Home તાજા સમાચાર gujrati બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતે નવી ટીમ જાહેર કરતા વિવાદ, કૉંગ્રેસે શું કર્યું?

બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતે નવી ટીમ જાહેર કરતા વિવાદ, કૉંગ્રેસે શું કર્યું?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ગુજરાત કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત મતભેદ પ્રદેશ અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Gulabsinh Rajput

કૉંગ્રેસને ગુજરાતમાં લોકસભાની એકમાત્ર બેઠક જ્યાં મળી છે, તે બનાસકાંઠામાં હાલમાં આંતરિક વિખવાદની ચર્ચા થઈ છે. બે દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસનું આખું માળખું રદ કરવામાં આવ્યું છે અને આ કારણથી પ્રદેશ અને જિલ્લા કૉંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે.

કૉંગ્રેસના ‘આંતરિક જૂથવાદ’ને દર્શાવતી આ ઘટનામાં જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશની ‘મંજૂરી વગર’ સોશિયલ મીડિયા પર પોતાની નવી ટીમ જાહેર કરી હતી, જેનાથી વિવાદ થયો હતો. ત્યાર પછી પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ આખું માળખું રદ કરવાની જાહેરાત કરી હતી.

ગુલાબસિંહે જે ટીમ જાહેર કરી તેમાં આઠ ઉપપ્રમુખો અને 14 મહામંત્રીનાં નામ હતાં. આ ઉપરાંત 31 મંત્રીઓ અને એક ખજાનચીનું નામ પણ આ યાદીમાં હતું.

બનાસકાંઠા યૂથ કૉંગ્રેસના પ્રમુખ રોહિત પારગીએ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ બનાવ ચર્ચાસ્પદ બન્યો છે.

બનાસકાંઠા કૉંગ્રેસમાં શેનો વિવાદ થયો?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ગુજરાત કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત મતભેદ પ્રદેશ અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Gulabsinh Rajput/FB

ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીત્યા હતા અને 2022 સુધી ધારાસભ્ય હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરી સામે તેમનો પરાજય થયો હતો. ત્યાર પછી 2024માં વાવની પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે ગુલાબસિંહનો 2400 મતથી થોડા વધુ માર્જિન સાથે પરાજય થયો હતો.

જૂન 2025માં કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુલાબસિંહ રાજપૂતને બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

ગુલાબસિંહ રાજપૂતે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “અમે ઘણા સમય અગાઉ બનાસકાંઠાની અમારી નવી ટીમની યાદી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને મોકલી હતી. તેના ત્રણ મહિના પછી મેં યાદી મંજૂર કરવા બદલ પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખનો આભાર માન્યો અને 11 સપ્ટેમ્બરે અમારી નવી ટીમ જાહેર કરી હતી.”

તેઓ કહે છે કે “કૉંગ્રેસ માટે બનાસકાંઠા હજુ પણ આશાનું કિરણ છે, કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આખા ગુજરાતમાં કૉંગ્રેસનો દેખાવ ખરાબ હતો ત્યારે પણ બનાસકાંઠામાં કૉંગ્રેસને નવમાંથી ચાર બેઠક મળી હતી.”

તેમણે કહ્યું કે, “2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અહીં એકેય બેઠક જીતી ન હતી. પરંતુ 2024માં કૉંગ્રેસને પહેલી વખત અહીં લોકસભાની બેઠક મળી. ત્યાર બાદ વાવની પેટાચૂંટણીમાં પણ ભાજપ બહુ ઓછા માર્જિનથી જીત્યો છે.”

પ્રદેશ નેતાગીરી સાથે કયા મામલે વિવાદ થયો તેવો સવાલ કરાતા ગુલાબસિંહે સીધો આક્ષેપ કરવાનું ટાળ્યું હતું. જોકે, સોશિયલ મીડિયામાં તેમણે પ્રદેશ નેતાગીરી સામે કટાક્ષ કરતી એક પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, “તમારી લડાઈ અમારી સામે નહીં પણ પ્રજાના પ્રશ્નોના મામલે ભાજપ સરકાર સામે હોવી જોઈએ. ભગવાન દ્વારકાધીશ બધાને સદબુદ્ધિ અને શક્તિ આપે.”

ગુલાબસિંહે બીબીસીને જણાવ્યું કે, “ભાજપ સત્તા અને વહીવટીતંત્રને સાથે રાખીને કામ કરે છે, તેથી તેની સામે લડવા માટે અમારે મજબૂત ટીમની જરૂર હતી. તે મુજબ મેં ટીમ બનાવી હતી અને ત્રણ મહિના અગાઉ મંજૂરી માટે મોકલી હતી.”

