Source : BBC NEWS
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 : પાંચ નૉમિની ખેલાડીને મળો
58 મિનિટ પહેલા
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચમા સંસ્કરણ માટે નામાંકન થયેલાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આ પાંચ દાવેદારોમાં ગોલ્ફર અદિતિ અશોક, શૂટર મનુ ભાકર અને અવની લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટનો સમાવેશ થાય છે.
આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમે બીબીસીની કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઇટ અથવા બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર ભારતીય મહિલા ખેલાડીઓ માટે મતદાન કરી શકો છો.
બીબીસી દ્વારા પસંદ કરાયેલી પૅનલે પાંચ ભારતીય ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કર્યાં છે. આ જ્યૂરીમાં ભારતના કેટલાક સૌથી વરિષ્ઠ રમત પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ મત મેળવનાર ખેલાડીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જાહેર કરાશે. જેનાં પરિણામો બીબીસી ઇન્ડિયન લેંગ્વેજ સાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ થશે.
મતદાન શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 સુધી ભારતીય સમયાનુસાર, સાડા અગિયાર વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને વિજેતાની જાહેરાત સોમવાર, 17 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીમાં એક સમારોહમાં કરવામાં આવશે. બધા નિયમો, શરતો અને ગોપનીયતા સૂચના વેબસાઇટ પર છે.
આ સમારોહમાં BBC જ્યૂરી દ્વારા નામાંકિત ત્રણ અન્ય મહિલા ખેલાડીઓનું પણ સન્માન કરાશે. જેમાં યુવા ખેલાડીની સિદ્ધિઓ માટે BBC ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ આપવામાં આવશે. રમતગમતમાં તેમના અપ્રતિમ યોગદાન માટે અનુભવી ખેલાડી માટે BBC લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવશે. પૅરા-સ્પૉર્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ માટે BBC પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનો ઍવૉર્ડ પણ અપાશે.
ઍવૉર્ડ સમારોહ ઉપરાંત ચૅમ્પિયન્સ ચૅમ્પિયન્સની થીમ પર એક ખાસ ડૉક્યુમેન્ટરી અને સ્ટોરી પણ રજૂ કરાશે. જે ખેલાડીઓને ચૅમ્પિયન બનાવવા પાછળ રહેલી વ્યક્તિઓના યોગદાનને ઉજાગર કરે છે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની સ્થાપના 2019માં કરાઈ હતી. હવે આ ઍવૉર્ડ તેના પાંચમા વર્ષમાં ભારતમાં મહિલા ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને ઉજવણી કરવા જઈ રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS