કિંમત નહીં આવે.
શું દર મહિને એક નિશ્ચિત સંખ્યા સુધી જ UPI મફત રહેશે?
ના. વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે UPI ટ્રાન્ઝેક્શનની કોઈ માસિક મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
ન તો કોઈ માસિક ક્વોટા છે અને ન તો મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કેટલા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR લાગશે?
સરકારના જણાવ્યા મુજબ, હાલમાં યુપીઆઈ દ્વારા થતા કુલ ટ્રાન્ઝેક્શનમાંના આશરે ચાર ટકા ટ્રાન્ઝેક્શન જ એમડીઆરના દાયરામાં આવશે.
એનો અર્થ એ છે કે લગભગ 96 ટકા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન આ નિયમથી પ્રભાવિત નહીં થાય, એટલે કે તેમના પર કોઈ અસર નહીં પડે.
આ ટ્રાન્ઝેક્શન અથવા તો 2,000 રૂપિયાથી ઓછા મૂલ્યના છે અથવા નાના મર્ચન્ટ માટેની ઝીરો-એમડીઆર વ્યવસ્થા હેઠળ આવે છે.
એમડીઆરથી મળનારી રકમનું શું થશે?
તેમાંથી એક હિસ્સો નાના વેપારીઓ માટે બનાવવામાં આવનારા ફંડમાં જશે.
સરકારના જણાવ્યા મુજબ, કુલ એમડીઆર કલેક્શનના પાંચ ટકા એક અલગ ભંડોળમાં ફાળવવામાં આવશે.
તેનો ઉપયોગ નાના વેપારીઓ વચ્ચે UPIને પ્રોત્સાહન આપવા અને વધુ દુકાનોને UPI સાથે જોડવા માટે કરવામાં આવશે.
સરકારે આ નવું ફ્રેમવર્ક શા માટે બનાવ્યું છે?
ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
સરકારનું કહેવું છે કે તેનો હેતુ UPIને લાંબા ગાળે ટકાઉ બનાવવાનો છે.
નવા ફ્રેમવર્ક હેઠળ સામાન્ય લોકો માટે UPI પેમેન્ટ મફત રાખવામાં આવ્યું છે.
નાના વેપારીઓને પણ મોટા ભાગના કિસ્સાઓમાં MDRના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે.
જ્યારે મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનમાંથી મળતી આવક બૅન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને UPI ઍપ કંપનીઓ દ્વારા પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
સરકારનું કહેવું છે કે તેનાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને નાનાં શહેરોમાં UPI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં મદદ મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