તેમણે એવું પણ કહ્યું કે, “મેં હોદ્દેદારોની જાહેરાત કરી ત્યારે પ્રદેશના નેતાઓનો આભાર માન્યો હતો, પરંતુ તેમણે નિમણૂકો રદ કરી છે. હવે હું સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને એક પત્રકારપરિષદ યોજીશ.”

‘પાર્ટીને નુકસાન પહોંચાડનારને ખુલ્લા કરીશ’

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ગુજરાત કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત મતભેદ પ્રદેશ અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Amit Chavda/FB

આ મામલે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો સંપર્ક થઈ શક્યો ન હતો. કૉંગ્રેસે મીડિયાને એક અખબારી યાદી મોકલી હતી જેમાં જણાવ્યું છે કે, “11 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોની યાદીને પ્રદેશ કૉંગ્રેસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી અને આ યાદીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રદ કરવામાં આવી છે.”

પ્રેસનોટમાં જણાવાયું છે કે “કોઈ પણ જાતના પરામર્શ વગર અને પ્રદેશ સમિતિની મંજૂરી વગર આ યાદી જાહેર કરાઈ હતી, જેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.”

તેમાં આગળ જણાવાયું છે કે “બનાસકાંઠા અને વાવ-થરાદ અલગ જિલ્લો બન્યો હોવાથી નવી નિમણૂકો ટૂંક સમયમાં કરવામાં આવશે.”

આ બનાવ પછી ગુલાબસિંહે એક વીડિયો પોસ્ટમાં જણાવ્યું કે, “જે લોકોએ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે, તેમને હું આગામી સમયમાં ખુલ્લા કરવાનો છું. જે લોકોએ બનાસકાંઠા અને પાટણ લોકસભાની બેઠકો હરાવવા માટે ભાજપ સાથે સોદા કર્યા હતા, તેમાં શું ડીલ કરી હતી, કોણે પોતાના છોકરાઓને બૅન્કોમાં ભરતી કરાવ્યા હતા, તે બધાના પુરાવા સાથે આપીશું.”

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ગુજરાત કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત મતભેદ પ્રદેશ અમિત ચાવડા

ઇમેજ સ્રોત, GPCC

તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે “માત્ર સાંસદ ગેનીબહેન ઠાકોરને નુકસાન પહોંચાડવા માટે જે વૃત્તિ ચાલે છે તેને અમે સહન નહીં કરીએ. એકમાત્ર સાંસદ ચૂંટાઈને આવ્યાં છે ત્યારે તેમને નુકસાન કરવા માટે થતું કામ સહન કરવામાં નહીં આવે.”

દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બનાસકાંઠાના વિવાદ મામલે કહ્યું કે, “બનાસકાંઠામાં જિલ્લા સંગઠન માટે વાતચીતના અભાવને કારણે આ પ્રશ્ન ઊભો થયો છે.”

તેમણે કહ્યું કે “પ્રદેશ સમિતિ બે જિલ્લા માટે કાર્યકરોને સ્થાન મળે તે માટે પ્રયાસ કરતું હોય છે.” જોકે તેમણે કૉંગ્રેસના આંતરિક વિખવાદ માટે વધુ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

રાજકીય વિશ્લેષકો શું માને છે?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ગુજરાત કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત મતભેદ પ્રદેશ અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Gulabsinh Rajput

બનાસકાંઠા કૉંગ્રેસમાં બનેલી ઘટના વિશે રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસીને જણાવ્યું કે, “બનાસકાંઠા એ ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસ માટે બેઠા થવા માટે મજબૂત જગ્યા છે.” “બનાસકાંઠાના રાજકારણની અસર ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા જિલ્લાની સાથે સાથે સાબરકાંઠા અને અરવલ્લી પર પણ પડી શકે છે. આવામાં કૉંગ્રેસના સંગઠનમાં કોઈ બળવો થાય તો તેનું નુકસાન આગામી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી શકે છે.”

ઘનશ્યામ શાહ કહે છે કે, “બનાસકાંઠામાં કૉંગ્રેસની ઓબીસી વોટબૅન્ક હજુ જીવિત છે. ઠાકોર અને અન્ય ઓબીસી જાતિઓ વચ્ચે માત્ર બનાસકાંઠામાં જ નહીં, પરંતુ મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ રોટી-બેટીનો વ્યવહાર છે, જેનો ફાયદો તેમને મળી શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS