Home તાજા સમાચાર gujrati બાળકો કુમળી વયે પૉર્નોગ્રાફી સુધી કેવી રીતે પહોંચી રહ્યાં છે અને માતાપિતાએ...

બાળકો કુમળી વયે પૉર્નોગ્રાફી સુધી કેવી રીતે પહોંચી રહ્યાં છે અને માતાપિતાએ શું ધ્યાન રાખવું જોઈએ?

5
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 12 વર્ષના એક છોકરાએ કથિત રીતે નવ મહિનાની બાળકી પર બળાત્કાર કર્યો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, છોકરાએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેણે દારૂ પીધો હતો અને પોતાના મોબાઇલ પર અશ્લીલ સામગ્રી નિહાળી હતી. પોલીસના છોકરાના ફોનમાંથી મોટા પ્રમાણમાં અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા હતા.

આ ઘટનાથી એવો સવાલ થાય કે બાળકો અશ્લીલ સામગ્રી સુધી કેવી રીતે પહોંચી રહ્યાં છે અને તેની તેમના પર કેવી અસર થઈ શકે છે?

બાળકોમાં આવી કુટેવ કેવી રીતે શરૂ થાય છે, એ વિશે નિષ્ણાતો શું કહે છે અને ઑનલાઇન દુનિયામાં પોતાનાં સંતાનોને સલામત રાખવા માટે માતા-પિતાએ શું કરવું જોઈએ, તે આપણે આ અહેવાલમાં જાણીશું.

બાળકો કેટલી વયે અશ્લીલ સામગ્રી નિહાળવાનું શરૂ કરે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીના એક અહેવાલ મુજબ, ઇંગ્લૅન્ડ ચિલ્ડ્રન્સ કમિશનર માટે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બાળકો નવ વર્ષની વયે જ ઑનલાઇન પૉર્નોગ્રાફીના સંપર્કમાં આવી જતા હોય છે.

પ્રત્યેક ચારમાંથી એક યુવાએ પ્રાથમિક શિક્ષણ દરમિયાન આવી સામગ્રી પહેલીવાર નિહાળી હતી.

અડધોઅડધ બાળકો 13 વર્ષના થયાં એ પહેલાં આવી સામગ્રીના સંપર્કમાં આવી ગયાં હતાં.

અનેક બાળકોએ જણાવ્યું હતું કે તેઓ જાણીજોઈને નહીં, પરંતુ ઇન્ટરનેટ પર સામાન્ય સર્ચ કરતી વખતે ભૂલથી એવી વેબસાઇટ સુધી પહોંચી ગયાં હતાં.

નૅશનલ લાયબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક સમીક્ષા અભ્યાસમાં જણાવ્યા મુજબ, છોકરાઓમાં પૉર્નોગ્રાફી પહેલી વખત નિહાળવાની સરેરાશ વય 10થી 11 વર્ષ અને છોકરીઓ માટે 12થી 13 વર્ષની હોય છે.

આજે સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, વીડિયો પ્લૅટફૉર્મ્સ, મૅસેજિંગ ઍપ્સ અને ઇન્ટરનેટની આસાન ઉપલબ્ધતાને કારણે આવું થવું વધારે સરળ બની ગયું છે.

બાળકો પૉર્નોગ્રાફી સુધી કેવી રીતે પહોંચે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નૅશનલ કમિશન ફૉર ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘સ્ટેઇંગ સેફ ઑનલાઇન’માં જણાવ્યા અનુસાર, બાળકો ઘણી રીતે પૉર્નોગ્રાફિક સામગ્રી સુધી પહોંચી શકતાં હોય છે.

  • ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતા
  • સસ્તા સ્માર્ટફોન, સસ્તા ઈન્ટરનેટ અને ડિજિટલ ટેકનૉલૉજી બાળકો માટે પૉર્નોગ્રાફી સહિતની તમામ પ્રકારની ઑનલાઇન સામગ્રી સુધી પહોંચવાનું પહેલાં કરતાં વધારે આસાન બનાવ્યું છે.
  • ઑનલાઇન ગ્રુમિંગ વડે

પ્રસ્તુત પુસ્તિકામાં જણાવ્યા મુજબ, કેટલાક ગુનેગારો પહેલાં બાળકો સાથે મૈત્રી કરે છે અને તેમનો વિશ્વાસ કેળવે છે.

પછી તેઓ તેમને પૉર્નોગ્રાફિક સામગ્રી દેખાડે છે. જાતીય વાતચીતમાં સાંકળે છે અને ક્યારેક ધમકી અથવા બ્લૅકમેલનો સહારો પણ લે છે.

આવી સામગ્રીના વારંવારના સંપર્કથી બાળકો તેને સામાન્ય બાબત ગણીને સ્વીકારી લે છે.

ઑનલાઇન દુનિયામાં બાળકોમાં કેવાં જોખમ હોય છે?

પુસ્તિકામાં જણાવ્યા મુજબ, બાળકો ઑનલાઇન પૉર્નોગ્રાફી, જાતીય સતામણી, ગ્રુમિંગ, સાયબર સ્ટૉકિંગ અને હાનિકારક સામગ્રી જેવા અન્ય જોખમોના સંપર્કમાં પણ આવી શકે છે. આ બધાની તેમની સલામતી તથા માનસિક વિકાસ પર માઠી અસર થઈ શકે છે.

પૉર્નોગ્રાફી જોવાની બાળકો પર શું અસર થઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મનોવિજ્ઞાની તથા માઇન્ડ સ્પા વેલફેર સોસાયટીનાં અધ્યક્ષ નમ્રતા ગુપ્તાના કહેવા મુજબ, આ બાબતોની અસર બાળકોની ઊંઘ, ભૂખ અને અભ્યાસ પર થઈ શકે છે.

તેઓ કહે છે કે બાળક ચીડિયું થઈ જાય અને પરિવારથી દૂર થઈ જાય તે શક્ય છે. બીજી તરફ, પરિવારના સતત હસ્તક્ષેપ કે સવાલોથી માતા-પિતા તથા સંતાનો વચ્ચેનું અંતર વધી શકે છે.

આગળ તેઓ સમજાવે છે કે માતા-પિતાને ખબર પડી જશે તો શું થશે, એવો ડર તથા અપરાધબોધ પણ બાળકના મનમાં પેસી શકે છે. આ કારણસર તે વધારે અપરાધભાવ અનુભવે તે પણ શક્ય છે.

નૅશનલ લાયબ્રેરી ઑફ મેડિસન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસના તારણ અનુસાર, જે બાળકો વારંવાર પૉર્નોગ્રાફી નિહાળતાં હોય તેમનામાં જાતીય સંબંધ વિશે ખોટી અને અવાસ્તવિક ધારણા વિકસી શકે છે.

અભ્યાસ મુજબ આવાં બાળકોમાં જોખમી વર્તન, નાની વયે જાતીય પ્રવૃત્તિ અને મહિલાઓ તથા સંબંધો વિશે રૂઢિચુસ્ત વિચારો વચ્ચે એક જોડાણ હોવાનું પણ કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે.

જોકે, સંશોધકોએ સ્પષ્ટતા કરી છે કે આ બાબત માત્ર એક સહસંબંધ સૂચવે છે અને પૉર્નોગ્રાફી આ ફેરફારનું પ્રત્યક્ષ કારણ હોવાનું સાબિત કરતી નથી.

યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફંડ ચેતવણી આપે છે કે નાની વયે અશ્લીલ સામગ્રીના સંપર્કમાં આવવાથી વ્યક્તિમાં માનસિક સ્વાસ્થ્ય, લૈંગિક ભેદભાવ અને જાતીય હિંસા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

હિંસા કે મહિલાઓ સાથે અપમાનજનક વર્તન દર્શાવતી સામગ્રી બાળકો વારંવાર જુએ તો તેઓ તેને સામાન્ય બાબત સમજી લે તે શક્ય છે.

બીબીસી દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં 79 ટકા યુવાઓએ જણાવ્યું હતું કે તેમણે જાતીય હિંસા દર્શાવતી પૉર્નોગ્રાફી બાળપણમાં નિહાળી હતી. કેટલાંક બાળકોએ તો આવા વર્તનના સામાન્ય માનવાનું શરૂ પણ કરી દીધું હતું.

ભારતમાં પણ ચિંતા વધી રહી છે?

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી)ના ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024’ રિપોર્ટ અનુસાર, બાળકો કાયદા સાથે સંઘર્ષમાં સંકળાયાં હોય તેવા 34,878 ગુનાઓ 2024માં દેશભરમાં નોંધાયા હતા. 2023માં એ સંખ્યા 31,365 હતી. તેમાં એક વર્ષમાં 11. 2 ટકાનો વધારો થયો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2024માં બળાત્કારના 1,067 કેસમાં આરોપી સગીરો હતા. છેડતીના 408, જાતીય હુમલાના 172 અને પીછો કરવાના 128 ગુનામાં પણ સગીરો સામેલ હતા.

આ અપરાધોનું કારણ પૉર્નોગ્રાફી છે, એવું પ્રસ્તુત આંકડા પ્રત્યક્ષ રીતે સાબિત કરતા નથી. આવો સીધો સહસંબંધ બનાવવા સામે એનસીઆરબી પણ ચેતવણી આપે છે.

જોકે, પારિવારિક દેખરેખનો અભાવ, શાળા અભ્યાસ છોડી દેવો, માદક પદાર્થોનું સેવન, હિંસક તથા ડિજિટલ અશ્લીલ સામગ્રીના સંપર્કમાં આવવું અને સોશિયલ મીડિયાના પ્રભાવ જેવાં ઘણાં પરિબળોની અસર બાળકોના વર્તન પર થઈ શકે છે.

દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ યુનિટના અધિકારીઓના જણાવ્યા મુજબ, માતા-પિતાએ તેમનાં સંતાનોની ઑનલાઇન પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ.

પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ વડે તેમના ફોન તથા ઍકાઉન્ટ્સ સુરક્ષિત કરવાં જોઈએ. શક્ય હોય ત્યાં સર્ચ હિસ્ટ્રી તપાસવી જોઈએ અને ઍપ્સ અથવા ડિવાઇસ પર ઉપલબ્ધ પેરન્ટલ કન્ટ્રોલ સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ.

બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિઓ વિશેની માહિતી, ઉપલબ્ધ હોય ત્યાં, તેમના ઇમેલ અથવા ઍકાઉન્ટ ડિવાઇસને લિંક કરીને પણ મેળવી શકાય છે.

માતા-પિતાએ કયા સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મનોવિજ્ઞાની તથા માઇન્ડ સ્પા વેલ્ફેર સોસાયટીનાં અધ્યક્ષ નમ્રતા ગુપ્તાના કહેવા મુજબ, કોઈ બાળક બહુ બધા રહસ્ય છૂપાવવાનું શરૂ કરે, પરિવારથી દૂર રહેવા લાગે, લાંબા સમય સુધી બંધ રૂમ કે બાથરૂમમાં રહે, સ્ક્રીન સામે અગાઉ કરતાં વધુ સમય વિતાવે અથવા તેના વ્યક્તિત્વમાં અચાનક ફેરફાર થાય અને અકળામણ અનુભવે તો માતા-પિતાએ તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

ઑનલાઇન જોખમોથી બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફંડ, નૅશનલ કમિશન પૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ અને નૅશનલ મેડિકલ લાયબ્રેરીના જણાવ્યા મુજબ, આ સમસ્યાનું નિરાકરણ બાળકો પાસેથી તેમના ફોન છીનવી લેવા કે તેમને ઠપકો આપવાથી થતું નથી.

તેમના મતાનુસાર, માતા-પિતાએ તેમનાં સંતાનો સાથે મોકળા મનથી વાતચીત કરવી જોઈએ અને ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવું જોઈએ.

આ સંસ્થાઓ માતા-પિતાને સલાહ આપે છે કે તેમણે તેમનાં સંતાનો સાથે નિયમિત રીતે વાતચીત કરવી જોઈએ અને જાણવું જોઈએ કે સંતાનો કઈ વેબસાઇટ્સ કે ઍપનો ઉપયોગ કરે છે, તેમને ઑનલાઇન શું ગમે છે.

સંતાનોને કોઈ બાબત પરેશાન કરતી હોય તો તેમણે મદદ માટે કોનો સંપર્ક કરવો એ માતા-પિતાએ તેમને જણાવવું જોઈએ.

માતા-પિતાએ બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ.

ઇન્ટરનેટ, મોબાઇલ તથા અન્ય ઉપકરણો પરના પેરન્ટલ કન્ટ્રોલ તથા સિક્યૉરિટી ફિલ્ટર્સનો ઉપયોગ કરવો જોઈએ.

અલબત, આ બધા સંપૂર્ણ સલામતી પ્રદાન કરતા નથી.

તેથી માતા-પિતા દ્વારા સંતાનો સાથે મોકળા મને વાતચીત અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી પણ જરૂરી છે.

એ ઉપરાંત ઘરમાં ઇન્ટરનેટ તથા સોશિયલ મીડિયાના ઉપયોગ માટે સ્પષ્ટ નિયમો બનાવવા જોઈએ.

બાળકોને તેમના શરીર, પ્રાઇવસી, સંમતિ, સલામત સંબંધ અને તેમની વયને અનુરૂપ ઇન્ટરનેટના સલામત ઉપયોગ કરતા શીખવવું જોઈએ.

સ્ટ્રૉંગ પાસવર્ડ કેવી રીતે બનાવવા, વ્યક્તિગત માહિતી શેર ન કરવી, શંકાસ્પદ લોકોને બ્લૉક કરવા અને ઑનલાઇન દુર્વ્યવહારની જાણ સંબંધિત સત્તાવાળાને કેવી રીતે કરવી એ પણ બાળકોની શીખવવું જોઈએ.

બાળકો કોઈ ભય વિના સવાલો પૂછી શકે તેવું વાતાવરણ ઘરમાં બનાવવું જોઈએ.

સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમના ફોન છીનવી લેવા કે ઇન્ટરનેટ કનેક્શન બંધ કરવાને બદલે ટેકનૉલૉજીનો સુરક્ષિત તથા જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો એ તેમને શીખવવું જોઈએ.

માતા-પિતા આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકે?

નમ્રતા ગુપ્તાના કહેવા મુજબ, માતા-પિતાને આ સંદર્ભે કશું જાણવા મળે તો તેમણે તેમનાં સંતાનોને ઠપકો આપવા, અપમાનિત કરવા, મારવા અથવા તેમની સાથે દુર્વ્યવહાર કરવાને બદલે તેમની સાથે શાંતિપૂર્વક વાત કરવી જોઈએ. બાળકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને તેમને સમજાવવું જોઈએ કે આ તેમની વય સાથે સંકળાયેલી સ્વાભાવિક જિજ્ઞાસા હોઈ શકે છે.

પરિસ્થિતિ સંભાળવાનું મુશ્કેલ હોય તો મનોવિજ્ઞાની કે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

બાળકના મનમાં અપરાધબોધ કે શરમની લાગણી પેદા ન કરાવવી જોઈએ, કારણ કે તેની નકારાત્મક અસર બાળકના આત્મવિશ્વાસ, વર્તન અને ભવિષ્ય પર થઈ શકે છે, એવું નમ્રતા ગુપ્તાએ જણાવ્યું હતું.

યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફંડ માને છે કે આ સમસ્યાનું નિરાકરણ માત્ર માતા-પિતા પર છોડી શકાય નહીં.

સરકાર, ટેકનૉલૉજી કંપનીઓ, સ્કૂલો અને સમાજે સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી બાળકો ઇન્ટરનેટના ફાયદાઓનો આનંદ માણી શકે અને સાથે સાથે હાનિકારક સામગ્રીથી સુરક્ષિત પણ રહી શકે.

એનસીપીસીઆર દ્વારા પ્રકાશિત ‘સ્ટેઇંગ સેફ ઑનલાઇન’ પુસ્તિકામાં ઑનલાઇન સુરક્ષા માટે અનેક પગલાં લેવાની ભલામણ સ્કૂલોને પણ કરવામાં આવી છે.

ઑનલાઇન સુરક્ષા માટે જાગૃતિના કાર્યક્રમો નિયમિત યોજવા ઉપરાંત સ્કૂલની બાળ સુરક્ષા નીતિમાં ઑનલાઇન સલામતીનો સમાવેશ કરવાની ભલામણ પણ તેમાં કરવામાં આવી છે.

બાળકોની મદદ માટે કાઉન્સેલર્સની નિમણૂંક અને માતા-પિતા માટે જાગૃતિ કાર્યક્રમો યોજવાની ભલામણ આ પુસ્તિકામાં કરવામાં આવી છે.

વિશ્વસનીય ઑનલાઇન માહિતી અને પોતાની ડિજિટલ ફૂટપ્રિન્ટ બાબતે વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનું સૂચન પણ તેમાં કરવામાં આવ્યું છે.

ગોરખપુરની ઘટનાના સાચા કારણો પોલીસ તથા અદાલતી તપાસ પછી જ બહાર આવશે, પરંતુ નિષ્ણાતોના મતાનુસાર, આજે સૌથી વધુ મહત્ત્વની વાત ઇન્ટરનેટથી ડરવાની નહીં, પરંતુ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું બાળકોને શીખવવાની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS